દીપક ધોળકિયા
લઘુમતીઓના અધિકારોનો સવાલ (ભાગ ૨)
ગાંધીજીએ અચોક્કસ સમય માટે લઘુમતી સમિતિની બેઠક મુલતવી રાખવાનું સૂચન કર્યું તેનું કારણ એ હતું કે એ સવાલ હિન્દુસ્તાનીઓનો હતો એટલે હિન્દુસ્તાનીઓ જ જાતે કોશિશો કરીને, બ્રિટિશ સરકારની દરમિયાનગીરી વગર એનો ઉકેલ લાવે, એમ એ માનતા હતા. પરંતુ બીજા સભ્યો પહેલાં ‘લઘુમતીઓનો સવાલ, પછી સ્વતંત્રતા’ એમ માનતા હતા એટલે મુસ્લિમ સભ્યો તો વિરોધ કરે જ.
ડૉ. આંબેડકર
ડૉ. આંબેડકરે વિરોધ કરતાં આક્ષેપ કર્યો કે ગાંધીજી પોતાની નિષ્ફળતા સ્વીકારીને અટક્યા નહીં,આગળ ગયા અને ડેલિગેટોના ગુણદોષની ચર્ચા કરવા લાગ્યા કે અહીં જે કોઈ છે તેમને લોકોએ નથી મોકલ્યા, સરકારે બોલાવ્યા છે એટલે એમને પોતાની કોમો તરફથી બોલવાનો અધિકાર પણ નથી. આંબેડકરે કહ્યું કે અહીં સૌ સરકારના આમંત્રણથી આવ્યા છે, પણ મને મારા પૂરતો વિશ્વાસ છે કે હું ડિપ્રેસ્ડ ક્લાસિસનું પ્રતિનિધિત્વ કરું છું. મહાત્મા ગાંધીનો એ દાવો ખોટો છે કે કોંગ્રેસ હંમેશાં ડિપ્રેસ્ડ ક્લાસિસની હિમાયતી રહી છે. વ્યક્તિગત રીતે કોઈ કોંગ્રેસી ડિપ્રેસ્ડ ક્લાસિસની હિમાયત કરતા હોય એ શક્ય છે પણ સંસ્થા તરીકે કોંગ્રેસ એમને ટેકો નથી આપતી.
એમણે કહ્યું કે “હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું. બ્રિટિશરો પાસેથી હિન્દુસ્તાનીઓના હાથમાં તરત સત્તા સોંપવા માટે ડિપ્રેસ્ડ ક્લાસિસ આતુર નથી, એના માટે દેકારો કરતા નથી કે એના માટે કોઈ આંદોલન છેડ્યું નથી. બ્રિટિશરો સામે અમારી અમુક ખાસ ફરિયાદ છે, અને મને લાગે છે કે મેં એ બહુ સારી રીતે દેખાડી છે. પણ દેશમાં જે લોકોએ સત્તાબદલી માટે તાકાત ઊભી કરી છે અને એના માટે રીડિયારમણ મચાવ્યું છે, એમને બ્રિટન સરકાર રોકી ન શકે તો ડિપ્રેસ્ડ ક્લાસિસ અત્યારે એ સ્થિતિમાં નથી કે એનો પ્રતિકાર કરી શકે. આ સંજોગોમાં અમારી માગણી એટલી જ છે કે સત્તા એક ટોળકીના હાથમાં ન જવી જોઈએ – પછી એ હિન્દુ હોય કે મુસલમાન; સત્તા બધી કોમોના હાથમાં પ્રમાણસર આવવી જોઈએ. આ સંજોગોમાં મારું કે મારી કોમનું શું થશે તે હું બરાબર ન જાણતો હોઉં ત્યાં સુધી ફેડરલ સ્ટ્રક્ચર કમિટીની ચર્ચાઓમાં હું ગંભીરતાથી કેમ ભાગ લઉં તે મને સમજાતું નથી.”
આમ ડૉ. આંબેડકરના મનમાં પણ પહેલાં સત્તાની ફાળવણીની વ્યવસ્થા અને તે પછી સત્તા, એવું સમીકરણ હતું. ખ્રિસ્તી સભ્ય પનીર સેલ્વમે પણ એમાં સૂર પુરાવ્યો અને કહ્યું કે અહીં ચર્ચાઓ માત્ર પંજાબમાં કઈ રીતે કોમો વચ્ચે સીટો વહેંચવી તેની થાય છે, પણ હું મદ્રાસથી આવું છું અને અમને પંજાબમાં રસ નથી. એમણે કહ્યું કે ગાંધીજીએ કોંગ્રેસનો ઠરાવ વાંચ્યો તેમાં પણ કહ્યું છે કે જ્યાં હિન્દુ કે મુસલમાન ૨૫ ટકાથી ઓછા હશે ત્યાં એને વસ્તીના પ્રમાણમાં અનામત અપાશે. પણ બધી જ લઘુમતીઓ ૨૫ ટકાથી ઓછી છે, એમનું શું?
આ તબક્કે હિન્દુ મહાસભાના નેતા ડૉ. મુંજેએ વચ્ચેથી કહ્યું – કોંગ્રેસનો ઠરાવ એવો નથી, તમે વાંચો અને અભ્યાસ કરો. શીખોના પ્રતિનિધિ સરદાર ઉજ્જલ સિંઘ અચોક્કસ મુદત માટે મીટિંગ સ્થગિત કરવા તો સંમત ન થયા પણ એમણે સ્વીકાર્યું કે મીટિંગ મુલતવી રાખીને અનૌપચારિક ચર્ચાઓ માટે વધારે સમય આપવો જોઈએ. ખરા નિર્ણય એવી બેઠકોમાં જ લેવાશે.
તે પછી ચેરમૅન રામ્સે મેક્ડોનલ્ડે પણ ગાંધીજીની અચોક્કસ સમય માટે મુલતવી રાખવાનું સૂચન તો ન સ્વીકાર્યું પણ બેઠકને મુલતવી રાખવાની જરૂર તો એને પણ લાગી કે જેથી અનૌપચારિક વાતચીતો દ્વારા કંઈક રસ્તો નીકળે. ગાંધીજીએ આક્ષેપ કર્યો હતો કે અહીં જે એકઠા થયા છે તે બધાને સરકારે બોલાવ્યા છે, કોઈના ખરા પ્રતિનિધિ નથી. આનો જવાબ આપતાં મૅક્ડોનલ્ડે કહ્યું કે ડેલીગેટોને પસંદ કરીને બોલાવ્યા સિવાય કોઈ રસ્તો જ નહોતો. પરંતુ અનૌપચારિક ચર્ચાઓ માટે એમણે બેઠક ફરી મુલતવી રાખી.
૦-૦-૦
અગત્યનું વિષયાંતરઃ પંજાબનો પ્રશ્ન
થોડું વિષયાંતર અહીં જરૂરી લાગે છે. લઘુમતીઓના અધિકારોની સમિતિની કાર્યવાહી અને ચર્ચાઓને સમજવા માટે – અને ૧૯૩૫થી ૧૯૪૭ સુધીની ઘટનાઓ સમજવા માટે પણ – આ જરૂરી છે. જો કે આગળ આપણે આ બધું વિગતે જોવાનું જ છે પણ અહીં જરા નજર નાખી લઈએ તો સારું થશે.
પનીર સેલ્વમની એ વાત ખરી હતી કે કોમી મતદાર મંડળોને લગતી બધી ચર્ચાઓ પંજાબ પર કેન્દ્રિત થઈ ગઈ હતી. આ વાત થોડી ઊંડાણથી સમજવા જેવી છે. બ્રિટિશ ઇંડિયામાં મુંબઈ પ્રાંતમાં કોઈ પણ કોમની નિર્ણાયક બહુમતી નહોતી અને સિંધને મુંબઈથી અલગ કરીને નવો પ્રાંત બનાવવાની તૈયારી ચાલતી હતી. ૧૯૩૬માં સિંધનો નવો પ્રાંત બન્યો. એ જ રીતે, મદ્રાસ પ્રાંતમાં પણ એવી સ્થિતિ નહોતી.
બે પ્રાંત, પંજાબ અને બંગાળમાં સ્થિતિ જુદી હતી. પંજાબની વસ્તીમાં મુસલમાનો ૫૧ ટકા કરતાં વધારે હતા અને શીખો ૧૩ ટકા. ત્યાંના મુસલમાનોમાં પણ મુસ્લિમ લીગનું જોર નહોતું. એ જ રીતે કોંગ્રેસ પણ બીજા નંબરે હતી કારણ કે પંજાબમાં પ્રાંતીયતાનો વધારે પ્રભાવ હતો. ત્યાં ૧૯૩૫ પછી સરકાર બની તે પણ યુનિયનિસ્ટ પાર્ટીની હતી. સર છોટુરામે ગાંધીજીના અસહકાર આંદોલન સાથે અસંમત થઈને યુનિયનિસ્ટ પાર્ટી બનાવી હતી. સર સિકંદર હયાત ખાન ૧૯૩૭ પછી યુનિયનિસ્ટ પાર્ટીના પ્રીમિયર બન્યા. એમાં હિન્દુ અને મુસલમાન જમીનદારોનું પ્રભુત્વ હતું. પાર્ટીએ ખેડૂતો માટે બહુ કામ કર્યું. સર છોટુરામનું નામ આજે પણ હરિયાણાના ખેડૂતો આદરપૂર્વક લે છે.
એ જ રીતે બંગાળના પૂર્વ ભાગમાં મુસલમાનો બહુમતીમાં હતા, પણ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની બહુમતી હતી.
બંગાળ કોંગ્રેસે ચિત્તરંજન દાસ, જે. એમ. સેનગુપ્તા, નેલી સેનગુપ્તા, શરદચંદ્ર બોઝ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા નેતાઓ આપ્યા પણ એ બધા બરાબરીના નેતાઓ હતા અને બંગાળ બીજા બહારના નેતાઓ કરતાં બંગાળી નેતાઓની વાત વધારે કાને ધરતું હતું. ત્યાં પણ ૧૯૩૫ પછી સરકારો બની તે કૃષક પ્રજા પાર્ટીની હતી, જેના નેતા ફઝલુલ હક હતા. (જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મૂકરજી એ સરકારમાં પ્રધાન હતા).
આ બન્ને પ્રાંતો કોઈ પણ નવી રાજ્યવ્યવસ્થામાં ‘નિર્બળ કેન્દ્ર, સબળ પ્રાંત’ ના હિમાયતી હતા. બીજી બાજુ, બીજી બાજુ કોંગ્રેસ મજબૂત કેન્દ્ર્ની આગ્રહી હતી. જિન્ના પણ મજબૂત કેન્દ્રના જ હિમાયતી હતા પણ પોતાની વાત મનાવવા માટે એમને પંજાબ અને બંગાળનો ટેકો મેળવવો જરૂરી હતો કારણ કે મુસ્લિમ બહુમતી ત્યાં જ હતી! – અને એ જ પ્રાંતો એમ માનતા હતા કે મોટા ભાગની સત્તાઓ પ્રાંતો પાસે હોવી જોઈએ અને કેન્દ્ર પાસે માત્ર સંરક્ષણ જેવી સત્તાઓ હોય! કોમી મતાધિકારની માગણી હોય તો જ આ પ્રાંતોની બહુમતીનો ટેકો મુસ્લિમ લીગને મળે તેમ હતો. આમ ખરેખર જિન્ના આ પ્રાંતોને ભરોસે હતા પરંતુ અંતે એવી ઘટનાઓ બની કે આ પ્રાંતો એમના ભરોસે થઈ ગયા!
મુસ્લિમ લીગ કે બધાં મુસલમાન જૂથો માટે આમ પંજાબનો પ્રશ્ન મહત્ત્વનો હતો. પોતાના બળે મુસલમાનો માત્ર પંજાબમાં જ સરકાર બનાવી શકે એમ હતું. આમ એમના પ્રયત્નો પંજાબમાં મુસલમાનોની સંપૂર્ણ અને કાયમી કાનૂનમાન્ય બહુમતી સ્થાપવાના હતા. બીજા પ્રાંતોમાં તો અલગ મતદાર મંડળ હોય કે ન હોય, બહુ અસર નહોતી. પરંતુ પંજાબમાં બે નહીં, ત્રણ કોમો હતી –હિન્દુ, મુસલમાન અને શીખ! આથી ગૂંચવાડો પેદા થતો હતો.
સરદાર ઉજ્જલ સિંઘનું સૂચન હતું કે પંજાબના બે પ્રાંતો મુલતાન અને રાવલપીંડીને નૉર્થ વેસ્ટ ફ્રંટિયર પ્રાંત સાથે જોડી દેવા કારણ કે આ પ્રાંતોમાં મુસ્લિમ વસ્તી વધારે હતી એટલે નૉર્થ વેસ્ટ ફ્રંટિયરની મુસ્લિમ વસ્તી સાથે એમને મૂકવાનું યોગ્ય રહેશે. બ્રિટિશ ઑફિસર જેફ્રી કૉર્બેટે વસ્તીને વધારે સમતોલ કરવા માટે અંબાલાને અલગ કરીને મુંબઈ પ્રાંતમાં મૂકવાનું સૂચવ્યું હતું. એનું કહેવાનું હતું કે અંબાલાની વસ્તી શીખો કરતાં જુદી પડે છે.
(જોવાનું એ છે કે દેશના ભાગલા પડ્યા ત્યારે આ બધા વિચારો લાગુ થયા. આજે રાવલપીંડી અને મુલતાન પાકિસ્તાનમાં છે, એ જ રીતે પૂર્વ બંગાળ પૂર્વ પાકિસ્તાન બન્યું. તો બીજી બાજુ પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં ગયું. અંબાલા આજે હરિયાણા રાજ્યનો જિલ્લો છે, પંજાબનો નહીં. સૌથી પહેલાં ૧૯૨૫ના અરસામાં લાલા લાજપતરાયે પણ કોમી ધોરણે પંજાબના ભાગલા કરવાનું સૂચવ્યું હતું અને શહીદ ભગતસિંઘ અને એમના સાથીઓએ એમની ટીકા કરી હતી. પરંતુ લાલાજી માટે અંગત આદર તો હતો જ, એટલે જ એમના ઉપર લાઠીઓ વરસી ત્યારે ભગતસિંઘ અને એમના સાથીઓ સોંડર્સની હત્યામાં સામેલ થયા).
આવતા પ્રકરણમાં આપણે ૧૩મી નવેમ્બરે ફરી મીટિંગ મળી તેની વાત શરૂ કરીને મૂળ વિષય સાથે સૂત્ર જોડી દેશું.
૦૦૦
સંદર્ભઃ https://indianculture.gov.in/flipbook/89519
Indian Round Table conference (Second Session) 7 September 1931
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી