ફિર દેખો યારોં : હે શેક્સપિયર! તને અમે નીરો કહીએ તો ચાલે?

-બીરેન કોઠારી

ઈસુની પ્રથમ સદીમાં થઈ ગયેલો રોમનસમ્રાટ નીરો દંતકથારૂપ પાત્ર બની રહ્યો છે. ‘રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડી રહ્યો હતો’ જેવો રૂઢિપ્રયોગ તેના થકી એવો પ્રચલિત બન્યો છે કે તેમની વિદાયના બે હજાર વરસ પછી પણ તે વખતોવખત પ્રસ્તુત બનતો રહ્યો છે. પ્રજાની આપત્તિ ટાણે નીંભરતા દાખવતા, તેનાથી વિચલિત થયા વિના પોતાના મોજશોખમાં ગુલતાન રહેતા રાજકારણીઓ માટે તે વપરાય છે. આ રૂઢિપ્રયોગની છેક સાંપ્રત સમય સુધીની પ્રસ્તુતતા એ કરુણતાની નીચે ઘેરી લીટી દોરે છે કે નીરોના વંશજો વખતોવખત સત્તા પર આવતા રહ્યા છે.

તાજેતરના કોવિડ-19ના અભૂતપૂર્વ કટોકટી કાળમાં તમિળનાડુ સરકારે પોતાના રાજ્યનાં 1018 શહેરોનાં નામને બદલીને મૂળ તમિળમાં લાવવાનો નિર્ણય લીધો. આ નિર્ણય કંઈ સીધોસાદો નિર્ણય નથી. ખર્ચાળ અને ઘણે અંશે અવ્યવસ્થા ઊભી કરનાર પણ ખરો. ખાસ તો એ કે, આવા કટોકટીકાળમાં આ બાબત કેટલી તાકીદની છે? સૌ જાણે છે કે કોવિડ-19ના દરદીઓના આંકડાની વાત છે ત્યાં સુધી તમિળનાડુ હંમેશાં બીજા, ત્રીજા યા ચોથા ક્રમે સતત રહેતું આવ્યું છે. આવા સમયે પ્રાથમિકતા તમિળ ગૌરવ પુન:સ્થાપિત કરવાની હોય કે રાજ્યની આરોગ્યસુવિધાઓ બાબતે વધુ કામ કરવાની?

અંગ્રેજોએ દેશભરનાં સ્થળોનાં અસલ નામ બદલીને પોતાને બોલવામાં સહેલાં પડે એ રીતે નામ રાખેલાં. હવે આવા ભયાનક આપત્તિકાળમાં મૂળ નામ પાછાં લાવવાથી સંસ્કૃતિની મહાનતા પુન:સ્થાપિત થશે? આ નિર્ણય રેલ્વે અને ટપાલ ખાતાને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવ્યો છે. એ ઉપરાંત અન્ય અનેક સરકારી વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિભાગોમાં પણ અનેક ફેરફાર કરવાના આવશે. આપણી સંસ્કૃતિનું વાજબી ગૌરવ બરાબર છે, પણ હવે રાજકારણીઓ અન્ય સંસ્કૃતિને ઊતારી પાડીને પોતાની સંસ્કૃતિની મહાનતા સ્થાપિત કરવાના બાલીશ પ્રયત્નો કરે એ હાસ્યાસ્પદ કરતાંય વધુ તો અરાજકતા સર્જનારા નીવડે છે. ‘કોઈમ્બતોર’નું નામ ‘કોયમપુત્તૂર’ બને, ‘તૂતીકોરીન’ને બદલે ‘તૂટુકુડી’ બોલાય કે મદ્રાસના, હા ભાઈ, ચેન્નાઈના ‘ટ્રીપ્લીકેન’ અને ‘એગ્મોર’ વિસ્તાર અનુક્રમે ‘તિરુવલ્લીક્કેની’ અને ‘એઝુમ્બૂર’ તરીકે ઓળખાય એનાથી શું આપણી સંસ્કૃતિની ભવ્યતાની પુન:સ્થાપના થઈ જવાની છે? રાજ્યની આરોગ્ય સેવાઓનું સ્તર ઊંચું આવી જવાનું છે?

વહીવટી શાસનનું જે મોડેલ અંગ્રેજો મૂકીને ગયેલા છે તેમાં નામમાત્રનો ફેરફાર કરીને જ તેને આગળ વધારવામાં આવતું રહ્યું છે. આવી મહામારી વેળા લાગુ પાડવામાં આવેલો કાયદો સુદ્ધાં અંગ્રેજોના કાળનો છે. આવી સ્થિતિમાં કેવળ અંગ્રેજોએ પાડેલાં નામ બદલવાથી કયું સાંસ્કૃતિક ગૌરવ થઈ જવાનું? અંગ્રેજોએ પાડેલાં નામોને નકારનારા આપણે અંગ્રેજી શિક્ષણપદ્ધતિને ગળે લગાડીને ફરીએ એ પણ કેવી વક્રતા! નીરો કંઈ દર વખતે ફીડલ જ વગાડે એ જરૂરી નથી. એ સંસ્કૃતિગાન પણ ગાઈ શકે કે પછી જનતાને ચિંતનના ઉપદેશ પણ આપી શકે.

તમિળનાડુમાં આ મુદ્દે બે જૂથો બની ગયાં છે. એક જૂથ નામબદલીની તરફેણ કરે છે, જ્યારે બીજું જૂથ તેનો વિરોધ કરે છે. બે બિલાડી અને વાંદરાની વાર્તા દરેક યુગે, દરેક સ્થળે જુદી જુદી બિલાડીઓ વચ્ચે ભજવાતી રહે છે.

અગ્રણી દૈનિક ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ના કાર્ટૂનિસ્ટ ઉન્નીએ તમિળનાડુના શહેરોના નામ બદલવાના કાર્યક્રમને અનુલક્ષીને એક ધારદાર કાર્ટૂન ચીતર્યું છે. મોં પર માસ્ક બાંધેલો એક છોકરો માઈક્રોસ્કોપમાં જોઈ રહ્યો છે અને તે બોલે છે, ‘તમિળનાડુએ રસી વિકસાવવી જોઈએ. વાઈરસ વકરે ત્યારે દર વખતે સરકારે તેનું નામ બદલવું જોઈએ.’ કરવા જેવા કામને બદલે ભળતાંસળતાં કામોને પ્રાથમિકતા આપતા તમિળનાડુ સરકારના વલણ પર આનાથી વેધક કટાક્ષ બીજો કયો હોઈ શકે!

તમિળનાડુનું ઉદાહરણ એક માત્ર છે એમ માનીને હરખાવાની જરૂર નથી. ઘરઆંગણે ગુજરાતમાં આવા ભયાનક કાળમાં પણ ધારાસભ્યોની નિર્લજ્જ લે-વેચ થઈ રહી છે. બીજી બાજુ સરકાર અધિકૃતપણે જણાવી રહી છે કે તેની પાસે શ્રમિકોને વતનમાં મોકલવા માટે ભાડાનાં નાણાંની જોગવાઈ નથી. ધારાસભ્યોની ખરીદકિંમતના આંકડા અખબારોમાં જોવા મળે છે એ જોતાં લાગે કે આવા એક જ ધારાસભ્યની કિંમતમાં હજારો શ્રમિકોના વતનભાડાના નાણાં નીકળી જાય. એક તરફ સરકારી દવાખાનાંમાં ભલભલો સાજોસમો માણસ બિમાર પડી જાય એવા માહોલમાં બિમારોનો ઈલાજ થઈ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે દરમિયાનગીરી કરીને કહેવું પડ્યું કે કોવિડ-19ના દરદીઓ સાથે પશુઓ કરતાંય બદતર વ્યવહાર કરવામાં આવે છે. સરકારી દવાખાનાંના કર્મચારીઓની સ્થિતિ વિશે કંઈ કહેવા જેવું નથી. તેમને ‘કોરોના વૉરિયર’ તરીકેનો પાનો ચડાવીને થાળીતાળી વગાડીને ફૂલડે વધાવી દીધાં એટલે જવાબદારી પૂરી. અને આ કામ તો સરકારે સુદ્ધાં કર્યું નથી, સરકારના કહેવાથી લોકોએ કર્યું છે. પણ આ જ અસલિયત છે. ‘વાઈબ્રન્ટ’ શબ્દને ઉછાળી ઉછાળીને ગુજરાત સાથે એ રીતે જોડી દેવામાં આવ્યો છે કે ‘અરુણાચલ પ્રદેશ’ કે ‘ઉત્તર પ્રદેશ’ની જેમ ‘વાઈબ્રન્‍ટ ગુજરાત’ સળંગ નામ ન હોય! ‘ગુજરાત મોડેલ’માં વાસ્તવિકતાના નામે પ્રધાનોના ચહેરાની મસમોટી છબિઓ જ જોયા કરવાની હોય તો એ સવાલ થાય કે જાતભાતના ઉત્સવો માટે ખર્ચાયેલાં નાણાં ખરેખર શેમાં ખર્ચાયા?

સંસ્કૃતિગૌરવ હોવું ખોટી વાત નથી. પણ સંસ્કૃતિના નામે માત્ર ને માત્ર દેખાડો કરવો, અને કેવળ સસ્તા રાજકારણ માટે તેનો ઉપયોગ કરવો એના જેટલી અધમ બીજી કોઈ બાબત નથી. આવા કટોકટીકાળમાં પણ ગમે એ મુદ્દાને કોમી રંગ આપવાની નેતાઓની હરકત પર તો ફીદા થઈ જવાય એમ છે! અને તેમને મળતી સફળતા જોઇને આપણી પ્રજા પર આફરીન પોકારી જવાય એમ છે. શાસનકર્તાઓ કોઈ નક્કર કામ કરવાને બદલે વારેવારે સંસ્કૃતિની દુહાઈનો ઘૂઘરો પ્રજાના હાથમાં પકડાવી દેતા હોય, અને પ્રજા પણ બીજી બધી તકલીફો ભૂલીને એ ઘૂઘરો રણકાવવા માંડે અને નીરોની ફીડલ સાથે તાલની સંગત કરવા લાગે ત્યારે સમજી લેવું કે સ્વતંત્રતાપ્રાપ્તિને ભલે સાત દાયકા વીત્યા, હજી આપણે પુખ્ત થવાનું બાકી છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮-૬-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – નેટ પરથી લીધેલ ચિત્ર – Nero Fiddling While Rome Burns, 1972 – લેખની શૠઆતની સાથે સુસંગત સંદર્ભ પર ભાર મુકવા માટે લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.