પીયૂષ મ. પંડ્યા

સને ૧૯૭૯ના ઓગસ્ટ મહિનાની એક સાંજની વાત છે. અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં સુખ્યાત સંગીતનિર્દેશક રામચન્દ્ર ચિતલકર (સી. રામચન્દ્ર)ના સ્ટેજ શોની શરૂઆત એમની સાથે આવેલા સાજીંદાઓ દ્વારા એકદમ ધમાકેદાર વાદ્યવૃંદવાદનથી થઈ. વાદન ચરમસીમાએ પહોંચ્યું અને અચાનક થંભી ગયું. એ જ ઘડીએ એક કલાકાર પોતાના સાજ સાથે સ્ટેજ ઉપર આવ્યા. નીરવ શાંતી વચ્ચે એ કલાકારે પોતાના વાદ્ય પર સૂરાવલીઓ છેડી અને હૉલના વાતાવરણને ફરીથી જીવંત કરી દીધું. ત્યાર પછી ફરી એકવાર બધા જ સાજીંદાઓ તેમના વાદનમાં સાથ આપવા લાગ્યા અને કાર્યક્રમની શરૂઆત યાદગાર બની રહી.
એ ધૂન ચાલી ત્યાં સુધી જેમનો મુખ્ય કાર્યક્રમ હતો એ રામચંદ્રજી સ્ટેજ ઉપર એક બાજુએ શાંતિથી ઉભા રહી ગયા હતા. પછી એમણે જણાવ્યું કે એ સંગીત એમણે પોતાના સ્ટેજ કાર્યક્રમો માટે ખાસ તૈયાર કર્યું હતું. અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કહી શકાય એવા સાજીંદાઓ સ્ટેજ ઉપર એ ધૂન વગાડી રહ્યા હતા. એ પૈકીના એક કલાકારનો એમણે વિશેષ ઉલ્લેખ કર્યો. એ કલાકાર હતા એકોર્ડીયન વાદક એનૉક ડેનીયલ્સ. એ ધૂન બનાવવામાં રામચન્દ્રજીને તેમણે ખાસ્સી મદદ કરી હોવાનું જણાવ્યું. એટલું જ નહીં, એનૉક ડેનીયલ્સનું અભિવાદન કરવા શ્રોતાગણને અનુરોધ કર્યો. એ સાથે જ એનૉક ડેનીયલ્સના અભિવાદનમાં હૉલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. આજથી ચાર દાયકા અગાઉ જ્યારે ફિલ્મી સંગીતના વાદકોનાં નામ ભાગ્યે જ પ્રસિદ્ધિમાં આવતાં ત્યારે પણ આ કલાકારને મોટા ભાગના શ્રોતાઓ એમના નામથી અને કસબથી ઓળખતા હતા.

એનૉક ડેનીયલ્સનો પરિચય કેળવતં પહેલાં આ વાદ્ય એકોર્ડીયનનો ટૂંકો પરિચય મેળવી લઈએ. પચાસ-સાહિંઠના દાયકાના ફિલ્મસંગીતના સુવર્ણકાળમાં ફિલ્મી ગીતોમાં આ વાદ્યનો અને એના વાદકોનો આગવો દબદબો હતો. એનૉક ડેનીયલ્સ, ગૂડી સરવાઈ, સુમીત મીશ્રા અને કેરસી લોર્ડ જેવા વાદકોએ એકોર્ડીયન ઉપર એવા તો અદ્ ભુત અંશો વગાડ્યા છે કે જે દાયકાઓ પછી પણ ચાહકોની સ્મૃતિમાં યથાવત સચવાઈ ને પડ્યા છે. ફિલ્મ ‘સમાધી’ના ગીત ‘ગોરે ગોરે ઓ બાંકે છોરે’ માટે સી. રામચન્દ્રના સંગીતનિર્દેશનમાં ગૂડી સરવાઈએ એકોર્ડીયનના વગાડ્યું એને મળેલી લોકપ્રિયતા પછી એ જમાનાના દરેક સંગીતનિર્દેશકે પોતાનાં કેટલાંયે સ્વરનિયોજનો ખાસ એકોર્ડીયનનો જ ઉપયોગ થઈ શકે એ રીતે બનાવ્યાં. ઓગણીશમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં આ વાદ્યનું પ્રાથમિક મોડેલ જર્મનીના ફ્રાન્સીસ લુડ્વીગ નામના સંગીતજ્ઞએ વિકસાવ્યું હોવાનું નોંધાયું છે. સમયસમયે એમાં સુધારા વધારા થતા રહ્યા અને પાંચેક દાયકામાં તો આ વાદ્ય યુરોપમાંથી આગળ રશીયાના પૂર્વીય ભાગો, ચીન અને પછી ગોવાના રસ્તે ભારત સુધી પહોંચી ગયું.
સૈધ્ધાંતિક રીતે એકોર્ડીયન હાર્મોનીયમ જેવું જ વાદ્ય છે. તસવીરમાં જોઈ શકાય છે એમ એમાં હાર્મોનીયમ જેવી જ સ્વરપટ્ટીઓ જોવા મળે છે. ડાબી બાજુએ એની ધમણ તરીકે વર્તતી રચના છે. એ ધમણના ઉપરના ભાગે આડી અને ઉભી હરોળસર ગોઠવાયેલાં કાળા રંગનાં કુલ ૧૨૦ બટન દેખાય છે એ એકોર્ડીયનને એની વિશિષ્ટતા પ્રદાન કરે છે. એ દરેક બટન વડે એકસાથે સરગમના અલગ અલગ ત્રણ સ્વરોની સંયોજિત અસર (Chord- કોર્ડ) નિપજાવી શકાય છે. આ બટનોને કોર્ડ બટન્સ અથવા તો બાસ બટન્સ કહેવામાં આવે છે. હાર્મોનીયમ વગાડી શકતો કોઈ પણ કલાકાર એકોર્ડીયન વગાડી તો શકે, પણ એના વાદનની ક્ષમતાની કસોટી તો બાસ બટન્સ સાથે એની કુશળતા થકી જ થઈ શકે. કલાકારે આ વાદ્ય વગાડતી વેળાએ ત્રણ મોરચે ધ્યાન રાખવું પડે છે…. ધમણ વડે હવાનું નિયંત્રણ, સાથે સાથે ધમણની ઉપરનાં બાસ બટન્સ વડે જરૂરી કોર્ડ્સ અને તાલની અસર ઉભી કરવાની અને સામેની બાજુએ આવેલી સ્વરપટ્ટી ઉપર સૂરાવલીઓ છેડવાની. એકોર્ડીયન બાબતે વધુ વિગતો કયારેક અલાયદી લખવા વિચાર છે. હાલ વાત કરીએ એનૉક ડેનીયલ્સ વિશે.
* * * * * * * * *
પૂનાના એક ખ્રિસ્તી કુટુંબમાં સને ૧૯૩૩ની ૧૬મી એપ્રીલે જન્મેલા ડેનીયલ્સ આજે (૧૯/0૬/૨૦૨૦) ૮૭ વર્ષ વટાવી ચૂક્યા છે. હજી પણ પૂનામાં જ રહે છે અને નિવૃત્તિનો વિચાર સુધ્ધાં કર્યા વગર એકોર્ડીયન તેમ જ પિયાનો ઉપર રોજેરોજ રીયાઝ કરતા રહે છે. હા, વ્યવસાયીક ધોરણે કામ કરવાનું બંધ કર્યું છે. છતાં હજી જો એકોર્ડીયનના રસિયાઓ તરફથી કોઈ કાર્યક્રમ માટે નિમંત્રણ આપવામાં આવે તો પહોંચી જાય છે અને પોતાના વાદન વડે એ લોકોને ન્યાલ કરતા રહે છે.
નાની ઉમરથી જ ચર્ચમાં યોજાતા રહેતા કાર્યક્રમોમાં વગાડવામાં આવતા ઓર્ગન માટે એમને ખેંચાણ અનુભવાયું. માત્ર છ વર્ષની કૂમળી વયે એમણે એ શીખવા માટે ઈચ્છા પ્રદર્શિત કરી. એ ચર્ચના સ્લેડ નામના તત્કાલિન પાદરીએ નાનકડા એનૉકનો ઉત્સાહ જોઈને એને પાશ્ચાત્ય ઢબે વાદનની તેમ જ સ્વરલીપીની તાલિમ આપવાનું શરૂ કર્યું. થોડાક જ સમયમાં એમને આ બાળકની અસાધારણ ક્ષમતાનો ખ્યાલ આવી ગયો. આ ભલા પાદરીએ એનૉકનાં માતા-પિતાને સૂચવ્યું કે એને સાથે સાથે પિયાનો વગાડવાની તાલિમ પણ અપાવે. સાતથી આઠ વરસ આ રીતે સતત શીખ્યા કરવાનું પરિણામ એ આવ્યું કે કિશોરવયે પહોંચેલા એનૉક ડેનીયલ્સ સમગ્ર પૂનામાં જાણીતા થઈ ગયા. અને એમને સ્થાનિક કક્ષાએ વિવિધ કાર્યક્રમોમાં તેમ જ સમારંભોમાં વગાડવા માટે આમંત્રણ મળવા લાગ્યાં. કૉલેજમાં દાખલ થયા એ સમયે એમને લાગ્યું કે જેની હેરફેર સરળતાથી થઈ શકે એવા એક વાદ્ય ઉપર પણ પ્રાવીણ્ય કેળવવું જોઈએ. એ જ અરસામાં દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય યુવક મહોત્સવમાં (તત્કાલિન)મુંબઈ રાજ્ય તરફથી ભાગ લેવા માટે એનૉકની સર્વાનુમતે પસંદગી થઈ. એ સમયે એક સહાધ્યાયી મિત્રએ ત્યાં વગાડવા માટે એમને પોતાનું એકોર્ડીયન આપ્યું. ત્રણેક અઠવાડીયાં સુધી સખત મહેનત કરી અને એકોર્ડીયન વગાડવામાં કુશળતા મેળવી લીધી. તેને પરિણામે એમણે રાષ્ટ્રીય યુવક મહોત્સવમાં જે રજૂઆત કરી એ એમને પ્રથમ ક્રમાંક અપાવી ગઈ. આમ, હવે એમનું પ્રભુત્વ ત્રણ વાદ્યો ઉપર આવી ગયું. એ જ અરસામાં એક પરદેશી પાદરી પૂનાથી પોતાના દેશમાં પરત ફરતા હતા એમનું ઊંચી ગુણવત્તા વાળું એકોર્ડીયન એનૉકે ખરીદી લીધુ.
સ્નાતક કક્ષા સુધી પૂનામાં અભ્યાસ કર્યા પછી ડેનીયલ્સે મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રવેશ લીધો. એમના એક મિત્રના કાકા ત્યાં ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા હતા. એમણે આ યુવાનનું હીર પારખીને એને તે સમયના વરિષ્ઠ સંગીતકાર સચીન દેવ બર્મન પાસે મોકલ્યો. એમની સાથે બે મુલાકાતો અને વાદનની કસોટી પછી સચીન દેવે એમને બે અઠવાડીયાં પછી થનારા એક રેકોર્ડીંગ માટે બોલાવી લીધા. ડેનીયલ્સ તેમાં હાજર રહ્યા અને એકોર્ડીયનવાદનની કમાલ બતાવી. બસ, એ પછી ડેનીયલ્સને વાળીને જોવાનો વારો આવ્યો જ નહીં. હિંદી ફિલ્મી સંગીતકારોમાં એમનું નામ ઝડપથી જાણીતું બની ગયું. ત્યારે માંડ વીશ વરસની ઉમરના એવા એ યુવાન ઉપર સી. રામચન્દ્ર ફીદા થઈ ગયા. પિયાનોવાદન તેમ જ એકોર્ડીયનવાદનની અસાધારણ આવડત, સ્વરલીપી વાંચવા અને રચવા ઉપર ખાસ્સું પ્રભુત્વ અને વિશિષ્ટ આંતરીક સૂઝ વડે ડેનીયલ્સે રામચન્દ્રજીને એટલા તો પ્રભાવિત કર્યા કે એ અવારનવાર પોતાના વાદ્યવૃંદના સંચાલનની જવાબદારી પણ ડેનીયલ્સને સોંપવા લાગ્યા એ પછી હેમંતકુમાર, સલિલ ચૌધરી, રોશન, નૌશાદ, મદનમોહન, ઓ.પી.નૈયર, વસંત દેસાઈ અને ખય્યામ જેવા સંગીતનિર્દેશકો સાથે પણ કામ કરવાના મોકા મળતા રહ્યા. હા, એકોર્ડીયનનો મહત્તમ ઉપયોગ કરનાર સંગીતકાર જોડી શંકર-જયકિશન સાથે ડેનીયલ્સ પ્રમાણમાં મોડા જોડાયા. સને ૧૯૬૬માં બની રહેલી ફિલ્મ ‘લવ ઈન ટોકયો’નાં ગીતો બનાવતી વખતે એ આ સંગીતકારો સાથે જોડાયા અને પછી જયકિશનના મૃત્યુ બાદ પણ શંકર એમનો સાથ લેતા રહ્યા.

એ જ અરસામાં માં એક નવી દિશા ખૂલી. તે સમયના ખ્યાતનામ હવાઈયન ગીટારવાદક વૉન શીપ્લે ગાયક તલત મહમૂદ સાથે પૂર્વ આફ્રીકા ખાતે કાર્યક્રમો કરવા માટેનું આયોજન કરી રહ્યા હતા. એમણે આ પ્રવાસમાં જોડાવા ડેનીયલ્સને આમંત્રણ આપ્યું. એમાં એમને વાદન ઉપરાંત સ્ટેજના વ્યવસ્થાપન અને વાદ્યવૃંદ સંયોજન/સંચાલનની જવાબદારી પણ સોંપવામાં આવી. એ પ્રવાસની સફળતા પછી ડેનીયલ્સને તલત મહમૂદ અને વૉન શીપ્લે સાથે વ્યવસાયિક તેમ જ મૈત્રીપૂર્ણ સંબંધ કેળવાયો, જે આજીવન ટકી રહ્યો. એ લોકોએ મળીને દેશવિદેશમાં અનેક સ્ટેજ કાર્યક્રમો કર્યા.

આવા કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહેવાને લીધે ડેનીયલ્સના સંપર્કો ગાયક કલાકારો સાથે પણ ગાઢ થતા ગયા. મહમદ રફી અને મુકેશ સાથે સારી એવી મૈત્રી કેળવાઈ. એ બન્ને સાથે તેમ જ લતા મંગેશકર સાથે કેટલાયે જાહેર કાર્યક્રમોમાં એમણે સાથ આપ્યો. એમાં પણ લંડનના આલ્બર્ટ હૉલમાં સને ૧૯૭૯માં યોજાયેલા લતાના ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવાની તક મળી એને ડેનીયલ્સ પોતાની કારકિર્દીનું મહત્વનું સીમાચિહ્ન ગણાવે છે.

એમની કારકિર્દીના શરૂઆતના જ તબક્કામાં કોલંબીયા રેકોર્ડીંગ કંપની ના અધિષ્ઠાતાઓએ એકોર્ડીયન ઉપર ફિલ્મી ધૂનોની ગ્રામોફોન રેકોર્ડ્સ ઉતારવા માટે ડેનીયલ્સનો સંપર્ક કર્યો. એ સમયે વિવિધ વાદ્યો ઉપર વગાડેલાં હિન્દી ફિલ્મોનાં લોકપ્રિય બનેલાં ગીતોની રેકોર્ડ્સ ખુબ જ વેચાતી હતી. આમ ડેનીયલ્સનો સમય ફિલ્મી સંગીતકારો સાથે વગાડવા ઉપરાંત વિવિધ સ્થળોએ યોજાતા રહેતા કાર્યક્રમોમાં અને કોલંબીયા કંપની માટે રેકોર્ડ્સ બનાવવામાં વહેંચાવા લાગ્યો. આ કંપની સાથે બનાવેલાં લગભગ ચાળીશેક જેટલાં આલ્બમ્સ એમના ખાતામાં બોલે છે. તે ઉપરાંત ‘હીઝ માસ્ટર્સ વોઈસ’(HMV) કંપની સાથે પણ પંદર રેકોર્ડ્સ ઉતારી. રસિકોને યાદ હશે કે થોડા જ દાયકાઓ અગાઉ રેડીઓ ઉપર આ પ્રકારની ધૂનોના ખાસ કાર્યક્રમો પ્રસ્તુત થતા રહેતા.


વાદક, સહાયક અને સંયોજકની ભૂમિકા ભજવી ચૂકેલા એનૉક ડેનીયલ્સે સને ૧૯૮૩માં નિર્મીત ‘સુઝાન’ નામની કોંકણી કિલ્મમાં સંગીત પણ આપ્યું છે. એમણે સર્જેલું સંગીત એ પ્રાદેશિક ફિલ્મ હોવાથી ઝાઝું પ્રચલિત ન થયું પણ એની કક્ષા તો ડેનીયલ્સનાં ધારાધોરણો મુજબની જ હતી. હિન્દી ફિલ્મસંગીતની દુનિયામાં અલબત્ત, એમનું સ્થાન વાદક, સહાયક અને સંયોજક તરીકે એટલું જામી ગયું હતું કે ડેનીયલ્સે હિન્દી ફિલ્મોના સંગીતનિર્દેશનના ક્ષેત્રમાં ક્યારેય હાથ ન અજમાવ્યો.
આટલા પરિચય પછી હવે સમય છે એમનો કસબ માણવાનો. પહેલાં તો એમના નિર્દેશનમાં તૈયાર થયેલાં ફિલ્મ ‘સુઝાન’નાં બે ગીતો માણીએ.
ગાયક ભુપીન્દરે ગાયેલું એક ગીત તે સમયે ખાસ્સું લોકપ્રિય થયેલું.
એ જ ફિલ્મનું યેસુદાસના કંઠે ગવાયેલું એક ગીત પણ સાંભળીએ.
હવે જાહેર કાર્યક્રમોમાં એમણે વગાડેલાં કેટલાંક ગીતો. શરૂઆત કરીએ એક અનોખી ક્લિપથી. આપણે ગઈ કડીમાં મેન્ડોલીન વાદક કિશોર દેસાઈનો પરિચય કેળવ્યો હતો. ઉમરના આઠ દાયકાઓ વટાવી ચૂકેલા આ બેય કલાકારો આજે પણ સક્ષમ અને સક્રિય છે. એ બન્નેએ ફિલ્મ ‘વક્ત’માં રવિના સંગીતનિર્દેશનમાં પોતપોતાનાં વાદ્યો વગાડ્યાં હતાં. એક સ્ટેજ કાર્યક્રમમાં એ ફિલ્મનું લોકપ્રિય ગીત વગાડતા માણી શકાય છે.
એક કાર્યક્રમમાં ડેનીયલ્સ એકોર્ડીયન ઉપર, સેક્સોફોન વાદક શ્યામરાજ સાથે ફિલ્મ ‘અલબેલા’નું ગીત ‘શોલા જો ભડકે દિલ મેરા ધડકે’ વગાડી રહ્યા છે એની ક્લિપ પ્રસ્તુત છે.
એ કાર્યક્રમમાં એ જ બે કલાકારોએ છેડેલ ફિલ્મ ‘સમાધી’નું ગીત.
આ ક્લિપમાં એક કાર્યક્રમમાં ડેનીયલ્સ ફિલ્મ ‘આરપાર’નું ખુબ જ લોકપ્રિય ગીત વગાડી રહ્યા છે તે માણીએ.
એમનાં વગાડેલાં અન્ય ઘણાં ગીતો યુ ટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. અહીં મૂકેલી એક પણ લિંક સને 2009 પછીની જ છે. એટલે કે ડેનીયલ્સ ૭૭ વર્ષનું આયુ વટાવી ગયા પછી યોજાયેલા કાર્યક્રમો છે. એમના હાથમાં જોવા મળે છે એ એકોર્ડીયન સાડા બાર કિલોગ્રામ વજનનું છે. તેમ છતાંય તે સતત ઉભા ઉભા સહેજ પણ થાક્યા વગર વગાડતા જોઈ શકાય છે. આ લખનારને સને ૨૦૧૭ના માર્ચ મહિનામાં એનૉક ડેનીયલ્સને એમના નિવાસસ્થાને મળવાની તક મળી હતી. ઉપરાઉપરી બે દિવસ થઈને લગભગ પાંચેક કલાક સુધી એમની સાથે યાદગાર સમય વિતાવ્યો હતો. એ સમયે ૮૪ વર્ષ વટાવી ચૂકેલા આ જિનીયસ કલાકાર એકદમ સ્ફૂર્તીલા, સીધાસાદા, શાલિન અને પ્રેમાળ યજમાન સ્વરૂપે મળ્યા.
નવાઈ લાગે છતાં સમજાય એવી વાત એ છે કે એનૉક ડેનીયલ્સે એટલાં યાદગાર ગીતો સાથે વગાડ્યું છે કે એમને એ ગીતો યાદ પણ નથી. આમ છતાં ત્રણ ગીતોમાં પોતે વગાડેલું એકોર્ડીયન એમને બરાબર યાદ છે. એ ત્રણે ગીતોમાં ખુબ જ પ્રભાવક એવા એકોર્ડીયનનાં અંશો ધ્યાનથી સાંભળવા ખાસ અનુરોધ છે.
૧) ફિલ્મ ‘બીસ સાલ બાદ’નું ‘બેકરાર કર કે હમેં યું ન જાઈએ’….
https://www.youtube.com/watch?v=Tm-W8QR4n6s
૨) ફિલ્મ ‘સુજાતા’નું ‘જલતે હૈ જીસ કે લીયે’…
૩) ફિલ્મ ‘લવ ઈન ટોકયો’નું શિર્ષક ગીત ….
અંતમાં, આવા દિગ્ગજ કલાકાર સાથે રૂબરૂ મુલાકાતની યાદગીરીરૂપે ખેંચાવેલી તસવીર સાદર છે.

(નોંધ: આ લેખમાં સામેલ મોટા ભાગની સામગ્રી એનૉક ડેનીય્લ્સ સાથેની રૂબરૂ મુલાકાતના આધારે મૂકવામાં આવી છે.)
{પૂરક માહીતિ: ડેનીયલ્સના અંગત સ્નેહી નીકિ ક્રીસ્ટી (સુરત)}
(તસવીરો અને વીડિઓ ક્લિપ્સ: નેટ અને યુ ટ્યુબ ઉપરથી સાભાર, કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવાની બાહેંધરી સાથે.)
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
૧૯૭૫માં મુંબઈનાં રિધમ હાઉસમાં હું રેકર્ડ્સ ખરીદવા ગયો હતો, ત્યાં મને ઍનોક ડેનીયલ્સની ‘ઇવનટાઈડ એકોસ’ તેમને સાંભળવા આપી. તેમાંથી માત્ર બે જ મુખ્ડા સાંભળતાંવેંત મેં એ રેકર્ડ ખરીદી લીધી હતી.
એ બે ગીતો હતાં
કટતે હૈ દુઃખમેં યે દિન
https://youtu.be/HXuvURgrzE4
અને
મુઝપે ઈલ્ઝામ-એ-બેવફાઈ હૈ
https://youtu.be/TMweMTu9vTg
તે પછી તો બીજી પણ વાદ્યવૂંદની અમુક રેક્ર્ડ્સ પણ કહ્રીદી હતી.