ફિર દેખો યારોં : ‘બાબુજી મૈં ચીન સે આઈ, ચીની જૈસા દિલ લાઈ’ પંક્તિનો બહિષ્કાર કરીશું?

બીરેન કોઠારી

“અરે! આ શું? આને તું આલૂ પરાઠા કહે છે? આમાં તને ક્યાંય આલૂ દેખાય છે?”

“કેવી વાહિયાત વાત કરો છો? કાશ્મીરી પુલાવમાં તમને કાશ્મીર દેખાય છે કદી? માટે ચૂપચાપ ખાઈ લો.”

પતિ-પત્ની વચ્ચેના સંવાદનો આ છે તો સાવ ઘસાઈ ગયેલો ટુચકો, પણ ટુચકા વાસ્તવિકતા બને એના જેવી કરુણતા બીજી એકે નહીં.

ચીન દ્વારા સરહદે કરાતી અવળચંડાઈઓને પગલે ચીની બનાવટની ચીજવસ્તુઓના બહિષ્કારનું મોજું આવ્યું. લદ્દાખના સંશોધક ઈજનેર સોનમ વાંગચૂકનો, પોતાના ફોનમાંથી તમામ ચીની એપ તેમ જ અન્ય કાર્યક્રમોને કાઢી નાખવાની અપીલનો વિડીયો સંદેશ ફરતો થયો. તેમણે બહુ તાર્કિક રીતે તબક્કાવાર ચીની ચીજવસ્તુઓનો ઉપયોગ બંધ કરતા જવાની અપીલ કરી. ચીન સાથેની તંગદીલી વધી, ભારતીય જવાનો શહીદ થયા. એ વખતે અતિ ઉત્સાહમાં આવી ગયેલા એક કેન્‍દ્રીય પ્રધાને ‘ચાઈનીઝ ફૂડ’નો બહિષ્કાર કરવાની અપીલ કરી. આવા તંગ, કંઈક અંશે ચિંતાજનક વાતાવરણમાં પણ તેમણે ઠીક રમૂજ પૂરી પાડી.

કોઈ રમૂજ, અને એ પણ આવી સરળ, બાળબોધી રમૂજ, આમ તો સમજાવવી પડે તો એમાંનું તત્ત્વ ગાયબ થઈ જાય. છતાં કાતિલ ભોળપણ અને મુગ્ધતા ધરાવતા કેટલાક વર્ગના લાભાર્થે એ જણાવવું જરૂરી બની રહે છે કે ‘ચાઈનીઝ ફૂડ’ તરીકે ઓળખાતી ચીની વાનગીઓ ખરેખર તો સ્થાનિક હોય છે. તેનું એટલી હદે સ્થાનિકીકરણ કરવામાં આવેલું હોય છે કે જે પ્રાંત કે દેશના નામે તેની ઓળખ હોય ત્યાંના લોકો પણ એને ઓળખી ન શકે. આપણે ત્યાં બનતી ઈટાલિયન, ચાઈનીઝ, મેક્સિકન કે એવી અન્ય દેશીય નામધારી વાનગીઓ શું ખરેખર જે તે દેશમાંથી મંગાવવામાં આવે છે? પણ હોય, દેશપ્રેમના પ્રદર્શનના અતિરેકમાં આવું બોલાઈ જાય! આપણે મંત્રીશ્રીના શબ્દોને નહીં, તેની પાછળ રહેલા ભાવને સમજવાનો છે. અલબત્ત, બેએક મહિના અગાઉ આ જ મંત્રી મહાશયે એક સભામાં ‘ગો કોરોના, ગો!’ મંત્રનો જાપ કર્યો ત્યારેય તે હાંસીને પાત્ર બન્યા હતા. અહીં પણ તેમના શબ્દો પાછળ રહેલા ભાવને જ પકડવો રહ્યો.

ચીનને સબક શીખવવા માટે આપણા નેતાઓ જનતાને પાનો ચડાવે અને ચીની ચીજવસ્તુઓના બહિષ્કારની અપીલ કરે ત્યારે કેટલીક વાસ્તવિકતાઓ નાગરિક તરીકે આપણે જાણી લેવી જોઈએ. અગાઉ 2017માં, એક નવી, દેશી કંપની ‘એસ.એમ.પી.પી. લિમિટેડ’ને કુલ 1.86 લાખ બુલેટપ્રૂફ જેકેટ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ માટેનો કાચો માલ ચીનથી આયાત કરવાનો હતો. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સંસદમાં જણાવ્યું હતું કે ચીનથી આયાત કરવામાં આવતા કાચા માલ પર કોઈ પ્રતિબંધ નથી. અલબત્ત, હવે બદલાયેલી પરિસ્થિતિમાં આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે એમ નિતિ આયોગના સભ્ય અને ડિફેન્‍સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ વડા વી.કે.સારસ્વતે જણાવ્યું હતું. રક્ષણાત્મક સાધનોની બનાવટ તેમ જ ટેલિકોમ જેવા ક્ષેત્રે આની ખાસ જરૂર હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.

બુલેટપ્રૂફ જેકેટ માટે સામાન્ય રીતે વપરાતું ‘હાઈ પરફોર્મન્‍સ પોલિઈથિલીન’ (એચ.પી.પી.ઈ.) ચીનથી મંગાવવામાં આવે છે. રક્ષાત્મક ઉપકરણો બનાવતા તમામ ઉત્પાદકો મોટે ભાગે ચીનથી જ તેની આયાત કરે છે. આ ઉપરાંત બોરોન કાર્બાઈડ તેમ જ અન્ય જરૂરી સામગ્રી પણ ચીનથી આયાત કરવામાં આવે છે. આનું મુખ્ય કારણ કિફાયત કિંમત છે. કાનપુરસ્થિત ‘એમ.કે.યુ.’ના મેનેજિંગ ડિરેક્ટર નીરજ ગુપ્તાના જણાવ્યા અનુસાર અન્ય આંતરરાષ્ટ્રીય દરની સરખામણીએ ચીની બનાવટનો કાચો માલ 60 થી 70 ટકા સસ્તો હોય છે. આ તમામ આયાત બંધ કરવી હોય તો સૌ પહેલાં દેશમાં તેનો સબળ વિકલ્પ વિકસાવવો પડે. એ પછી જ તેની આયાત બંધ થઈ શકે.

‘કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ’ દ્વારા ચીની બનાવટની પાંચસો ચીજોની યાદી બહાર પાડવામાં આવી છે કે જે બહિષ્કારને લાયક છે. આ યાદીમાં કપડાં, રમકડાં, પગરખાં, રસોડાની ચીજોથી લઈને વિવિધ પ્રકારની ચીજોનો સમાવેશ થાય છે. ભારત સરકારે વિવિધ કામો માટે ચીની કંપનીઓને કંત્રાટ આપ્યા હોય એ અલગ. સરકારના વાણિજ્ય વિભાગના આંકડા અનુસાર રમતગમતનાં સાધનોમાંની અડધા કરતાં વધુ આયાત ચીનથી થાય છે, અને તેનું કારણ માત્ર કિફાયત કિંમત નથી, બલ્કે ગુણવત્તા પણ ખરી. આથી સૌ પ્રથમ આવાં ઉત્પાદનો દેશમાં બનાવવા માટે, તેની ગુણવત્તા જાળવવા માટે માળખું ઊભું કરવું પડે. આવેશ કે દેશપ્રેમના નામે કરાયેલા બહિષ્કારથી એ થઈ ન શકે. આવા ટાણે નાગરિકોને દેશપ્રેમનો પાનો ચડાવનાર નેતાઓ પોતે શેનો અને કેટલો બહિષ્કાર કરે છે એ તેઓ જણાવતા નથી.

એ હકીકત છે કે સૈનિકો, શહીદો અને સૈન્ય આપણા નેતાઓના પ્રિય મુદ્દા રહ્યા છે. આ બાબતે રાજનીતિ ન રમવાની અપીલ તેઓ વખતોવખત કરતા રહે છે, પણ આ મુદ્દે તેમનાથી વધુ રાજનીતિ બીજું કોણ રમતું હશે એ મોટો સવાલ છે. દેશવાસીઓની ભાવનાને દેશપ્રેમ કે રાષ્ટ્રવાદના ઓઠા હેઠળ ભડકાવવી એક વાત છે, અને ખરેખરાં, નક્કર પગલાં લેવાં એ બીજી વાત છે. ભલે આવેશમાં, પણ આ રીતે કરાયેલા બહિષ્કારથી ચીની અર્થતંત્રને વિપરીત અસર થતી હોય તો, પોતાને સોંપાયેલા વધુ એક ટાસ્ક લેખે પણ મોટા ભાગના નાગરિકો એ હોંશે હોંશે કરશે. તેની સામે, જેમણે ખરેખર કરવાનું છે એવા નેતાઓ જ્યાં અને જે કરવાનું છે એ યોગ્ય રીતે કરે એ અપેક્ષિત છે. અત્યાર સુધી તો એવાં કોઈ લક્ષણ કળાયાં નથી. હવે તો એમ લાગે છે કે બીજું કશું કરવામાં ન આવે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં આવે તો એ પણ નાગરિકો પર કરાયેલો મોટો ઉપકાર હશે.

એટલું ખરું કે હવે સત્તાધારી પક્ષ પોતાની જૂની રીતરસમ મુજબ ‘સરહદ પર સૈનિકો મરતા હતા ત્યારે તમે ક્યાં હતા?’ એમ કોઈને પૂછીને ચૂપ કરી શકે એમ નથી. ઉત્સાહના અતિરેકમાં ‘ચાઈનીઝ ફૂડ’ની લારીઓ કે રેસ્તોરાં તે પરાણે બંધ ન કરાવે તો એ પણ દેશસેવા જ ગણાશે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫-૬-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ ઃ અહીં લીધેલ ચિત્ર મૂળ  ગીત ‘મેરા નામ ચિન ચિન ચુ‘  હાવરા બ્રિજ (૧૯૫૮) પરથીલીધેલ છે અને અહીં તે માત્ર સંકેતિક સંદર્ભમાં પ્રયોજેલ છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.