સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી

ચોમાસું ચાલે છે. ભલે વરસાદ આવે કે ન આવે, લોકોને છત્રી યાદ આવે છે. આજે સરળતાથી ઉપલ્બ્ધ છત્રીની શરુઆત વરસાદ માટે થઈ નથી. વાસ્તવમાં રાજા મહારાજાઓ અને સમાજમાં વિશિષ્ઠ દરજ્જો ભોગવતા લોકોએ પોતાને અન્યો થી અલગ પાડવા છત્ર પકડીને ચાલતા સેવકો રાખ્યા. વિવિધ ધર્મોમાં દેવો ઉપર છત્ર ધરવાની પ્રથાઓ શરુ થઈ. ચોમાસામાં વરસાદથી બચવા પણ છત્રીનો ઉપયોગ કરાય એ વિચારને વધુ સમય નથી થયો

માવજી મહેશ્વરી

ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતાએ એક અદભુત પાત્ર સર્જ્યું છે. તે છે પત્રકાર પોપટલાલ. પત્રકાર પોપટલાલની ઓળખ છે એના હાથમાં રહેતી છત્રી. આ લેખકની કમાલ છે. પણ આ છત્રીની શોધ ક્યારે થઈ ? કોણે કરી ? કયા દેશમાંથી આખીય દુનિયામાં ફેલાઈ ગઈ તેના વિશે કોઈ આધારભુત માહિતી મળતી નથી.

એક અનુમાન અનુસાર છત્રીનો ઉપયોગ ચીનના લોકો કરતા હતા એવું કહેવાય છે. દસમી સદીના ચીની ઈતિહાસકારો અને પ્રવાસીઓના ચિત્રો અને નોંધોમાં તેઓના માથા ઉપર છત્રી જેવું દેખાય છે. ઈજીપ્ત અને બેબીલોનના રાજાઓ છત્રીનો ઉપયોગ છાંયડા માટે કરતા હતા. ગ્રીકના લોકોએ પણ છાંયડા માટે છત્રીનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે. અને તેનો સામાન્ય ઉપયોગ પણ ગ્રીસના લોકોએ જ કર્યો હોવાનું નોંધાયું છે.

ભારતમાં છત્રીનો ઉપયોગ રાજા મહારાજાઓની શાન વધારવા સૌ પ્રથમ થયો હોવાનું જાણવા મળે છે. આજે ભારતમાં છત્રીનો ઉપયોગ મોટાભાગે ચોમાસાની ઋતુમાં વરસાદથી ભીંજાતા બચવા માટે થાય છે. પણ વરસાદથી બચવા છત્રીનો સૌ પહેલો ઉપયોગ રોમમાં થયો હતો. સોળમી સદીમાં ઈટાલીમાં તેનો ઉપયોગ વરસાદથી બચવા થયો, જ્યારે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં ચોમાસામાં ઉપયોગ ૧૬૮૦ની આસપાસ થવા માંડ્યો. ૧૮મી સદી આવતાં આવતાં છત્રી આખાય યુરોપ ખંડમાં વરસાદની ઋતુમાં વપરાવા લાગી.

૧૮મી સદીમાં યુરોપમાં છત્રી મહિલાઓના સૌંદર્ય ઉપકરણ તરીકે મુલવાતી હતી. એટલું જ નહીં, છત્રી સજ્જનતાનું પ્રમાણ ગણાતી હતી. એક સમય એવો પણ હતો કે બ્રીટનમાં લોકો છત્રી વગર બહાર જ ન્હોતા નીકળતા. પછી ભલેને આકાશ સાફ હોય ! તે સમયથી છત્રી ખોવાઈ જવાની અને એક્બીજાને છત્રી યાદ અપાવવાની ઘટનાઓ બનવા લાગી.

જૂની અંગ્રેજી ફિલ્મોના શોખીનોએ નોંધ્યું હશે કે એ સમયમાં ઉમરાવો, તેમજ મહિલાઓના હાથમાં છત્રી જોવા મળતી હતી. ઉપરાંત કાળા ચશ્મા અને લાંબો કાળો કોટ પહેરેલા જાસૂસોના હાથમાં પણ છત્રી દેખાવા લાગી હતી. ફિલ્મોમાં પ્રણય દશ્યોમાં પણ છત્રી એક મહત્વના ભાગ ભજવતી દેખાઈ. રાજ કપૂરે શ્રી ૪૨૦માં છત્રી નીચે ભીંજાતા પ્રેમી જોડાંનું ફિલ્માવેલું દશ્ય વર્ષો સુધી લોકોના માનસપટ્ટ ઉપર અંકાયેલું રહ્યું હતું. ભારતીય જૂની ફિલ્મોમાં મુનીમોના હાથમાં છત્રી અને કાળી ટોપી અવશ્ય દેખા દે છે. અર્જુન ફિલ્મમાં સમાજની ભીરુતા વ્યક્ત કરવા માટે એક સાથે છત્રી ઓઢી ચાલતા સેંકડો માણસોનું પ્રતિકાત્મક દશ્ય એ ફિલ્મનું જમા પાસું છે.

છત્રી માટે વપરાતા અંગ્રેજી શબ્દ અમ્બ્રેલાની ઉત્પતિ લેટીન ભાષાના શબ્દ Umberaમાંથી થઈ છે. જેનો અર્થ છાયા એવો થાય છે. ઉત્તર ભારતીય ભાષાઓમાં છત્રી માટે વપરાતા છાતા ,છત્તર, છત્ર, જેવા શબ્દોનો અર્થ રક્ષણ એવો થાય છે. ગુજરાતીમાં છત્રી શબ્દ મૂળ છત્ર શબ્દ પરથી આવ્યો છે. છત્ર શબ્દ રાજા મહારાજાઓના શાનદાર ઈતિહાસ સાથે જોડાયેલો છે. આજે ભલે છત્રી ચોમાસામાં વરસાદથી કે ઉનાળામાં તડકાથી બચવા માટે વપરાતી હોય. પરંતુ વિશ્વમાં એક સમયે હોદ્દા અને વ્યક્તિની મહત્તાનું પ્રતિક હતી મિસર, ભારત અને ફ્રાન્સના પુરાતન ચિત્રોમાં રાજાઓ ઉપર છત્રી ધરીને ઉભેલા સેવકના ચિત્રો દેખાય છે. એશિયાના રાજાઓ પોતાની શાન માટે એક કરતા વધારે છત્ર રાખતા. બર્માના એક રાજાને ચોવીસ છત્રીનો સ્વામી કહેવાતો હતો. આજે પણ આફ્રિકાના દેશોમાં છત્ર રાજાઓની નીશાની કહેવાય છે. છત્રીની શરુઆત થઈ ત્યારે તેનો સંબંધ ધર્મથી રહ્યો છે. પ્રાચિન મિસરમાં એક એવી માન્યતા હતી કે નટ નામની દેવી એક છત્રીની માફક પોતાના શરીરથી આખીય પૃથ્વીને છાયા આપે છે. ભારત અને ચીનના લોકો માનતા હતા કે આખુંય આકાશ એક છત્રી છે. એટલે જ ભારતમાં ઈશ્વર માટે નીલી છત્રીવાલા શબ્દ વપરાય છે. બૌધ્ધ ધર્મના તે સમયના અનુયાયીઓ છત્રને બુધ્ધની નીશાની માનતા હતા. એટલે જ બૌધ્ધ ધર્મના સ્મારકોના ગુંબજ ઉપર છત્ર જોવા મળતા હતા. રોમન કેથેલિક ચર્ચમાં ધાર્મિક પ્રસંગોમાં પહેરવામાં આવતા ખાસ પોષાકની સાથે સાથે છત્રીનું પણ ખૂબ જ મહત્વ હતું. એવા પ્રસંગોમાં પોપ લાલ પીળી પટ્ટીવાળી રેશમી છત્રી સાથે હાજર થતા. જ્યારે કાર્ડીનક, બીશપ જાંબલી અથવા લીલારંગની છત્રી સાથે આવતા. આજે પણ પોપની ખુરશી ઉપર લાલ પીળી પટ્ટીવાળી છત્રી લગાવેલ હોય છે. હિંદુ દેવી દેવતાઓ ઉપર તેમના ભક્તો સોના અને ચાંદીના છત્ર ચડાવે છે. આજે ભલે છત્રી સૌ માટે ઉપલબ્ધ છે પરંતુ ઈંગ્લેન્ડમાં એક સમયે છત્રી સ્ત્રીઓનું સાધન ગણાતું. છત્રીવાળા પુરુષની મશ્કરી થતી. પરંતુ જોન્સ હાનવે નામના એક સમાજ સેવકે છત્રીનો ઈતિહાસ જ બદલી નાખ્યો. કહેવાય છે કે જોન્સ પહેલો એવો પુરુષ હતો જેણે લંડનની સડકો ઉપર છત્રી લઈને નીકળવાની હિમત કરી હતી. લોકો તેની મશ્કરીઓ કરતા. પણ જોન્સે હાર ન માની. ત્રીસ વર્ષ સુધી તેણે છત્રી પોતાની સાથે ને સાથે રાખી. ૧૭૭૬માં હાનવે મૃત્યુ પામ્યો ત્યારે છત્રી વિશેની માન્યતાઓ બદલી ચુકી હતી.

આજે પાણીથી ન ભીંજાય તેવા પદાર્થ સહેલાઈથી ઉપલબ્ધ છે. પણ શરુઆતની છત્રીઓ કાગળની હતી. ચીનના લોકો કાગળ ઉપર મીણ અથવા ઘાટું તેલ લગાવી તેની છત્રી વાપરતા. જ્યારથી છત્રીનો ઉપયોગ ચોમાસામાં થવા માંડ્યો ત્યારથી એવા પદાર્થની જરુર પડવા લાગી જેના પરથી પાણી સરી જાય. પરંતુ કાગળ એના માટે યોગ્ય ન્હોતો. એટલે જાડા કાપડની છત્રીઓ બનવા લાગી. શરુઆતની છત્રીઓ મોટી અને વજનદાર હતી. છત્રીમાં સળિયાની જગ્યાએ વાંસની પટ્ટીઓ અને વ્હેલના હાડકાંનો ઉપયોગ થતો. ભારે વરસાદ વખતે છત્રીઓ ભીંજાઈ જતી અને તેમાંથી પાણી ટપકતું. ત્યારે છત્રીની પહેલી દુકાનનું નામ જેમ્સ સ્મિથ એન્ડ સન્સ હતું. તે સમયે એકમાત્ર છત્રી વેચતી દુકાન હતી. પરંતુ જેમ જેમ યંત્રો આવતાં ગયા તેમ તેમ છત્રીઓના રુપ રંગ બદલતા ગયા. જાત જાતની છત્રીઓ વેચાવા લાગી. છત્રી મૂળ કાળા કાપડમાંથી જ બનતી. પરંતુ ઓગણીસમી સદીના મધ્યમાં સેમ્યુઅલ ફોક્સે એક નવી જ જાતની છત્રી તૈયાર કરી જેને પેરાગોન નામ આપ્યું. આ છત્રી વજનમાં હલકી અને ભારે કાપડને બદલે લીનન જેવા વજનમાં હલકા કાપડમાંથી બનેલી હતી. તે પછી કદમાં નાની, વાળીને લંબાઈ ઘટાડી શકાય એવી છત્રીઓ બનવા લાગી. આજની બજારોમાં વિવિધ કદ અને રંગની છત્રીઓ ઉપલબ્ધ છે. હવે મોટા શહેરોમાં ધંધાદારીઓ અને દરિયા કાંઠે છાંયડો મેળવવા મોટા કદની છત્રીઓ વાપરે છે. વિદેશોમાં બીચ બારેમાસ છત્રીઓથી સજાવેલા હોય છે. વિશ્વમાં છત્રી ઉપર જાહેરાતો લખવાનું બા કાયદા ચલણ શરુ થયું છે.

૧૦મી ફેબ્રુઆરી વિશ્વમાં અમ્બ્રેલા ડે તરીકે મનાવાય છે. પણ ભારતમાં હજુય છત્રીને ચોમાસાનું સાધન ગણવામાં આવે છે. તાપથી બચવા છત્રીનો ઉપયોગ ભારતમાં વિશેષ દેખાતો નથી. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાલ, દક્ષિણના રાજ્યો ઉનાળામાં છત્રી ઓઢીને ચાલતી સ્ત્રીઓ દેખાય ખરી, પણ ગુજરાત અને રાજસ્થાન જેવા ગરમ રાજ્યોમાં પણ ઉનાળામાં છત્રી ઓઢી ચાલવાની પ્રથા નથી. એટલું જ નહીં ઉનાળામાં છત્રી ઓઢીને જતા વ્યક્તિ તરફ લોકો વિચિત્ર દષ્ટિએ જુવે છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: admin

1 thought on “સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી

 1. સરસ માહિતીસભર લેખ. છત્રીના આરંભનો ઇતિહાસ અને તેના જુદાજુદા ઉપયોગ વિષે જાણવા મળ્યું .
  અસલ રબારી ભરતની ભરવાડ કોમની છત્રીઓ તરણેતરના મેળામાં જોવી અને છત્રી નૃત્ય માણવું એ એક
  અસ્મરીયણ લાહ્વો છે. ભરવાડો પાસે ૧૬ તારની છત્રી હોય.
  હવે તો ઉંધી બંધ થતી છત્રી પણ મળે છે . જેથી કારની બહાર બંધ કરવાને બદલે અંદર બેસી બંધ કરી શકાય

  https://www.youtube.com/watch?v=J0WUeJTs2Sw

  અભીનંદન

Leave a Reply

Your email address will not be published.