ફિર દેખો યારોં : ચીની ચીજોનો બહિષ્કાર: વિશ્વાસ કમ, ઉત્સાહ જ્યાદા!

-બીરેન કોઠારી

રેડિયો પર ક્રિકેટ કોમેન્ટરી પ્રસારિત થતી હતી એ સમયે કેટલાક શબ્દપ્રયોગોનો તેમાં બહોળો ઉપયોગ થતો. આજે મેદાન પરની એકે એક હિલચાલ ટી.વી.ના પડદે જોઈ શકાય છે તેની સરખામણીએ એ સમયે કોમેન્ટેટર પોતાના વર્ણન વડે મેદાનનું ચિત્ર ખડું કરતા. કોઈક ખેલાડી માટે અપીલ કરવામાં આવે ત્યારે ઘણી વાર કહેવાતું, ‘ઔર યે એલ.બી.ડબલ્યુ.કી અપીલ! લેકિન ઉસ અપીલ મેં વિશ્વાસ કમ, ઉત્સાહ જ્યાદા થા!’

આજકાલ ચીની ચીજવસ્તુઓના બહિષ્કારની મોસમ શરૂ થઈ છે અને તેને લગતા હાકોટા-પડકારા થવા લાગ્યા છે, ત્યારે ક્રિકેટની અપીલના આ શબ્દો યાદ આવે છે. દેશપ્રેમ કે સ્વદેશપ્રેમ આમ જોવા જઈએ તો અમૂર્ત બાબત છે. આથી જ સૌ તેનો અર્થ પોતપોતાની રીતે ઘટાવે છે. સૂત્રો વહેતાં મૂકવાં એક બાબત છે અને વાસ્તવિકતાને ધ્યાનમાં લેવી બીજી બાબત છે. વૈશ્વિકીકરણને આજકાલ કરતાં અઢી દાયકા કરતાં વધુ સમય વીત્યો. એક સરકારે અમલમાં મૂકેલી આ નીતિને પછીની સરકારો સતત આગળ વધારતી આવી છે. સમગ્ર વિશ્વ ખરા અર્થમાં સંકોચાઈ ગયું છે. પૂરજા એક દેશમાં બને, તેને બેસાડવામાં બીજા દેશમાં આવે, અને વેચાણ ત્રીજા દેશમાં કરવામાં આવે એ બાબત લગભગ સામાન્ય બની રહી છે. એ રીતે વિચારીએ તો

ચીનના વિરોધમાં આપણા દેશમાં બાળવામાં આવતા ચીની રાષ્ટ્રધ્વજો પણ ચીની બનાવટના ન હોય એની કોઈ ખાતરી નથી.

એક અહેવાલ અનુસાર, આપણા દેશના ‘ડિપાર્ટમેન્‍ટ ઑફ પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્‍ડ ઈન્‍ટર્નલ ટ્રેડ’ (ડી.પી.આઈ.આઈ.ટી.) એ ઈ-કૉમર્સ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાનાં માધ્યમ પર વેચવામાં આવતી ચીજો કયા દેશની છે એ ગ્રાહકો જાણી શકે એવી વ્યવસ્થા કરે. માત્ર ઉદાહરણ પૂરતી વાત કરીએ તો એપલ કંપનીના આઈ-ફોનના વિવિધ પૂરજા અમેરિકા, જાપાન, કોરીઆ, તાઈવાન, ચીન જેવા દેશોમાં બને છે. આ અલગ અલગ પૂરજાને ચીન મોકલીને તેને બેસાડવામાં આવે છે. ચીનથી એ રીતે પૂરજા બેસાડીને તૈયાર થયેલો ફોન વિશ્વભરમાં મોકલવામાં આવે છે. આ ઉત્પાદનને કયા દેશનું ગણવું? તેને ચીની બનાવટનું ગણીને બહિષ્કાર કરવો કે કેમ? ચીનને બદલે ભારતની વાત કરીએ તો વિશ્વના વિવિધ દેશોમાંથી આયાત કરાતા પૂરજાને ભારતમાં બેસાડવામાં આવે છે અને ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે. આવા ઉત્પાદનને ભારતનું ગણવું કે અન્ય કોઈ દેશનું?

મહત્ત્વની વાત એ છે કે ઉત્પાદનના દેશની ઓળખ આપવાનો નિર્દેશ ઈ-કૉમર્સ કંપનીઓને આપવામાં આવ્યો છે. આ પ્રકારની કંપનીઓ મોટે ભાગે વેચાણ જ કરતી હોય છે. તે ઉત્પાદન સાથે સંકળાયેલી હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આ સંજોગોમાં પોતાના દ્વારા વેચાતા કોઈ પણ ઉત્પાદનના દેશની ઓળખ તે કઈ રીતે આપી શકે? અને આપે તો એ કેટલી અધિકૃત હોય?

સો વરસ પહેલાં ગાંધીજીએ અસહકાર આંદોલન દ્વારા વિદેશી વસ્ત્રોના બહિષ્કાર અને સ્વદેશીના સ્વીકારનું એલાન આપ્યું હતું. વીતેલાં વરસોમાં પરિસ્થિતિ ધરમૂળથી બદલાઈ છે. મુક્ત વ્યાપારને પગલે આયાત અને નિકાસ એ હદે વિકસી છે કે દેશમાં બનતી ચીજો કરતાં ઓછી કિંમતે, ચડિયાતી ગુણવત્તાવાળી ચીજો મળી શકે. માત્ર કિંમતનું કિફાયતપણું એક હદથી વધુ અસરકારક નથી હોતું, ગુણવત્તા પણ એટલી જ મહત્ત્વની હોય છે. કાચા માલની કે અન્ય જરૂરી પૂરજાઓની આયાત કરવી હવે સામાન્ય બાબત બની રહી છે. ‘ફેડરેશન ઑફ ઈન્‍ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન’ (એફ.આઈ.ઈ.ઓ.)ના પ્રમુખ શરદકુમાર સરાફ અને ડાયરેક્ટર જનરલ અજય સહાયના જણાવ્યા અનુસાર ચીની ચીજવસ્તુઓનો બહિષ્કાર વાજબી નીવડી શકે એમ નથી. ‘ધ ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્‍સ’, ‘ઈલેક્ટ્રોનિક્સ એસોસિયેશન’ અને ‘ઑટોમોટિવ કમ્પોનન્‍ટ મેન્‍યુફેક્ચરર્સ એસોસિયેશન’ના હોદ્દેદારો પણ આ મતના છે.

એક તરફ લૉકડાઉનને કારણે આમ પણ ઘણા ઉદ્યોગોને ફટકો પડ્યો છે. એમાં ચીની માલના બહિષ્કારને કારણે પરિસ્થિતિ વધુ વણસે એવી ભીતિ જે તે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સેવી રહ્યા છે. નાણાં મંત્રી અને રેવન્યુ સેક્રેટરીને લખેલા એક પત્રમાં ‘ઈન્‍ડિયન સેલ્યુલર ઈલેક્ટ્રોનિક્સ એસોસિયેશન’ના ચૅરમૅન પંકજ મહેન્‍દ્રે જણાવ્યું છે કે આ ઉદ્યોગો હાલ ચાલીસ હજાર કરોડનું નુકસાન ભોગવી રહ્યા છે, અને માંડ ચાલીસ ટકા જેટલી સામાન્ય પરિસ્થિતિએ પાછા આવ્યા છે. ત્રણ મહિનાના ભારે નુકસાન પછી બેઠા થવાની માંડ શરૂઆત થઈ રહી છે એવામાં આ બહિષ્કારનો ફટકો!

આ વાસ્તવિકતાની બીજી બાજુ એ છે કે ચીને સરહદ પર અડપલાં ચાલુ રાખ્યાં છે. કશું ન કર્યાનું ગાણું ગાવું અને આગેકૂચ કરતા રહેવાની ચીનની નીતિ અજાણી નથી. હવે તે નવા નવા મોરચાઓ ખોલી રહ્યું છે. આ જોઈ-સાંભળીને એક દેશવાસી તરીકે, નાગરિક તરીકે અકળામણ થવી સ્વાભાવિક છે. માનનીય વડાપ્રધાનની ‘આત્મનિર્ભર બનો’ અને ‘વોકલ ફૉર લોકલ’ની હાકલ પાનો ચડાવવા માટે સારી છે, પણ એ સૂત્ર તરીકે વધુ ચાલે એમ છે.

ચીની નેતાઓનાં પૂતળાં કે રાષ્ટ્રધ્વજ બાળવાની ક્રિયા પણ ‘વોકલ ફોર લોકલ’થી વિશેષ મહત્ત્વ ધરાવતી નથી. સ્થાનિક અખબારમાં તેની તસવીરો પ્રકાશિત થાય કે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર એ મૂકાય એનાથી વધુ એનું કશું મહત્ત્વ નથી. આ વિરોધ ચીન સુધી પહોંચવાનો નથી. આપણા નેતાઓને આવા વિરોધની જાણ જ છે, એટલે તેમને પણ એનાથી કશો ફરક પડવાનો નથી. તો કરવું શું? ચીની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો? ચીનના રાષ્ટ્રધ્વજ બાળીને સંતોષ માનવો? કે દેશવાસીઓને પાનો ચડાવવાની સાથોસાથ આપણા નેતાઓ ચીન સામે કશાં નક્કર પગલાં લે, અને તેના વિશે સાચું જણાવે એવી અપેક્ષા રાખવી? આ સવાલના જવાબ તરીકે કોઈ એક વિકલ્પ પસંદ કરવો જરૂરી નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૭-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ ઃ અહીં લીધેલ ચિત્ર ‘અમુલ’ની સાંદર્ભિક જાહેરાતની પરથી લીધેલ છે અને અહીં તે માત્ર સંકેતિક સંદર્ભમાં પ્રયોજેલ છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.