– મૌલિકા દેરાસરી
“મૈં યા તો એક્ટર બનના ચાહતા થા, યા સી.આઇ. ડી. ઇન્સ્પેક્ટર”: આ શબ્દો કોના હશે એ કહી શકો છો?
ઘણું વિચાર્યા પછી પણ એવું તો કદાચ દિમાગમાં ના જ આવે, કે આવું એક ઉત્તમ સંગીતકારે કહ્યું હોય!
જી હાં, આ શબ્દો છે ચિતલકર નરહરી રામચંદ્રના, જેઓને આપણે સી. રામચંદ્ર તરીકે ઓળખીએ છીએ.
અમીન સયાની જ્યારે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન પૂછે છે કે, આ એક્ટર કે સી.આઇ. ડી. ઇન્સ્પેક્ટર બનવાની ધૂન સમજમાં ન આવી. ત્યારે તેમણે કહ્યું હતું કે : “બંને ડ્રેસ અને મેકઅપ બદલતા રહે છે એવું હું વિચારતો”.
સી. રામચંદ્રએ ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત મુખ્ય અભિનેતા તરીકે કરી. પણ અભિનેતા તરીકે તેઓ ચાલ્યા નહિ. પછી એમણે સંગીતકાર તરીકે ઝંપલાવ્યું. ભગવાનદાદાની ફિલ્મ સુખી જીવનથી એમણે હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે બાકાયદા કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો તેમણે પાંચ અલગ અલગ નામોથી સંગીત આપ્યું હતું, એ પછી સી. રામચંદ્ર નામ કાયમ માટે અપનાવ્યું. કેટલાંક ગીતોમાં તેમણે પોતાનો અવાજ પણ આપ્યો હતો.
તો, આજની સફરમાં કિશોરકુમારના અવાજમાં સી. રામચંદ્રએ ઉમેરેલા સંગીતના સૂરોથી મઢેલા ગીતો વિષે જાણીએ.

શીન શીનાકી બબલા બૂ, વર્ષ ૧૯૫૨ની આ ફિલ્મથી કિશોરકુમાર અને સી. રામચંદ્રની જુગલબંદી શરૂ થઈ.
કુછ ચુહલે હો, કુછ ચર્ચે હો.. કુછ ગાના હો, બજાના હો…
ગીતકાર પી.એલ.સંતોષીની રચનામાં લતાજી સાથે કિશોર કુમાર:
આ ફિલ્મના ઘણાંખરાં ગીતો લતાજી ગાયાં છે અને બે યુગલ ગીતો ખુદ સી. રામચંદ્ર સાથે પણ છે.
બીજી ફિલ્મ હતી, ૧૯૫૩માં આવેલી લહરેં.
કિશોરકુમાર અને શ્યામા અભિનીત આ ફિલ્મમાં ગીતકાર હતા રાજીંદર કૃષ્ણ. સી. રામચંદ્ર સાથે કિશોરદાની અભિનેતા અને ગાયક બંને તરીકેની આ પ્રથમ ફિલ્મ હતી.
શમશાદ બેગમ સાથે કિશોરદાએ ગાયેલાં ચંદ ગીતોનું એક એટલે:
આધા તીતર આધા બટેર, વાહ રે મેરે શેરવા…
મસ્તીની સાથે કેટલાક વ્યંગ પણ કરી લીધાં છે આ ગીતમાં.
આ જ ફિલ્મમાં લતા મંગેશકર સાથે ગાયું છે:
લો ખીલી ખેત મેં સરસોં, યે સુન સુન ગુજરે બરસોં…
તુમ બનોગે મેરે બાલમાં, આજ, કલ યા પરસોં…
ઇધર મુશ્કિલ, ઉધર મુશ્કિલ, બતા અય દિલ….
કિશોરકુમારનું આ ગીત પણ આ ફિલ્મમાં છે, જેના શબ્દો કે વિડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી.
આ જ વર્ષે, યાને કે ૧૯૫૩માં જ અન્ય એક ફિલ્મ રિલીઝ થઈ હતી: લડકી.
વૈજયંતી માલા અને કિશોરકુમાર અભિનીત આ ફિલ્મમાં ત્રણ ગીતો સી. રામચંદ્રએ સંગીતબદ્ધ કર્યા હતા. પણ ફિલ્મના મુખ્ય સંગીતકાર તરીકે સુદર્શન અને ધનીરામને દર્શાવવામાં આવ્યા છે, ક્યાંય સી.રામચંદ્રને ક્રેડિટ આપવામાં આવી નથી.
ઔરત ના હો તો ઝિંદગી હૈ, ક્યા હૈ કૌડી કામ કી!
આ ગીત કિશોરકુમાર અને સી.રામચંદ્રના યુગલ સ્વરોમાં સાંભળવા મળશે.
ભારત ભૂષણ અને કિશોરકુમાર પર ફિલ્માવવામાં આવેલાં આ ગીતમાં કિશોરદાની અદાકારી જોવાની પણ મજા આવે છે.
ફરી એકવાર કિશોરકુમાર અને વૈજયંતી માલા મુખ્ય અદાકારો તરીકે જોવા મળે છે, ફિલ્મ- પહલી ઝલકમા. આ ફિલ્મમાં મોટાભાગના ગીતો લતા મંગેશકરના અવાજમાં અને શાસ્ત્રીય સંગીત આધારિત છે. આશા ભોંસલે અને શમશાદ બેગમના એક એક સોલો ગીત પણ સાંભળવા મળે છે.
ચરણદાસ કો પીને કી આદત ના હોતી, તો આજ મિયા બાહર બીવી અંદર ના સોતી
રાજિંદરબાબુની આ રચના કિશોરકુમાર પર ફિલ્માવાઈ છે, ગીતમાં મજાની વાત એ છે કે કિશોરદા મિયા અને બીબી બંનેના રોલમાં જોવા મળે છે. એ ઉપરાંત પણ કેટલાંક અન્ય પાત્રો કિશોરકુમારે નિભાવ્યા છે. એમના વોઇસ મોડ્યુલેશનની ખૂબી પણ આ ગીતમાં સાંભળવા મળશે.
આશા– આ ફિલ્મ આવી ૧૯૫૭માં, ગીતકાર રાજિંદર કૃષ્ણના ગીતો લઈને.
આ ફિલ્મનું આઇકોનિક ગીત તો કોણ ભૂલી શકે, એ સવાલ છે!
હિન્દી સિનેમાનું પ્રથમ રોક એન્ડ રોલ પ્રકારનું ગીત ગણાતા આ ગીતની રચના પાછળ પણ એક કહાણી છે. આ ગીતોના શબ્દોની પ્રેરણા સંગીતકાર સી. રામચંદ્રને તેમના સંગીત ખંડની બહાર આવતા બાળકોના અવાજથી મળી હતી. બાળકો “ઇની, મીની, મીની, મો” ગાઈ રહ્યા હતા, જેણે રામચંદ્ર અને તેના સહાયક જ્હોન ગોમ્સને ગીતની પહેલી પંક્તિ “ઈના મીના ડીકા, ડે ડાઇ ડામોડીકા” બનાવવાની પ્રેરણા આપી હતી. ગોમ્સ, જે ગોઅન હતા, તેમણે “માકા નાકા” અર્થાત કોંકણી ભાષામાં મારે નથી જોઈતું જેવા શબ્દો ઉમેર્યા. આમ તેઓ “રમ પમ પોશ!” સુધી એકરીતે નિરર્થક કહી શકાય તેવા પણ શબ્દો ઉમેરતા રહ્યા. અને સમયની સાથે સાથે આ ગીત અત્યંત લોકપ્રિય બનતું ગયું.
એટલે એટલે જ આ સિરીઝના લેખ માટે ઇના મીના ડીકા કરતા વધુ સારું શીર્ષક કયું કોઈ શકે!
આ ગીતના બે વર્ઝન બન્યા છે.
એક કિશોરકુમાર અને આશા ભોંસલેના સ્વરમાં છે, અને બીજું ફિમેલ વર્ઝન આશાજીએ ગાયું છે.
2017 માં, ઇસ્ટર્ન આઇ મેગેઝિને કિશોર કુમારની 30 મી પુણ્યતિથિ નિમિત્તે “ઇના મીના ડીકા” નું કિશોરકુમાર વર્ઝન તેમના શ્રેષ્ઠ ૧૦ ગીતોમાંના એક તરીકે જાહેર કર્યું.
https://www.youtube.com/watch?v=LfYIJ-lPOhg
ફિલ્મનાં અન્ય ગીતોમાં કિશોરકુમારના અવાજમાં:
હાલ તુઝે અપની દુનિયા કા, નઝર તો આતા હોગા
અરે છોટે બડો કા અબ હુઆ પુરાના કિસ્સા,
અરે દુનિયા કી જાગીર હૈ, સબ કા એક બરાબર હિસ્સા…
હાથી, ઘોડાથી લઈને અનેક અન્ય પ્રાણીઓની સાથે થયેલું છે આ ગીતનું ફિલ્માંકન.
https://www.youtube.com/watch?v=1d0xE5u7sCA
તો આજની સફર બસ અહીં સુધી, સફરનો શેષ ભાગ લઈને મળીશું ફરી એકવાર.
ત્યાં સુધી મ્યુઝિક પ્લેયર ચાલુ કરો, આ ગીત ટ્યુન કરો અને સાથે સાથે ગાવા માંડો: ઈના મીના ડીકા, ડે ડાઇ ડામોડીકા, માકા નાકા નાકા, ચિકા પિકા રોલા રિકા, રમ પમ પોશ, રમ પમ પોશ….
લાગશે કે જિંદગીમાં ટેન્શન જેવું કંઈ છે જ નહીં…
મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :
· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી