વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ

-વલીભાઈ મુસા

આ બધી માનવપાત્રીય નીતિકથાઓ કે માનવેતરપાત્રીય દૃષ્ટાંતકથાઓ સાહિત્યનાં એક જાતનાં સ્વરૂપો કે પ્રકારો છે. આ રચનાઓ ગદ્ય કે પદ્યરૂપે હોય છે અને સાંભળનાર કે વાંચનાર માટે ધાર્મિક કે નીતિવિષયક શિખામણ સાથે અંત પામે છે. આ વાર્તાપ્રકારનાં મૂળભૂત સ્રોત ધાર્મિક સાહિત્યમાંથી મળે છે, તો કેટલીકવાર તેમના ઉત્થાનને આપણે જાણી શકતા નથી હોતા; કેમ કે તે અજાણ્યા સર્જકો કે કથાકારો દ્વારા સર્જાએલ હોય છે. ઉભય પ્રકારની આ કથાઓમાં ડહાપણ શીખવવાના કે ચારિત્રયઘડતર કરવા માટેના સમાન હેતુઓ હોય છે; આમ છતાંય આ બંને પ્રકારો વચ્ચે એક પાતળી ભેદરેખા જોવા મળે છે. સામાન્ય રીતે ‘નીતિકથા’ (Parables)માં માનવી પાત્રો હોય છે, જ્યારે દૃષ્ટાંતકથાઓ (Fables)માં પ્રાણીઓ, છોડવાઓ, પદાર્થો વગેરે પાત્રો તરીકે આવે છે. ગમે તે હોય, પણ આ બધી વાર્તાઓ આપણા પરાપૂર્વ કાળથી ચાલ્યા આવતા મૂલ્યવાન વારસા સમાન છે અને આવનારી પેઢીઓ સુધી જળવાઈ રહેશે અને વૃદ્ધિ પણ પામ્યે જશે.

ઈ.સ.પૂર્વે પાંચમી સદીમાં થઈ ગએલો વાર્તાકાર ઈસપ શરૂમાં તો આફ્રિકન ગુલામ હતો, પણ પાછળથી તેને આઝાદ કરી દેવામાં આવ્યો હતો. તે બહુ જ વિખ્યાત બોધકથાકાર હતો અને તેની બોધકથાઓ વિશ્વભરમાં ફેલાઈ ગઈ છે. ખ્રિસ્તી બોધવાર્તાઓ અને પ્રાચીન ગ્રીક અને સંસ્કૃત ભાષાઓમાંથી પ્રાપ્ય એવી અસંખ્ય આવી વાર્તાઓએ આપણી નિશાળો કે ઘરોમાં આપણા બાલ્યજીવનને યોગ્ય રીતે ઘડવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. આ વાર્તાઓમાં માત્ર બાળકોએ જ નહિ, પરંતુ વડીલોએ પણ એટલો જ રસ લીધો છે. એવાં મોટેરાંઓએ કાં તો પોતાને રસ પડ્યો હોય કે પછી તેમનાં સંતાનોની એવી વાર્તાઓ સંભળાવવા માટેની માગણીઓ હોય; જે હોય તે પણ આ પ્રાચીન સમયથી ચાલ્યા આવતા સાહિત્યપ્રકારમાં તેમણે પણ દિલચસ્પી બતાવી છે. હાલમાં તો આપણે હજારોની સંખ્યામાં બોધકથાઓનાં પુસ્તકો મેળવી શકીએ છીએ, પરંતુ એ બધી કથાઓ શિક્ષણના અભાવના એ પ્રાચીન સમયમાં પણ મૌખિક સ્વરૂપે વિદ્યમાન હતી.

તાજેતરમાં મને કાચબા અને સસલાનાં પાત્રોવાળી પ્રચલિત દૃષ્ટાંતકથા ઉપરનો એક આર્ટિકલ વાંચવા મળ્યો. એ કથાનો અંત આપણે જાણીએ જ છીએ કે કાચબો સસલા સાથેની દોડની હરીફાઈમા જીતી જાય છે. એ વાર્તાના બોધપાઠની પણ આપણને ખબર છે કે ‘ભલે ધીમો, પણ સ્થિરતાપૂર્વક ચાલ્યે જતો કે આગળ ધપ્યે જતો માણસ છેવટે જીતતો જ હોય છે.’ આપણે બધા આ વાર્તાના આ જ કથાવસ્તુને સાંભળીને મોટા થયા છીએ, પણ એ જ વાર્તાને જુદો જ વળાંક આપીને તેનાથી પણ આગળ લંબાવવામાં આવી છે. સસલાની વિનંતિથી એવી જ બીજી દોડવાની હરીફાઈનું આયોજન કરવામાં આવે છે, જેમાં સસલો જીતી જાય છે અને ત્યાં વળી બોધપાઠ બદલાઈને આમ થાય છે કે ‘હંમેશાં ઝડપી અને અવિરત આગળ વધનાર જ ધીમા અને સ્થિરને મહાત કરી શકે છે.’ હજુ આગળ જતાં બીજી હરીફાઈમાં હારેલો કાચબો પેલા સસલાને ત્રીજી હરીફાઈ કરવાનો પડકાર ફેંકે છે. આ વખતે તે દોડ માટેનો એવો માર્ગ પસંદ કરે છે કે જ્યાં દોડની આખરી મંઝિલે પહોંચવા પહેલાં વચ્ચે આડી નદી આવે. આ વખતે કાચબો જીતી જાય છે અને વળી પાછો બોધપાઠ ફરી એકવાર બદલાય છે કે ‘સર્વથી પહેલાં તમારી કાર્યક્ષમતાના હાર્દને ઓળખી કાઢો અને પછી તમારી ક્ષમતાને અનુકૂળ એવા કાર્યક્ષેત્રની ફેરબદલી કરો.’ પણ, વાર્તા તો હજીય આગળ ચાલુ રહે છે. બંને હરીફો પોતપોતાની મર્યાદાઓ અને શક્તિઓને સારી રીતે જાણે છે અને તેથી બંને જણ સંયુક્ત રીતે એક આખરી અને ચોથી હરીફાઈ કરી લેવાનું વિચારે છે. આ છેલ્લી હરીફાઈમાં તેઓ હારનાર કે જીતનાર કોણ તે નક્કી કરવા નથી માગતા, પણ તેઓ પોતાના આત્મસંતોષ અને ખુશી માટે તેમ કરવા માગે છે. બંને જણ એકબીજાના હરીફ નહિ, પણ બંને એક જ ટુકડીના સાથીની જેમ એકબીજાને સહકાર આપે છે. પહેલાં સસલો પેલા કાચબાને પોતાની પીઠ ઉપર ઊંચકીને નદી સુધી લઈ જાય છે. ત્યાર પછી કાચબો સસલાને પોતાની પીઠ ઉપર સવારી કરાવીને તરતાં તરતાં નદીના સામેના કાંઠે પહોંચે છે. છેલ્લે સસલો કાચબાને પોતાની પીઠ ઉપર ઊંચકે છે અને બંને જણ એક સાથે જ દોડના આખરી નિશાન સુધી આવી જાય છે. આમ સરવાળે, આ આખરી પરસ્પર સહકારયુક્ત હરીફાઈમાંથી ઘણા બોધપાઠ જાણવા મળે છે. આ બોધપાઠોને આવાં નામો આપી શકાય; જેવાં કે, સમૂહ ભાવનાથી કરવામાં આવતું કાર્ય, મોટી સફળતા માટે વ્યક્તિગત કાર્યક્ષમતાઓને એકસાથે સાંકળવી કે જોતરવી, પ્રતિકૂળતાઓનો સામનો સંયુક્ત નિર્ણયોથી કરવો, આદર્શ નેતૃત્વનાં લક્ષણો, નિષ્ફળતાને સફળતામાં તબદીલ કરવા માટેની શક્યતાઓ, વ્યૂહરચનામાં ફેરફાર કરીને કોઈ નવીન જ માર્ગ અપનાવવો અને છેલ્લે મુખ્ય ઉપદેશ એ કે હરીફો સામે હરીફાઈ કરવાના બદલે પરિસ્થિતિઓ સામે મુકાબલો કરવો.

ઉપરોક્ત આર્ટિકલે મને પ્રોત્સાહિત કર્યો છે કે હું પણ એવી કોઈક જાણીતી દૃષ્ટાંતકથાને અજમાવું કે જેને જુદી જ રીતે વર્ણવવામાં આવે અથવા તેને રસમય ઢબે કે રમૂજમય રીતે લંબાવવામાં આવે; કે પછી તે અણધારી વિપરિત પરાકાષ્ઠાએ અંત પામે તેમ તેને વળાંક આપવામાં આવે. અહીં મેં પ્રચલિત વાર્તા ‘ચતુર કાગડો’ને પસંદ કરી છે, પણ તેને ઉપરના ત્રણેય વિકલ્પોને છોડી દઈને જુદી જ રીતે રજૂ કરવા માગું છું. મેં વિચારી લીધું છે કે કાગડાની ચતુરાઈવાળી એ ઘટનાને અનુલક્ષીને ઘણાં વર્ષો બાદ કેટલાક કાગડાઓ જ આપસમાં ચર્ચા કે વિવેચન કરતા હોય તેમ તેમની વચ્ચેના સંવાદોને પ્રયોજી કાઢવા. પરંતુ એ પહેલાં આપણે આપણા પ્રાથમિક શિક્ષણકાળ દરમિયાન આપણા પાઠ્યપુસ્તકમાં જે રીતે એ વાર્તાને વાંચી હોય કે ભણ્યા હોઈએ તે સ્વરૂપે જ અહીં જરા યાદ કરી લઈએ. એ વાર્તા નીચે પ્રમાણે છે :

“ઘણા સમય પહેલાં એક કાગડો હતો. તે તરસ્યો હતો. તે પાણીની શોધ માટે આમતેમ ઊડ્યો. છેવટે તેણે જમીન ઉપર પડેલો એક માટીનો કૂંજો જોયો. તેણે પોતાની ચાંચને અંદર નાખી જોઈ. કૂંજાનું મોંઢિયું સાંકડું અને લાંબું હતું. પાણીની સપાટી ઘણી નીચી હતી. તેની ચાંચ પાણી સુધી પહોંચતી ન હતી. તેણે અહીંતહીં નજર નાખી અને નજીકમાં જ તેને કેટલાક કાંકરા દેખાયા. તેને એકદમ સરસ વિચાર આવ્યો. તેણે વારાફરતી એક એક કાંકરાને પોતાની ચાંચમાં લઈને કૂંજામાં નાખવા માંડ્યું. જેમ જેમ કાંકરા અંદર નંખાતા ગયા, તેમ તેમ પાણી ઊંચે આવવા માંડ્યું. છેવટે પાણી ટોચ સુધી આવ્યું અને તેણે પોતાની તરસ છીપાવી લીધી. પછી તેણે પોતાના માળાએ પાછા ફરીને સાથી કાગડાઓને પોતાની ચતુરાઈની વાત કહી સંભળાવી. બોધપાઠ:”ઘણીવાર વિકટ સમસ્યાઓના ઉકેલ અણધાર્યા સ્રોતો (માર્ગો)માંથી મળી જતા હોય છે.”

વિલિયમ ક્લીઅરી (William Cleary) નામના અંગ્રેજ કવિએ ઈસપની અવિસ્મરણીય એવી કેટલીય વાર્તાઓને કાવ્યસ્વરૂપે આપણને આપી છે. તેણે ‘તરસ્યો કાગડો સારી સલાહ મેળવે છે’ શીર્ષકની વાર્તાને અલગ જ રજૂઆતથી કાવ્યરૂપે લખી છે. અહીં તેને રજૂ કરવાનો મારો લેશમાત્ર ઈરાદો નથી, કેમ કે આ આર્ટિકલની વ્યાપમર્યાદા મને તેમ કરતાં રોકે છે.

તો હવે, ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ (ભારત)ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ‘ચતુર કાગડો’વાળી ઉપર ઉલ્લેખિત વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા કાગડાઓનાં આ નિવાસવૃક્ષો છે. એમ કહેવાયું છે કે શીખવા માટે ઉત્સુક એવા સૌ કોઈ માટે વાતાવરણ એ ઉત્તમ શિક્ષકની ગરજ સારે છે. અહીં મેનેજમેન્ટના અભ્યાસનું વાતાવરણ છે અને અહીં જ આ બધા કાગડાઓ વસવાટ કરી રહ્યા છે. તેમણે આ જ સંકુલનાં વૃક્ષો નીચે બેસીને મેનેજમેન્ટ વિષય ઉપરની ચર્ચાઓ કરતા કોલેજિયનોને સાંભળ્યા છે અને તેથી જ તેમણે પણ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ કાગડાઓ વચ્ચે થએલો વાર્તાલાપ નીચે પ્રમાણે છે :

“આજે હું જ્યારે એક લીમડાના ઝાડ ઉપર બેઠેલો હતો, ત્યારે એક માનવમાતા તેના બાળકને આપણા કોઈક વડવા વિષેની સરસ વાત જે કહેતી હતી તે મેં સાંભળી. આપણા એ દાદા કેવા હોશિયાર હતા! કેવું બુદ્ધિપૂર્વક તેમણે કૂંજામાંથી પાણી પીધું હતું!”, એક કાગડો બોલ્યો.

બીજા કાગડાએ જવાબ વાળ્યો, “નિઃશંક, તે એક આશ્ચર્યજનક કાર્ય હતું. પણ, તેઓ એવું મહેનતવાળું કાર્ય કરવાના બદલે બીજી કોઈ રીત અપનાવી શક્યા ન હોત!”

“બીજી કઈ રીત, મારા દીકરા?”, વયોવૃદ્ધ કાગડો બોલ્યો.

પેલાએ કહ્યું, “કૂંજાના પડખે પોતાની ચાંચ વડે કાણું પાડી શક્યા હોત!”

“ના, ના. બિલકુલ નહિ! તે તારો મૂર્ખાઈભર્યો ખ્યાલ છે. આપણને કોઈનીય મિલ્કત અર્થાત્ વસ્તુને નુકસાન પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. વધુમાં, એક પક્ષીની તરસ મિટાવવા માટે જરૂરી જૂજ જ પાણી સામે પુષ્કળ પાણીનો વ્યય કરવો એ જરાય ઇચ્છનીય ન ગણાય!” વડીલ કાગડાએ કહ્યું.

“મિલ્કતને નુકસાન! કેવી ગાંડી વાત કરો છો! આપણે જોતા નથી કે વિદ્યાર્થીઓ જ્યારે હડતાલ ઉપર ઊતર્યા હોય, ત્યારે બસો સળગાવીને કે પછી રેલના પાટા ઉખેડી નાખવા જેવાં રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતાં કેવાં તોડફોડનાં કામો કરતા હોય છે?”

વૃદ્ધે કહ્યું, ‘તે લોકો શું કરે છે તે આપણે જોવાનું ન હોય! હું તો પ્રમાણિકપણે માનું છું કે આવી વિનાશક પ્રવૃત્તિઓ કરવી એ તો આપણા કાગ જાતિનાં નીતિમત્તાનાં ધોરણોથી સાવ વિરુદ્ધ છે. એ માટીનો કૂંજો બિચારા કોઈ ગરીબ માણસનો પણ હોઈ શકે. શા માટે આપણે કોઈને એક ટીપાભર પાણી માટે આટલું બધું મોટું નુકસાન કરવું જોઈએ? યાદ રાખો કે ભલા કાગડાઓ કદીય આવી રીતે વર્તે નહિ!”

“તો પછી, મહેરબાની કરીને, આપ પ્રકાશ નાખશો કે એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ?” એક યુવાન કાગડાએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું.

વૃદ્ધ કાગડાએ ઠાવકાઈપૂર્વક જવાબ આપ્યો, “મહેનતભર્યું કાંકરા નાખવાનું કામ શરૂ કરવા પહેલાં થોડુંક વધારે આમથી તેમ ઊડીને તમારે અન્ય જગ્યાએ પાણી હોવાની શક્યતાઓ તપાસવી જોઈએ. પાણીના કૂંજાનું ત્યાં હોવું એ જ એક એવી મોટી સાબિતી છે કે નજીકમાં જ ક્યાંક પાણી હોવું જોઈએ.”

વચ્ચે એક કાગડી પોતાના બચ્ચાનું દાણા ખવડાવવાનું કામ આટોપીને ચર્ચામાં દાખલ થતાં બોલી, “આપણા પૂર્વજો વિષેની હું કોઈ ટિકાટિપ્પણી કરું તો આપ સૌ મને માફ કરશો. પણ, આપણા સન્માનીય પૂર્વજ કાગડાજીએ બીજાઓ આગળ માત્ર પોતાનાં વખાણ ગાવા ઉપરાંત પોતે શોધી કાઢેલા પાણીને પીવા માટે બીજાઓને કહેવું જોઈતું ન હતું?”

એક તરવરિયો યુવાન કાગડો જે આખાબોલો અને નારીવાદી વિચારધારાઓનો વિરોધી હતો, તે બિચારી પેલી કાગડી ઉપર ગુસ્સાથી ભભૂકી ઊઠ્યો અને બોલ્યો, ‘જ્યારે અમે નરપક્ષીઓ વાત કરતા હોઈએ, ત્યારે તમારે માદાઓએ વચ્ચે દખલગીરી કરવી જોઈએ નહિ, સમજ્યાં?’

બધા કાગડા એકીસાથે મોટા અવાજે બોલી ઊઠ્યા, ‘શરમ, શરમ! તમારે માદાઓ સાથે આવો વર્તાવ કરવો જોઈએ નહિ! એ પણ બિચારીઓ આપણા જેવી જ જીવસૃષ્ટિ છે અને લગભગ આપણી સમગ્ર જાતિના અડધા ભાગ જેટલી સંખ્યામાં તેઓ છે. જીવનનાં તમામ ક્ષેત્રમાં એ લોકોને પણ આપણા જેટલો જ સરખો અધિકાર છે.’

એક કુશાગ્ર બુદ્ધિવાળા કાગડાએ વળી ભારતીય રાજકીય પક્ષો ઉપર કટાક્ષ કરતાં કહ્યું, ‘આપણે એ પેલા માનવી રાજકારણીઓ જેવા નથી કે જે પેલી બિચારી સ્ત્રીઓને વિધાનસભાઓ અને લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા ૩૩% પણ અનામત બેઠકો આપવા તૈયાર નથી! ખરેખર તો તેમને ૩૩% ના બદલે ૫૦% અનામત બેઠકો આપવી જોઈએ.’

આ સાંભળીને બધા કાગડા હર્ષઘેલા બનીને કાઉકાઉ કરવા માંડ્યા.

વયોવૃદ્ધ કાગડો જે IIM કેમ્પસના કાગસમુદાયનો સર્વોચ્ચ નેતા હતો, તે મોટેથી લોકસભાના સ્પીકરની અદાથી ‘શાંતિ…શાંતિ’ બોલી ઊઠ્યો અને કહ્યું, “હવે આપણે આપણા પૂર્વજ કાગડા વડીલે બીજાઓ સાથે પાણી પી લેવા અંગેનો શિષ્ટાચાર બતાવ્યો હતો કે નહિ તેવા ઊઠાવેલા નાજુક મુદ્દા ઉપર આવીએ. મારો અંતરાત્મા કહે છે કે એ વાર્તાનો સંવાદદાતા આ મુદ્દાને દર્શાવવાનું ચૂકી ગયો હોય તેમ લાગે છે. વળી એ પણ શક્ય છે કે અગણ્ય સૈકાઓના સમયગાળા દરમિયાન લોકોથી આ મુદ્દો પડતો મુકાઈ ગયો પણ હોય! હું નથી માનતો કે આપણા પૂર્વજો માનવજાત જેવા સ્વાર્થી હોય! પોતાની મહેનતના ફળરૂપે જે કંઈ પ્રાપ્ત થાય તે સઘળાઓ વચ્ચે વહેંચી લેવું એ તો આપણી કાગપ્રજાની પરંપરા અને આપણા જીવનનો મુદ્રાલેખ છે. માનવીઓમાંના મુડીપતિઓ તો અન્યોની મહેનતના લાભો કે ફળોને ઝૂંટવી લેતા હોય છે. તેઓ વધુ ને વધુ ધનિક થતા જતા હોય છે અને હજારો લોકોને ગરીબીરેખાની નીચે જીવવા માટે છોડી દેતા હોય છે. ગમે તે હોય, પણ આપણી આજની ચર્ચા રસપ્રદ રહી. આપણે સર્વસંમતિપૂર્વક ઠરાવીએ છીએ કે આપણા પૂર્વજ માનનીય કાગકાકાએ ખરેખર પાણી મેળવી લેવાની બાબતમાં જે કુશળતા અને ચાતુર્ય બતાવ્યું હતું તે પ્રશંસનીય છે. તેમની હોશિયારી સદીઓથી માનવજાત માટે એક આદર્શ સમાન પુરવાર થતી રહી છે. એ આખોય બનાવ બતાવી આપે છે કે કોઈએ પણ પોતાના જીવનના પ્રતિકૂળ સંજોગોમાં કેવી રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. હવે સંધ્યાકાળ થઈ ગયો છે. ચાલો આપણે આપણા સ્વર્ગસ્થ એ પૂર્વજ કે જે ‘ચતુર કાગડો’ કથાવાળી ઘટનાના મુખ્ય નાયક હતા, તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને તેમના માનમાં બે મિનિટનું મૌન ધારણ કરીએ.

અને, છેલ્લે વરિષ્ઠ કાગ મુખિયાએ જાહેરાત કરી કે “આપણી ઔપચારિક સભા અહીં સમાપ્ત થાય છે. આપણો ધ્યાન ધરવાનો સમય થઈ ગયો છે. બધાયને શુભ રાત્રિ!!!”

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: Web Gurjari

4 thoughts on “વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ

  1. નમસ્તે, વલીભાઇ, તમે કાગડાની વાર્તાને આધુનિક સંદર્ભમાં સમજાવી. એમાં સમય પ્રમાણે સામગ્રીમાં ફેરફાર થાય. એક વક્તા ને સારાકવિ એવા અનિલ જોષીએ પ્રસંગ વર્ણવ્યો છે. એના પૌત્રને એણે આ વાર્તા કરી. અંહી અમેરીકામાં
    કે જયા કાગડા ભાગ્યે જ જોવા મળે. જયારે અનિલભાઇએ વાર્તા કરી કે કાગડા કેવા ચતુર હોય. ત્યારે એ નાના બાળપૌત્રે વિરોધ કર્યો કે દાદા,આ કાગડો ચતુર ના કહેવાય. આટલી મહેનત કરવાને બદલે strow એટલે કે કાગળ કે પ્લાસ્ટિકની ભૂંગળી નાખીને સહેલાઇથી પાણી પી શક્યો હોત!

  2. બહેનજી, આભાર. એક રીતે કોઈપણ વાર્તા ઈલાસ્ટીક જેવી હોય છે, તેને‌ જ્યાં ઇચ્છો ત્યાં ખેંચી શકો.

  3. વાહ, જૂની વાર્તાનું આધુનિકરણ ખૂબ સરસ. મૂળ વાર્તા “હાજર સો હથિયાર” એ એક જ શીખ આપે છે, જયારે આ નવી ધણા મુદ્દાઓને સ્પર્શે છે. આજનાં બાળકો આગલી પેઢીનાં કરતાં વધારે exposure મળવાથી વધારે “ચતુર” થઇ ગયાં છે, એટલે આવું આધુનિકરણ ઘણું જ આવકારદાયક છે.
    પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવી એ હવે “ચતુરાઈ” ના ગણાય, એ આપણે મોટેરાંઓએ યાદ રાખવું પડશે, અને બાળકોને વાર્તાઓ દ્વારા સમજાવવું પડશે

  4. વાહ. આ વાર્તા નવા સ્વરૂપે અને નવી જગ્યાએ વાંચવાની મજા આવી ગઈ. હવે કાગડા દેખાશે તો તેમની આ સભા યાદ આવશે . જો કે, અહીં કાગડા જેવા દેખાતા રેવન( raven) સાવ જુદાજ અને તીણા અવાજમાં ચર્ચા કરતા હોય છે !

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published.