મારું વાર્તાઘર : કંપન જરા જરા

રજનીકુમાર પંડ્યા

છોકરાની નોટમાંથી કવિતા નીકળી. બાપ તરીકે વાંચવાની મારી ફરજ. વાંચી ગયો તો એમાં કોઈ બિનામી છોકરી પ્રત્યેના થોડાંક મુક્તકો હતાં. આ જમાનામાં કોઈને નવી કવિતા બનાવવાની તરખડ કરવાની રહેતી નથી. ફિલ્મોનાં ગીતો જ એનાં તૈયાર ચોસલાં જોઇએ તેટલાં કાઢી આપે છે. છતાં કનકને જરૂર શી પડી કવિતા કરવાની? વધુ પડતો પડી ગયો લાગે છે પ્રેમમાં. મૂછના હજુ તો ચાર દોરા ફૂટ્યા છે ને અવાજની પૂરી ઘાંટી બી ફૂટી નથી. ત્યાં આ ! હકીકતમાં વધુ તો વાંક છોકરીઓના હોય છે. નજરથી નજર મીલાવે, આંખો પટપટાવે ને પછી સામો આસામી જરા ઘાયલ થાય ને ત્યારે આ માયાઓ બેચાર તીર આકરાં ફેંકે એટલે પછી કવિતા, શેરો, શાયરી ને એવું બધું ઢીલું-પોચું રૂ જેવું ફેકાવાં માંડે. આમને આમ ઘોડાગાડી જોડાઈ જાય. બાકી વરઘોડો તો જોડતાં જોડાય.

અમારા વખતમાં સાવ આવું નહી.

છોકરાની નોટમાંથી એક ચેપાયેલું ફૂલ બી નીકળ્યું. તદુપરાંત પતંગીયાની એક પાંખ, એક એક્ટરની સહી, કોઈક ભાઈબંધનું સરનામું. ફોન નંબર એ બધું એકલઠ્ઠું નીકળ્યું. એક પાના પર ગાવસ્કરે રોજરોજના કરેલા રનની ચેકચાકવાળી યાદી, બીજા પાને એસ.ટીના પાસનો નમ્બર ને તેની નીચે બી બે બદામ જેવા હોય એવાં બે તીર, ને એક જ તીર વિંધે ને મહીંથી લોહી દદડે એવા ટપકડાં. હકીકતમાં આ બધી આ ઉંમરની રૂવાંટી એ સાચું. એમાંથી કોઈ બાકાત નહીં એ પણ સાચું.

પણ અમારા વખતમાં આવા ફંફેડા નહીં.

કનકે બેલ માર્યો એટલે ઝટપટ મેં એની નોટબુક બંધ કરી દીધી ને સામેના અરીસામાં ઊંડો ઊતરી ગયો હોઉં એમ એના ડ્રેસિંગ ટેબલ પર જ ચોંટ્યો રહ્યો. એણે દરવાજો ખોલ્યો તો ડ્રેસીંગ ટેબલ પર પડેલી એની ઉઘાડી નોટબુક જોઈને એને અસુખ થયું તે મેં આયનામાં જોયું. પણ હું તો પાકો. આપણે તો એવું રાખ્યું કે જાણે નોટબુક જોઈ છે જ કોણે?

એણે સડપ નોટ ઉઠાવી, બગલમાં દબાવી ને જવા પગ ઉપાડ્યો ત્યાં હું અરીસામાંથી બહાર નીકળ્યો, “કનક ! ”

એ ખમચાઈને ઊભો રહી ગયો.

“ક્યાં ચાલ્યો આમ આવીને તરત જ?”

“ફ્રેન્ડને ત્યાં” એ બોલ્યો–“વાંચવા”

“ક્યો ફ્રેન્ડ?”

મોઢે ચડ્યું તે નામ ફેંકીને ગછન્તિ કરી જવાની એની નેમ, પણ આપણે કંઈ માથામાંથી બધા જ ધોળા વાળ થોડા વીણી કાઢેલા? સંધુ સમજીએ. પણ કોઈને ઊભા ઉતરડીને ખુલ્લા પાડવાની ટેવ જ ન મળે. દીકરો જ કેમ નથી?

“તારી મમ્મીને મળીને જજે.”

“કેમ?”

હવે ‘કેમ ને બેમ’ આવા સવાલ જ બિનજરૂરી હોય છે એમ તો એ પણ સમજનારો. મેં એના ‘કેમ’ નો જવાબ આપ્યો એટલે એણે નોટ ટેબલના ખાનામાં ઠાંસી, ખાનાને ચાવી મારી, અંદરના ઓરડે પેસ્યો. હું પાછો વિચારે પડી ગયો. જમાનો બારીક છે. કોઈ ત્રીજીના પ્રેમમાં પડેલા જુવાનને સીધું જ આમ બીજીને પાસ કરવાનું કહેવું હોય તો એને માટે હોશિયારી જોઈએ, જે મારામાં ન મળે. મારે પોતાને આમાં વચ્ચે પડવું એવો વિચાર પણ મારા મનમાં જન્મીને મરી ગયેલો. એટલા માટે મરી ગયો કે લાંબુ વિચાર્યે એ સમજાયું કે બૈરાં જે નજાકતથી વાત કરી શકે છે તે રીતની આપણે નથી કરી શકતા. વેપારમાં ભલે આપણે જીભચાલાકી કરી શકતા હોઈએ, પણ આવા મામલામાં તો છેવટ હિસાબના સરવાળે માર ખાઈ જઈએ. ધારી લો કે આ એકનો એક છોકરો કહે કે મને મારી નોટબુકમાં માંડેલી આ છોકરી સિવાય બીજી કોઇ ન ખપે તો આપણે સામે હસીને બેઠા રહેવાના? ના, અરે ઠોંટબુંસટ લગી વાત પહોંચી જાય ને એમેય કરતાં પાછી પતે તો નહીં, નહીં ને નહીં જ. એટલે છેવટ એની મમ્મી માથે ઢોળ્યું. એ અંદરના ઓરડે પેઠો અને હું અહીં આ પ્રેમ કંઈ ચીજ છે એના વિચારે ચડી ગયો. આપણને થયેલો કે નહીં કે’દાડો? યાદશક્તિ ઉપર ભારી જોર આપ્યું. યાદ કર્યું, ભારી યાદ કર્યુ, વાર લાગી. પચાસ સાઠ વરસની મજલ પાછા પગે કાપતાં વાર તો લાગે જ ને ! કેટલા બધા ચાંદલા-કપાળ મનમાં ઝળક્યા ઝળક્યા અને લૂછાઈ ગયા. શરૂ શરૂના બે ચાર અફલાતૂન હતા. એ બધી પંદર સત્તરની માંડ અને હું વીસેકનો માંડ. આંગડિયાની દુકાને નોકરી કરું. કેટલો પગાર માંડવો એ બી નક્કી નહીં. ભણાય એટલું ભણ્યો. બાકી નોકરી નક્કી ઠરાવી હતી એટલે કરતો હતો. સાયકલ આવડે એ મોટી લાયકાત. આડેઅવળે નજર ન નાંખવાની એ બીજી લાયકાત. જે શેઠે ખાસ કબૂલ કરાવેલી.

વિચાર આટલે સુધી પહોંચ્યો ત્યાં અંદરથી કનક આવ્યો. પાછળ ને પાછળ એની મમ્મી આવી. ડ્રેસિંગ ટેબલના આયનામાં એ બંને મને દેખાયાં કે તરત જ હું મનમાં લાંબે સુધી આગળ નીકળી ગયો હતો તે પાછો વળ્યો. બોલ્યો, “કાં?”

“કનક સમજી ગયો છે.” એ બોલી: “તમે બાપ-દીકરો કાલે સવારે નીકળી જાઓ.”

કનક સામે મેં જોયું. ખીજમાં હોય તો સાત હોય. આપણે તો એ સાથે આવવા રેડી થઈ ગયો એ જ નફો સમજવો. છોકરીને જોશે પછી નફો જ નફો છે. મનહર ગોવિંદની છોકરીમાં શું નથી? રૂપ, ગુણ, ભણતર, પૈસો અને હાડ બધુંય છે. નોટબુકવાળીને પડતી ન મુકે તો કે’જો.

અને બીજી વાત ! કનકે ના પાડવાનું કોઈ કારણ નથી. એક વાર જો એમાં એ પલળ્યો તો પછી નોટબુકવાળી બિનામી છોકરીના બધાજ કવિતડાં એના નામે ટ્રાન્સફર થઈ જાય, એ અઘરું નથી, થઈ શકે. એટલે સવારે અમે નીકળ્યા તો સાથે જ, પણ એ આપણાથી સાવ અળગો અળગો ચાલે. એના બગલથેલામાં જોઉં તો પેલી નોટબુક. આવું છે. કાચી બુદ્ધિ લગભગ પચીસેક વર્ષ સુધી રહે છે. હજુ આને એકવીસમું બેઠું છે. નહીંતર સામાનમાં આ કચરો ભેગો કરી લેવાનું કોઈ કારણ? પૂછ્યું તો બોલ્યાં કે મારી ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને સ્યોર સજેસન્સની નોટબુક છે. રસ્તામાં વાંચવા લીધી છે. જો કે, હું તો જાણું છું કે અંદર કયા ક્વેશ્ચન્સ અને કયા સજેસન્સ છે. અને કેવી રીતના ઈમ્પોર્ટન્ટ છે. પણ મેં એની મમ્મી સાથે બોલી કરી હતી કે એના હાલના આ લફરા વિશે હું કાંઈ જાણતો નથી- એમ જ બને ત્યાં સુધી વરતવું. નહીંતર શું કે એવું થાય કે આનું મગજ વટકે અને પ્લેટફોર્મથી પાછો વળે. બાજી બગડી જાય.

એટલે મેં કહ્યું, “ઠીક.”

બાકી જે છોકરી મને આ ટાણે યાદ આવી તે પરાગી. આપણે એની સાથે કોઈ પ્રેમ જેવી ચીજ ન મળે. ફક્ત એટલું કે અમારા ઘરમાં હું ચૌદ વર્ષનો થયો ત્યારથી થોડી ગનસન થયા કરે કે એની સાથે મારું સગપણ થવાનું છે. એ વખતે એક વાર એને જોઈ લેવાનું મન થયેલું અને એમ ને એમ ઊભું રહેલું. પણ પછી મોકો ગોતતો હતો ત્યાં જ મળ્યો. એક ભાઈબંધના મોટાભાઈની એ સાળી થાય. ‘પરાગી, પરાગી’ એના મોંએ વારેવારે સાંભળું તો એ પાછું વળી એનું નામ કે કોઈનુંય ન હોય. એટલે મેં જ્યારે દોસ્તારને પૂછ્યું કે આ જે ‘પરાગી પરાગી’ થાય છે તે મગન ભગવાનની છોકરી? જો એ જ હોય તો એની સાથે મારો સંબંધ કરવાની વાતચીત ચાલે છે એ જ નક્કી. આપણને એક વાર ખાનગીમાં જોવા મળે?

ખાનગીમાં જોવા મળે એ માટે ભાઈબંધને એટલી બધી વાર કે’ કે’ કર્યું કે થોડા દિવસ તો એ મારી સાથે ઠામૂકો બોલતો બંધ થઈ ગયો. એ વખતે આવું હતું. એમ નહીં કે આ કનકની જેમ નોટબુકમાં કવિતા-બવિતા લખી છે કે પતંગીયાની પાંખ સંઘરી છે ને દિલ-બિલ ચીતરીને લોહી-બોહી કાઢ્યાં છે. કનક નોટબબુક લઈને સ્ટેશને પણ એવી રીતે ફરતો હતો કે જાણે કે હું ઝૂંટવી લેવાનો હોઉં. છોકરમત સિવાય બીજું શું?

ગાડી ઊપડ્યા પછી મને મનમાં સળવળાટ થયો. “અલ્યા ભાઈ શું છે આમાં તે આટલું બધું સાચવે છે?”

પહેલાં તો એ ચમકી ગયો પણ પછી ગંભીર થઈ ગયો. કહે, “સાચું કહું છું, પપ્પા! આમાં મેં મારી ફ્રેન્ડ ઉપર લખેલી કવિતા છે.”

“ફ્રેન્ડ?” મેં એવું મોઢું કર્યું કે જાણે કે હું કશું જાણતો જ નથી. શું કામ કહેવું?

“ગર્લ ફ્રેન્ડ!” એ આંખો ઊલાળીને બોલતો હોય એમ બોલ્યો. “બહુ બહુ સ્વીટ છોકરી છે, પપ્પા..”

મેં તો એની મમ્મી સાથે બોલી કરી હતી કે વાત નહીં ઉખેળું. પણ હવે જ્યારે ભાઈશ્રી પોતે જ વાતનું ફીંડલું છોડે છે ત્યારે મારે બોબડી બંધ રાખવાનું કોઈ કારણ ખરું? પૂછી નાંખ્યું; “લવ-બવનું કોઈ લફરું નથી ને, દીકરા?”

હસ્યો. મરક મરકથી વધારે, બાળકની જેમ ખુંણિયું સ્મિત કરીને એ બોલ્યો, “હોય તો ય શું, પપ્પા?”

“કેમ?”

“તમે મને એની સાથે થોડા મેરેજ કરવા દેશો?” એ બોલ્યો: “મમ્મી કહેતી હતી કે નહીં જ કરવા દો.”

હદ કહેવાય આ છોકરો. આવું પૂછાય? પરાગી સાથે મારા વેવિશાળની વાત લગભગ નેવું ટકા નક્કી હતી, છતાં કદી મેં મારા બાપને એમ પૂછેલું કે સગપણ ક્યારે કરવાના છો. અરે, એ વિચારથી આપણી નસ ફાટી જાય ને વાતથી બાપની નસ ફાટી જાય. જો કે, મનમાં થયું’તું પૂછું પૂછું કારણ કે પરાગી મને ગમતી હતી. નામથી જ અસલમાં ગમી ગયેલી, પણ જ્યારે એક લગ્નપ્રસંગમા અમે મોઢામોઢ થઈ ગયા હતા ત્યારે નક્કી કરેલું કે પરણવું તો આ સિકલને જ. મૂળ બન્યું હતું એવું કે હું અને મારો દોસ્તાર ચાલ્યા જઈએ. ને સામેથી એક માખણનો પીંડો ચાલ્યો આવે. આજુબાજુ બીજી ત્રણ ચાર સહિયરો પણ ખરી. પણ એક આ જુદી તરી આવે. તાજું તાજું કમળ. એમ લાગે કે તળાવમાંથી નાહીને સીધી ચાલી આવે છે. મને જોઈને કોઈ સહિયરે શી ખબર એના પડખામાં ચિંટિયો ખણ્યો હોય કે ભગવાન જાણે, એ એકદમ ધીમી પડી ગઈ. સામે જોયું ન જોયું કર્યું અને કીકી ઢળી ગઈ. એની બેનપણીઓય કેવી કે સૌ આજુબાજુમાં આડીઅવળી થઈ ગઈ. ગાભરી ગાભરી થઈને એ આજુબાજુ જોવા માંડી. એ વખતે મેં જોયું તો મારો ભાઈબંધ પણ અંતર્ધાન ! સમજાયું. અમને ભેગા કરવાનું જ પૂરું કાવતરું ! એનું મોઢું લાલ લાલ થઈ ગયું. આંખોમાં નજર કરો તો રીતસરની કંડારેલી લાગે. વારંવાર પાંપણનાં પલકારા ધોરણસર વીંઝાયા કરે.

મને ખુશી સંકોચ-છાતી ધકધક-બધું એક સામટું થયું હતું. મને યાદ છે.

એ બી ઊભી રહી ગઈ હતી ત્યાં ને ત્યાં જ. હું સામો ચાલ્યો. એની નજીક આવ્યો તો લાગ્યું કે સુખનો ઢગલો અહીં છે. અહીં હોવાનું સુખ એ દુનિયા આખીનું મોટામાં મોટું સુખ.

‘કાં !’ સાવ ધીમેથી, શ્વાસમાં બોલવાનું હોય એમ હું બોલ્યો.

ચકલીની ચાંચની જેમ ગુલાબી હોઠ થોડા કંપ્યા, પણ કોઈ શબ્દ અંદરથી ફફડીને બહાર પડે તે પહેલાં બહાર એકાએક શરણાઈના સૂર શરૂ થયા. ઢોલ પર થાપી પડી. બૈરાઓનાં ઝુંડનો આ તરફ આવવાનો પગરવ સંભળાયો. પરાગી જરા ધ્રુજી ગઈ ને તરત જ સાવધ થઈ ગઈ.

‘તમે જાઓ અહીંથી’ એ બોલી. ‘પછી, પછી….મળજો.’ બોલતાં બોલતાં એને લાગ્યું કે કંઈક મહાપાપ થઈ ગયું છે. આ ઊંચક-નીચક છાતી પર હથેળી ચાંપીને બોલી: ‘હાય મા, હવે શું થશે?’

પણ કશું થયું નહીં. હું આગળ નીકળી ગયો. થોડો કંપ મારામાં વ્યાપી ગયો હશે. ક્ષણના સુખનો ગઠ્ઠો બરફની જેમ પીગળવા માંડ્યો. બહાર નીકળીને જોયું તો દુનિયા આખી પલટાઈ ગઈ હતી. ઢોલીડો ઢોલ ઢીબકતો હતો, બ્રાહ્મણો શ્લોક બોલતા હતા. બૈરાંઓ બેસી ગયેલા, થાકેલા અવાજે ગીતો ગાતાં હતાં. ને શેરીમાં ખૂણે પતરાવળાંનો એંઠવાડ પડ્યો હતો. ગાય ત્યાં ઊભી ઊભી નાક ફુત્કારતી હતી. બધું બહુ મામુલી લાગતું હતું. ખીજ ચડે એવું. મારા સંબંધનું એમાં કંઈ નહોતું. હું આ બધાથી દુર, જુદો, જરી અદ્ધર ઉંચકાઈ ગયો હતો. છલક છલક થતો હતો અંદર ને અંદર. ભાઈબંધે આવીને પાછળથી પીઠે ધબ્બો માર્યો. કાન પાસે કોઈએ ફટાકડો ફોડ્યો હોય એમ હું હબકી ગયો.

આવું થયું હતું એ વખતે. ચાલીસ વરસ ઉપર. બહુ યાદ કર્યુ તો આ આખો ટુકડો અકબંધ નીકળ્યો.

“પપ્પા…” કનકે પૂછ્યું: “શા વિચારમાં પડી ગયા?”

“કંઈ નહીં એ તો…” મેં કહ્યું. “તારા મેરેજની વાત તેં ખુદ કરી એટલે વિચાર કરતો હતો કે આ આપણે જે કન્યા જોવા જઈએ છીએ તે જો મનમાં બેસે તો પછી ચોળાચોળ ન કરતો. હા જ પાડી દેજે. આ નોટબુકવાળીને તો એના જોગું ક્યાંક મળી જ રહેશે.”

એનું સ્મિત પણ મશ્કરી જેવું, યા મને એવું લાગ્યું હોય. ચાલુ ગાડીએ શું કહેવું? નહીંતર મારો મગજ તેજ. ન બોલ્યો ને એ આંખો બંધ કરી વિચારે ચડી ગયો. પહેલી વાર મને લાગ્યું કે એણે રેઝરથી મૂછ દરરોજની દરરોજ લઈ લેવી જોઈએ. આમ તો માણસ દેવદાસ લાગે. કાંઈક વાત તો કરવી ને?

મેં પૂછ્યું, “એવડી એ છે કોણ?”

હાથની અદબ અને આંખો ખોલીને કનકે મારી સામે જોયું : “કોણ?”

“આ તું કહે છે એ તારી સ્વીટ ગર્લ ફ્રેન્ડ, બીજી કોણ?”

ખોટું નહી કહેવાય. એના ગાલે થોડી શરમ તો ઝબુકી. પણ અમારા જમાનામાં અમે જેમ શરમમાં ભોંમાં ઘરી જતાં એવું નહીં. અમારે તો અમારા પિતાશ્રી સાથે એવા ડાયલૉગ કદીએ ન થાય. મારી વખતે જો ડાયલૉગ થયો હોય તો હું જરૂર કહેત કે આપણું પરાગી સાથે જ ગોઠવો-ને આજે એમ લાગે છે કે, સાલું.. કહ્યું હોત તો થઈ બી ગયું હોત. ઓહો, ઓહો, તો તો પછી વાત જ ક્યાં કરવી? સાવ ઊતરડી નાંખેલા એણે આપણને. જ્યાં ત્યાં ભીડમાં હું તેને વીણ્યા કરું. ને મળે નહીં ત્યારે ન મળવા બદલ એના પર ખીજ બી ચડે. એક વખત નિશાળે જતી સરખે સરખી છોકરીઓના ટોળી પાછળ બે ત્રણ ગલી સુધી અને એમાંથી લાંબા ચોટલાવાળી તે જ પરાગી એમ નજર રમાડતો રહ્યો. પણ નીકળી કોઈ બીજી જ. એ વખતે ય એના પર ચીડ ચડી. એ ટોળીમાં એ નહોતી જ. એમ કેમ? હોવું જોઈએ ને? આ વાત મેં મારા દોસ્તારને કરી તો તે કહે કે પરાગી તો બીજી ગર્લ્સ સ્કુલમાં ભણે છે. એ આ રોડે કેવી રીતે નીકળે? હવે આ વાતની તો આપણને શી ખબર પડે? હું કઈ એને પૂછવા ગયો હોઉં કે ભઈ, તું કઈ ગર્લ્સ સ્કુલમાં ભણે છે? ક્યારે જાય છે? કોની કોની ભેગી થાય છે? રસ્તામાં હું ફૂવારા પાસે મળું તો ત્રાંસી ત્રાંસી નજરે પણ એકાદ વાર મારા સામે જોઈ લઈશ કે નહી?

પણ આ બધું હું એ એકવાર ફેસ ટુ ફેસ થાય ત્યારે પૂછું ને? અરે, જ્યાં મોઢું જ બીજી વાર માંડ જોવા મળ્યું હોય ત્યાં બીજી વાત ક્યાં કરવી? બીજી વાર મોં જોવા મળ્યું તે પણ માંડ માંડ. ગુરુકુળમાં મેદાનમાં ગામની બધી સ્કુલોનું મેળાવડા જેવું હતું. દોસ્તારે વાત કરી કે પરાગી ત્યાં આવે આવે ને આવે જ. એમાં આવવું ફરજીયાત હોય છે. આ સંજોગોનો તો આપણે લાભ લેવાનો જ હોય એમ ઈસી મિનિટે મનમાં ગાંઠ વાળેલી. ગાડી ઊભી રહી ત્યાં કનકે પૂછ્યું, “પપ્પા, તમે ફરી વિચારે ચડી ગયા?”

“ના હો.” મેં કહ્યું, “ના હો ! આ તો જરા અમસ્તું જ. ઊંઘ જેવું લાગતું હતું.”

એ ઊતરીને ચેવડો લઈ આવ્યો- પાણીના ગ્લાસ ભરી લાવ્યો. અમે નાસ્તો કર્યો ખરો પણ મૂંગા મૂંગા. છેવટે એના મનમાં જ સળવળ સળવળ થઈ તે સામેથી જ પૂછ્યું. “પપ્પા, તમે કઈંક પૂછતા હતા ને? શું? કે મારી પેલી સ્વીટ ગર્લફ્રેન્ડને એવું કંઇક…”

“તું શરમાવા માંડ્યો એટલે મેં પૂછવાનું મુકી દીધું. પછી ઝોલે ચડી ગયો.”

એ ચમકારાવાળી આંખ કરીને બોલ્યો; “એમાં તો એવું છે ને, પપ્પા કે કંઈ ખાનગી નથી. અમારી આખી કોલેજ જાણે છે કે એને ને મારે આવું છે.”

મને કંઈક યાદ આવી ગયું. “પણ એ ખુદ જાણે છે કે નહીં? જાણતી જ હશે ને? એટલે તારે કદી એની સાથે વાત થઈ નથી?”

“ના!” એ બોલ્યો; “વાત તો નથી થઈ. એક વાર ફેઈસ ટુ ફેઈસ મળેલા એટલું જ, પણ હેં પપ્પા! એટલામાં એ સમજી ન જાય?શું કહો છો?”

ઘણે ઘણે દુરથી ફટાકડાનો અવાજ આવતો હોય તેમ મારા મનમાં શબ્દ ફૂટ્યો. “છોકરી.”

પણ પછી એને દાબી દઇને હું પ્રગટપણે બોલ્યો; “છોકરીની જાતનું કંઈ કહેવાય નહીં. પણ એ ય હકીકત છે કે મુદામ વાત થયા વગર એવડી એ જાણેય કેવી રીતે? તારે પોતાને હિંમતથી વાત કરી લેવી જોઈએ. આ કંઈ અગાઉનો જમાનો થોડો છે? અત્યારે તો કેટલું સારું છે કે છોકરા-છોકરી સાથે ભણે છે- એકબીજા સાથે વાત કરે છે ને…”

“પણ..” એ બોલ્યો : “છોકરીઓ હજીય શરમાય છે.”

વાત સાચી હશે. પરાગી સાથે બે વેણ બોલવા માટે આપણે જે કંઈ દાખડા કર્યા હતા તેની યાદી ઘણી લાંબી છે. મેં પણ નિશાળના મેળાવડા વખતે ગુરુકુળની પાછળના ભાગમાં મળવાનું મનોમન ધારેલું. એમાંય એક જૂનો આંબો મનોમન ધારેલો. ઝાઝી કોઈ ગણતરી નહીં. બસ એટલું જ પૂછવું હતું કે હું તને ગમું છું કે નહીં? દોસ્તારને કહી દીધેલું કે તારી તો એના ઘરમાં આવ-જા છે. આમ અમારું આટલું મળવાનું ગોઠવી દે તો ઉપકાર. કોઈ ન જાણે એમ કહેજે.’

પણ એ દોસ્તારેય પાછો એવો ખડ મગજનો કે મેં એને આ કામ ચિંધ્યા પછી આઠ દિવસ સુધી ડોકાયો જ નહીં. અહીં મારો જીવ જતો હતો. પરાગીની નિશાળના રસ્તે સવાર-સાંજ હાથમાં આંગડિયાની ટપાલ હોય તો ય ઊભો રહું. એને જતી આવતી જોઉં એનું ધ્યાન પડે તો એ નીચી નજર કરીને બીજી છોકરીઓ સાથે નીકળી જાય. મારે તો એને પૂછવું હતું એટલું જ કે તું તો મને વિદ્યાના સોગન, એટલી બધી ગમે છે કે વાત નહીં, પણ હું તને ગમું છું? જો આટલાનો જવાબ ‘હા’ આવે તો એમ પણ પૂછવું હતું કે આપણા વેવિશાળની વાત ચાલે છે તે તારા ઘરમાં ક્યાં લગી પહોંચી?

આટલી વાત કરવા માટે ગુરુકુળના જુના આંબે મને મેળવી દેવા માટે દોસ્તારને કહ્યું હતું તો એ મને ટગાવીને આઠમે દિવસે આવ્યો ને કહી દીધું કે, ‘હા, કહ્યું છે.’

મેં પૂછ્યું કે ‘શું?’ તો એ બોલ્યો કે એમાં રિપિટ શું કરાવે છે? તે કહેલું કહેવાઈ ગયું છે.

મેં પૂછયું : “પણ એણે હા પાડી કે ના?” તે કહે, “શેની?” મેં કહ્યું કે, ‘ડફોળ, મળવાની!-મને મળવાની હા પાડી કે ના?’ જવાબમાં એ બોલ્યો નહીં ને વેખલાની જેમ, આપણને ખીજ ચડે એવું હસ્યો. હસતાં હસતાં આઘો જતો રહ્યો ને દુર ઊભા ઊભા પેન્સીલને અણી કાઢવા માંડ્યો. પછીના ચાર દિવસ તો મારા કેમ ગયા તે મારું મન જાણે છે. પરાગીએ મળવાની હા પાડી હશે કે ના? છોકરીની જાત છે. બીકણ હોય છે. ન પણ આવે. જો કે, આવશે આવશે એમ વળી લાગતું હતું.

મેળાવડાના દિવસે સવારથી ગુરુકુળના પાછળના મેદાનમાં હરફર કર્યા કરી. પેટમાં પણ કોણ જાણે જીવ ચુંથાતો હતો. શેઠ પાસેથી રજા લઈને સવારનો નીકળી ગયેલો, પણ જાણે એમ લાગે કે કદી નોકરીમાં હતો જ નહીં-હોવાય જ નહીં. સૌથી અળગો અળગો ફરું ને વારંવાર નજર જૂના આંબાના થડની આસપાસ દોરાની જેમ વીંટાયા કરે. આવું થતું હતું. અત્યારે આટલા વરસે યાદ આવતું હતું.

એકાએક સાંકળ ખેંચાઈને ગાડી અટકીને ઊભી રહી. સાવ વગડા જેવું હતું તોય સૌ ટપોટપ ઊતરવા માંડ્યાં. કનક ઊતરે એ મને ન ગમે. એટલે એને બેઠેલોને બેઠેલો જ રાખવા મેં પૂછ્યું, “ભેગા થયા છો કે નહીં કોઈ દિવસ?”

“એમ તો અમારે એક નાટકમાં સાથે ઊતરવાનું હતું.” એ બોલ્યો ને પછી વિચારમાં ખેંચાઈ ગયો. પણ ત્યાં પાછી ગાડી આંચકા સાથે ઊપડી. કોઈ બોલ્યું કે કોઈએ લેવાદેવા વગરની સાંકળ ખેંચી હતી. ચાલુ ગાડી નકામો આંચકો ખાઈ ગઈ. ત્યાં તો પાછો કનક મારી સામુ જોઈને બોલ્યો, “સાચું કહું, પપ્પા? નાટકમાં મારે અને એને એક જ ડાયલોગ સાથે બોલવાનો હતો. પણ એમાં એવું થયું કે એ મારી સામે આવીને હું ડાયલોગ બોલવાનું ભુલી ગયો. એ એનો ડાયલોગ બોલીને ચાલી ગઈ. ને મારા પછી જે છોકરાનો ડાયલોગ બોલવાનો વારો હતો એ તેનો ડાયલોગ બોલીને ચાલ્યો ગયો. હું સ્ટેજ પર રહ્યો પણ કંઈ બોલી શક્યો નહીં તેમાં જ ડફાકો થઈ ગયો.”

“આવું થતું હોય છે ઘણી વાર.” મેં કનકને આશ્વાસન આપવાના હિસાબે કહ્યું. હા, આવું ચાલીસ વરસ પહેલાં બી થયું હતું. હું તો સાડા પાંચનો જૂના આંબા પાસે પહોંચી ગયો હતો. અમસ્તો અમસ્તો અગાઉથી જ ધ્રાસ્કો પડેલો હતો કે પરાગી નહીં આવે ને સાલી, બુરી કલ્પના સાચી પડવા માટે હંમેશ આગળ દોડતી હોય છે. આપણને એવો બહુ અનુભવ છે. પોણા છ, પોણા છ ને પાંચ, છમાં પાંચ કમ અને છ પણ થયાં. સાવરણીની જેમ આંખ ફેરવી ફેરવીને થાક્યો. સાડા છ થયા, ક્યાંય દેખાઇ નહીં. થોડી થોડી ટાઢ, થોડો થોડો પવન. સાત વાગ્યા ને આંબાના પાંદડા ખખડવા માંડ્યાં. પણ બધું જ ખાલી લાગતું હતું. ફિક્કું અને નીરસ. સાવ મરેલ, સાવ રંગ વગરનું.

સાડા સાતે એક ડોસો આવ્યો. પગી સિવાય કોણ હોય? મને પૂછે, ‘શું છે? કોણ છો? અહીં કેમ ઊભા છો?’ મારે શો જવાબ દેવો? એણે મને મેદાનની બહાર કાઢ્યો. નારાજ તો થઇ ગયો, પણ મને એવી ખાતરી રાખવી ગમી કે જો પોણા આઠ સુધી રહેવા દીધો હોત તો પરાગી આવી હોત તો આવી પણ હોત.

નીકળીને મેળાવડામાં જોડાઈ ગયો. છોકરીઓના ગરબા ચાલતા હતા. એકેએક ચહેરો જોઈ વળ્યો, ક્યાંય પરાગી? ક્યાંય પરાગી? નહોતી. બહાર નીકળ્યો ત્યાં પેલો દોસ્તાર મળ્યો.

“કાં?” એણે પૂછ્યું: “બહુ રાહ જોઈને એની ?” પછી ઉપહાસથી બોલ્યો: “ક્યાંથી આવે? આજે બપોરે એના મામા આવીને તેડી ગયા.”

પછી ખબર પડી કે એમાં તો મોટું કાવતરું હતું. મામાએ પોતાના સાળાનો છોકરો એના માટે નક્કી કર્યો હશે. બતાવવા લઈ ગયા હતા. પણ મને મનમાં પ્રશ્ન એક જ કે એ એમને એમ જતી રહી હશે? કશી હા ના નહીં કરી હોય? પછી મને જ પાછો આંગડિયાને ત્યાં થડે બેઠા બેઠા વિચાર આવ્યો કે એ બધા સવાલો વેવલા હતા. જેનો જવાબ નકદ ‘ના’માં હતો. પહેલી વાત તો એ કે આપણે અને એને શું? પ્રેમ-બ્રેમ હતો કાંઇ ?વાત-બાત થઈ હતી? સગપણની વાત શરૂ થઈ હતી? બાકી થઈ હતી કે થવાની હતી એ વાત અલગ હતી. મોઢામોઢ પણ ઝાઝું કદી થયા તો નહોતા જ. મામલામાં હતું કંઈ? હા, જો એકાદ વાર મળ્યા હોત તો પણ વાત વ્યાવહારિક ગણાય.

“કનક..” મારાથી અચાનક કનકને પૂછાઈ ગયું.”પેલા તારા નાટકવાળા મામલા પછી તું મળ્યો કે નહીં એને ક્યારેય?”

“નથી મળ્યો, મળીશ હવે. ક્યારે એ નક્કી નથી. પણ મળીશ ક્યારેક’.

મળી રહ્યાં હવે. એ ક્યારે આવે? કોને ખબર? ક્યારેક પાંચ મિનિટેય આવે તો ક્યારેક પચાસ વર્ષેય આવે. દોસ્તાર ખબર લાવ્યો હતો કે પરાગીની સગાઈ થઈ ગઈ છે. એ સાંભળ્યું ત્યારે હું જુનાગઢના પાર્સલનું લીસ્ટ બનાવતો હતો. તે પુરૂં કર્યા વગર ઊઠાય તેમ ન હતું. પુરૂં કરીને પાન ખાવા ગયો ત્યારે વાત પૂરી સાંભળી. સોડા પીવાનું મન કોણ જાણે કેમ થયું. સોડા સારી. એનાથી મોળ બંધ થઈ જાય. થઇ ગઇ. બસ, એ બધું કોઠે પડી ગયું બે ત્રણ વરસે. આપણી પણ સગાઈ થઈ ગઈ. મહાલવામાં પડી ગયા. નોકરીનો નશો મગજ પર સવાર થઈ ગયો. ધંધામાં પડ્યા તો એનો વળી ડબલ નશો ચડ્યો. પાંચ વરસ, સાત વરસ, દસ વરસ, લગ્ન, સંસાર, છોકરાં. પૈસા પણ પેદા કર્યા એનો પણ નશો કંઈ જેવો તેવો?

વચ્ચે વચ્ચે પરાગીના સમાચાર મળતા. વર સાથે બહુ ભળતું નહીં. મારતો બહુ એને. કાનને દોષ છે. એણે બીજી બૈરી પણ કર્યાના સમાચાર કોઈએ આપેલા. એનો નાનો ભાઈ મારી પડખેની દુકાને વાણોતરી કરતો. એણે એક વાર વાત કહી કે બહેન ઘરે આવી છે. અને હવે પાછી મોકલવાની નથી.

એ સાંજે જ હું ગુરુકુળના મેદાનમાંથી ટૂંકે રસ્તે મંદિરે જતો હતો. મેદાનના ઝાંપે દાખલ થયો કે દુર સુધી નજર દોડી ગઈ. અમસ્તુંય દરરોજ જુના આંબાના ઝાડે અથડાવવાની એક ધોરણસર આદત પડી ગયેલી. તે દિવસે પણ નજર દોડાવી તો સાજનાં ઝાંખા પ્રકાશમાં દૂરથી એક સફેદ ધાબું દેખાયું. જરી દસ-પંદર ડગલાં કાપ્યાં કાપ્યા તો દેખાયું કે કોઈ સફેદ સાડીમાં આંબાના થડિયાને પીઠ ધરીને ઊભું હતું. કમરની નીચેથી બાલી ગયેલું કોઈ બાઈ માણસ છે એમ તો તરત સમજાઈ ગયું. પણ પરાગી છે એમ તો સાવ નજીક આવ્યો ત્યારે જ ખબર પડી. લાંબા કાળા વાળ ક્યાં? અરે, નાની એવી સફેદ અંબોડી જ લટકે. સાડલો પણ ઊતરીને ગરદન સુધી આવી ગયેલો તે માલુમ પડ્યું કે સફેદી સારી એવી છંટાઈ ગયેલી વાળ પર. શરીર સ્થૂળ. કોણ જાણે શું કામ, પણ પગદંડી તરફ પીઠ ધરીને આંબાના ઠૂંઠા થડિયાને અપલક આંખે જોઈ રહેલી. જાણે એની સામે ઊભા રહીને એનું ધ્યાન ધરતી હોય. મેં ખોંખારો ખાધો તે એણે ચમકીને પાછળ જોયું. મને ઓળખ્યો તો હશે. એમ લાગે છે કારણ કે આંખોમાં થોડો ઠંડા સ્મિતનો ફરકાટ થયો. પણ એ તો એક જ પળ. ફરી ગંભીર થઈ ગઈ. કોઈએ સાકળ ખેંચીને ગાડી ઊભી રાખી હોય તેમ હું પણ અટકીને ઊભો રહી ગયો. બોલું બોલું એમ થયું. પણ શું બોલું? બોલવાનું ક્યાં કદી પેદા જ થયું હતું અમારી વચ્ચે ! ‘કેમ છો’ પૂછવાનું પણ ન બન્યું. મોઢામાં વેણ બંધાતું બંધાતું રહી ગયું. નજરમાં ઓળખ જાગી, પણ વળી જિભનો વ્યવહાર બનતા બનતા રહી ગઈ. એક જ અર્ધી ક્ષણ હું અટક્યો. જરી મોં મરકાવ્યું અને કંપ જેવું લાગ્યું. ને આગળ નીકળી ગયો. કોઈ પાછળથી ધક્કો મારીને હંકારતું હોય એવી ઝડપે હું ચાલવા માંડ્યો. શોરબકોર શોરબકોર શોરબકોર થઈ ગયો મનમાં. પણ અટકે એ બીજા. સમજતો હતો કે એ બધું નકામું છે. મન નકામું તરફડ તરફડ થયા કરે છે. જેની સાથે ફક્ત એક વાર વેવિશાળ થવાની વાત થઈ હતી અને એક વાર માત્ર ‘કેમ છો’ નો વ્યવહાર થયો હતો એની માટે આટલો બધો તે શો શોરબકોર? ચાલતા બળદને આર ઘોંચવી એ વેપારી માણસનું કામ નથી. કેટલા સુખી છીએ આપણે, ઘર બહાર, ધંધો-આબરુ, નોકર-ચાકર, ઘરરખ્ખુ બૈરી, કહીએ ત્યારે કન્યા જોવા આવે તેવો છોકરો, માલમિલકત, શું નથી આપણી પાસે? એક આંગડિયાની પેઢીમાં નોકરી કરતાં કરતાં આટલું વસાવ્યું. કેટલો ભોગ આપ્યો? ત્યારે સફળ થયા. ક્યારેય કોઈ ચીજનો રંજ આપણને રહ્યો નથી, ડંખ રહ્યો નથી. ને જુના આંબાના ઠૂંઠા પાસેથી નીકળતાં ખટકો શેનો થાય છે પણ ? કંઈ કારણ ખરું? ડંખ જેવું કેમ લાગે છે? કારણ? નક્કામું.

ઝડપથી મંદિરમાં જઈને હાથમાં ટોપી ઉતારી, જોરથી ઘંટ વગાડ્યો તે એટલા જોરથી વાગ્યો કે સૌ નવાઈથી જોઈ રહ્યાં. કાનમાં ઘંટનો કંપ પડ્યો તે જોરથી આંખો બંધ કરીને હું ભગવાનની સ્તુતિમાં હોઠ ફફડાવવા માંડ્યો. પછી પાછળ હારમોનિયમ લઈને બેઠેલા ભગતને કહ્યું, ‘તમતમારે ચાલુ કરો. જરા માઇક મોટું રાખો ને !’ હું થોડો કંપી ગયો હતો. આવું થયું હતું.

“કનક!” વિચારોમાંથી બહાર નીકળીને મેં કહ્યું: “અમે જ્યારે તારા જેવડા હતા ને ત્યારે અમને ય કોઈ સાથે વાત કરવી ગમતી એની ના નહીં. પણ આમ ભણતર કે ધંધાને ભોગે તો કશું જ નહીં, સમજ્યો!’

આજકાલના છોકરાઓ અવળી ખોપડીના હોય છે એમ મને લાગે છે. એક કાનેથી સાંભળીને તરત જ બીજા કાનેથી કાઢી નાંખે છે. કનક પણ એમાંથી બાકાત નહીં. આટઆટલું કહેવા છતાં ચાલુ ગાડીએ પેલી નોટબુક વાંચવા માંડ્યો. જેવી એની નોટબુક ખોલી કે અંદરથી પેલી પતંગિયાની કપાયેલી પાંખ નીચે સરી પડી અને હવાના ઝપાટા સાથે હવાની બહાર ઊડી ગઈ. એ ઊભો થઈ ગયો ને આંખો ફાડી ફાડીને બારીની બહાર જોવા માંડ્યો.

મેં ય તે કોણ જાણે સુઝ્યું તે ઊભા થઇને બારીની બહાર ડોકિયું કરીને જોયું. પણ સુસવાટા મારતી ગાડીની બહાર ઊડી ગયેલી પતંગીયાની પાંખ એમ તો કંઈ પાછી જોવાય મળતી હશે? એ તો ગઈ તે ગઈ જ. હું છોકરા ભેગો છોકરો થઈ ગયો એટલે જોવાનું મન થયું. બાકી આવા કંપનને હું ગણકારતો હોઈશ?


આ વાર્તાની સર્જનપ્રક્રિયા

ગયા વખતે મેં લખ્યું હતું કે કશાથી વંચિત રહી ગયાનો ભાવ તો મનુષ્યનો પ્રકૃતિમાં જડાયેલો સ્થાયી ભાવ છે. એમાંથી કોઇને મુક્તિ નથી.

સાહિરની પેલી બે અદભુત પંક્તિઓ આની જ વાત કરે છે:

पर जो मांगेसे न पाया वो सीला याद आया

મળ્યું હોય છે તો ઘણુંય, પણ માગવા (કે ઇચ્છવા છતાં) જે નથી મળતું તેની યાદ પગના તળીયે ઘૂસી ગયેલી ફાંસની જેમ આપણામાં સતત લવકારા કરતી રહે છે.

હું કબુલ કરું છું કે મારી વાર્તાઓમાં આ વસ્તુ અવારનવાર આવતી રહે છે. એથી કોઇને એકવિધતા લાગે તો એ ફરિયાદ ખોટી નથી. પણ જો કોઇ સુજ્ઞ વાચક દરેક વાર્તામાં એ ભાવની કંઇક જુદી જ છટા જોઇ શકશે તો હું એમ સમજીશ કે આ વાર્તા માત્ર એ ભાવક માટે જ લખાઇ છે.

પણ મારે મન અહર્નીશ અનુભવાઇ રહેલો વંચિતતાનો ભાવ એ કારુણી નથી. ખરી કારુણી તો એ વંચિતતાના ભાવને અવ્યક્ત રાખીને જીવવું પડે છે એમાં છે અને એથીય મોટી કારુણી તો એ વંચિતતાની લાગણીના શમી જવામાં છે. ભૂખ ન સંતોષી શકાય એ સ્થુળ કારુણી છે, પણ ભુખ લાગવી જ સમૂચી બંધ થઇ જવી એ સૂક્ષ્મ કારુણી છે. આ વાર્તામાં મારું લક્ષ્ય એવી કારુણીને પકડવાનું છે.

સફળ થયો છું કે નહિં એનો જવાબ પ્રત્યેક વાચકે અલગ અલગ હોઇ શકે.

આ વાર્તાના સંદર્ભની એક બીજી વાત:

સન 2001માં મારી આ વાર્તાનો સ્વ.શ્રીમતિ સુશીલા જોશીએ હિંદીમાં કરેલો અનુવાદ કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીના મુખપત્રમાં પ્રગટ થયો હતો. જેના ઉપરથી તેના મંચનાટ્યનો એક પ્રયોગ દિલ્હીના કેન્દ્રીય નાટ્ય વિદ્યાલય(National School of Drama)ના વિદ્યાર્થીઓએ ૧૭-૫-૨૦૦૧ના દિવસે પોતાની નાટ્યશાળામાં મારી ઉપસ્થિતિમાં રજુ કર્યો હતો.

એ સમારોહમાં મારી આ વાર્તા ઉપરાંત સર્વશ્રી ફણીશ્વરનાથ ‘રેણુ’, ભિષ્મ સાહની, વિમલ મિત્ર, સંજય ખાતી, બલવંત સિંહ, હિમાંશુ જોશી અને નાસિરા શર્માની વાર્તાઓનું મંચન પણ રજુ કરવામાં આવ્યું હતું.


લેખકસંપર્ક:

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-+91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

1 thought on “મારું વાર્તાઘર : કંપન જરા જરા

  1. “અહર્નીશ અનુભવાઇ રહેલો વંચિતતાનો ભાવ એ કારુણી નથી. ખરી કારુણી તો એ વંચિતતાના ભાવને અવ્યક્ત રાખીને જીવવું પડે છે એમાં છે અને એથીય મોટી કારુણી તો એ વંચિતતાની લાગણીના શમી જવામાં છે. ભૂખ ન સંતોષી શકાય એ સ્થુળ કારુણી છે, પણ ભુખ લાગવી જ સમૂચી બંધ થઇ જવી એ સૂક્ષ્મ કારુણી છે. આ વાર્તામાં મારું લક્ષ્ય એવી કારુણીને પકડવાનું છે.”

    આપની એ “કારુણી” ને પકડવાનું લક્ષ્ય વાચક્ને મતે આપે ચોક્કસ સીદ્ધ કરેલું છે.
    એ જમાનાના મનોભાવની સહજ અભિવ્યક્તિ જે “એ જમાના” વાળાને પોતીકી લાગે

Leave a Reply

Your email address will not be published.