મંજૂષા – ૩૫ : નાનપણમાં જોયેલી એક ફિલ્મનું સત્ય

– વીનેશ અંતાણી

તે રાતે એને પોતાના નાનપણની સ્મૃતિ સિવાય કશાયમાં રસ નહોતો

+      +

ઘણા લોકોએ કોરોનાના અને લોકડાઉનના સમયની ‘કોરોના ડાયરી’ લખી છે. એમાં એમણે આ વિકટ વર્તમાનમાં અંદર ચાલતા વિચારો, ભાવો, બાહ્ય પરિસ્થિતિઓને શબ્દોમાં સાચવી લેવાનો પ્રયાસ કર્યો છે. કેટલાકે એમનાં લખાણના અંશ ઓન લાઈન મૂક્યા છે. અમેરિકાની ચાળીસેક વર્ષની મહિલાએ એક હૃદયસ્પર્શી અંશ મૂક્યો. એમાં વ્યક્ત થયેલું સંવેદન મને સ્પર્શી ગયું. તેના પરથી થોડું કલ્પીને એ મહિલાના શબ્દોમાં મૂકું છું: બહારનું જગત અમારી સામે ક્રમશ: બંધ થયું હતું. સંતાનોની શાળા બંધ થઈ, મારે અને મારા પતિએ વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું. અમે ઘરની બહાર ન નીકળી શકવાની વાસ્તવિકતા સાથે ગોઠવાઈ રહ્યાં હતાં. ડિનર પછી અમે ચારેય સાથે બેસીને ફિલ્મો જોવાનું શરૂ કર્યું હતું.

એક રાતે અમે લિવિન્ગ રૂમમાં હેરી પોટરની ફિલ્મ જોતાં હતાં. મારા પતિનો ફોન રણક્યો. અમે ચોંકી ગયાં. નીરવતાની એવી આદત પડી ગઈ હતી કે રાતે કોઈના ફોનની ઘંટડીથી પણ ચોંકી જવાતું હતું. મારો પતિ વાત કરવા બીજા રૂમમાં ગયો. મેં ફિલ્મ પોઝ કરી, દીકરીએ પૂછ્યું: ‘કોનો ફોન હશે?’ કિચનમાંથી સંભળાતી વાતચીત પરથી હું સમજી શકી કે એ એની મા સાથે વાત કરતો હતો. મા એને કોઈ ખરાબ સમાચાર આપી રહી હતી. કોનું મૃત્યુ થયું હશે? આશંકાઓ જન્મી. મારા સસરા? એ ન હોય તો સારું. તો બીજું કોણ? નજીકના પરિવારમાંથી કોઈ? પતિએ વાત પૂરી કરી. અમારી આંખોમાં પ્રશ્ર્ન જોઈ બોલ્યો: ‘મારી નાનપણની… એક ફ્રેન્ડ… કોવિડમાં ગઈ…’ મેં નામ પૂછ્યું. એણે નામ જણાવ્યું. પછી વધારે બોલ્યા વિના એણે ફિલ્મ ચાલુ કરવા ઇશારો કર્યો.

મારું ધ્યાન ફિલ્મમાંથી ફંટાઈ ગયું હતું. સામાન્ય રીતે હું આ દિવસોમાં કોરોના મહામારીનો વિચાર કરવાનું ટાળું છું, પરંતુ એ રાતે મારા પતિની પરિચિત યુવતીના મૃત્યુના સમાચારથી હું ડહોળાઈ ગઈ હતી. બહારની દુનિયાની સમગ્ર પરિસ્થિતિ મારી અંદર જાગી ઊઠી હતી. હલબલાવી નાખે તેવા સમાચારો, ચિંતા, ભય, અનિશ્ર્ચિતતા અને ડિપ્રેશનના વાતાવરણમાં અમે ઘરની ચારેય વ્યક્તિઓ એકબીજાના સહારે ટકી રહેવાનો પ્રયાસ કરતી હતી ત્યાં મારા પતિને એની માતાનો ફોન આવ્યો હતો. હજારો લોકો મૃત્યુ પામતા હોય તેવા સમયે રાતે આવેલો ફોન અશુભ સમાચાર માટે જ હોય. એ સમાચાર દેખીતી રીતે અમારા પરિવારની વ્યક્તિ વિશે નહોતા, છતાં… કોઈક હતું, જેને મારો પતિ ઘણાં વર્ષો પહેલાં બહુ સારી રીતે ઓળખતો હતો. મેં મારા પતિ સામે જોયું. એ હોઠ દાબીને બેઠો હતો. કદાચ એને મળેલા સમાચાર પરિવારની બહુ નજીકની વ્યક્તિના અવસાનથી પણ વધારે અશુભ હતા. મેં હળવેથી એના હાથ પર હાથ મૂક્યો. મને લાગ્યું કે એની આંગળીઓ આછું આછું કંપી રહી છે.

મારો પતિ ઘણી વાર એની એ મિત્ર વિશે વાત કરતો. બંને પ્રિ-સ્કૂલના દિવસોથી સાથે મોટાં થયાં હતાં. બંનેના પરિવાર પાસેપાસે રહેતા. એથી સ્કૂલ છૂટ્યા પછી કે રજાના દિવસે પણ બંને સાથે ભણતાં, રમતાં, ઝઘડતાં અને પાછાં ભેગાં થઈ જતાં. વેકેશનમાં લગભગ આખો દિવસ સાથે રહેતાં. શાળામાં ફેન્સી ડ્રેસની હરીફાઈમાં બંને એકબીજાને પૂરક હોય એવો વેશ લેતાં. ઘરમાં રમે ત્યારે એની મિત્ર જ હંમેશાં મારા પતિની વહુ બનતી. ચર્ચમાં લગ્ન કરવાની રમત રમતાં. એક ઉંમર સુધી બંનેના જન્મદિવસ સાથે મળીને ઊજવ્યા હતા. હાઇસ્કૂલ પછી એમના પરિવાર જુદાં જુદાં શહેરોમાં રહેવા ગયા. ત્યારથી એમની દિશા અલગ પડી હતી. પછી તો બંને પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. સમાચાર મળતા, પણ મળવાનું બનતું નહીં. હવે રાતે સાડા નવ વાગે અચાનક ફોન આવ્યો અને મારા પતિને જાણ થઈ કે એની નાનપણની દોસ્ત કોરોનામાં ઓગણચાલીસમા વર્ષે મૃત્યુ પામી છે. મૃત્યુ પામવા માટે એ ઉંમર નાની કહેવાય.

ફિલ્મ પૂરી થઈ. સંતાનોએ સૂવા જતાં પહેલાં પિતાને પૂછ્યું: ‘અમે તમારી ફ્રેન્ડને ક્યારેય મળ્યાં હતાં?’ ના. ‘મમ્મી?… ના, એ પણ નહીં. સંતાનો ગયાં પછી મેં પૂછ્યું: ‘યુ આર ઓલ રાઇટ?’ એણે મારી સામે જોયા વિના માથું હલાવ્યું. અમે થોડી વાર શાંત બેસી રહ્યાં. એ ટીવી પર કોઈ જૂની ફિલ્મ જોવા લાગ્યો. મેં પૂછ્યું તો એણે કહ્યું: ‘આ ફિલ્મ મેં નાનપણમાં ઘણી વાર જોઈ હતી. મને બહુ ગમતી.’ તે રાતે એને પોતાના નાનપણની સ્મૃતિ સિવાય કશાયમાં રસ નહોતો. હું ગુડ નાઇટ કહી અમારા બેડરૂમમાં ગઈ. થોડી વાર પછી લિવિન્ગ રૂમની લાઇટ બંધ થઈ, પણ એ સૂવા આવ્યો નહીં. અમારું ઘર મધરાતની ખામોશીમાં ડૂબી ગયું હતું. અચાનક મને લિવિન્ગ રૂમમાંથી કશુંક સંભળાયું. મારો પતિ એકલો એકલો, એના નાનપણમાં, ચુપચાપ રડતો હતો.


દિવ્યભાસકર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં ૨૪-૫-૨૦૨૦ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.