ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*—————-

અમુક પાત્રો આપણા જીવનમાં વિના પ્રયત્ને આવી પડેલાં હોય છે. આજે વાત કરવી છે એ ઘૂઘો મારે માટે એવું જ પાત્ર બની રહ્યો છે. મારે એનો ઘનિષ્ઠ પરિચય કેળવાયો ત્યારે અમે બેય આઠ-નવ વરસ આસપાસના હતા. એ અમારા ઘરથી નજીકના અંતરે આવેલા વિશાળ મકાનમાં રહેવા આવેલા અતિશય સમૃદ્ધ કુટુંબનો નબીરો હતો. એમાં પણ ચાર દીકરીઓ પછી જન્મેલો એટલે ખોટનો ગણાતો ઘૂઘો અસાધારણ લાડમાં ઉછરી રહ્યો હતો. ઉમરમાં મારાથી બે-ચાર મહિને નાનો હશે. શરીરસંપત્તિએ એ મારી જેવો જ હતો. આમ તો સાહસ એના સ્વભાવમાં વણાયેલું હતું, પણ ખરો વખત આવ્યે ફસકી જતો.

અમારા બેયના દાદા એકબીજાના સારા મિત્રો હતા. એ મૈત્રી વારસાગત ઉતરતી અમારા બે સુધી પહોંચી હતી. ‘આપડા દાદા અને બાપા ભાઈબંદું વોય તો આપડે ય હોવું જ પડે ને!’ એવી સમજણ સાથે અમે દોસ્તી કેળવેલી. વળી નજીકમાં જ રહેવાનું અને બેયનાં કુટુંબો વચ્ચે અંતરંગ સંબંધ એટલે નિકટ આવવાના પ્રસંગો આવતા જ રહેતા. લગભગ રોજેય અમે સાથે રમતા. મૂળે તો એ કુટુંબની આર્થીક અવસ્થા અમારા કરતાં બહુ ચડીયાતી ન હતી. પણ એના દાદા મુંબઈની એક જાણીતી પેઢીની ભાવનગરની શાખાના મેનેજર તરીકે બઢતી પામ્યા પછી એમની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ. એ લોકો ભાડાના મકાનમાં રહેતાં હતાં એમાંથી એના દાદાએ અમે રહેતાં હતાં એ ભાવનગરના નવા વિકસતા સારા વિસ્તારમાં જમીનનો મોટો ટૂકડો ખરીદ્યો અને એમાં સરસ બંગલો બંધાવ્યો. આમ બેય કુટુંબો ભૌગોલિક રીતે પણ નિકટ આવ્યાં. એ જમાનામાં ખુબ જ લોકપ્રિય હતી એવી ફોર્ડ કંપનીની મોટર પણ એમણે ખરીદી. સને ૧૯૬૧માં એમના ઘરમાં ટેલીફોન હતો ! યોગાનુયોગે એ કુટુંબની ચડતીના સમપ્રમાણમાં જ ઘૂઘાના દાદા જ્યાં નોકરી કરતા હતા એ મુંબઈની પેઢીની શાનમાં ઘટાડો થતો રહેતો હતો. અચાનક જ મુંબઈ નિવાસી શેઠીયાઓએ ભાવનગરની ઓફીસ બંધ કરી દીધી. અમુક વાંકદેખાઓ આ બાબતનું શ્રેય ઘૂઘાના દાદાને આપવાના પ્રયાસો કરતા હતા, પણ એ પોતે તો એ સંદર્ભે સાવ નિર્લેપ હતા.

અન્યથા અતિશય પ્રેમાળ એવા એ ગનુદાદા એમના ઘરમાં એકચક્રી શાસન ચલાવતા. આમ તો એ સમયગાળાના મોટા ભાગના દાદાઓ આપખુદી જ ચલાવતા, પણ આમની તો વાત જ જૂદી હતી. ઘૂઘાના બાપા પોતે ઊંચા હોદ્દા ઉપર સારા પગારની નોકરી કરતા હતા, પણ ગનુદાદા પાસે સાવ રાંક થઈને ઉભા રહેતા એમને મેં એક કરતાં વધુ વાર જોયા છે. ગનુદાદા સાથે કુટુંબનું કોઈ પણ સભ્ય બહાર જાય, તો એણે થોડાં ડગલાં એમની પાછળ પાછળ ચાલવાનું. સવાર-સાંજ રસોઈ એમને પૂછીને જ બનાવવાની. કોઈએ પણ બહાર જવું હોય તો એમની પરવાનગી લીધા પછી જ નીકળાય. હા, ઘૂઘા માટેનો એમનો પક્ષપાત એટલો બધો હતો કે એમના દ્વારા લાદવામાં આવતાં કોઈ પણ બંધનો કે નીતિ-નિયમો ઘૂઘાને લાગુ ન પડતાં. નાની ઉમરથી જ આ પરિસ્થિતિ જોઈ હોવાથી ઘૂઘો દાદાને છોડીને કુટુંબમાં કોઈને ગણતો જ નહીં. પારાવાર સમૃદ્ધિ અને જરૂરથી ઘણાં વધારે લાડની જે અસર થાય એ એના ઉપર દેખાવા લાગી હતી. એ જમવા બેસે ત્યારે કોઈ નવી વાનગીની ફરમાઈશ કરે એટલે એ શક્ય ત્વરાથી પૂરી કરવામાં આવતી. એ રમવા માટેનાં કોઈ પણ સાધન-સામગ્રી લેવા ઈચ્છે એ ચોવીશ કલાકમાં એને મળી જતાં. એને નિશાળે લેવા મૂકવા મોટરની સગવડ હતી. એ લોકોનો ડ્રાઈવર મણિલાલ એ ફરજ નિભાવતો. એ મણિલાલ ઘૂઘાનો અંગરક્ષક પણ હતો. ઘૂઘો રમતી વેળાએ અમ ભાઈબંધો સાથે કેવું વર્તન કરે એનો આધાર મણિલાલ આસપાસમાં હોય કે નહીં એની ઉપર રહેતો. અમારા લત્તાના ભરાડીમાંથી ભરાડી છોકરાઓ પણ ‘મણિયા’ની હાજરીમાં ઘૂઘાની બધી જ કનડગત સહન કરી લેતા. હું જો કે મણિલાલથી જરાયે ન બીતો. કારણ સમજાય એવું હતું _ અમારા વિસ્તારથી એકાદ માઈલ દૂર એક વસ્તીમાં એ ક્યારે અને શું કામ જતો એ હું જાણી ગયેલો, એ મણિલાલ જાણતો હતો.

ઘૂઘાની દાદાગીરી એટલી બધી હતી કે એ નિશાળે જતી વેળા એની એકેય બહેનને ક્યારેય મોટરમાં સાથે બેસવા ન દેતો. એ છોકરીઓ છતે સાધને પગ રગડતી નિશાળે આવજા કરતી. ઘરમાં પણ એની બહેનોને પજવવાનો એક પણ મોકો ઘૂઘો છોડતો નહીં. એ ચારેયને વારાફરતે કાંઈ ને કાંઈ કામ ચીંધ્યા કરે, પાંચીકે કે કોડીએ રમતી હોય તો એ ઉઠાવીને ફેંકી દે, સોગઠાબાજી રમતી હોય ત્યાં જઈને બધું વીંખી નાખે, વાંચતી હોય તો એ છાપું લઈને ફાડી નાખે. ટૂંકમાં એ કોઈ પણ રીતે આનંદ મેળવતી હોય એમાં ઘૂઘો રોડાં નાખતો. હદ તો ત્યાં છે કે એ છોકરીઓ સહિત પૂરું કુટુંબ આ બધાને ઘૂઘાની બાળલીલા સમજીને ખુશ થતું રહેતું. એ બધાં આવી બધી વાતો એની હાજરીમાં જ ફૂલાઈ ફૂલાઈને અમારી સાથે વહેંચતાં.

આનું પરિણામ એ આવ્યું કે દસેક વરસનો થયો ત્યાં સુધીમાં ઘૂઘો પોતાની જાતને સર્વોપરી સમજવા લાગ્યો. મા-બાપ પોતાની ફરમાઈશો પૂરી કરવા માટે હતાં અને બહેનો પોતાના હૂકમોનું પાલન કરવા માટે હતી એવું એ પ્રામાણિકતાથી માનતો થઈ ગયો. એટલેથી વાત પૂરી નહોતી થતી. એ ભાઈબંધ-દોસ્તારો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખતો થઈ ગયેલો. અમુક એવા છોકરાઓ પણ હતા જે એની દાદાગીરી ચલાવી લેતા, પણ મારા સ્વભાવને એ બિલકુલ અનુકૂળ ન આવતું. જેવો હું એની સાથે અસંમતિ દર્શાવું કે ઘૂઘો કોઈ પણ રીતે મને હેરાન કરવાના પેંતરા કરવા લાગતો. પરિણામે અમારે ઝગડો થાય. છેવટે એ પોતાનો મકસદ પૂરો કરી, રોતો રોતો ઘરે જઈને ‘પીયૂષીયાએ મને માર્યો’નો રાગ આલાપતો. એ સાથે જ એની બા મારે ઘરે આવી, મા પાસે “ભાભી! હવે આ પીયૂષ ફાટતો જાય શ હો, આજે ય મ્હારા ઘૂઘલાને માર્યો” જેવી મારી ફરિયાદ કરવા લાગતાં. શાહબુદ્દીન રાઠોડ અને વનેચંદની નિશાળના હેડમાસ્તર ઓઝા સાહેબની જેમ જ મા મારી ફરિયાદ આવે એટલે મને મારતી પહેલાં અને વિગતો પછી પૂછતી. એવે વખતે પોતે નરાતાળ જૂઠું બોલીને મને માર ખવરાવે છે એ જાણતો ઘૂઘો દૂર ઉભો ઉભો મારી સામે લુચ્ચું હસ્યા કરતો. આવું વારંવાર થવા લાગ્યું પછી મેં ખરેખર એને મારવાનું શરૂ કર્યું. જો કે એની પજવણીમાં તો કશો ય ફેર ન પડ્યો, પણ મને સંતોષ થવા લાગ્યો કે મા મને અમથી અમથી નથી મારતી.

એકવાર મારા જન્મદિવસ નીમિત્તે મને મારા બાપુજીએ મને જે લેવાની ખુબ જ ઈચ્છા હતી એવું લાલ રંગનું ટી શર્ટ અપાવ્યું. એ ઘૂઘો જોઈ ગયો. એ જ રાતે સાડાનવ આસપાસ એની બા કપિલાફઈ અમારે ઘેર આવ્યાં. એમણે કહ્યું કે બીજે દિવસે સવારે એ લોકોને ખોડીયાર દર્શન કરવા જવાનું હતું અને ઘૂઘો જીદે ચડ્યો હતો કે પીયૂષવાળું નવું ટી શર્ટ પહેરીને જ આવું, નહીંતર નહીં. “ હવે તમે જ ક્યો, ભાભી. ઈ દર્શને નો આવે તો માતાજી અમને જાકારો નો દે!” એમ કહી એમણે માને કહ્યું કે એ મારે માટે લવાયેલું તાજેતાજું ટી શર્ટ ઘૂઘા માટે લેવા આવ્યાં હતાં. “ઈ એકવાર પે’રી લે પછી હું ધોઈ, ઈસ્ત્રી કરીને પાછું દઈ જાશ્ય.” એમણે ઉપસંહારમાં કહ્યું. હું આ બધું સાંભળતો હતો. માએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર “હા, હા, લે વળી લઈ જાઓ ને! પીયૂષ પે’રે કે ઘૂઘો, ઈ છે તો પે’રવા હાટુ જ ને!” કહેતાં કબાટ ભણી પગરણ માંડ્યાં. આ માટે હું જરાય તૈયાર નહોતો.. મેં આ બાબતે ચોખ્ખી ના પાડી દીધી. એ ભેગો માએ મને એક તમાચો લગાવી દીધો અને ટી શર્ટ કપિલાફઈના હાથમાં મૂકી દીધું. એ ઘડીએ મારી નજર પડી કે ઘૂઘો બહાર ઉભો ઉભો લાક્ષણિક મુદ્રામાં હસી રહ્યો હતો. મને પારાવાર ક્રોધ ચડ્યો, પણ મેં એક આદર્શ રાજકારણીની માફક એને પાઠ ભણાવવા માટે યોગ્ય મોકો મળે એની રાહ જોવાનું નક્કી કર્યું.

એ મોકો મળવામાં ઝાઝો સમય ન વિત્યો. બેત્રણ દિવસ પછી એ કુટુંબને અમારે ત્યાં જમવા બોલાવેલું હતું. બન્યું એવું કે એની બા કપિલાફઈ અને સૌથી મોટી બહેન સવિતા માને મદદ કરાવવા વહેલાં આવ્યાં. રસોઈની તૈયારી જોઈને એ લોકો અંદરોઅંદર “તે બા, આ શાક તો ઘૂઘલો નહીં ખાય, હારે રાયતું નહીં હોય તો તો ઈ ભાણે જ નહીં બેહે!”, “તું મૂંઝા મા. મામી એની હાટુ ખાસ બનાવી દેશે. મારો રોયો બહુ હઠિલો છે, કાં?” જેવી ચર્ચા કરવા લાગ્યાં. યોગાનુયોગે હું એ વખતે આસપાસમાં જ ફરતો હતો. એવામાં જ ઘૂઘો મારા વાળું ટી શર્ટ પહેરીને પ્રગટ થયો! કપિલાફઈ તો આ જોઈને ઓળઘોળ થઈ ગયાં અને મુગ્ધ હાસ્ય વેરતાં બોલ્યાં, “ એલા ઘૂઘલા! આ તો મેં ધોઈ, ઈસ્ત્રી કરીને પાછું દેવા તૈયાર કર્યું હતું. ઈ તેં પાછું પે’રી લીધુ? કાઢ્ય, કાઢ્ય, કાઢ્ય મારા રોયા!” પછી એની સમક્ષ મેન્યુ ખુલ્લું મૂકતાં બોલ્યાં, “મામી તારી હાટુ શું બનાવે?” ઘૂઘાએ કોઈ સમ્રાટની અદાથી કહ્યું, , “ વઘ્ઘારીયો ભ્ભાત્ત, કેળાં-કાક્ક્કડીનું રાય્ય્ય્ય્યતું ને બટ્ટેટ્ટાંનું રસ્સાવાળું શ્યાક્ક્ક!” માએ એમ થશે એવો સધિયારો આપ્યો.હવે મારી ચીડ ચરમસીમાએ પહોંચી હતી. અમારા ઘરમાં જમવા બાબતે લોખંડી શિસ્ત પ્રવર્તતી હતી. જે પીરસાય એ ભાવવું જ જોઈએ અને ખાઈ જ લેવાનું હોય એવી સમજણ મેં મને કમને સ્વીકારી હતી. એની જગ્યાએ ઘૂઘા માટે એને ઘરે તો ઠીક, અમારે ઘરે પણ વિશિષ્ટ વાનગીઓનાં આયોજનો વિચારાતાં હતાં. એ બાબતની ઈર્ષ્યા અને એનું મારું ટીશર્ટ બઠાવી લેવું – આ બે બાબતે મારો પિત્તો છટક્યો.

મેં મુત્સદ્દીભર્યો કીમિયો વિચાર્યો. અમારા ઘરથી બહુ દૂર નહીં એવા મકાનમાં એક જશીયો ‘ભરાડી’ રહેતો હતો. એને મળેલો ઈલ્કાબ એણે ભારે જહેમત ઉઠાવીને પ્ર્રાપ્ત કર્યો હતો. મેં ઘૂઘાને સૂચવ્યું કે જશીયાને ઘરે રમવા જઈએ. મેં વિચારેલું કે કોઈ પણ મુદ્દે ઘૂઘો અને જશીયો બાઝી પડે એવી કોઈ ચાલ ચાલીશ. ઘૂઘો ઉભે મોલ બાઝણ વ્હોરી તો લેતો પણ મોટે ભાગે માર ખાઈને જ પાછો ફરતો. તે દિવસે પણ જશીયો એને ધોકાવશે એવું મેં માની લીધેલું. છોગામાં તે દિવસે મણિલાલ રજા ઉપર હતો એટલે ઘૂઘો ઢાલ-બખ્તર વગરનો હતો. આમ, મારા ભાગે તો રોતા ઘૂઘાને પાછો અમારા ઘરે લઈ જવાનું આવવાનું હતું. વડીલો પાસે “આ તો મેં એને બચાવ્યો, બાકી ઓલ્યો ભરાડી તો એને લોહીઝાણ કરી નાખત !” જેવાં વાક્યો ઉચ્ચારીને મારી છાપ સુધારવાની તક પણ મળવાની હતી. આમ, મેં દીર્ઘદ્રષ્ટીસભર આયોજન કર્યું હતું.

જો કે કોઈ કોઈ વાર આપણા આયોજન કરતાં ય વધુ અસરકારક રીતે આપણું લક્ષ્ય વિંધાતું હોય છે. તે દિવસે એવું જ બન્યું. અમે ભરાડીના ઘર તરફ જતા હતા એવામાં સામેની દિશાએ આઘેથી એક ગાય આવતી દેખાણી. ‘રાતડી’ નામની એ ગાય ખુબ જ મારકણી હતી અને કેટલાયને શીંગડે ચડાવી ચૂકી હતી. ઘૂઘા ઉપરની મારી દાઝ ઉતારવા માટે જ ‘રાતડી’ આવી હોય એવું મને લાગ્યું. હવે જશીયા સુધી લાંબા થવાની જરૂર ન રહી. મેં ઘૂઘાને કહ્યું કે બીજા બીકણ ફોશી છોકરાઓ રાતડીને જોતાં જ ભાગતા હતા, જ્યારે અમારી જેવા બહાદૂરોએ તો બીક રાખ્યા વગર ચાલ્યે રાખવું જોઈએ. આગળ વધતાં મેં એને અમારા માણેકવાડી અખાડામાં આવતા એક છોકરાની વાત કરી કે એ તો રાતડીને પૂંછડું પકડીને દોડાવતો હતો. આટલું સાંભળતાં જ ઘૂઘાના મોં ઉપર ક્ષાત્રત્વનું તેજ ઝળહળવા લાગ્યું. “એવું તો હું ય કરી હકું!” એણે હૂંકાર કર્યો. મારે શક્ય ઝડપે એને શક્ય પાનો ચડાવવાનો હતો. મેં એમ કર્યું અને એની અસર જણાઈ. ઘૂઘો સીધો જઈને રાતડીને પૂંછડે ટીંગાઈ ગયો ! હવે એ આને માટે સહેજેય સજ્જ નહોતી. એટલે એણે એક આદર્શ ગાયને શોભે એવી કુદરતી પ્રતિક્રિયા આપી અને દોડવા લાગી. ઘૂઘાની અપેક્ષા કરતાં ઘણી વધુ તેજ ગતિથી રાતડી દોડી. ઘૂઘો પૂંછડું પકડીને થોડું તો દોડ્યો પણ પછી ઢસડાવા લાગ્યો. એ હવે પૂંછડું છોડી શકે એમ નહોતો. એટલે એણે મદદ માટે બૂમો પાડવી શરૂ કરી. આમ તો હું એકાદા ઘરમાંથી કોઈને મદદ માટે બોલાવી શક્યો હોત પણ મને આ ઘટનાક્રમમાં વેરનાં વળામણાં દેખાઈ રહ્યાં હતાં. એટલે એ લંબાય એમાં મને રસ હતો.

એવામાં તો પરિસ્થિતિ વધુ રોચક બની ગઈ. પૂરઝડપે દોડતી રાતડી અચાનક ઉભી રહી ગઈ. આમ થતાં ઘૂઘો ગતિશાસ્ત્રના નિયમ મુજબ ગાયની આગળના ભાગે આવી ગયો. એ સમયે એને પૂંછડું છોડી દેવાનું સૂઝ્યું નહીં. પરિણામે એ હાથમાં પૂંછડા સહીત ફંગોળાતો રાતડીની જમણી બાજુએ આવી ગયો. રાતડી એ જ વખતે જમણી બાજુએ વળી. એની સાથે ટીંગાયેલા ઘૂઘાએ કોઈ અગમ્ય પ્રેરણાથી ડાબા હાથમાં એનું પૂંછડું પકડી રાખી, જમણા હાથે રાતડીનું શીંગડું પકડી લીધું. આમ ઘૂઘા અને રાતડી વચ્ચે એક મનમોહક વર્તુળાકાર રચાઈ ગયો ( સ્પષ્ટતા: ‘વર્તુળાકાર’ ગોળાકાર હોવો જરૂરી નથી. કોઈ પણ બે પ્રણાલીઓ કે હસ્તિઓની રચનાના બન્ને છેડા એકબીજા સાથે ભળી જાય તો એમની વચ્ચે વર્તુળાકાર રચાયો ગણાય). આ સાથે ગાય વધુ મૂંઝાણી. એણે કોઈ ચોક્કસ દિશા જોયા વગર જ આમતેમ દોડવા માંડ્યું. ઘૂઘાને ય ખબર નહોતી પડતી કે એણે શું કરવું. હવે તો એ સમક્ષીતિજ અવસ્થામાં ઢસડાઈ રહ્યો હતો. આસપાસનાં ઘરોના છોકરાઓ આ અલૌકિક દ્રશ્યાવલી જોઈને રાજીપો અનુભવી રહ્યા હતા. અમે બધા એક બાબતે એકમત હતા. “ઈ તો ગદનો ઈ જ લાગનો સે”.

આ ખેલ બધું થઈને પાંચ-સાત મીનિટ ચાલેલો. પ્રેક્ષકગણની સામૂહિક લાગણી તો એ ખાસ્સો લંબાય એવી હતી પણ અમારામાંના કેટલાકે ગાયનો ય વિચાર કર્યો. અમુકે “ હાલો, કાંક કરવી, ઘૂઘો જેવોતેવો તોય આપડો ભેરુડો સે” જેવા સુવિચારો વાતાવરણમાં વહેતા મૂક્યા. જો કે શું કરવું એ ખબર કોઈનેય નહોતી પડતી. એવામાં ગલીના નાકેથી પસાર થઈ રહેલા અમારા દૂધવાળા ભલાને મેં જોયો. જરા આગળ સુધી દોડીને મેં એને બોલાવ્યો અને એ વિકટ પરિસ્થિતિમાથી (રાતડીને!) બચાવવા અપીલ કરી. ભલાએ યોગ્ય માવજત વડે ‘ગાવડી’ને ટાઢી પાડી અને છેવટે ઘૂઘો છૂટ્યો. ઘરે જઈને ઘૂઘાએ અમારાં વડીલોને સમગ્ર ઘટનાક્રમની જાણ કરી. એણે પોતાને બચાવવા માટે મેં કરેલા પ્રયત્નનો ખાસ ઉલ્લેખ કર્યો અને આમ મારી તમન્ના પૂરી થઈ. ઘૂઘો સારી પેઠે હેરાન થયો. વળી એમાં મારી દેખીતી સંડોવણી નહોતી એટલે મારું નામ એ લઈ શકે એમ નહોતો. ઉલટાનું એને તો એવું લાગ્યું કે મેં એને બચાવવામાં યોગદાન આપ્યું. આ બાબતથી મને એટલો સંતોષ થઈ ગયો કે એ પછી એકાદ અઠવાડીયા જેવો સમય હું એનાં બધાં જ તોફાનો જીરવી ગયો. હા, પછી વર્ષો સુધી જ્યારેજ્યારે ક્યાંય પણ ‘ગાય આપણને બહુ જ ઉપયોગી છે’ એવું વાંચું કે સાંભળું ત્યારે હું ઉમળકાભેર સંમતિસૂચક ડોકું ધૂણાવતો.

ઘૂઘા સાથેનાં ઘણાં રોચક સ્મરણો છે. એમાંનાં કેટલાંક આવતી કડીમાં.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

5 thoughts on “ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો

 1. ઓ હો હો હો ! આ શ્રેણી તો જેમ જેમ આગળ વધતી જાય ઃએ તેમ તેમ તેનો કેફ વધારે ને વધારે ઘૂંટાતો જાય છે.

  અમે, ત્રીજો પક્ષ, દરેક કડી વાંચતી વખતે ગદ ગદ થઈ જઈએ છીએ,

  એ લખતી વખતે પિયૂષભાઇને તો એ ભૂતકાળમાં ડુબકીઓ મારવાની જે લહેજત પડતી હશે તે તો તેઓ જ અનુભવી જાણે.

  અહીં જે પાત્રોની વાત છે તેમને પણ જો યાદદાસ્તોનું આવું તાદૃશ વર્ણન વાંચવા મળે તો તો વળી કેવો જ અનુભવ તેમને થાય ?

 2. વાહ,પીયૂષભાઈ તમે તો મોજ કરાવી હો.
  ઘણા ની જિંદગીમાં આવા ઘુઘા તરખાટ મચાવ્યા હશે.

 3. જોરદાર પિયુષ ધી ગ્રેટ….લખાણમાં અને બદલવાની ચતુરાઈ માં.

Leave a Reply to કેતન Cancel reply

Your email address will not be published.