સાયન્સ ફેર : ત્રિપરિમાણીય કલ્પનાચિત્રણ – બાંધકામ અને ઇન્ટીરિયર ડિઝાઈનીંગમાં ત્રિપરિમાણીય કલ્પનાચિત્રણ (૩D વિઝ્યુઅલાઇઝેશન)

જ્વલંત નાયક

‘ગ્રાફિકલ વિઝ્યુઅલાઇઝેશન’ એટલે છબીઓ, આકૃતિઓ કે પછી ચિત્રોનું ચલચિત્રીકરણ દ્વારા થતી, વિચારો કે કલ્પનાઓની જીવંત અભિવ્યક્તિ. માનવને પોતાની અભિવ્યક્તિઓ પ્રદર્શિત કર્યા વિના ચાલતું નથી. કંદમૂળ અને કાચુ માંસ ખાનારો આદિમાનવ પણ પોતાના વિચારો, અનુભવો કે કલ્પનાઓની અભિવ્યક્તિ માટે ગુફાચિત્રો દોરતો! જો કે ભાષાના વિકાસ પછી ‘કમ્યુનિકેશન’ માટે ચિત્રો દોરવાની જરૂરીયાત ન રહી. તેમ છતાં જ્યારે પોતાની વાત પ્રભાવી રીતે રજુ કરવી હોય ત્યારે, આજની તારીખમાં પણ ચિત્રો (ઇમેજીસ)નો સહારો લેવામાં આવે છે. દા.ત. જાહેરખબરો કે પછી કોઈ કોર્પોરેટ કક્ષાના પ્રેઝન્ટેશન્સ!

અંગ્રેજી સાહિત્યમાં એક કહેવત છે. “One gesture equal to thousand words.” ગુજરાતીમાં ભાવાનુવાદ કરવો હોય તો કહી શકાય કે, બુધ્ધિપૂર્વક કરાયેલો એક ઈશારો કે ચેષ્ટા, એક હજાર શબ્દોની ગરજ સારે છે! આ વાતને માર્કેટિંગના નિષ્ણાંતો બરાબર સમજે છે. આથી જ લોકો સમક્ષ પોતાની પ્રોડક્ટસની રજૂઆત કરવા માટે તેઓ વધુને વધુ પ્રયત્નો કરતાં રહે છે. હાલના સમયમાં હરીફાઈનો યુગ છે, આથી માર્કેટિંગના નિષ્ણાંતોને પોતાની પ્રોડક્ટ બીજા કરતાં ચડિયાતી છે એવું બતાવવા માટે અનેક ટેકનોલોજીઝનો સહારો લેવો પડે છે. આ પૈકીની અગ્રગણ્ય ટેકનોલોજી હોય તો તે છે ‘ગ્રાફિકલ વિઝ્યુઅલાઇઝેશન’! આપ સહુએ ક્રિકેટ મેચ દરમિયાન વારંવાર દેખાતી વોડાફોન કંપનીની પેલી ‘ઝૂઝૂ’ વાળી એડવર્ટાઈઝ[i] કે પછી ‘અમૂલ’ કંપનીની ‘અટરલી બટરલી ડિલીશીયસ’ કહેતી નાનકડી બાળકીની એડવર્ટાઈઝ[ii] જોઈ જ હશે. આ બંને જાહેરાતોમાં મુખ્ય પાત્રો એવા ઝૂઝૂ અને પેલી બાળકી, એ કોઈ વાસ્તવિક પાત્રો નથી, પરંતુ ગ્રાફિકલી જનરેટેડ કેરેક્ટર્સ છે.

બિઝનેસ પ્લાન્સ કે કલ્પનાઓને લોકો સુધી પહોંચાડવા માટેનું ગ્રાફિકલ વિઝ્યુઅલાઇઝેશનનું ક્ષેત્ર ખુબ વિશાળ છે. પરંતુ આજે આપણે રીઅલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રે થનારા ગ્રાફિકલ વિઝ્યુઅલાઇઝેશનની વાત કરવી છે,[iii] જેમાં સિવિલ કે મિકેનીકલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટ્સ પોતાના વિચારો અને કલ્પનાઓને ‘ટેકનીકલ વર્કિંગ ડ્રોઈંગ’માં ઢાળવા માટે ‘ઓટોકેડ’ (AutoCAD) કે ‘ગુગલ સ્કેચ અપ’ (Google Sketchup) જેવાં સોફ્ટવેર્સનો ઉપયોગ કરે છે.

પરંતુ આ રીતે બનેલા ડ્રોઈંગ સામાન્ય લોકો સમજી શકતા નથી. પરિણામે આ ડ્રોઈંગ્સને થ્રી-ડાઈમેન્શનલ પ્રેઝન્ટેશન તરીકે રજુ કરવામાં આવે છે. દા.ત. કોઈ બિલ્ડીંગનો પ્લાન જોવાથી, સામાન્ય માણસ સમજી નથી શકતો, કે બિલ્ડીંગ બન્યા પછી કેવું દેખાશે! આથી આર્કિટેક્ટ્સ કે એન્જીનિયર દ્વારા બનાવાયેલા પ્લાન ઉપરથી, 3D max, Revit, 3D Maya વગેરે જેવાં ગ્રાફિક્સ સોફ્ટવેર્સની મદદ વડે વર્ચ્યુઅલ બિલ્ડીંગ ઉભું કરવામાં આવે છે.

કોમ્પ્યુટરમાં, સોફ્ટવેર્સની મદદથી બનેલા, બિલ્ડીંગના આ પ્રકારના મોડેલને 3D (થ્રી-ડાઈમેન્શનલ) મોડેલ કહેવામાં આવે છે. આ પ્રકારના બિલ્ડીંગ મોડેલ્સની ખાસિયત એ છે, કે જે-તે સોફ્ટવેર્સની યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરીને ગ્રાફિક્સ આર્ટિસ્ટ, મનપસંદ કેમેરા એન્ગલ ગોઠવી શકે છે. આથી બિલ્ડીંગનો જે હિસ્સો જોવો હોય તે જોઈ શકાય છે. આમ કરવાથી બિલ્ડીંગની ડિઝાઈનની ચકાસણી કરી શકાય, ઉપરાંત તેમાં કોઈ ખામી જેવું લાગે અથવા બીજા કોઈ કારણોસર ડીઝાઈનમાં સુધારો કરવા જેવું લાગે, તો થઇ શકે છે. આમ, ખરેખરું બિલ્ડીંગ બને, એ પહેલાં જ તેની ખૂબી-ખામીઓ વિષે જાણકારી મળી જાય છે. ઉપરાંત બિલ્ડીંગને કયા રંગો વડે સુશોભિત કરી શકાય, કે પછી રંગોને બદલે કોઈક ‘ટેક્સચર’ વાપરવું, એ વિશે કોમ્પુટર ગ્રાફિક્સની મદદથી ‘ટ્રાયલ એન્ડ એરર’ પદ્ધતિ વડે ચકાસણી થઇ શકે. દા.ત. ફલોરીંગ કરવાનું હોય ત્યારે કયો માર્બલ વાપરવાથી મકાન સુંદર લાગશે એ જાણવું હોય, તો જે-તે બિલ્ડીંગના કોમ્પ્યુટર જનરેટેડ 3D મોડેલમાં, પસંદગીના માર્બલની પેટર્ન ‘એપ્લાય’ કરીને, એક ઈમેજ તરીકે તેનું આઉટપુટ મેળવી શકાય છે. આ ઈમેજમાં, તમે પસંદ કરેલો માર્બલ નાખ્યા બાદ બિલ્ડીંગ અસલમાં કેવું દેખાશે એ જાણી શકાય છે. આ રીતે બે ત્રણ જાતના માર્બલ માટે લેવાયેલ આઉટપુટ્સને એકબીજા સાથે સરખાવીને, જે માર્બલ દીવાલોના રંગો અને જે-તે બિલ્ડીંગની ડિઝાઈન સાથે સુસંગત લાગતો હોય તેની પસંદગી કરી શકાય છે. ઇન્ટીરીયર ડિઝાઈનીંગન ક્ષેત્રમાં પણ આ રીતનું ‘ વિઝ્યુઅલાઇઝેશન’ ખુબ ઉપયોગી નીવડે છે. દા.ત. દિવાનખંડના ફર્નિચર સાથે કયા રંગના પડદા સારા લાગશે એ, દિવાનખંડનું ફર્નિચર બને એ પહેલા જ તેના ૩D મોડેલની મદદથી જાણી શકાય છે.

આ રીતે, બાંધકામ અને ઇન્ટીરિયર ડિઝાઈનીંગન ક્ષેત્રે ૩D વિઝ્યુઅલાઇઝેશનનો ઉપયોગ કરવાથી ફાયદો એ થાય છે કે, તમે ખર્ચેલા રૂપિયા માટે, મનપસંદ ડિઝાઈન મેળવી શકો છો. વળી એ ડિઝાઈન સાથે અનુરૂપ રંગો કે ટેક્સચર પણ કોમ્પ્યુટરની મદદથી જ નક્કી કરી શકો છો. જેનાથી ઓછા ખર્ચે વધુ વિકલ્પો મળી રહે છે. આથી જ ૩D વિઝ્યુઅલાઇઝેશનનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે.

૩D વિઝ્યુઅલાઇઝેશન કઈ રીતે થાય છે એ જોઈશું ૨૬-૬- ૨૦૨૦ના અંકમાં .


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


[i]

[ii]

[iii]સંપાદકીય નોંધ – અહીં લીધેલ વિડીયો ક્લિપ્સ યુ ટ્યુબ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.