શબ્દસંગ : કરીએ શબ્દનો સંગ

નિરુપમ છાયા

હમણાં એક ડોક્ટર પાસે દસેક દિવસ દરરોજ જવાનું થયું એટલે વાતચીતનો સંબંધ બંધાયેલો. એક વખત વાતમાંને વાતમાં મેં એમને પૂછ્યું,” સાહેબ, તમને શેમાં રસ છે , શું શોખ છે? “ એમણે ઉત્તર આપ્યો, “પુસ્તક વાંચવાનો ….’’ વગેરે થોડા રસના વિષયો કહ્યા. વાચનનો રસ કહ્યો એટલે મને જરા વધારે રસ પડ્યો. મેં વધારે જાણવા પૂછ્યું,” પુસ્તકોમાં વિશેષ ક્યાં પુસ્તકો?” તરત જ એમણે કહ્યું,” બીજાં ખાસ કોઈ નહિ. medicalનાં પુસ્તકો જ વાચું!” એમની વાતે મને વિચારતો કરી મૂક્યો. વાચનની વાત આવે અથવા કોઈને વાચનનો રસ છે એવું જાણ્યા પછી વધારે જિજ્ઞાસા દાખવીએ ત્યારે બહુધા આવો જ અનુભવ થાય છે. જીવનમાં શબ્દનો સંગ મહત્વનો છે એ ખરું, પણ ક્યા અને કેવા શબ્દનો સંગ કરવો, કેવી રીતે કરવો, એનાથી કઈ રીતે વધુમાં વધુ લાભાન્વિત થઇ શકાય એ વિચારવું પણ જરૂરી છે.

આ વિષયમાં વધારે આગળ જઈએ તે પહેલાં એક વાત સમજવી જરૂરી છે. સામાન્ય રીતે શબ્દસંગની વાત કરીએ એટલે પ્રથમ તો વાચન અને પુસ્તકો જ મનમાં આવે. પણ આજના આ આધુનિક સમયમાં શબ્દસંગ ફક્ત ત્યાં જ સીમિત નથી થઇ જતો. અનેક માધ્યમો છે. એની ચર્ચા ક્યારેક કરીશું. પણ આ વાત ધ્યાનમાં રાખીને જ અહીં સહુથી સામાન્ય અને પ્રાથમિક કહી શકાય એવા શબ્દસંગના માધ્યમ વાચન અને પુસ્તકો વિષે જ વાત કરીશું. વાચન શિબિરોનાં આયોજન અને સંચાલન દરમિયાન થયેલા પ્રયોગો અને અનુભવોની વાત પણ એમાં વણી લઈશું.

વાચન શા માટે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. વિચારો અને જીવનનો પારસ્પરિક સંબંધ છે. યોગ્ય જીવન જીવવા, એને અર્થપૂર્ણ બનાવવા વિચારોનું નિયમન, એની શુદ્ધિ, પરિપક્વતા બહુ જ જરૂરી છે. અને આ બધું વાચન થકી જ સંભવ બને છે. વાચનરૂપી ખોરાકથી એ બધી બાબતોનું પોષણ થાય છે, રસ મળે છે અને વિચારો પુષ્ટ થાય છે. ગાંધીજીનું એ પ્રખ્યાત વાક્ય યાદ આવે. ‘વિચાર સર્વ કાર્યોનો રાજા છે.’ એથી જ યોગ્ય વિચારો માટે વાચન પણ એટલું જ સત્વશીલ, શુદ્ધ અને ગહન હોવું જોઈએ.

ગુજરાતની પ્રજામાં વાચનપ્રેમ જગાવવા અને વાચનરસ કેળવવા અનેક પ્રવૃત્તિ, પ્રયોગો અને પ્રકલ્પો દ્વારા જીવનભર મથીને એક આદર્શ કેડી આપી એવા વાચનયજ્ઞના ઋષિ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્નરૂપ ‘અર્ધી સદીની વાચનયાત્રા’ના ચાર ખંડના પ્રકાશન દ્વારા ગુજરાતી પ્રજાની અમૂલ્ય સેવા કરી છે. જે ગુજરાતી હોય અને ગુજરાતી વાંચતાં આવડતું હોય એ દરેકને ઘરે આ ખંડો અવશ્ય હોવા જોઈએ, એનું વાચન થતું હોવું જોઈએ. જે લોકોને શું વાંચવું એની મૂંઝવણ થતી હોય તેમણે આ ખંડોથી શરુઆત કરવી જોઈએ. ઉત્તમ વાચન સામગ્રી હોવાથી કેવું વાંચવું જોઈએ એ ખ્યાલમાં આવશે.વધારામાં વાચન રસ પણ કેળવાશે, જેથી અયોગ્યની સહજપણે જ બાદબાકી થઇ જશે . આ પ્રકાશનના બીજાં ખંડમાં “વીંધો અમને અપરંપાર” શીર્ષક હેઠળ સંપાદક તરીકે પોતાનું નિવેદન પ્રસ્તુત કરતાં શ્રી મહેન્દ્રભાઈ લખે છે,”કબીર વિશેના એક લેખના આરંભે શ્રી હરીશ મીનાશ્રુએ ટાંકેલા ઓસ્ટ્રીયાના, વીસમી સદીની પશ્ચિમની દુનિયાની ભયભરી ચિંતાઓ અને વિસંવાદિતાઓની અભિવ્યક્તિ પોતાની સ્વપ્નશીલ,માનસશાસ્ત્રીય અને અસ્તિત્વવાદી નવલકથાઓ મારફત કરાવનાર લેખક ફ્રાંઝ કાફકા (1883-1924)નાં લખાણોમાં મારા જેવા વાચકોને પણ સ્પર્શી જાય ને સમજાય તેવું કશુંક મળી આવ્યું : “મને લાગે છે કે આપણે એવાં જ પુસ્તકો વાંચવાં જોઈએ જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાખે. આપણે વાંચતા હોઈએ એ પુસ્તક મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી ન દેતું હોય, તો પછી આપણે તે વાંચીએ જ છીએ શીદને ભલા? આપણને તો એવાં પુસ્તકોની જરૂર છે જે કોઈ મોટી હોનારતના જેવી અસર આપણા પર કરે ઊંડી વેદનામાં આપણને ડુબાડી દે, જેને આપણી જાત કરતાં વધારે ચાહ્યું હતું તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવીમાત્રથી દૂર દૂરનાં જંગલોમાં આપણને દેશનિકાલ કરી દે. પુસ્તક તો આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કાપનારુ હોવું જોઈએ.”આટલાં વાક્યોમાં વાચન શા માટે કરવું જરૂરી છે એ અને શું, કેવું વાંચવું જોઈએ એ બધું જ ટૂંકમાં સમજાઈ જાય છે. જરા વિસ્તારથી પણ સમજીએ.

વાચનમાંથી માહિતી, વિચાર, પ્રેરણા, રસ, દર્શન-ચિંતન, જ્ઞાન મળવાં જોઈએ, કર્તૃત્વબોધ પણ થવો જોઈએ. ચેતનાનો સંચાર થવો જોઈએ. UNCLE TOM’S CABIN વાંચીને લિંકનને ગુલામી પ્રથા નાબૂદ કરવા પ્રેરણા મળેલી. દૂર ક્યાં જવું? મહારાષ્ટ્રના ‘રાલેગન સિદ્ધિ‘માં પરિવર્તન લાવનાર અન્ના હઝારે જીવનથી કંટાળી આપઘાત કરવા રેલ્વે સ્ટેશન પહોંચેલા અને અચાનક ત્યાંના બુકસ્ટોલ પરથી એમના હાથમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક આવ્યું અને પુસ્તક વાંચતાં ત્યાં જ નિર્ણય બદલાયો. પરહિત માટે જીવન જીવવા નિર્ધાર થઇ ગયો.આવાં તો કેટલાંયે ઉદાહરણો મળી શકે. વાચનનો આ પ્રભાવ.

હવે પ્રશ્ન એ થાય કે કેટકેટલું વાંચવાનું છે ? અધધધ….અનંત અવકાશ સમાન સામગ્રી પડી છે અને નવું નવું બહાર પડતું જ જાય છે. પણ ના, એથી ગભરાઈ જવાની જરૂર નથી. જેમ વહેતી નદીમાંથી જરૂરી હોય એટલું જ આપણી પાસેનાં પાત્રમાં સમાય એટલું જ લઈએ છીએ તેમ આપણી પ્રકૃતિ, રસ, વગેરે સમજી, અગાઉ જે પાંચ બાબતો જોઈ, એ ધ્યાનમાં રાખી, વાચન કરવું જોઈએ. ફક્ત માહિતી, ફક્ત વિચાર, ફક્ત રસ એવું જ નહીં પણ બધાનો સમાવેશ હોય. વળી ધીરે ધીરે જેમ વાચન કરતા જઈએ તેમ તેમ આ પાંચ કે છ બાબતોમાં ઉત્તરોત્તર ચઢતા ક્રમમાં આગળ વધવું જોઈએ. પછી માહિતી કે સાદા વિચાર કે ફક્ત પ્રેરણાથી આગળ વધતાં વાચનમાં ઊંડાણ આવે અને ચિંતન અને દર્શન તરફ વળાય.

જે લખાણમાં ફક્ત ગોળ ગોળ નકરી વાતો જ હોય, લાંબુ લાંબુ અર્થવગરનું હોય, ચવાઈ ગયેલા વિચારોને શબ્દોના આડંબરથી ખડક્યા હોય એવાં લખાણને ત્યાજ્ય ગણવાં. ભાષાના શણગારથી નકરી શુષ્ક માહિતી જ આપતા લેખકો લોકપ્રિય પણ બને. આ સમયે આપણી વિવેક બુદ્ધિને જાગ્રત રાખી, વાચનનો નિર્ણય લેવો જોઈએ. સાહિત્યમાં સર્જકતાની નૂતન શૈલીનો આવિષ્કાર કર્યો એ જાણીતા સર્જક સુરેશ જોષી વિદ્વાન અધ્યાપક પણ હતા. એમ સાંભળ્યું છે કે તેઓ વર્ગમાં પ્રથમ દિવસે જ કૃષ્ણફલક પર પુસ્તકોનાં નામ લખે એટલે વિદ્યાર્થીઓ મુગ્ધતાપૂર્વક નોંધપોથીમાં ઉતારે પણ ખરા. પણ પછી સુરેશભાઈ કહે કે ‘આ પુસ્તકો તો વાંચવાં જ નહીં.’ તો વાચન કરતાં કરતાં આ જાગૃતિ અને સમજ પણ કેળવવાં એટલાં જ જરૂરી છે.

આપણે જોયું કે વાચનથી વ્યક્તિગત પરિવર્તન આવે , કર્તૃત્વબોધ પણ પ્રગટે. પણ આ ક્યારે શક્ય બને એ પણ સમજીએ. એક પુસ્તક કે લખાણ વાંચ્યું એટલે પૂરું, એવું હોય તો પછી વાચનનો કોઈ અર્થ જ નથી. જે વાંચીએ એ મનસ્થ, કંઠસ્થ અને હૃદયસ્થ ભાવસ્થ થવું જોઈએ. જેમ ખોરાક ગ્રહણ કરીએ, તે ચાવીએ તો એમાં રસ ભળે પછી એને નીચે ઉતારીએ, પાચક રસો પેદા કરવા ઉપાયો કરીએ પછી એ પચે, એનું લોહી બને અને શરીર સ્વસ્થ, ક્રિયાશીલ, ચૈતન્યશીલ રહે તે રીતે વાચન વિષે પણ થવું જોઈએ. વંચાય પછી એને મમળાવવું , સમભાવી લોકો સાથે વિમર્શ કરવો, વધુને વધુ વહેંચવું એવી બધી પ્રક્રિયાઓ સાથે વાચનને સાંકળવું જોઈએ.

એક પ્રયોગ કરવા જેવો છે. કોઈ પુસ્તકનાં થોડાં પૃષ્ઠો વાંચ્યા પછી પુસ્તક બંધ કરી, એક કાગળ અને પેન લઇ, જે વાંચ્યું હોય તેનાં આખેઆખાં જેટલાં, ચાર, પાંચ, દસ કે પછી છેવટે એક , જે સ્મરણમાં આવે તે વાક્ય લખી લેવાં. કદાચ વાક્યો સ્મરણમાં ન આવે તો શબ્દો લખવા. એ પણ શક્ય ન બને તો એમાં આવેલ વ્યક્તિ, સ્થળ, વસ્તુ નાં નામો લખવાં. આવી રીતે અભ્યાસ કરતાં, ધ્યાનપૂર્વક વાંચવાની આદત કેળવાશે. ધીરે ધીરે પછી જે વાંચ્યું એ અંગે પોતાની સમજ, વિશેષ વિચાર, ટીપ્પણી પણ લખવાથી વિચારધારા તેજસ્વી બને. વાંચતાં વાંચતાં ગમી ગયું હોય તે એક ડાયરીમાં નોંધવાથી એનો સંદર્ભ તરીકે ઉપયોગ થઇ શકે. ક્યારેક સહુ સાથે વાંચી પણ શકાય. વાચનયાત્રાના પથનો પણ એનાથી ખ્યાલ આવે. બીજી એક ડાયરી એવી પણ રાખવી જોઈએ કે જ્યારે કશુંક સારું વાંચવામાં આવ્યું એ તરત એમાં નોંધી શકાય. આવાં ટાંચણો આપણા વાચન માટે માર્ગદર્શક પણ બની શકે.

આમ વાચનરસ પેદા કરી,એને કેળવતાં કેળવતાં, ઘૂંટતાં ઘૂંટતાં શબ્દસંગે જીવનયાત્રા સાર્થક કરી શકાય. એવી જ ભાવના લઈને સંગચ્છધ્વમ….સુત્ર સાથે યાત્રા કરવા શબ્દસંગ પ્રયત્નશીલ છે.

(અહીં લોકમિલાપના પ્રકાશનોની છબિ વિશેષ હેતુસર આપી છે. એમાં જોઈ શકાશે કે પુસ્તકોનાં પાનાંની સંખ્યા, એનું કદ અને વિષયવૈવિધ્ય અને એની પ્રસ્તુતિ એ પ્રકારનાં છે કે વાચન માટે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ફરિયાદ જ ન રહે.)


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.