સમાજ દર્શનનો વિવેક : પ્રબળ રાજ્યસત્તા એટલે સંવેદનહીન સત્તા

કિશોરચંદ્ર વિ ઠાકર

કુદરતી રીતે જ રહેલી સામાજિક સુગ્રથિતતામાં કોઈ કાયદાકાનૂન વિના બધા જ પ્રાણીઓ માત્ર સહજવૃતિ(instinct)થી પોતાના સમાજના નિયમોનું પાલન અ‍ચૂક કરે છે. કીડી-મધમાખીથી માંડીને માનવીના પૂર્વજ એવા વાનરમાં પણ આ પ્રકારની સામાજિક સુગ્રથિતતા જોવા મળે છે. આદીમ માનવ પણ જ્યારે ટોળીઓમાં રહેતો ત્યારે પોતાની સહજવૃતિથી પોતાનાં જૂથ –ટોળી-સમાજ પ્રત્યે વફાદાર રહીને પોતાની ફરજ નિભાવતો. જુદી જુદી ટોળીઓ પરસ્પર સંઘર્ષમાં આવતી ત્યારે શરૂઆતમાં તો હારનાર ટોળીનું નિકંદન જ કાઢી નાખવામાં આવતું. પરંતુ કાળક્રમે માણસની બુદ્ધિ વધારે કાર્યરત થતાં તેણે જોયું કે પરાજિત જૂથનો સંપૂર્ણપણે નાશ કરવાને બદલે તેના સભ્યોને ગુલામ બનાવીને પોતાને આધીન રાખવાથી તેમની પાસે કામ પણ લઈ શકાય છે. જૂથ પણ મોટું બને છે. મોટું જૂથ બનવાને કારણે વિજેતા જૂથના મુખિયાની સત્તામાં પણ વધારો થાય છે. જૂથ જ્યારે નાનું હશે ત્યારે તેના બધા જ સભ્યો પરસ્પરને જાણતા હશે, પરંતુ જેમ જેમ જૂથ મોટું થતું ગયું હશે તેમ તેમ સત્તા સ્થાને બેઠેલા મુખિયા સહિત વધુ ને વધુ સભ્યો એકબીજાથી અપરિચીત થવા લાગ્યા હશે અને એથી જ વ્યક્તિગત લાગણીના કે પરસ્પર સંવેદનશીલતના બંધન શિથીલ થયા હોવા જોઈએ.

દરમિયાન જૂથ પ્રત્યેની વફાદારીમાંથી જન્મેલી સામાજિક સુગ્રથિતતા કેટલેક અંશે નૈસર્ગિક તો કેટલેક અંશે માનવીની બુદ્ધિ વડે તર્કજન્ય વિચારપ્રેરિત પ્રક્રિયાઓ દ્વારા વિકાસ પામી હશે. ધીમે ધીમે સાહજિક વૃતિનું પ્રમાણ ઘટતું ગયું હશે અને વિચારપ્રેરિત પ્રક્રિયાથી બનેલા નિયમોનું પ્રમાણ વધવા લાગ્યું હશે. નિયમોનું પાલન કરાવવા માટે રાજ્ય જેવી સંસ્થાની જરૂર પડી હશે. એક રીતે કહી શકાય કે માણસની સહજવૃતિમાં બુદ્ધિએ પાડેલા છીંડાને કારણે માનવસમાજમાં રાજ્યનો પ્રવેશ થયો હોવો જોઇએ.

(માનસ) શાસ્ત્રીય રીતે બુદ્ધિની વ્યાખ્યા એટલે પોતાના સ્વાર્થનો ખ્યાલ આવવો. વ્યક્તિને જેટલી ઝડપથી પોતાના સ્વાર્થનો ખ્યાલ આવે તેટલો તેનો બુદ્ધિઆંક વધારે ગણાય. રાજ્યની બાબતે સ્વાર્થ એટલે વધુ ને વધુ સત્તા ધારણ કરવી. રાજ્યસત્તા દરેક સ્થળે આ વ્યાખ્યા પ્રમાણે જ ચાલતી હોય છે. સત્તા પ્રાપ્ત કરવા, જાળવવા ને પછી તેને વધુ ને વધુ મજબૂત બનાવવા માટે નિર્મમતાનો સહારો લેવો પડતો હોય છે. સંવેદનશીલતા ગુમાવ્યા વિના ભાગ્યે જ કોઈ સત્તા પ્રબળ બની શકે છે. આમ બળવાન સત્તા નૈસર્ગિક રીતે જ સંવેદનહીન હોય છે.

રાજ્યોનું સ્વરૂપ ભલે ક્રમશ: બદલાતું ગયું, પરંતુ દરેક યુગમાં, દરેક પ્રકારના રાજ્યે પ્રજાને સલામતી આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર તો કર્યો જ છે- રાજ્યનો ઉદભવ જ તેમાંથી થયો છે. પરંતુ વ્યક્તિને મળતી સલામતી તેની સ્વતંત્રતાને ભોગે જ હોય છે. આ માટે *ઘોડાએ પોતાની સ્વતંત્રતા કઈ રીતે ગુમાવી તેની વાર્તા જાણીતી છે.

નિયંત્રણ કરવાના સાધનોની સુલભતાને કારણે આધુનિક સમયમાં રાજ્યો વિસ્તાર અને વસ્તીમાં મોટા થયા. પ્રજાની જાગૃતિને કારણે દરેક પ્રકારના (લોકશાહી, સરમુખત્યારશાહી વગેરે) રાજ્યોનો આદર્શ પણ કલ્યાણ રાજ્યનો એટલે કે નાગરિકોની સુખાકારી વધારવાનો થયો. સ્વાભાવિક રીતે જ નાગરિકોની સુખાકારીમાં સલામતી અગ્રતા ક્રમે હોય. આંતરિક જોખમોથી નાગરિકોનું રક્ષણ કરવા માટે રાજ્ય જે નિયમો કે કાયદા બનાવે છે તેનું પોતાની ફરજ સમજીને સામાન્ય નાગરિકો પાલન કરતા હોય છે. કેટલીક વાર વિદેશી આક્રમણને કારણે પ્રજાની સલામતી જોખમાતી લાગતા રાજ્ય પ્રજા પર કેટલાક પ્રતિબંધો જેવા કે રાત્રિના સમયે અંધારપટ, સમાચારો પર સેંસરશીપ વગેરે લાદે છે. શંકા પરથી જ ધરપકડ કરવાની સતા પણ હાથમાં લે છે. હુલ્લડો વખતે પણ શંકા પરથી ધરપકડ કરવી, કરફ્યુ જેવા પ્રતિબંધો મૂકાતા હોય છે. મહામારી કે અન્ય કુદરતી આપત્તિ વખતે પણ રાજ્ય કેટલાક નિયંત્રણો મૂકે છે. આ નિયંત્રણો નાગરિકની સ્વતંત્રતાનું હનન કરતા હોવા છતાં વ્યાપક હિતમાં હોવાનું માનીને સામાન્ય નાગરિક તેનો સ્વીકાર કરી લે છે. પરંતુ આપણે ઇ.સ. 1975ની કટોકટી વખતે જોયું કે સલામતીને નામે આખા દેશને જેલમાં બદલી નાખવામાં આવ્યો. સરકાર પાસે વિશાળ અને બળુકા સાધનો હોવાથી પોતાને મળેલી સત્તાનો અમલ કરાવી શકી.

ચીનમાં જ્યારે કોરોનાનો કેર વર્તાણો ત્યારે તેના કેટલાક વિસ્તારને લોકડાઉન કરેલો. એ વખતે એમ લાગતું હતું કે આપણે ત્યાં લોકશાહી હોવાથી નાગરિકોને ઘરમાં પૂરવા સરકાર માટે મુશ્કેલ છે. પરંતુ ચીનમાં તો થોડાક વિસ્તારમાં જ અવરજવર બંધ થઈ, આપણે ત્યાં તો રાતોરાત આખા દેશમાં મોટાભાગના નાગરિકોને પોતાના ઘરોમાં કેદ કરી દેવામાં આવ્યા. નાગરિકોની સલામતી માટે આ બધું જરૂરી માનીએ તો પણ રાજ્યની પ્રચંડ શક્તિ અને સત્તાનો પરચો તો મળ્યો જ.

દરેક જગ્યાએ સરકારોની મૂળભૂત પ્રકૃતિ વધુ ને વધુ સત્તા ધારણ કરવાની હોય છે. કુદરતી કે માનવ સર્જિત આપદાઓ તેમાં અનુકૂળતા કરી આપે છે. અનુભવો એવા રહ્યા છે કે આવી પ્રચંડ સત્તા ધારણ કર્યા પછી તેના ઉદ્દેશ્યો સિદ્ધ થવા કરતા નાગરિકોની સ્વતંત્રતાનું હનન વધુ થાય છે. રાજ્યસત્તા દંડ દેવાની સંવેદનહીન તાકાત સ્વરૂપે જ બહાર આવે છે. કદાચ શાસનમાં ક્યાંક સંવેદનશીલતા હોય (જે ભાગ્યે જ હોય છે) તો પણ મસમોટા તંત્રના અંતિમ છેડે પહોંચતી નથી તો, ક્યારેક આ અંતિમ છેડા પર હુકમનું દબાણ તેની સંવેદનશીલતા પર સવાર થઈ જાય છે. આ છેડાની નજીકમાં તો સાધનવિહીન ગરીબ લોકો જ હોય છે, જે સહેલાઇથી દંડનો ભોગ બને છે. ઘર આંગણે તાજેતરની કોવિદ 19ની આપદામાં આ બાબત સ્પષ્ટ રીતે દેખાઈ આવી છે. રોજીરોટી કે ઝૂંપડાં જેવા મકાનોને કારણે જેમને માટે ઘરમાં રહેવું શક્ય નથી તેવા ગરીબ લોકો પોલીસના લાઠીમારના ભોગ બન્યા છે તો ક્યારેક તેમની રોજીરોટી જેવા શાકભાજી વગેરેના માલસમાનની લારીઓને ઉંધી વાળી દેવામાં આવી હતી. એક રીતે તેમના જીવવાની સ્વતંત્રતા પણ છીનવાઈ ગઈ કહેવાય.

આ તો થઇ ગરીબ લોકોની વાત. પરંતુ દરેક જગ્યાએ નાગરિકોનો એક મોટો સમૂહ હોય છે જે પોતાની જવાબદારી સમજીને મહામારીથી બચવા માટેના દિશાનિર્દેશનનું સ્વૈચ્છિક પાલન કરે છે. તેમને પણ બીનજરૂરી રીતે ઘરોમાં કેદ કરી દેવામાં આવ્યા. અલબત્ત એક એવો બેજવાબદાર વર્ગ હોય છે કે જેમના પર સખ્તાઇથી વર્તવું જરૂરી હોય છે. પરંતુ આમાંનો કેટલોક વર્ગ તો પ્રતિબંધોમાંથી બચવાની ગોઠવણ કરી લેતો જોવા મળ્યો છે.

ઉદાહરણ ભલે આપણે ઘર આંગાણાંનું આપ્યું, પરંતુ દરેક જગ્યાએ સલામતીના નામે રાજ્યે ધારણ કરેલી સત્તા હેઠળ પ્રજાએ સ્વતંત્રતા જ ગુમાવવી પડે છે. ઉપરાંત છેવાડાના વર્ગને ભાગે તો ત્રાસ જ આવે છે. પેલા લાખો મજૂરો જે રોજી રોટી ને આશ્રયને અભાવે ધોમધખતા તાપમાં હજારો કિલોમીટર ચાલવાની તૈયારી સાથે વતન જવા નીકળી પડ્યા, તેમને તો આપણા લેખામાં લેખતા જ નથી. આપણા ભદ્ર વર્ગે તો એમને નિયતિ માનીને જ છોડી દીધા છે. પ્રચંડ તાકાત ધરાવતી રાજ્ય સત્તા તો ભાગ્યે જ એમને ઉપયોગી થવાની સંવેદના ધરાવતી હોય છે.

તારણ એ નીકળે છે કે બળવાન કે‌ન્દ્રીય સત્તા સલામતીનું મૃગજળ બતાવીને નાગરિકોની સ્વતંત્રતા છીનવી લે છે. આનો ઉપાય સત્તાનું વિકે‌ન્દ્રીકરણ હોઇ શકે. કાલ માર્કસે તો રાજ્યવિહીન સમાજની વાત કરી છે. એ આદર્શને ભલે આપણે અવાસ્તવિક માનીએ, પરંતુ મજબૂત રાજ્યસત્તા આપદાઓમાં નાગરિકોના મૂળભૂત હકો પર જ તરાપ મારે છે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો રહ્યો.

બીજી મહત્વની વાત એ છે કે જેમ વ્યક્તિના જીવનમાં સલામતીનું વલણ તેના વિકાસમાં અંતરાય રૂપ બને છે તેમ પ્રજાનાં જીવનમાં પણ સતત સલામતીનું વલણ હિતાવહ તો નથી જ. ઇતિહાસમાં પણ એ પ્રજાનો જ જયવારો થયો છે કે જેણે સલામતીને બદલે સ્વતંત્રતા જ પસંદ કરી છે.

(*ઘોડાનું બંધન; અગાઉ ઘોડો સ્વતંત્ર પ્રાણી હતો અને કોઈપણ બંધન વિના પોતાની જાતે હરીફરી શકતો હતો. એક દિવસ તેણે પહેલી વાર હાથી જોયો અને એ કદાવર પ્રાણીથી ડરી ગયો. હાથીથી બચવા તેણે પહેલા તો સિંહની મદદ માગવા વિચાર્યું. પરંતુ ‘સિંહ તો આપણને ફાડી જ ખાય’ એ જોખમ વિચારીને બુદ્ધિશાળી એવા માણસની મદદ માગી. માણસે મદદ કરવાનું વચન આપ્યું, પરંતુ બદલામાં તેણે કેટલીક શરતો મૂકતા કહ્યું કે ‘તારી પીઠ પર તારે મને સવાર થવા દેવો પડશે. આ માટે તારા મોંમા લગામ નાખવા દેવી પડશે, તારાં પડખામાં લોખંડની એડી મારવા દેવી પડશે” ઘોડાએ તો જીવતા રહેવું હતું એથી બધી શરતો કબૂલ રાખી. માણસે હાથીને મારી તો નાખ્યો પરંતુ આજ સુધી તે ઘોડાની પીઠ પરથી નીચે ઉતર્યો નથી.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

1 thought on “સમાજ દર્શનનો વિવેક : પ્રબળ રાજ્યસત્તા એટલે સંવેદનહીન સત્તા

Leave a Reply

Your email address will not be published.