ફિર દેખો યારોં : તમે હાથણીને મારી જ કેમ? મારવાવાળા અમે નથી બેઠા?

બીરેન કોઠારી

કહેવાય છે કે ધર્મ કેવળ માનવીઓમાં પ્રચલિત પરિબળ છે. આ બાબત સદંતર ખોટી છે. ગાય, બળદ, બકરી, સૂવર જેવાં અનેક પ્રાણીઓને, તેમની જાણબહાર જે તે કોમ અને તેના ધર્મ સાથે સાંકળી લીધાં છે. પાપ કે પુણ્યના પ્રતીક તરીકે તેમની સ્થાપના ઓછી પડતી હતી તે એની સાથે રાજકારણ પણ સાંકળી લીધું. આ યાદીમાં બાકી હતું તે હવે હાથીનો ઉમેરો થઈ ગયો. કેરળ રાજ્યમાં એક સગર્ભા હાથણીના અપમૃત્યુના કિસ્સાએ સામાજિક નેટવર્કિગ માધ્યમોમાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો અને આખા રાજ્યને, તેના ઉંચા સાક્ષરતા દરને, અને એવા ‘સાક્ષર’ લોકોની સંવેદનહીનતાને વખોડી કાઢતી ટીપ્પણીઓનો ઢગ ખડકાયો. હાથણીનું અપમૃત્યુ બેશક ટીકાપાત્ર ઘટના છે, પણ માનવોના અપમૃત્યુના સમાચાર જાણીને પેટનું પાણીય ન હાલે અને હાથણીના મુદ્દે લોકો આ હદે સંવેદનશીલ બની જાય એમાં પ્રમાણમાપનો ગંભીર પ્રશ્ન છે. આટલું ઓછું હતું તે એમાં કોમી રંગ ઉમેરવામાં આવ્યો. તેને લઈને, રાબેતા મુજબ, બે પક્ષ પડી ગયા.

આ સૃષ્ટિ પર જન્મતો પ્રત્યેક જીવ મરણશીલ છે એ સનાતન સત્ય છે. ‘જીવો જીવસ્ય ભોજનમ’ની ઉક્તિ પણ એટલું જ સનાતન સત્ય છે. આમ છતાં, માનવસંસ્કૃતિ વિકસ્યા પછી એ શિષ્ટાચાર પણ વિકસ્યો કે કોઈ માનવનું અપમૃત્યુ વાજબી ન ગણાય. આની સામે વરવી વાસ્તવિકતા એ રહી કે માનવોનો સૌથી વધુ ભોગ આ કહેવાતી સંસ્કૃતિના વિકાસ દરમિયાન જ લેવાતો થયો. સંપત્તિ અને ભૌગોલિક વિસ્તારની લાલસા આ ગાળામાં જ અમાનવીય હદે ફાલી. વિશ્વભરમાં ધીમે ધીમે સામ્રાજ્યવાદનો અસ્ત થયો, અને નાગરિકને કેન્દ્રમાં રાખતી વિવિધ રાજ્યપદ્ધતિઓ વિકસવા લાગી એ પછી પણ આ સીલસીલો ક્યાં અટક્યો છે! હવે આ ભોગ વિકાસને નામે લેવાઈ રહ્યો છે. આ લેખ પૂરતી આપણે પ્રાણીઓની, ખાસ કરીને હાથીઓની જ વાત કરીએ. કેમ કે, એક હાથણીના અપમૃત્યુને કારણે સૌની સંવેદના તેજીમાં છે.

હાથણી અને તેનાં જન્મ પહેલાં જ મૃત્યુ પામેલ બચ્ચાંને અંજલિઓ આપતાં ચિત્રો પૈકી એક ચિત્ર – સૌજન્ય Rabiul Islam, Bratati Maity/ Instagram

હાથીઓની સંખ્યામાં આસામ રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. અહીં દેહિંગ પતકાઈ નામનું હાથીઓનું અભયારણ્ય આવેલું છે, જે 111.19 ચો.કિ.મી. વિસ્તારમાં વિસ્તરેલું છે. તાજેતરના લૉક ડાઉન દરમિયાન, એપ્રિલની 24મીએ ભારત સરકાર સંચાલિત ‘કોલ ઈન્‍ડિયા લિ.’ (સી.આઈ.એલ.)ના એક એકમ ‘નોર્થ-ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ’ (એન.ઈ.સી.એફ.) દ્વારા ખનન કરવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી ‘નેશનલ બોર્ડ ફૉર વાઈલ્ડલાઈફ’ દ્વારા અપાઈ છે. દરખાસ્ત અનુસાર સાલેકીના વનવિસ્તારના 98.59 હેક્ટર વિસ્તારમાં ખનનકાર્ય કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પર્યાવરણ અને વન મંત્રાલયના શિલોંગ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા એક તપાસમાં જણાયું હતું કે એન.ઈ.સી.એફ.ના ભાડાપટ્ટાની મુદત 2003માં પૂરી થતી હતી, જેના નવિનીકરણ માટેની અરજી છેક 2012માં કરવામાં આવી. પણ વચગાળામાં ખનન ચાલુ જ રખાયું હતું. 2019માં પર્યાવરણ મંત્રાલયને સુપરત કરાયેલા એક અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખાયું હતું કે પરવાનગીના નવિનીકરણ વિના ખનનકાર્ય કરી ન શકાય. આ બાબતે એન.ઈ.સી.એફ. પર નિયમભંગ બદલ જરૂરી પગલાં લેવાનું સૂચવવામાં આવ્યું હતું.

ગેરકાનૂની ખનનકાર્ય બદલ આસામ વનવિભાગ દ્વારા સી.આઈ.એલ.ને 43.25 કરોડ રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, તમામ રીતે સી.આઈ.એલ. દ્વારા થયેલું કાર્ય ગેરકાનૂની હોવાનું પુરવાર થઈ ગયું છે. આમ છતાં, કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે.

આ વિસ્તારનો ઉપયોગ હાથીઓ સ્થળાંતર માટે કરે છે. અહીં ખનનકાર્ય હાથ ધરવાથી હાથીઓ પર ગંભીર જોખમ છે. તેમના આવાસ, આહાર તેમજ અન્ય ગતિવિધિઓ પર આની વિપરીત અસર થાય એ નક્કી છે. અત્યંત સમૃદ્ધ એવા આ વર્ષાવન પર પણ ખતરો છે. ગૌહાટી વડી અદાલત દ્વારા સુઓ મોટો કેસ દાખલ કરીને કેન્‍દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોલ ઈન્ડિયા અને અન્ય જવાબદારોને આ મુદ્દે નોટિસ પાઠવવામાં આવી છે. ‘પૂર્વનું એમેઝોન’ ગણાતા આ વિસ્તારના રક્ષણ માટે આસામનાં વિવિધ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે.

બીજો કિસ્સો પણ આસામનો છે. અહીંની ‘નૂમાલિગઢ રિફાઈનરી લિ.’ (એન.આર.એલ.)ને પણ આ લૉકડાઉન દરમિયાન વિસ્તરણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તરણ 300 કરોડ રૂપિયાના ખર્ચે થશે. તેના માટે જમીન પણ ફાળવવામાં આવી છે. અગાઉ 2011માં આ જ રિફાઈનરી હાથીઓને લઈને સમાચારમાં ચમકી હતી. તેણે પોતાની ટાઉનશીપ વિસ્તરણ માટેની સૂચિત 67 વીઘાં જમીન ફરતે દિવાલ ઊભી કરી દીધી હતી. આ વિસ્તાર અસલમાં હાથીઓની અવરજવરનો વિસ્તાર હતો. ‘નો ડેવેલપમેન્‍ટ ઝોન’ વિસ્તારમાં આ રીતે દિવાલ ઊભી કરવી ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ (એન.જી.ટી.)ની માર્ગદર્શિકાનો ભંગ હતો. 2015માં એક હાથી પોતાના માર્ગમાં આવેલી આ જ દિવાલ પર માથું પટકી પટકીને મૃત્યુ પામ્યો હતો. દિવાલનો મામલો આખરે સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. આખરે સર્વોચ્ચ અદાલત દ્વારા એ દિવાલને તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. હવે આ રિફાઈનરીના વિસ્તરણ માટે જમીન ફાળવી દેવાયા પછી આ વિસ્તારના હાથીઓનું શું થશે એ તો ગણેશજી જાણે!

એકનું મૃત્યુ થાય તો એ સમાચાર બને, અને અનેકોનું મૃત્યુ કેવળ આંકડા બની રહે એ બાબત કેવળ માણસો માટે જ નહીં, હાથીઓ કે માનવેતર જીવો માટે પણ એટલી જ લાગુ પડે છે. કેરળની હાથણીના અપમૃત્યુ બાબતે ફાટી નીકળેલો આક્રોશ એકદમ યોગ્ય છે, પણ આસામના હાથીઓની મરણતોલ ચીસ કદાચ આપણા કાને પડે કે ન પડે, કોને ખબર !


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧-૬-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “ફિર દેખો યારોં : તમે હાથણીને મારી જ કેમ? મારવાવાળા અમે નથી બેઠા?

Leave a Reply

Your email address will not be published.