(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)
વફાદારીની બેનમૂન મિસાલ
-બીરેન કોઠારી
“દશરથલાલ, આ હુક્કો ભરતા આવો.”
“જી, માલિક.”
દશરથલાલે હુક્કો ભરીને આપ્યો. ઠાકુર ‘ગુડ ગુડ ગુડ…’ અવાજ કરતાં તેને ગગડાવવા માંડ્યા.
“ઠાકુરસાહેબ, એક વાત કહેવી હતી…” દશરથલાલે ઠાકુરની સહેજ નજીક સરકીને, ધીમા અવાજે કહ્યું.
“દશરથલાલ, એક નહીં, દસ વાત કહો ને! પણ મહેરબાની કરીને પગારવધારો ન માંગતા. આ વખતે મહેસૂલની આવક જ નથી. અને ઉપરથી ઘરના પ્રસંગો…તમને ના પાડતાં મને સારું નથી લાગતું, પણ..”
“ના, ના, માલિક. પગાર તો મને જે મળે છે એમાંય થોડો વધે છે. મારે બીજી વાત કરવી છે. મને ચિંતા થાય છે.”
“ચિંતા? શું છે, દશરથલાલ? ઝટ કહો!”
“બડે ઠાકુર, તમે તો જાણો છો કે મારે બે છોકરા છે. રામલાલ અને લક્ષ્મણલાલ. બેય દેશમાં છે. એમાં નાનો લક્ષ્મણિયો બહુ તો માથાભારે છે.”
“લક્ષ્મણ! હા! એક વાર અહીં આવ્યો ત્યારે આપણા ઘોડાની પૂંછડી ખેંચીને ભડકાવેલો એ જ ને! મોં પરથી જ શેતાન જણાય છે. એની ચિંતા થવી જ જોઈએ તમને.”
“માફ કરજો, ઠાકુર. મને એની સહેજ પણ ચિંતા નથી. એ તો પોતાનું ફોડી લેશે. મને ફિકર છે મોટા રામલાલની. એ સાવ ગરીબડો છે. જેમ કહીએ એમ કરે. ઠાકુર, આ જમાનામાં આવા માણસો ન ચાલે. મારે તો બો’ત ગઈ ને થોડી રહી, પણ મારા ગયા પછી આ રામલાલનું શું થશે?”
“હં…અચ્છા. મને કહો કે તમે શું વિચારો છો?”
“એ જ ઠાકુર, કે કાલે હું હોઉં કે ન હોઉં, તમે પણ રહો કે ન રહો, તો છોટા ઠાકુરને કહી રાખો કે રામલાલને અહીં મારી જગ્યાએ રાખી લે. કેમ કે, છોટા ઠાકુર ગરમ લોહીના છે. અને ઉપરથી પોલિસમાં, એટલે…”
“અરે, દશરથલાલ! આટલી જ વાત? કાલે જ મને બલદેવસિંહ કહેતો હતો કે બાબા, દશરથલાલ પાસેથી હવે બહુ કામ ન લેવું જોઈએ. એમના છોકરામાંથી કોઈને અહીં બોલાવી લઈએ તો? ને આજે તમે આ વાત કરી!”
“હાશ, બડે ઠાકુર! મારા દિલનો બોજ તમે હળવો કરી દીધો. હું કાલે જ કાગળ લખીને રામલાલને રામગઢ બોલાવી લઈશ.”
બીજે દિવસે દશરથલાલે ટપાલ લખી. ટપાલ મળતાં જ રામલાલ ગામથી નીકળ્યા અને રામગઢ આવી ગયા. દશરથલાલની સાથે જ તેમના રહેવાનો ઈંતજામ થઈ ગયો. તેમના આવ્યાના થોડા સમયમાં દશરથલાલે સંતોષપૂર્વક દેહ છોડ્યો. એ પછી ત્રણ-ચાર મહિને બડે ઠાકુર પણ સ્વર્ગે સિધાવ્યા.
પછીના સમયમાં રામલાલ ઠાકુર બલદેવસિંહના વફાદાર સેવક બનીને રહ્યા. પરિવારના સૌના તે માનીતા હતા. કોઈનો બોલ તે ઉથાપતા નહીં. ઠાકુરની હવેલીનું તમામ કામ તે સંભાળતા. ચાહે એ બાગકામ હોય કે ઘોડાગાડી લઈને બહાર જવાનું કેમ ન હોય!
પછીનાં વરસોમાં રામલાલે રામગઢમાં ઠાકુર બલદેવસિંહનો દબદબો જોયો અને તેમના આખા ખાનદાનને તબાહ થતું પણ જોયું. ગબ્બરસિંઘ સાથેની મૂઠભેડમાં બલદેવસિંહે બન્ને હાથ ગુમાવ્યા પછી રામલાલની જવાબદારી ઓર વધી ગઈ છે. રામલાલ હવે ઠાકુરના બન્ને હાથ સમા બની રહ્યા છે. ઠાકુર ‘રામલાલ!’ ઉચ્ચારે કે તેમના સ્વર પરથી રામલાલ સમજી જાય છે કે ઠાકુરને શેની જરૂર છે. હવે તો રામલાલને પણ યાદ નથી કે પોતે કેટલા વરસથી રામગઢમાં રહે છે! એક સમયે સિંહ જેવા ઠાકુર બલદેવસિંહ અને તેમની વિધવા પુત્રવધૂ રાધાની અવદશા જોઈને આ નમકહલાલ નોકર દિવસો વિતાવે છે.

રામગઢથી ઠીકઠીક દૂર આવેલા ગાંવખેડા રેલ્વે સ્ટેશને ઠાકુરના મહેમાનને લેવા-મૂકવા માટે પણ રામલાલ જ જાય છે. ઓછામાં ઓછા શબ્દો અને વધુમાં વધુ સમજદારી રામલાલની પ્રકૃતિની ઓળખ બની રહ્યાં.
‘શોલે’ ફિલ્મના આરંભિક દૃશ્યમાં જ જેલરસાહેબને લેવા માટે સ્ટેશને ઊભા રહીને ટ્રેનની રાહ જોઈ રહેલા રામલાલ જોવા મળે છે. બે ઘોડા લઈને તે આવેલા છે. એક ઘોડો પોતાને માટે અને બીજો જેલરસાહેબ માટે.
વફાદારીની ખાનદાની મિસાલ રામલાલ પોતે બની રહ્યા.
(તસવીર અને લીન્ક: અનુક્રમે નેટ અને યૂ ટ્યૂબ પરથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)