સમયચક્ર : કોઈ પાસે સમય નથી ! તો સમય વપરાય છે ક્યાં ?

આજે દરેક જણ સમય નથી, અને છે એ પૂરો પડતો નથીની ફરિયાદ કરે છે. જેને જુઓ તે કહે છે ટાઈમ નથી. કોઈ પાસે ટાઈમ નથી. ન વિદ્યાર્થીઓ પાસે છે, ન ગૃહિણીઓ પાસે. ન વેપારી પાસે કે ન કર્મચારી પાસે. આવી હાલત હોય ત્યાં રાજકારણીઓ પાસે તો ટાઈમ ન હોય ! એ તો અતિ માણસો કહેવાય છે. કહેવાય એટલું જ નહીં, તેઓ સાબિત પણ કરી બતાવે ( મોડા આવીને ). તો સમય છે કોની પાસે ? અને સમયની આટલી બધી ખેંચ છે એનો અર્થ એ કરી શકાય કે લોકો અતિ વ્યસ્ત છે. લોકો અતિ વ્યસ્ત છે તો દેશની પ્રગતિ ધીમી શા માટે છે ? એક બાજુ સમય નથી તો બીજી બાજુ બેકારી હદ બહારની છે. આ બે વિચિત્ર સ્થિતિ છે.

માવજી મહેશ્વરી

અતિ વ્યસ્તતા ઉપજાઉ હોય. જો દરેક માણસ વ્યસ્ત રહેતો હોય તો કોઈ કામ બાકી ન રહેવું જોઈએ. છતાં તેવું નથી. વિદ્યાર્થીઓના હોમ વર્ક તેના બદલે બીજું કોઈક કરે છે. શિક્ષકોના સીલેબસ પુરાં થતાં નથી. કચેરીઓમાં ફાઈલોના ઢગલા પડ્યા છ. સરકારને ધાર્યો વિકાસ કરવા પાંચ વર્ષ પૂરાં થતાં નથી. ગૃહિણીઓ વહેલી સવારના નાસ્તામાં જંકફૂડ પકડાવી દે છે. બા-બાપ પોતાના સંતાનોને સમય આપી શકતા નથી. પતિઓ પત્નીને ફેરવવા લઈ જઈ શકતા નથી. વ્યાપારીઓ પોતાના દુકાનની સફાઈ સમયસર કરી શકતા નથી. લોકો લગ્નો, સમાજિક પ્રસંગો અરે ! કોઈના બેસણામાંય સમય આપી નથી શકતા. તો બધાં કરે છે શું ? સમય જાય છે ક્યાં.

કોઈ પાસે સમય જ નથી. શું સૂરજ વહેલો આથમી જાય છે ? શું દિવસના કલાકો ઘટી ગયા છે કે જગતની ઘડિયાળોએ માણસને મૂર્ખ બનાવવાનું શરુ કર્યું છે ? થયું છે શું ? કોઈ પાસે સમય જ નથી અને કોઈ કામ થતાં નથી. અતિ વિચિત્ર સ્થિતિ છે. આજથી પચાસ વર્ષ પાછળ જઈએ. તે વખતે અત્યારના પ્રમાણમાં સમય બચાવતાં યંત્રો દરેક માણસ માટે સુલભ હતાં જ નહીં. માણસો પાસે વાહનો ન હતાં. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ખાસ્સો એવો સમય વેડફાતો. નાના મોટાં કામો કરવાના મશીન ન હતાં. પરિણામે જાત જાતના કામોમાં સમય ચાલ્યો જતો. અરે ! જરા વિચિત્ર લાગે તેવી વાત છે પણ સવારે નિત્યકાર્ય કરવા માટે પણ પગે જવું પડતું. નાહવાની જગ્યાઓ ઘરમાં ન્હોતી. જરુરી ચીજ વસ્તુઓ ચોક્કસ જગ્યાએ જ મળતી. તે લેવા જવામાંય સમય વેડફાતો. કારીગરોનો તો રીતસર મરો હતો. લુહાર અને સુથાર પાસે બાવડાંના બળ સિવાય બીજો ઉપાય ન હતો. પરિવહનના સાધનો ન હતાં. એક સમયે વાહનામાં પંક્ચર પડે તો વ્હીલ ખોલવા અને ટ્યુબ બહાર કાઢવામાં કારીગરનું માપ નીકળી જતું. આજે ટાયર ખોલવાનું પણ મશીન આવી ગયું. ટૂંક્માં સમય બચાવતાં મશીનોની વચ્ચે આપણે જીવીએ છીએ. આ સાધનો, ઉપકરણો આપણો પુષ્કળ સમય બચાવી આપે છે. તે છતાં સમય બચાવતાં સાધનોની ભરમાર વચ્ચે પણ કોઈ પાસે સમય નથી. બીજા માટે તો નથી પોતા માટેય નથી. આને કરુણ સ્થિતિ ન કહેવાય ત શું કહેવું ? કોઈને પુછીએ કે ભાઈ વહેલી સવારે ઉઠીને તને ક્યારેય દોડવા જાઓ છો ? તો જવાબ હશે વહેલું ઉઠાતું જ નથી. કોઈને પૂછીએ કે સાંજે બગીચે જાઓ છો ? ઘરના સભ્યો સાથે સાંજ ગાળો છો ? તો જવાબ મળે છે કે, સાંજે તો સમય જ ક્યાં હોય છે ? પોતાના નાના બાળકોને ભણાવવાનો કોઈ પાસે સમય નથી. એ ટ્યુશન શિક્ષકને સોંપાઈ જાય છે. ઈસ્ત્રી કરવી કે ઘરના છોડવાંને પાણી પાવાં જેવાં નાના કામો માટે પણ સમય નથી. માણસજાત એટલી હદે વ્યસ્ત થઈ ગઈ છે.

આપણાં દેશની રામાજિક અને આર્થિક રોજગારીની સ્થિતિ વિચિત્ર છે. અહીં કોઈ રોજના પાંચ હજાર કમાવે છે, કોઈ પાંચસો, તો કોઈ સો રુપિયા માટે આઠ કલાક કામ કરે છે. કોઈ સાવ અભણ માણસ રોજના હજાર રુપિયા કમાવી લે છે, અને ભણેલા બસો કે દોઢસોમાં આખો દિવસ કામ કરે છે. આ સ્થિતિ વચ્ચે કોઈ સામાન્ય અને સરખી બાબત હોય તો એ છે કે કોઈ પાસે સમય નથી. તેમ છતાં બગીચાઓમાં, રસ્તાઓ ઉપર, ઓટલાઓ ઉપર, નાના મોટા પ્રસંગોમાં ટોળાં જામે છે અને કશી જ પ્રવૃતિ વગર કલાકોના કલાકો પસાર કરી જાય છે. જેમની પાસે સમયની અતિ ખેંચ છે, જેઓ આવું કહે છે તેઓ પાછાં અમુક જાતના કાર્યક્રમોમાં રાતોની રાતો ખર્ચી નાખે છે. આજે ટીવી જોવા પાછળ અને સેલફોનમાં ચોટી પડનારાની સંખ્યા અધધધ થઈ જવાય તેટલી છે. ટીવીની વાહિયાત સિરિયલોના રીતસરનાં બંધાણીઓ મોજુદ છે. એકના એક સમાચાર બતાવ્યા કરતી ન્યુઝ ચેનલ્સના વ્યસનીઓનો પાર નથી. ફેસ બુક અને વોટ્સએપ પાછળ આંખોના નૂર ઓલવી દેનારાની મોટી ફોજ છે. એ બધાંને પૂછીએ કે ભાઈ છેલ્લે ધ્વજવંદનના કાર્યક્રમાં ક્યારે ગયા હતાં ? સરકાર દ્વારા યોજાતા જનહિતના કોઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી ? જવાબ કલ્પી લેવાના રહે છે.

વાસ્તવમાં ગણ્યા ગાંઠ્યા લોકોને બાદ કરતાં કોઈ પાસે પોતાના સમયનું કોઈ આયોજન જ નથી. કઈ બાબતને કેટલો સમય આપવો તેની સમજ નથી. આવતી કાલે શું શું કરવાનું છે તેની કોઈ યાદી મનમાં હોતી જ નથી. કયું કામ પહેલું કરવાનું છે, કયું કામ અગત્યનું છે તે વિશે વિચારવું જોઈએ તેનો વિચાર જ નથી આવતો. બજારે કંઈ લેવા નીકળ્યા હોય, નોકરીએ નીકળ્યા હોય, કોઈ બિલ ભરવા નીકળ્યા હોય. રસ્તામાં કોઈ મળી ગયું તેની સાથે વાતો કરવામાં સમય વેડફી નાખવો, પોતાને સ્પર્શતી જ ન હોય તેવી ચર્ચાઓમાં જોડાઈ જવું, કોઈને બિનજરુરી ફોન કરીને પોતાનો અને બીજાનો સમય બરબાદ કરવો. આ બધી સામાન્ય બાબતો બની ગઈ છે. આજે સમાજમાં લોકોની પ્રવૃતિઓ ઉપર નજર નાખી તો “મારી પાસે સમય નથી” એ વાતનો છેદ ઉડી જાય છે. પ્રશ્ન થાય કે લોકો નવરા છે કે શું ? થૉડા દિવસ પહેલાં મિત્ર સાથે એક રેસ્ટોરામાં બેસીને નાસ્તો કરતા હતા. સામેથી મુખ્ય માર્ગ ઉપર કોઈ બાઈક ચાલક અને એક બસવાળાને કોઈ બાબતે માથાકુટ થઈ. મારી આજુબાજુ નાસ્તો કરનારા લોકો ખાવાનું અધવચ્ચે છોડીને ત્યાં જઈને ઉભા રહ્યા. આવા દોડી જઈને ઉભા રહી જનારાના મોટા ટોળાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો. મને વિચાર આવ્યો કે આવી રીતે પોતાને રતિભાર પણ સ્પર્શતી ન હોય તેવી બાબતોમાં લોકો શા માટે રસ લેતા હશે ? જો એમની પાસે ફક્ત નાસ્તો કરવા જેટલો જ સમય હોત તો એ લોકો કારણ વગર ત્યાં દોડી ગયા હોત ખરા ? પૂરપાટ વાહન દોડાવી જનારાને જોઈ એમ થાય કે એને એવી શું ઉતાવળ હશે ? એ પોતાનો સમય બચાવીને એ સમયનું શું કરતા હશે ? હકિકત એ છે કે મોટાભાગના લોકો સમય બચાવતા મશીનોનો ભરપુર લાભ લઈને બચેલો સમય માત્ર નિરર્થક પ્ર્રવૃતિઓમાં પસાર કરે છે. પણ તેમ છતાં કહેનારા કહી ગયા છે.

હવે હાથ રહે ના હેમ. મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું એમ. હવે હાથ રહે ના હેમ !


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.