ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૨: ગાંધી-અર્વિન કરાર

દીપક ધોળકિયા

ગાંધીજીને છેક ૧૯૩૧ની ૨૬મી જાન્યુઆરીએ છોડવામાં આવ્યા. (અહીં આપણે અનુસંધાન જોડીએ – અહીં પ્રકરણ ૪૨ વાંચો. જેલમાંથી બહાર આવીને ભગતસિંઘને છોડાવવા માટે ગાંધીજીએ શું કર્યું તેની વિગતો એ પ્રકરણમાં છે). મીઠાના સત્યાગ્રહનાં પરિણામ બ્રિટન માટે ચોંકાવનારાં હતાં. સાવ જ નજીવો લાગતો મુદ્દો આટલા મોટા આંદોલનમાં પરિણમશે તેની બ્રિટનમાં કલ્પના પણ નહોતી.

હવે વાઇસરૉયે બ્રિટનને કહ્યું કે કંઈક નરમાશ નહીં દેખાડીએ તો આંદોલન શાંત નહીં પડે, એટલે પહેલું કામ આંદોલનને રોકવાનું છે અને તે તો માત્ર કંઈક કરતા હોવાનું દેખાડીએ તો જ થાય. વાઇસરૉય અર્વિનની દરખાસ્ત એ હતી કે લંડન એવી ખાતરી આપે કે એ ભારતને અધીન રાજ્યનો દરજ્જો – ડોમિનિયન સ્ટેટસ – આપવા તૈયાર છે, તો આંદોલન બંધ થાય. અર્વિને લંડન જઈને ત્યાં ભારત માટેના પ્રધાન સાથે પણ ચર્ચા કરી, પણ બ્રિટિશ સરકાર આવું વચન આપવા તૈયાર નહોતી. એનો તર્ક એ હતો કે આ વચન આપ્યા પછી આંદોલન બંધ થાય, એ તો એની જીત ગણાય. એના પછી આંદોલન ચાલુ રાખવાનું કોંગ્રેસ પાસે પણ કોઈ કારણ ન હોય. આથી એમ કરવું કે ભારતના બધા લાગતાવળગતા પક્ષો કે હિત-જૂથોની પરિષદ બોલાવીને ભારતનો પ્રશ્ન ચર્ચવા બ્રિટન તૈયાર છે, તે દેખાડવું. આમ બધું પરિષદનાં પરિણામો પર છોડી દેવું. આમાં કોઈ જાતનું વચન પણ નથી અને ખુલ્લું મન હોવાનું પણ દેખાડી શકાય.

આ પહેલાં પણ ૧૯૩૦ના નવેમ્બરમાં પહેલી ગોળમેજી પરિષદ મળી ગઈ હતી અને એ અર્થ વગરની સાબિત થઈ હતી કારણ કે કોંગ્રેસ એમાં સામેલ નહોતી થઈ. ગાંધીજી અને બીજા પણ ઘણાય નેતાઓ જેલમાં હતા. એ વખતે તો બ્રિટનને લાગ્યું હતું કે કોંગ્રેસને ખૂણે બેસાડીને આગળ વધવું; પણ કોંગ્રેસની તાકાતનો પરચો તો ભારતમાં જ મળે અને એની ઉપેક્ષા કરવાથી કંઈ ન વળે એ પણ સરકારને સમજાઈ ગયું હતું. હવે ફરી પરિષદ બોલાવીને ભારતના જ પ્રતિનિધિઓ વચ્ચેના મતભેદો બહાર આવે એવા સંયોગો ઊભા કરવાથી બ્રિટન સરકારનો તો કંઈ વાંક ન કાઢી શકાય. વાઇસરૉયનો આગ્રહ હતો કે કોંગ્રેસ પરિષદમાં જોડાય તે માટે કંઈક કરવું પડશે. એણે જાહેરાત કરી કે બ્રિટન સરકાર ભારત વિશે ગંભીરતાથી વિચારે છે અને એના પર ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદ બોલાવવાનું નક્કી કર્યું છે, જેમાં ભારતનાં બધાં જૂથોને આમંત્રણ અપાશે.

કોંગ્રેસ ગાંધીજી જેલમાં હોય ત્યાં સુધી વાતચીત કરવા તૈયાર ન થાય એ તો સ્વાભાવિક હતું. કોંગ્રેસના પ્રતિનિધિઓમાં ગાંધીજી પણ ગોળમેજી પરિષદમાં ભાગ લે એવી અર્વિને ઇચ્છા જાહેર કરી. આથી ગાંધીજીને છોડવાનો વાઇસરૉયે નિર્ણય લીધો. હવે ગાંધીજી અને અર્વિન વચ્ચે સીધી વાતચીતનો સમય આવ્યો હતો.

જેલમાંથી છૂટ્યા પછી તરત મુંબઈ જવા માટે ચિંચવડ સ્ટેશને ટ્રેનની રાહ જોતાં ગાંધીજીએ એસોસિએટેડ પ્રેસને ઇંટરવ્યુ આપ્યો, તેમાં આશા દર્શાવી કે સરકાર બધા સત્યાગ્રહીઓને છોડી મૂકશે. બીજા દિવસે એમણે ફરી પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત પર ભાર મૂક્યો અને કહ્યું કે માત્ર વર્કિંગ કમિટીના સભ્યોને છોડવાથી આંદોલન અટકે નહીં કારણ કે હવે જનસમૂહ જાગી ઊઠ્યો છે એટલે નેતાઓ પોતાને ફાવી તે રીતે આંદોલન ચલાવી કે બંધ ન કરી શકે.

મુંબઈમાં એમને શ્રીનિવાસ શાસ્ત્રી, તેજ બહાદુર સપ્રુ વગેરે નેતાઓ મળવાના હતા. શાસ્ત્રી અને સપ્રુ પહેલી ગોળમેજી પરિષદમાં ભાગ લઈને પાછા આવ્યા હતા. એમના આગ્રહને કારણે ગાંધીજી કોઈ નવો કાર્યક્ર્મ જાહેર કરવા નહોતા માગતા, તેમ છતાં એમણે એ પણ સ્પષ્ટતા કરી કે મીઠું બનાવવું એ તો લોકોનો કુદરતી અધિકાર હતો એટલે ધરાસણાની ધાડ સિવાય જે કંઈ થયું તે કાનૂન ભંગ ન ગણાય, માત્ર લોકોએ પોતાનો અધિકાર ભોગવ્યો એમ કહી શકાય. અને ગોળમેજી પરિષદનાં પરિણામો સારાં હોય તો પણ આ આંદોલનનો અધિકાર છોડી ન શકાય. આમ ધીમે ધીમે ગાંધીજી વાઇસરૉય સાથેની વાતચીતમાં પોતાનું વલણ શું હશે તે સ્પષ્ટ કરતા જતા હતા.

તે પછી તરત પંડિત મોતીલાલ નહેરુની તબીયત લથડી હોવાના સમાચાર મળતાં ગાંધીજી એમને મળવા ગયા. એમને લખનઉ લઈ ગયા હતા. તે પછી છઠ્ઠી ફેબ્રુઆરીએ એમનું અવસાન થયું અને એમનો દેહ લખનઉથી અલ્હાબાદ લઈ આવ્યા અને બધા નેતાઓ અલ્હાબાદ પહોંચ્યા. એક બાજુ શ્મશાન યાત્રાની તૈયારી ચાલતી હતી અને બીજા ખંડમાં નેતાઓની પહેલી બેઠક ચાલતી હતી. તે પછી ૧૨મી અને ૧૩મીએ કોંગ્રેસ કારોબારીની બેઠક મળી તેમાં ગાંધીજીને વાઇસરૉય સાથે સમાધાનની વાટાઘાટો કરવાનો અખત્યાર આપવામાં આવ્યો. ૧૪મીએ ગાંધીજીએ વાઇસરૉયને પત્ર લખીને મળવાનો સમય માગ્યો.

ગાંધીજીની મનઃસ્થિતિ

વાઇસરૉય સાથે સમાધાન માટે વાટાઘાટ કરવા ગાંધીજી કેમ તૈયાર થઈ ગયા? એમણે વાઇસરૉયને લખ્યું કે સામાન્ય રીતે તો હું અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલું છું પણ આ મુલાકાત માટે મારા મિત્રોનો આગ્રહ છે કે શાંતિ માટે મળવું જરૂરી છે. આ હતી ગાંધીજીની પોતાની મનઃસ્થિતિ. તે ઉપરાંત, ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટણીને લખેલા પત્રમાંથી પણ એમનો દૃષ્ટિકોણ છતો થાય છે.

“દાંતને જીભની ભલામણ ન હોય. મારી સ્થિતિ પેલી સગી માના જેવી સમજજો. (પોતાના બાળકને) જીવતો રાખવા સારુ એનો વિયોગ સહન કરવા સારુ તૈયાર થઈ હતી ના? ઓરતોના ચોટલા તણાય, બાળકો નિરર્થક ચાબખા ખાય એમાં મને રસ તો ન જ આવે ના? એટલે તણાઈને પણ સુલેહ કરવાની ઇચ્છા રહ્યા જ કરે છે. પણ જે સુલેહ વરુ-ઘેટાના જેવી હોય તે સ્વીકારવા કરતાં ભલે ઓરતોની લાજ લૂંટાય, નિર્દોષ બાળકોનાં ઘરબાર ઉજ્જડ થાય, બેગુનાહ ફાંસીએ ચડે. મરણકાંઠે બેઠેલો હું હિંદુસ્તાનને ફસાવવામાં સહી ન કરું એમ ઈશ્વર પાસે માગ્યા કરું છું. ગાડાની નીચે રહેલા કૂતરાની સ્થિતિ મારી નથી. મારી મર્યાદાનું મને ભાન છે. હું રજકણ છું. રજકણને પણ ઈશ્વરના જગતમાં સ્થાન છે — પણ જો એ કચરાવું કબૂલ કરે તો. કર્તાહર્તા પેલો વડો કુંભાર [ઈશ્વર] જ છે. એને વાપરવો હોય તેમ ભલે મને વાપરે. હારશે તોયે એ, અને જીતશે તોયે એ. એટલે હારવાપણું છે જ નહીં. અથવા કહો, સદાયના હાર્યા જ છીએ ના?”

ગાંધી-અર્વિન કરાર

૧૭મીએ ગાંધીજી અને અર્વિન મળ્યા. કેટલાય દિવસ વાતચીત ચાલી. આની વિગતો અહીં વિસ્તારના ભયે આપી શકાય તેમ નથી. પરંતુ વાતચીત મોડી રાત સુધી ચાલતી અને ઘણી વાર તો રાતના એક વાગ્યા પછી ગાંધીજી બહાર આવતા. આપણે માત્ર અર્વિનની પહેલા દિવસની નોંધના શરૂઆતના અમુક ફકરાનો સાર જોઈએ કે જેથી આગળ ગોળમેજી પરિષદમાં શું થવાનું હતું તેનો ખ્યાલ આવે.

અર્વિન લખે છેઃ

મીટિંગમાં હું અને ગાંધી એકલા હતા, બીજું કોઈ નહોતું. અમે સામાન્ય વાતચીતથી શરૂઆત કરી અને તેમાં મેં એમને કહ્યું કે બ્રિટનના વલણમાં ફેરફાર થયો છે અને હું માનું છું કે કોંગ્રેસ તક જતી કરવા નહીં માગે. એમણે વધારે વિગતો માગી, મેં અત્યારે વિચારની (ગોળમેજી પરિષદની) જે સ્થિતિ છે તેની માહિતી આપી. એમણે કહ્યું કે આના પર વધારે ચર્ચા થઈ શકે કે કેમ? મેં કહ્યું કે એમાં મુખ્ય ત્રણ સિદ્ધાંત છે) ફેડરેશન, ) ભારતીયોની જવાબદારી અને ) અનામતો તેમ સાવચેતીઓ. મૂળભૂત સિદ્ધાંતો છે પણ એના અમલની વિગતો વિશે ચર્ચા થઈ શકે. પરંતુ એમના સાથીઓ(કોંગ્રેસ) ફેડરેશન અને અનામતોના મુદ્દાઓના મુખ્ય અર્કને કાઢી નાખવાનો પ્રયત્ન કરે તો એમાં કંઈ લાભ નથી. રીતેમારા રૂઢિચુસ્ત મિત્રો” (બ્રિટનનો પક્ષ) ભારતીયોની જવાબદારીના મુદ્દાને તોડી પાડવા મથે તેનો પણ કંઈ લાભ નથી.

વાતચીતમાં ઘણા મુદ્દા હતા, જેમાં ખેડા જિલ્લામાં ના-કરની લડાઈ વખતે સરકારે ટાંચમાં લીધેલી જમીનો પાછી આપવાનો મુદ્દો પણ હતો. પરંતુ અમુક જમીનો તો બીજાને વેચી દેવાઈ હતી, એમાં સરકાર કંઈ ન કરી શકે એવું વાઇસરૉયનું વલણ હતું. એ જ રીતે પોલીસના અત્યાચારોની તપાસની ગાંધીજીની માગણી હતી. એ માનવા પણ વાઇસરૉય તૈયાર નહોતો. આમ બન્ને પક્ષે ઘણા મતભેદ હતા પરંતુ ગાંધીજી વચલો માર્ગ કાઢતા ગયા અને અર્વિન માટે પણ એ જરૂરી હતું કે ગાંધીજી કોઈ પણ રીતે માની જાય અને ગોળમેજી પરિષદમાં સામેલ થાય.

સમાધાનનો અંતિમ મુસદ્દો તૈયાર થયો તે રાતે ગાંધીજી પોણાબે વાગ્યે પાછા ફર્યા. તે પછી બધાને જગાડીને એ વાંચી સંભળાવવામાં આવ્યો. મહાદેવભાઈ લખે છે કે ગાંધીજીએ કહ્યું કે “મુખ્ય વાત ઉપોદ્‍ઘાત છે અને એ સરસ થયો છે.” પરંતુ એમાં કોંગ્રેસે જ્યાંથી શરૂઆત કરી હતી તેના કરતાં આ મુસદ્દો બહુ મોળો હોવાની બધાની છાપ હતી. મહાદેવભાઈના શબ્દોમાં –

જવાહરલાલ ઊંઘમાંથી જાગીને આવ્યા હતા. બાપુ આખું વાંચી સંભળાવતા હતા, ત્યાં, માથું નીચું ઘાલીને બેઠા હતા. વંચાઈ ગયા પછી બાપુએ પૂછ્યું, “ક્યોં ભાઈ ક્યા કહતે હો? એણે કહ્યું કેપઢકર દિખાઉંગા”….સવારે વલ્લભભાઈએ કહ્યું, “આખી રાત જવાહરલાલનાં ડૂસકાં હું સાંભળતો હતો.”

જમીનની બાબતમાં વેચાઈ ગયેલાં ખેતરોનું કંઈ ન થઈ શકે એવા વાઇસરૉયના વલણથી રાજાજી દુઃખી હતા. મહાદેવભાઈ લખે છે કે

બાપુ ચિડાયાઃ મીઠાની એક ચપટી એકરના એકર જમીન કરતાં વધારે મહત્ત્વની છે તમારી બુદ્ધિ કેમ સમજતી નથી? ગયેલી જમીનો તો પાછી મેળવી શકાય પણ મીઠું પાછું મેળવાય.”

ગાંધીજીને એ વાતથી સંતોષ હતો કે સરકાર ગરીબો ને મીઠું બનાવવાનો હક આપવા માની ગઈ હતી. બીજી સમજૂતીઓમાં સત્યાગ્રહના કારણાસર પકડાયેલા હોય અને હિંસામાં સંડોવાયેલા ન હોય તેમને છોડી મૂકવાની માગણી પણ વાઇસરૉયે માની લીધી હતી. પરંતુ ગાંધીજીએ વર્કિંગ કમિટીની મીટિંગમાં અનુભવ્યું કે કોઈ એમની સાથે નથી. તેમાં જવાહરલાલે તો કરાર વિશે બળાપો કર્યો અને પોતે એકલા પડી ગયાની લાગણી ખુલ્લા શબ્દોમાં વ્યક્ત કરી. અંતે જો કે, સૌએ ગાંધી-અર્વિન કરારને મંજૂરી આપી. તે પછી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે જાય એવું નક્કી થયું.

ગાંધી-અર્વિન કરાર બહુ નબળો હોવા છતાં એનું એક નોંધપાત્ર પરિણામ એ હતું કે કોંગ્રેસને વાઇસરૉયે મંત્રણાઓમાં જાણ્યે-અજાણ્યે સમોવડિયાનો દરજ્જો આપ્યો અને ગાંધીજી અને સામ્રાજ્યવાદી સત્તાના પ્રતિનિધિએ સમોવડિયા તરીકે કરાર પર સહીઓ કરી. ચર્ચિલને એ જ ન ગમ્યું કે પૂર્વના દેશોમાં ચિરપરિચિત ફકીર જેવો અર્ધનગ્ન માણસ મહાન સામ્રાજ્યના પ્રતિનિધિ સાથે સમાન બનીને વાતો કરવા એના મહેલનાં પગથિયાં ચડતો હોય!

૦૦૦

સંદર્ભઃ

1.Collected Works of Mahatma Gandhi Vol 45

2. મહાદેવભાઈની ડાયરી પુસ્તક તેરમું(ચૌદમું)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.