સેકંડની કિંમત

આશા વીરેન્દ્ર

પ્રોફેસર શેખર સહાનીનો વિષય ભલે રસાયણશાસ્ત્ર હોય પણ એમને મનોવિજ્ઞાનમાં પણ ખૂબ રસ. માનવમનનો અભ્યાસ કરવો, એની આંટીઘૂંટી ઊકેલવાની મથામણ કરવી અને કેવા સંજોગોમાં માણસ કેવી રીતે વર્તે છે એ સમજવું એમને ખૂબ ગમતું.  એટલે જ તો એમને નાટકો જોવાનો શોખ હતો. જો કે, એમનાં પત્નીને નાટક-ચેટક મુદ્દલ ગમતાં નહીં. આટલા પૈસા ખર્ચીને નાટક જોવા જવું એના કરતાં ઘરે શાંતિથી ટી.વી.ની સીરિયલો જોવાનું એ વધુ પસંદ કરતાં. જ્યારે પતિ પત્નીની આ બાબતમાં ચર્ચા ચાલે ત્યારે આવા સંવાદો થતાં —

‘તને કોઈ દિવસ એવો વિચાર ન આવે કે, મારો પતિ એકલો નાટક જોવા જાય છે તો ચાલ, ક્યારેક એને કંપની આપું?’

‘ના, કદી એવો વિચાર આવ્યો નથી ને આવવાનો પણ નથી. તમને જે ગમતું હોય તે તમે કરો ને મને ગમતું હું કરું.’

બસ, આમ જ વાતનું પૂર્ણવિરામ આવતું અને અંતે પ્રોફેસર સાહેબ એકલા જ નાટક જોવા ઊપડતા. હા, ક્યારેક કોઈ મિત્રનો સથવારો મળી જાય તો સારું, નહીંતર હવે નાટક જોવા ‘એકલો જાનેરે…’એવું એમણે પોતાના મનને સમજાવી લીધું હતું. આજે પણ નાટક પૂરું થયું ને હજી પ્રેક્ષકો ધીમે ધીમે બહાર નીકળતા હતા ત્યાં ઉતાવળે નીકળીને પાર્કિંગમાં મૂકેલી પોતાની ગાડીમાં ગોઠવાયા. પાર્કિંગની જગ્યામાં ખૂબ અંધારું હતું. ટમટમિયા જેવા બે બલ્બ કહેવા પૂરતું અજવાળું પાથરી રહ્યા હતા. રાત્રે દસેક વાગ્યાનો સમય થઈ ગયો હતો. હજી તો એ ગાડી ચાલુ કરવા જાય ત્યાં તો બીજી તરફની બારીના કાચ પર ટકટક કરીને ટકોરા પડ્યા.

એમણે જોયું તો વધેલી દાઢીવાળો, કંઈક મુફલિસ જેવો જણાતો માણસ એ કાચ ખોલવા ઈશારો કરી રહ્યો હતો.એમણે જરા કાચ ઉતારીને કંઈક ચીડભર્યા અવાજે પૂછ્યું, ‘શું છે?’

‘સાહેબ, તમે જો આ તરફ જતા હો તો મને ચાર રસ્તા પર ઉતારી દેશો?’તેણે ખૂબ નરમાશભર્યા સ્વરે પૂછ્યું.

અજાણ્યા માણસો ગાડીમાં લીફ્ટ લઈને ચાલકને લૂંટી લે એવી ઘટનાઓ છાશવારે જાણવામાં આવતી હતી એટલે એને ટાળવાના ઈરાદે પ્રોફેસરે કહ્યું,

‘જુઓને, જરાક તપાસ કરો તો ટેક્સી મળી જશે. મારે તો… મારે તો મરીન લાઈન્સ બાજું જવું છે.’

‘મારે પણ એ જ રસ્તે જવાનું છે સાહેબ, સાથે બેસાડો તો મોટી મહેરબાની . અત્યારે નજીકના અંતર માટેની ટેક્સી મળવી મુશ્કેલ છે.’પોતાની નારાજી બતાવતાં પ્રોફેસરે દરવાજો ખોલીને શુષ્કતાથી કહ્યું-‘બેસો.’

પેલો માણસ વાતોડિયો લાગ્યો. ગાડીમાં બેઠક લેતાંની સાથે એણે વાત ચાલુ કરી.

‘શું કરો છો? ક્યાં રહો છો? નાટક કેવું લાગ્યું’—આ બધા સવાલોના પ્રોફેસરે જેમ બને તેમ ટૂંકા જવાબો આપ્યા. પછી એકાએક તોછડાઈથી એમણે પેલાને પૂછ્યું,

‘અત્યારે કોઈની લીફ્ટ ન મળી હોત તો તમે શું કરત?’

‘ચાલી નાખત સાહેબ, બાકી ટેકસી તો ન જ કરત હં ! તમને ચોખ્ખું જ કહું. ટેકસી મારા ખિસાને પોસાય નહીં.’

‘ટેકસી ન પોસાતી હોય તો નાટકની મોંઘી ટિકિટ કેવી રીતે પરવડે છે? જાણે એની મજાક ઉડાવતા હોય એમ એમણે પૂછ્યું.

‘હું નાટકની ટિકિટ કોઈ દિવસ હું ખરીદતો નથી. અમારી ઑફિસના ઘોષબાબુ નાટકના ગ્રુપમાં આજીવન સભ્ય છે. એમને જ્યારે ન આવવું હોય ત્યારે મને પાસ આપી દે.’પછી જરા અચકાઈને કહ્યું, ‘સાહેબ, ખરું કહું તો નાટક મારો શોખ પણ છે અને મજબૂરી પણ.’

પ્રો. શેખરને હસવું આવ્યું. ‘નાટક મજબૂરી કેવી રીતે હોઈ શકે? કોઈ ધક્કો મારીને તમને નાટક જોવા મોકલે છે ?’

‘એમ જ સમજો સાહેબ. છેલ્લા એક વર્ષથી બ્રેઈન ટ્યૂમરની ગંભીર બીમારીમાં સપડાયેલ મારી પત્ની પરાણે મને પરાણે ધકેલે છે. અમારે બાળકો નથી. એને એકલી મૂકીને પહેલાં તો હું ક્યાંય ન જતો પણ હવે એ કહે છે કે, મારી પાસે બેસી રહેવાથી કંઈ નથી વળવાનું. મારે કારણે તમારી જિંદગીને વહેતી શા માટે અટકાવો છો? જે ઘડીએ જે બનવાનું છે એ બનવાનું જ છે.’

પ્રોફેસર સહાની સ્તબ્ધ થઈ ગયા. આવું તો એમણે વિચાર્યું જ નહોતું. એમણે કહ્યું, ‘તમારા પત્ની ઘણાં સમજુ અને હિંમતવાળાં કહેવાય.’

‘હા, એનો સ્વભાવ પહેલેથી એવો જ છે. પોતાનું દુ:ખ કોઈને જણાવવા ન દે. મને પણ નહીં.પણ આવી રીતે નીકળ્યો હોઉં ત્યારે મારું મન મને ડંખ્યા જ કરે છે.’

‘સ્વાભાવિક છે પોતાનું માણસ માંદગીને બિછાને પડ્યું હોય અને આપણે મોજ-મજા કરીએ એ આપણને ખટકે જ.’

‘એને રાજી રાખવા ખાતર હું નાટક-સિનેમા જોઉં તો ખરો પણ મારો જીવ તો પડિકે બંધાયેલો હોય, કોઈ મને પૂછે કે, નાટકની વાર્તા શું હતી તો હું કંઈ જવાબ ન આપી શકું. બસ સાહેબ, અહીં ડાબી બાજુ મને ઉતારી દેજો. મારું ઘર સામેની ગલીમાં જ છે.’

શેખરે ગાડી ઊભી રાખી એટલે પેલાએ લાગણીપૂર્વક એના સ્ટીયરીંગ પર રાખેલા હાથ પર હાથ મૂકીને કહ્યું,

‘ખૂબ ખૂબ આભાર સાહેબ. લીફ્ટ આપીને તમે મારી પંદર મિનિટ બચાવી. ચલતો આવત તો બીજી પંદર-વીસ મિનિટ થઈ જાત અને એટલામાં તો શું નું શું થઈ જાય. નહીં સાહેબ?’એનો અવાજ ભીનો થઈ ગયો.

જ્યાં સુધી એ દેખાયો ત્યાં સુધી પ્રોફેસર એને જોઈ રહ્યા અને મનોમન બોલ્યા, ‘જિંદગીમાં આજે પહેલી વાર ગણતરી કરવી પડશે કે પંદર મિનિટની સેકંડ કેટલી?’

રસાયણશાસ્ત્રનાં અટપટાં સૂત્રો કરતાં આ ગણતરી એમને વધુ અટપટી લાગી.


(મનોજ તિવારીની હિંદી વાર્તાને આધારે)

સૌજન્ય:  ભૂમિપુત્ર


સુશ્રી આશા વીરેન્દ્રનો સંપર્ક  avs_50@yahoo.com   વીજાણુ સરનામે થઈ શકે છે.


આશાબેન વીરેંદ્રનો પરિચય

નામ-આશા વીરેંદ્ર શાહ

અભ્યાસ-બી.એસ. સી.

જ.તારીખ- ૨-૯-૧૯૫૦

આશાબેન સાહિત્ય,સંગીત અને અભિનયમાં વિશેષ રુચિ ધરાવે છે. તેમને સાહિત્યના જુદા જુદા પ્રકારોમાં લેખન કરવું ગમે જેમ કે, ટૂંકી વાર્તાઓ, નિબંધ,બાળવાર્તા,હાસ્યલેખો,નાટકો વગેરે.

મુંબઈથી પ્રસિધ્ધ થતાં ‘જન્મભૂમિ-પ્રવાસી’માં અવાર નવાર લેખો ઉપરાંત ‘આસવ’ નામની કોલમ અંતર્ગત આશાબેનની વાર્તાઓ નિયમિત રીતે પ્રગટ થાય છે. અખંડ-આનંદ,જન કલ્યાણ, નવનીત, સમર્પણમાં ક્રૃતિઓ છપાય છે. વડોદરાથી નીકળતાં પખવાડિક સર્વોદય મુખપત્ર ‘ભૂમિપુત્ર’નાં છેલ્લાં પાનાંની વાર્તાનું લેખનકાર્ય ૨૦૧૦ ની સાલથી સંભાળ્યું છે.

‘ભૂમિપુત્ર’માં છપાયેલી ૪૦  ૪૦ વાર્તાઓના સંગ્રહનાં પુસ્તકો ‘તર્પણ’ ભાગ ૧ અને ૨ તથા ‘જનનીનાં હૈયામાં’ નામે પ્રગટ થયાં છે.

આશાબેનનું વેબ ગુર્જરીમાં સ્વાગત છે.

રાજુલ કૌશિક , વેબગુર્જરી સંપાદન સમિતિ ,  ગદ્ય સાહિત્ય સમિતિ વતી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.