સમયચક્ર : ભયાવહ અવકાશી સૌંદર્ય – વીજળી

કેટલીક એવી ખગોળીય ઘટનાઓ છે જે સદીઓથી માનવજાતને આકર્ષતી રહી છે. આદિકાળમાં મનુષ્યો જેનાથી હંમેશા ડરતા રહ્યા હતા એ છે ચોમાસામાં લબકારા લેતી અવકાશી વીજળી. ગ્રહણો, વરસાદ, વીજળી, મેઘગર્જના, જેવી ઘટનાઓ પાછળ ભલે ગણિત કે વિજ્ઞાનના કારણો જવાબદાર હોય. તેમ છતાં આ બધી ઘટનાઓએ હંમેશા કૂતુહલ જગાડ્યું છે. માણસ એનાથી બીવે પણ છે અને ખેંચાય પણ છે. મનુષ્યજાતનું એક લક્ષણ રહ્યું છે કે જે બાબતમાં પ્રથમ દષ્ટિએ ભય દેખાય તેને મહાન બનાવી દેવું. એટલે જ વિવિધ દંતકથાઓ સર્જાય છે. વીજળી ( Thunderbolt ) વિશેની દુનિયાભરમાં અનેક કથાઓ છે.

માવજી મહેશ્વરી

ભારતીય નૈઋત્યનું ચોમાસું પૂર્વી અને મધ્ય એશિયાની પ્રજા માટે હંમેશાં પૂજનીય રહ્યું છે. ભારતમાં ચોમાસાંનો નિશ્ચિત સમયગાળો છે. ખાસ કરીને ભારતીય ઉપખંડની પ્રજાનું જીવન જ વર્ષાકાળ આધારિત છે. વરસાદ અહીંની પ્રજા માટે એક અસવર છે. ચોમાસાં દરમિયાન ભારતીય લોકોની માનસિકતા પણ બદલાયેલી જોવા મળે છે. આ ચોમાસામાં વરસાદ સાથે બીજી ત્રણ ઘટનાઓ ઘટે છે. વાદળ, વીજળી અને મેઘગર્જના. સામાન્ય રીતે વર્ષાકાળ સિવાયના સમયમાં ભારતમાં ઘનઘોર વાદળ જોવાં મળતાં નથી. તો વાદળ થકી બીજી બે ઘટનાઓ બને છે. જે ન માત્ર રોમાંચ જગાવે છે, એ ઘટનાઓ ભય ફેલાવે છે. એ છે આકાશમાં ચમકતી વીજળી અને તીવ્ર અવાજ. આકાશમાં લબકારા લેતી વીજળી અને તે પછી સંભળાતો ગડગડાટ ભલભલાના ધબકારા વધારી દે છે. વાદળ, વીજળી અને મેઘગર્જના કંઈ આજકાલના નથી. પૃથ્વી ઉપર જ્યારથી વરસાદ પડવો શરુ થયો ત્યારથી આ પ્રક્રિયા થતી આવી છે. આ એક ભૌતિક વિજ્ઞાનની ઘટના છે. જે દુનિયાના તામામ સ્થળો ઉપર એકસરખા નિયમથી થાય છે. જોકે દર વખતે તેની તિવ્રતા ઓછી વધુ હોય છે. પરંતુ ફક્ત ભારતની જ વાત કરીએ તો વિવિધ વિસ્તારોમાં વીજળી અને મેઘગર્જના સાથે જોડાયેલી વિવિધ પ્રકારની વાતો ભારતીય લોકો સાંભળતા આવ્યા છે.

આપણાં પુરાણો અનુસાર વરસાદના દેવ ઈન્દ્રના આયુધને વજ્ર કહેવાય છે. આ વજ્રના જન્મની પણ એક અલગ કહાની છે. પૌરાણિક કથા અનુસાર એક સમયે વિત્રાસુર નામના દાનવ સામે દેવો હારી ગયા. વાસ્તવમાં દેવોના હથિયાર વિત્રાસુર ગળી ગયો હતો. આયુધો વિનાના થઈ ગયેલા દેવો બ્રહ્મા અને વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે, જો દધિચી ઋષિના હાડકાંમાંથી આયુધ બનાવવામાં આવે તો તેનાથી વિત્રાસુરનો વધ થઈ શકે. દેવોએ જનકલ્યાણ અર્થે દધિચી ઋષિને વિનવણી કરી. દધિચી ઋષિએ દેહદાન કર્યું. વિશ્વકર્માએ દધિચી ઋષિના હાડકાંમાંથી એક અદભુત આયુધ તૈયાર કરીને ઈન્દ્રને સોંપ્યું. એ આયુધ વડે ઈન્દ્રે વિત્રાસુરનો વધ કર્યો. વિશ્વકર્માએ દધિચી ઋષિના હાડકાંમાંથી બનાવેલું હથિયાર એટલે વજ્ર. અને એ હથિયારનો ચમકારો એ વીજળી. આ તો ચોક્કસ સમુદાયની ધાર્મિક કથા થઈ.

પરંતુ વીજળીની વિજ્ઞાન કથા જુદી જ છે. વિજ્ઞાનના કારણ મુજબ વીજળી માત્ર આકાશમાં જ પેદા નથી થતી. એ માટે ચોમાસું હોવું પણ જરુરી નથી. વાદળની સંપુર્ણ ગેરહાજરી હોય તોય વીજળી થઈ શકે છે. રેતીની ડમરી ચડવાથી, તોફાન આવવાથી, જ્વાળામુખી ફાટવાથી પેદા થતી રાખ થકી, કે જંગલની આગને કારણે પણ વીજળી ચમકી શકી છે. જોકે ભૌતિક વિજ્ઞાનની ઘટનાઓ સમજવી થોડી અઘરી હોય છે. એ માટે પાયાના નિયમો જાણવા જરુરી છે. વીજળી ચમકવી અને અવાજ થવો એ આમ તો ક્ષણ માત્રનો ખેલ છે. પણ એ ક્ષણના ખેલને સમજવા પદાર્થના પાયાના અતિ સુક્ષ્મભાગ ઈલેક્ટ્રોન અને પ્રોટોન નામના કણોના કુદરતી સ્વભાવને સમજવા પડે. દરેક પદાર્થ કરોડો પ્રોટોન અને ઈલેક્ટોનનો બનેલો હોય છે. પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે, જ્યારે ઈલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે. સાદી ભાષામાં જેને પ્લસ અને માઈનસ કહેવાય છે. આ બેય વિદ્યુતભાર ધરાવતા કણો જ્યારે કોઈ ખાસ પરિસ્થિતિમાં એકબીજાની નજીક આવે છે ત્યારે તેમના વચ્ચે ચમકારો ઉત્પન થાય છે. એજ આકાશી વીજળી. વીજળીની પ્રક્રિયા આકાશમાં જ થાય એવું નથી. એ કપડાં, વાહનોના ભાગો કે મનુષ્યની ત્વચા ઉપર પણ થાય છે. સૌએ અનુભવ્યું હશે કે શિયાળામાં કપડાં બદલતી વખતે તડ તડ અવાજ સાથે તણખા ઝરે છે. એ તણખા વીજળી પેદા થવાની એક નાનકડી પ્રક્રિયા છે. પણ પ્રશ્ન એ થાય કે તો પછી મેઘગર્જના અને તડ તડ આવતો અવાજ શું છે ? અવાજ પેદા થવાની ક્રિયાનો હવાના કણો સાથે સંબંધ છે. વીજળીના ચમકારાને કારણે પેદા થતી ગરમી હવાના કણોને એટલી ઝડપથી ફેલાવે છે કે તડ તડ અવાજ આવે છે અથવા મોટો ધડાકો થાય છે. ચોમાસામાં વાદળોમાં રહેલા ઈલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે સંતુલિત થવાની ક્રિયા વ્યાપક માત્રામાં થવાથી આકાશને અજવાળી દેતો પ્રકાશ પથરાય છે અને ડરામણો અવાજ સંભળાય છે. સામાન્ય રીતે વીજળીનો એક ચમકારો થવાનો સમય માત્ર ૩૦ મિલી સેકન્ડનો હોય છે. ભૌતિક વિજ્ઞાનની આ ક્રિયા કુદરતનું રૌદ્ર અને રહસ્યમય સ્વરૂપ છે. જોકે વીજળી થવાની ક્રિયાનું પોતાનું એક સૌંદર્ય પણ છે. જેના તરફ મનુષ્ય હંમેશાં આકર્ષાયો છે.

વીજળીના એક ચમકારામાં એટલી ગરમી હોય છે કે તે આસપાસની હવાને ૧૫૦૦૦ થી ૬૦૦૦૦ ફેરનહીટ જેટલી ગરમ કરી મુકે છે. અત્યંત ગરમ થયેલી હવા પ્રચંડ વેગથી ફેલાય છે જેને આપણે મેઘગર્જના કહીએ છીએ. જોકે હવામાં પ્રકાશની ગતિ કરતાં અવાજની ગતિ ઓછી હોવાથી વીજળીનો ચમકારો દેખાયા બાદ મેઘગર્જના સંભળાય છે. અહીં એક પ્રશ્ન થાય કે આપણાં ઘરને અજવાળતી, ઉપકરણો ચલાવતી વીજળી અને આકાશી વીજળી વચ્ચે શું ફરક છે ? તો જાણી લેવું ઘટે કે એ બેય વીજળી એક જ છે. ઘરમાં આવતો વીજ પુરવઠો સંગ્રહિત અને નિયંત્રીત છે. જ્યારે આકાશની વીજળી સંગ્રહિત કે નિયંત્રીત નથી. નહીંતર વીજળીના એક ચમકારામાં અંદાજે બાર કરોડ પચાસ લાખ વોલ્ટ વીજળી હોય છે, જેનાથી સો વોલ્ટનો એક બલ્બ સતત ત્રણ મહિના સુધી પ્રકાશિત રાખી શકાય છે.

વીજળી એક જોખમી અને ઘાતક કુદરતી ઘટના છે. જેના કારણે વિશ્વમાં વર્ષે સરેરાશ બે હજાર વ્યક્તિના મૃત્યુ થાય છે. પૃથ્વીના જુદા જુદા ભાગો પર વીજળી ત્રાટકવાની ઘટનાઓ જુદા જુદા પ્રમાણમાં બને છે. આફ્રિકાના કોંગો પ્રદેશના કીફૂકા નામના ગામ ઉપર અત્યાર સુધી વીજળી પડવાના બનાવો સૌથી વધુ છે. તે પછી ઉત્તર પાકિસ્તાનનો બીજો ક્રમ છે. સીંગાપોર ઉપર વીજળી પડવાના બનાવો પણ સંખ્યાબંધ છે. વીજળીની ઘાતકતા ઈન્દ્રના હથિયાર વજ્ર સાથે બંધબેસતી છે. વજ્ર શબ્દના ઉચ્ચારમાં જ તેની અસરકારતા સમાયેલી છે. વીજળીની મારકતાથી બચવાનો કોઈ ઉપાય હોય તો એટલો જ કે વીજળી થતી હોય ત્યારે ઘરમાં રહેવું અને બારી બારણાં બંધ રાખવા. અન્યથા એના જીવલેણ વારમાંથી વીજળીનો ભાઈ કૃષ્ણ જ બચાવી શકે. કેમ કે વીજળી માટે કૃષ્ણભગિની શબ્દ વપરાય છે. ભારતમાં કોઈ સમયે જેનામાં કંશનો વાસ હોય એવા લોકો વીજળી પડવાથી મરે એવી માન્યતા હતી. જોકે એ માત્ર માન્યતા છે. વાસ્તવમાં કુદરતની પ્રયોગશાળામાં આવી ઘટનાઓ કરોડો સાલથી ઘટતી આવી છે. કુદરતમાં દયા કે વેર જેવી કોઈ ચીજ હોતી જ નથી. આપણે આપણી માન્યતાઓ મુજબ એને મુલવીએ છીએ.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: admin

2 thoughts on “સમયચક્ર : ભયાવહ અવકાશી સૌંદર્ય – વીજળી

  1. ખુબ સરસ માહિતી આપતું વર્ણન. હમણાં ઘણી જગ્યાએ વિજળી પડવાથી નુકસાન થયું.
    થન્ડર સ્ટોર્મની ઘટના સ્ટેટિક ઇલેકટ્રીસિટી અને
    ગ્રેડિઅન્ટ તાપમાન પૃથ્વીનું અને ઉપરનું ના પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published.