સમયચક્ર : યોગ એક સાધના છે, કોઈ ચિકિત્સા પધ્ધતિ નથી.

ભારત સરકારે ૨૧ જૂનને યોગ દિવસ તરીકે જાહેર કર્યો. પ્રચાર પ્રસારના જમાનામાં એક ભારતીય પ્રણાલી અને વિદ્યાનો પ્રચાર થાય તેમા કશું જ ખોટું નથી. દેશની પ્રજાના સારા સ્વાસ્થ્ય માટે સરકારો વિવિધ કાર્યક્રમો કરે એ સારી વાત કહેવાય. જોકે સરકાર લોકોના સ્વાસ્થ્ય માટે ખરેખર ચિંતિત હોય તો આરોગ્યને લગતા ક્ષેત્રો બિમાર હોય તો તેની સારવારે પણ જરુરી છે. પરંતુ જેને આપણે યોગ માની બેઠા છીએ તે ખરેખર યોગ છે કે શારીરિક ક્રિયાઓ તેના વિશે કોઈ ખુલીને બોલતું નથી. ઉપરાંત બાર વર્ષથી નાના વ્યક્તિ માટે આ જરુરી છે કે નહીં તે પણ ખુલાસો જરુરી છે. અષ્ટાંગયોગ હવે સરળતાથી ઉપલબ્ધ છે. જેમાં યોગ શું છે તે વિષદ રીતે જણાવાયું છે. દરેકે પોતાના સ્વાસ્થ્ય સંબંધી કોઈ પ્રયોગ કરતા પહેલાં પોતાના શરીરને જાણી લેવું જરુરી છે.

માવજી મહેશ્વરી

ભારતમાં ૨૧ જૂનના યોગ દિવસ તરીકે ઉજવવાનું શરુ થયું છે. ખુદ વડાપ્રધાન અને મંત્રીઓ સહિત દેશભરના અધિકારીઓ આ અભિયાનમાં જોડાઈને પ્રજાને એક સંદેશ પહોંચાડે છે. એટલું જ નહીં, આખાય દેશમાં સરકારી ધોરણે કાયદેસર છેક પ્રાથમિક શાળા સુધી આ અભિયાનનો અમલ થાય તે રીતની વ્યવ્સ્થા ગોઠવાય છે. પ્રજામાં એક સંદેશ પહોંચે છે. એક રીતે આ આખીય પ્રક્રિયા હકારાત્મક છે. વારસો જાળવવાની દિશામાં એક પ્રેરક પગલું છે.

ભારતીય મિડિયાએ અનેક નવા શબ્દો વિવિધ ભાષાઓમાં ઉમેર્યા છે. એમા એક યોગગુરુ નામનો શબ્દ પણ છે. બાબા રામદેવના સંન્યાસી સ્વરૂપને યોગગુરુનું રૂપ આપનાર ભારતીય પ્રસાર માધ્યમો છે. પરંતુ એવું નથી કે યોગ બાબા રામદેવનું સર્જન છે. યોગ સદીઓથી આ દેશમાં જીવનના એક ભાગ તરીકે ઉપયોગમાં લેવાતો રહ્યો છે. હા એટલું જરુર કહી શકાય કે આ પ્રાચિન ભારતીય વિદ્યાના પ્રચાર પ્રસારનો યશ ચોક્કસ બાબા રામદેવને આપવો જોઈએ. એના એ હકદાર પણ છે. પરંતુ બાબા રામદેવને પણ ખબર ન રહી કે તેઓ યોગનો પ્રચાર કરતા કરતા ક્યારે એક સન્યાસીમાંથી વેપારી બની ગયા. આમ તો એક સન્યાસી તરીકે એમનો ઉદેશ જુદ્દો હશે. પરંતુ એવું જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિને અતિ પ્રસિધ્ધિ મળવા લાગે છે ત્યારે તેની જાણ બહાર તેનો માર્ગ ફંટાઈ જાય છે. આખા ભારતની પ્રજા જાણે છે કે બાબા રામદેવજીએ યોગના પ્રચારની સાથે-સાથે અથવા તો સમયાંતરે કઈ દવાથી કેટલો ફાયદો થશે, કઈ દવા કયા રોગ માટે ઉપયોગી છે તે ગાઈ વગાડીને કહેતા રહ્યા છે. તેઓ યોગની સાથે સાથે દવાઓનો પ્રચાર પણ કરતા રહ્યા હતા. હવે તો એમની પોતાની પ્રોડક્ટ પંતંજલીએ વૈશ્વિક બજારને પડકાર આપ્યો છે.

માણસ જાતની એક નબળાઈ રહી છે કે તેને પોતાના ઉપર જેટલો વિશ્વાસ નથી હોતો એટલે દવા બતાવનાર ઉપર હોય છે. અને આમેય ભારતમાં આયુર્વેદને ભાવનાત્મક દષ્ટિએ જોવાય છે. લોકો એમ માને છે કે દેશી દવાઓ જો ફાયદો નહીં કરે, તો નુકશાન પણ નહીં કરે. પરંતુ એવું નથી. હકીકત એવી છે કે મોં દ્વારા શરીરમાં દાખલ કરાતો દરેક પદાર્થ સારી કે નરસી અસર બતાવ્યા વગર રહેતો નથી. એટલે દેશી દવાઓ નુકશાન નહીં જ કરે એ વાત ભૂલી જવા જેવી છે. કારણ કે ખોરાક હોય કે દવાઓ આખરે શરીર પર એની રાસાયણિક અસર થયા વિના રહેતી નથી.

મૂળ વાત યોગની હતી. અહીં યોગનો શાબ્દિક અર્થ સમજી લેવા જેવો છે. યોગના અર્થ આ પ્રમાણે છે. પહેલો અર્થ એવો છે કે યોગ એટલે મેળાપ ( Meeting) એટલે કે મળવું. બીજો અર્થ છે યોગ એટલે અવસર, પ્રસંગ અથવા ચોક્ક્સ સ્થિતિ. ( occasion ). ત્રીજો અર્થ છે યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. જેને આપણે ધ્યાન ( Meditation ) કહીએ છીએ. આ ત્રણેય અર્થને બરાબર સમજવાની જરુર છે. લોકભાષામાં જોગ અને સંજોગ જેવા શબ્દો વપરાય છે. જેનો અર્થ અવસર એવો થાય છે. એટલે કોઈ એક સ્થિતિ ઊભી થવી એને યોગ કહી શકાય. મેળાપ એટલે કે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનું મળવું. યોગનો સૌથી અગત્યનો અર્થ અને જેમાં ઊંડે ઉતરવા જેવું છે એ છે ચિત્તવૃત્તિઓનો નિરોધ. પહેલા બે તો સમજ્યા કે તે એક સ્થિતિ સૂચવે છે. પરંતુ ત્રીજો અર્થ સમજવા જેવો છે. ચિત્તવૃત્તિઓના નિરોધ માટે અંગ્રેજીમાં Meditation શબ્દ છે. નિરોધ એટલે અટકાવવું, રોકી રાખવું એવો અર્થ થાય છે. પરંતુ ચિત્તવૃતિઓનો નિરોધ એટલે શું ? કઈ ચિત્તવૃતિઓને અટકાવવી ? ચિત્તવૃતિઓનો નિરોધ ક્યારે કરવો, કોણે કરવો અને શા માટે કરવો એ પ્રશ્ન સમજવા પણ અગત્યના છે. એટલા માટે જરુરી છે કે યોગ એક સાધના છે અને સાધના જીવનપર્યંત ચાલે. એ કોઈ ચોક્ક્સ સમયનો અભ્યાસક્રમ નથી. યોગ શબ્દનો અર્થ એટલો ગહન છે કે એને સમજવા માટે સમજનારે પોતાના ઉપર જ પ્રયોગો કરવા પડે. માત્ર સાંભળી, વાંચી કે કોઈને જોઈને એની અનુભૂતિ કરી ન શકાય. છેલ્લાં કેટલાંક વર્ષથી યોગ ( મોર્ડન કલ્ચરનું યોગા ) વિશે લોકોમાં જે ખ્યાલો બંધાઈ રહ્યા છે અને યોગના નામે લોકો જે શારીરિક ક્રિયાઓ કરે છે તે ખરેખર યોગ છે કે નહીં તે કોઈ પ્રખર અભ્યાસુ સન્યાસીઓ જ કહી શકે અને કહેવાની જરુર જણાય છે.

વર્તમાન સમયમાં યોગને મનની ક્રિયા કરતાં વધારે પડતું શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડી દેવામાં આવ્યો છે. યોગના શારીરિક ફાયદાઓ ગણાવી ગણાવીને લોકોને યોગની દિશામાં વાળવામાં આવ્યા. યોગની ચમત્કારિક શક્તિઓનો પ્રચાર-પ્રસાર કરવામાં એ રીતે કરવામાં આવ્યો કે જાણે અમુક જાતના આસનો કરવાથી, અમુક રીતે શ્વાસ લેવાથી, કે અમુક ફળો કે વનસ્પતિનો રસ પીવાથી આપણો કાયાકલ્પ થઈ જવાનો હોય ! બધાં જ રોગ જડમૂળથી દૂર થઈ જવાના હોય. યોગને એક ચિકિત્સા પધ્ધતિ માની લેવામાં આવી. જોકે આસનો કે પ્રાણાયામથી ફાયદો ન થાય એવું નથી. પરંતુ યોગ શરીરની કોઈ ચિકિત્સા પધ્ધતિ બિલકુલ નથી. એક ઘટના પણ ભારતના લોકોને યાદ હશે. થોડાં વર્ષ પૂર્વે યોગગુરુ કહેવાતા બાબા રામદેવનું શરીર થોડા દિવસના ઉપવાસમાં જ લથડી ગયું હતું અને એલોપેથીના તબીબોએ જ એમની સારવાર કરી હતી.

યોગ ઉપરથી જ યોગી શબ્દ બનેલો છે. તો જે યોગાસનો કરી રહ્યા છે તે બધા યોગી જ કહેવાય. પરંતુ યોગીનો અર્થ આપણે જુદો કરીએ છીએ. વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. લોકો સમજ્યા વગર માત્ર શારીરિક પીડામાંથી છૂટવા માટે યોગાસનો કરી રહ્યા છે. જે આસનોનો મહાવરો યુવાવસ્થાથી હોય તે પ્રકારના આસનો પ્રોઢ કે વૃદ્ધાવસ્થામાં કરી શકાય. પરંતુ શારીરિક સ્વાસ્થ્યના ફાયદાની ગણતરીએ મોટી ઉમરે યોગાસનો કરવા મંડી પડેલાઓની સ્થિતિ ક્યારેક વિચિત્ર પણ બની જતી હોય છે.

યોગનો એક અર્થ ધ્યાન એવો થાય છે. આપણે ધ્યાનને ધાર્મિક શબ્દ બનાવી દીધો છે. વાસ્તવમાં ધ્યાન એટલે રોજિંદા જીવનમાં નિષ્ઠા અને એકાગ્રતા. લોક સાહિત્યના એક દુહામાં માથે હેલ મૂકીને ચાલતી પનિહારીઓની વાત છે. દૂહો એમ કહે છે કે પનિહારી પોતાની બેનપણી સાથે વાતો કરે, હસે, કે હાથતાળી દે. પરંતુ એના માથા પરનું બેડું જરાય છલકાતું નથી. એનું ધ્યાન તો બેડાંમાં જ હોય છે. પોતાના રોજિંદા કાર્યો પૂર્ણપણે જીવ રેડીને કરવાં એ પણ યોગ છે. એ અર્થમાં યોગીઓનો યોગ અને સંસારીનો યોગ જુદાં છે. બાકી પરાણે ચિત્તવૃતિઓનું દમન કરવાથી તે બમણાં વેગથી ઊછળે છે. યોગ એક વ્યક્તિગત અને ચૈતસિક ક્રિયા છે. એ બધા માટે સહજ સાધ્ય પણ નથી.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે


Author: Web Gurjari

1 thought on “સમયચક્ર : યોગ એક સાધના છે, કોઈ ચિકિત્સા પધ્ધતિ નથી.

  1. “પોતાના રોજિંદા કાર્યો પૂર્ણપણે જીવ રેડીને કરવાં એ પણ યોગ છે.”

    તમારું આ વાક્ય સુધારવાની ગુસ્તાખી કરું?

    “પોતાના રોજિંદા કાર્યો પૂર્ણપણે જીવ રેડીને કરવાં એ જ યોગ છે.”

    ગીતામાં કહ્યું છેઃ योगः कर्मसु कौशलम् (કર્મમાં કુશળતા એટલે યોગ). ગીતામાં તો યોગનો આ અર્થ આપતાં ક્યાંય ઊછળકૂદ કરવાનું નથી કહ્યું !

Leave a Reply

Your email address will not be published.