ફિર દેખો યારોં : જે ટકી ગયો એ આપણો સિકંદર

બીરેન કોઠારી

પાંચેક વરસ અગાઉ, દશરથ માંઝીના જીવનની એક ઘટના પરથી બનેલી, કેતન મહેતા દિગ્દર્શીત ફિલ્મ ‘માંઝી-ધ માઉન્‍ટન મેન’ની ઠીક ઠીક નોંધ લેવાઈ હતી. પોતાને ગામથી બીજે ગામ જવા માટે એક ડુંગરને એકલે હાથે કોરીને તેમાંથી રસ્તો બનાવનાર માંઝીએ આ કામ પાછળ પૂરા બાવીસ વર્ષ ખર્ચી કાઢ્યા. આવા એકલવીરને નાયક બતાવવામાં આવે ત્યારે બહુ સગવડપૂર્વક તંત્રની જડતા, બેજવાબદારી અને નિષ્ફળતા, સાથે લોકોના પણ એવા જ અભિગમને તેની ઓથે સંતાડી દેવામાં આવે છે. આવાં તો અનેક ઉદાહરણ આપી શકાય એમ છે.

હાલ દેશમાં લૉકડાઉનની અભૂતપૂર્વ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આ સ્થિતિમાં સ્થળાંતરિત શ્રમિકોની સમસ્યા અણધારી, અકલ્પ્ય રીતે ઉભરી આવી છે. અલબત્ત, એ હકીકત છે કે આ અણધાર્યાપણું કે અકલ્પ્યપણું આકસ્મિક નથી. અનેક સ્થળેથી શ્રમિકો જે સાધન મળ્યું એ લઈને વતન જવા નીકળી પડ્યા છે. એવે સમયે જ્યોતિકુમારી નામની સાવ પંદર વર્ષની એક છોકરી અખબારોમાં ચમકી છે. પોતાના પિતાજીને સાયકલ પર બેસાડીને તેણે આશરે બારસો કિ.મી.નું અંતર કાપ્યું. ‘ભારત કી બેટી’ ગણાવાયેલી આ છોકરીને અનેક સલામ પાઠવવામાં આવી છે. કોને ખબર, બધું યથાવત્   થાય એ પછી તેની કથાને કેન્‍દ્રમાં રાખતી કોઈ ફિલ્મ બનાવાય, એ સફળ પણ થાય અને જે તે રાજ્યની સરકાર તેને કરમુક્ત જાહેર કરે તો પણ નવાઈ નહીં. કયા સંજોગોમાં દશરથ માંઝીએ પહાડ કોતર્યો અને કઈ પરિસ્થિતિએ આ છોકરીને આવું દુ:સાહસ કરવા મજબૂર કરી એ વાત સિફતપૂર્વક ભૂલાવી દેવાય છે. શાસકીય નિષ્ફળતા અને નીંભરતાની નિર્લજ્જ ઉજવણી કરવી એ જાણે કે આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય બની ગયું છે.

પાટા પર સૂઈ રહેલા શ્રમિકોને માલગાડી કચડી નાખે ત્યારે નફ્ફટાઈપૂર્વક એ ચર્ચા ચાલે છે કે શ્રમિકોએ પાટા પર સૂઈ જવાની શી જરૂર હતી? માલગાડી આવતી હોય તેને લઈને પાટા પર થતી ધ્રુજારી તેમને કેમ ન સંભળાઈ? આ ચર્ચામાં શ્રમિકોએ શા કારણે પાટા પર ચાલવાનો નિર્ણય લેવો પડ્યો એ મુદ્દો સિફતપૂર્વક ગુપચાવાઈ જાય છે. શ્રમિકો પાટા પર સૂતા હોય અને માલગાડી તેની પર ફરી વળે એમાં તંત્ર જવાબદાર ન ગણાય, પણ શ્રમિકોએ પાટા પર ચાલીને આટલે દૂર જવા નીકળવું પડે એ માટેની જવાબદારી કોની?

‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ અનુસાર તાજેતરમાં જાહેર હિતની એક અરજીના જવાબમાં ગુજરાત સરકારે એક એફીડેવીટ કરી છે. તેમાં જણાવાયા મુજબ ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી આવેલા અનેક શ્રમિકો પોતાની મેળે આવેલા હોવાથી તેમને આંતરરાજ્ય સ્થળાંતરિત કામદાર કાનૂન, 1979 લાગુ પડતો નથી. અહેવાલ અનુસાર આ કાનૂન અંતર્ગત ગુજરાતમાં માત્ર 7,512 કામદારોની જ નોંધણી થયેલી છે. તેની સામે વાસ્તવિક સંખ્યા 22.5 લાખની છે. આમાંના અડધાઅડધ કામદારો સુરત અને તેની આસપાસનાં સ્થળોએ છે. પોતાની મેળે આવેલા હોવાથી તેમને પાછા મોકલવાની જવાબદારી રાજ્યની નથી. આ કામદારોને વતન પાછા મોકલવાની જવાબદારીનો મુદ્દો તકનીકી છે, પણ આટલા બધા કામદારોની નોંધણી જ કરવામાં નથી આવી એનું શું? દેશ આખામાંથી રોજીરોટી રળવા માટે શ્રમિકો ગુજરાતમાં આવતા હોય ત્યારે તેમની નોંધણીની પ્રથાનું પાલન કડકાઈપૂર્વક થવું જોઈએ કે પછી એ મુદ્દે આંખ આડા કાન કરવાના હોય?

એક તરફ છાશવારે થતી રાજકીય ઉજવણીઓ પાછળ ખર્ચાતી આઠદસ મીંડા ધરાવતી રકમોના આંકડા નિર્લજ્જતાથી પ્રસાર માધ્યમોમાં ઉછાળવામાં આવે છે. બીજી તરફ શ્રમિકોને વતન મોકલવા માટેનું ભાડું કોણ ભોગવશે એ બાબતે ‘બાઈ બાઈ ચાળણી’ની બેશરમ રમત ચાલે છે. આ શ્રમિકો કોઈ એક કોમના નથી, કોઈ એક પ્રદેશના નથી, સંગઠિત પણ નથી, તેથી મતબૅન્ક તરીકે લગભગ નકામા છે. તેમને મદદરૂપ થાય તો શાસનને શો લાભ થવાનો? આને પરિણામે જે અરાજકતા સર્જાય એમાંથી જ જ્યોતિકુમારી જેવી કોઈ નાયિકા જન્મે છે. એ નાયિકાનો જયજયકાર કરી લીધો એટલે પત્યું.

પરિસ્થિતિની ગંભીરતા સમજીને નક્કર પગલાં લેવાને બદલે પ્રજાને અવનવાં ગતકડાં સૂચવવામાં આવે, અને લોકો ગંભીરપણે એ ગતકડાંને અનુસરે ત્યારે લાગે કે પ્રશ્ન શાસકોની જવાબદેહીનો છે એથી વધુ ગંભીર પ્રજા તરીકેની આપણી ફરજનો છે. શાસન કોઈ પણ પક્ષનું હોય, એ હકીકત છે કે સવાલ પૂછનારા લોકોને શાસક નાપસંદ કરે છે. આપણા લોકશાહી અને પ્રજાસત્તાક બંધારણની ખાસિયત જ એ છે કે કોઈ તેનાથી પર નથી. આમ છતાં, સવાલ ઉઠાવનારાઓનો અવાજ દબાવવાની પૂરતી કોશિશ દરેક સમયના શાસકો કરતા આવ્યા છે.

ભૂતકાળથી લઈને આજ સુધી જોતાં ઘણી વાર એમ લાગે કે આપણા ઘણા બધા નાયકો પરાજિત પ્રજાના નાયકો છે, જે શાસનની નીંભરતા અને પ્રજાકીય નિષ્ક્રીયતા કે ભીરુતાના સંયોગથી પેદા થતા રહ્યા છે. વિદેશીઓનું શાસન હતું ત્યાં સુધી આ વલણ કંઈકે સમજાય, પણ સ્વરાજ્ય મળ્યા પછીય આ તરાહ ચાલુ રહી છે. એ બતાવે છે કે પ્રજાકીય માનસિકતા એમ સહેલાઈથી બદલાતી નથી. હજી આપણા નેતાઓ આ કપરા કાળને ક્રિકેટ મેચ જેવો કોઈ ઉત્સવ જ સમજી રહ્યા હોય એમ લાગે છે. નેતાઓ એમ માને યા મનાવે એ તેમની માનસિકતા જોતાં સમજાય, પણ નેતાઓ દ્વારા સૂચવાતાં ગતકડાને લોકો હોંશેહોંશે અનુસરે અને એ પછી ક્રિકેટ મેચ જીત્યા હોય એવો વિજયોત્સવ મનાવે ત્યારે શું કહેવું!

આપણે વિચારવાનું છે કે આપણને પરાજિત પ્રજાની માનસિકતામાંથી પેદા થયેલા નાયકો કે નાયિકાઓ ખપે કે પછી સુચારુ શાસનવ્યવસ્થા? આ કપરો કાળ આવા ઘણા વિચાર કરવા માટેનો ઉત્તમ સમય છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૫-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.