મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૨]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

મન્ના ડેનાં સ્વરકૌશલ્યએ શાસ્ત્રીય રાગ પરની હિંદી ફિલ્મ ગીતરચનાઓને હાસ્યરસપ્રધાન ગીતોના પ્રદેશમાં પહોંચાડવાના સેતુની બહુ જ મુશ્કેલ છતાં એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવી. આ એ સમયની વાત છે જ્યારે શ્રેષ્ઠ ગીતો કરૂણ રસના ભાવ સિવાય ન બને તે સ્વીકૃત પ્રણાલિ હતી, ‘શ્રેષ્ઠ’ ગીતોમાટેનું તે પછીનું ઉદ્‍ભવ સ્થાન શુધ્ધ રોમાંસના ભાવોમાં ગણાતું હતું. હાસ્યરસપ્રધાન ભૂમિકાઓ જ ‘ટિકિટબારી’ને નજરમાં રાખીને વિચારાતી, એટલે હાસ્યરસપ્રધાન ગીતો તો અત્રતત્ર પડી રહેલી ‘ખાલી’ જગ્યા ભરવા માટે છેલ્લા ઉપાયનું શસ્ત્ર મનાતાં. એ સમયે પણ ‘કોમૅડી’ પ્રકારમાં ગણાયેલાં ગીતોની રચનામાં સરળતાથી ગાઈ શકે તેવી ધુનની રચના કરવા પાછળની સંગીતકારની મહેનત; હલકા ફુલકા, પણ સસ્તા નહીં, તેવા બોલ લખવા પાછળ ગીતકારની મહેનત અને ગીતમાં હાસ્યની સુક્ષ્મ લાગણી તાદૃશ કરતી ગાયકની ગાયન શૈલી કે કલાકારની ગીતને ‘સ્થૂળ હાસ્ય”માં ખૂંપી ન જવા દેવાની મહેનતની ભાગ્યે જ નોંધ લેવાતી. આ બધાંને પરિણામે પહેલી પાટલીથી છેલ્લી મોંધી સીટ સુધીનો ફિલ્મનો પ્રેક્ષક ગીતના સમયે પોતાની સીટ પર જ હોંશે હોંશે બેસી રહે તે તો મહત્ત્વનું હતું જ.

સ્વાભાવિક છે કે કરૂણ રસનાં કે રોમાંસનાં બીજાં ગીતોની જેમ હાસ્યરસપ્રધાન ગીતોના બધા જ પ્રયોગ સફળ પણ ન થતા , અને કદાચ સફળ થતા તો વિવેચકોને કબુલ ન બનતા. કરૂણ કે રોમાંસનાં ગીતોની સ્પર્ધામાં પૂરેપૂરી સફળતા મેળવતાં હાસ્યર્સપ્રધાન ગીતો સંખ્યાની દૃષ્ટિએ ભલે કદાચ બહુ ઓછાં હોય, પણ એવાં ગીતોમાં મોટાં ભાગનાં ગીતો મન્ના ડેના સ્વરમાં સાંભળવા મળે છે તે પણ સ્વીકારવું જ પડે. મન્ના ડેના સ્વરની જે ખુબી તેમનાં શાસ્ત્રીય ‘સફળ ગીતોમાં સંભળવા મળતી તેનાથી કંઈક અલગ જ ખુબીઓ તેમનાં ‘અદ્‍ભુત’ થી માંડીને ‘સામાન્ય’ હાસ્યરસપ્ર્ધાન ગીતોમાં નીખરી રહેલ છે.

મન્નાડેની જન્મ્શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે આપણે છેલા પાંચ મણકાથી મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો પર આપણું ધ્યાન કેન્દ્રીત કરેલ છે. તે પૈકી ૪ મણકામાં આપણે મન્ના ડેનાં મેહમૂદ માટેમાં હાસ્યરસપ્ર્ધાન ગીતો સાંભળ્યાં અને છેલ્લા મણકામાં મન્નાડેનાં ‘અન્ય (હાસ્ય) કલાકારો માટેનાં હાસ્યરસપ્રધાન ગીતો આપણે સાંભળ્યાં. એ મણકામાં ક્પુર ભાઈઓ, અશોક કુમાર અને વિજય આનંદ જેવા મુખ્ય ધારાના અકલાકારો અને જોહ્ની વૉકર જેવા કોમૅડી અભિનેતા માટેનાં ગીતો સાંભળ્યા હતા. આજાના આ શ્રેણીની સમાપ્તિના અંકમાં આપણે મન્નાડેનાં આઘા અને આઈ એસ જોહર માટેનાં ગીતો યાદ કર્યાં છે.

મન્ના ડે – આઘા

આઘા(જાન બૈગ) ની કોમેડીઅન તરીકે સફળતા તેમની કારકીર્દીનાં શરુઆતનાં વર્ષોમાં જ પ્રસ્થાપિત થઈ ગઈ હતી. કોમેડીઅનને એક ગીત ફાળવવું એ પ્રથા જેમ જેમ ચલણી બનતી ગઈ તેમ તેમ આઘા પણ પર્દા પર ગીતો ગાવા લાગ્યા હતા. તેમને કોઈ ચોક્કસ ગાયકનો જ અવાજ મળે તેવી પણ કોઈ પ્રણાલી બની તેમ તો ન જ કહી શકાય, પણ મન્ના ડે અને આઘાનો કોમેડી ગીતના સંબંધે પરિચય ૧૯૫૫માં ‘ઈન્સાનીયત’માં થયો.

મૈં રાવણ લંકા નરેશ – ઈન્સાનીયત (૧૯૫૫) – મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

આ ગીતમાં આઘાના ભાગે અકસ્માતે હુનુમાનના વેશમાં જે પંક્તિઓ પરદા પર ગાવાની આવી છે તે તો મોહમ્મદ રફીએ જ ગાઈ છે. પરદા પર રાવણના હોકારા પડકારાને વાચા મન્ના ડે એ આપી છે.

બમ ભોલાનાથ બમ ભોલાનાથ – રાજતિલક (૧૯૫૮) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી

ફિલ્મમાં કોમેડી દ્વારા કોમેડીઅનની ભૂમિકા મદદરૂપ બને એ પણ ‘સ્વીકૃત ફોર્મ્યુલા’ બની ચુકી હતી. આ ગીતમાં એ ફોર્મ્યુલા તાદૃશ્ય થતી જોવા મળશે.

ફૂલ ગેંદવા ના મારો – દૂજ કા ચાંદ (૧૯૬૩) – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પરદા પર જોયા વિના , શાત્રીય ગાયન શૈલી પર આધારીત આ કક્ષાનાં ગીત સાંભળતાં તેની રચના, બોલ અને ગાયકી એમ બધાં અંગમાં મૂળ રચનાની શુધ્ધતાને નુકસાન પહોંચાડ્યા સિવાયનું હાસ્ય ગીત બનાવવાની મહેનત કાને પડે છે. જોકે, પરદા પર ગીત વડે હાસ્ય નીપજાવવાનો જ ઉદેશ્ય હોય એટલે આ પ્રયાસ કંઈક અંશે સ્થૂળ બની જતો અનુભવાય. પરંતુ તે સ્વીકારી જ લેવું રહ્યું.

પ્રસ્તુત ગીત હાસ્યરસ પ્રધાન ગીતોના આદર્શ માપદંડ તરીકે સ્વીકારાયેલં ગીતોમાં અગ્રસ્થાને રહેલાં ગીતોમાં સ્થાન પામે છે.

હો ગોરી ગોરી તેરી બાંકી બાંકી ચિતવનમેં જીયા મોરા બલખાયે – આધી રાત કે બાદ (૧૯૬૫) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન

સ્વદેશી અને વિદેશી તાલ અને વાદ્યસંગીતને ગીતમાં વણી લઈને વિવિધ ભાવનાં ગીતોને આગવી કર્ણપિયતા બક્ષવાના પ્રયોગો માટે ચિત્રગુપ્ત જાણીતા છે. અહીં શાસ્ત્રીય ગાયન સૈલીથી શરૂઆત કરીએ પાશ્ચાત્ય શૈલી પર સરકી જવાનું કૌશલ્ય ગીતને હાસ્યપ્રધાન બનાવી રાખવામાં સફળ રહે છે. ગીતના દરેક તબક્કે મન્ના ડે ગીતના હળવા મિજાજને બખૂબી જાળવી રાખે છે.

મન્ના ડે – આઈ એસ જોહર

આઈ એસ જોહર (ઈન્દર સેન જોહર)ની પહેચાન મોટા ભાગનાં લોકોને એક કોમેડીઅન તરીકેની હશે, પરંતુ તે ફિલ્મોની અને નાટકો નાં પટકથા લેખન, દિગ્દર્શક તેમ જ નિર્માતા જેવી અનેકવિધ ક્ષમતાઓ ધરાવતા હતા. કેટલોક સમય તેમણે હિંદી ફિલ્મો વિશેનાં એક જાણીતાં સામયિક ‘ફિલ્મફેર’માં ચબરાકીયા સવાલ-જવાબની કોલમ પણ સફળતાથી ચલાવી હતી. હોલીવુડની પણ અનેક જાણીતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે. અભિનેતા તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી ‘એક થી લડકી ‘ (૧૯૪૯) અને તેમણે લખેલી અને દિગ્દર્શિત કરેલી પહેલી ફિલ્મ હતી ‘શ્રીમતીજી (૧૯૫૨)..

અરે હાં દિલદાર કમડોવાલે કા હર તીર નિશાને પર – બેવક઼ૂફ (૧૯૬૦) – શમશાદ બેગમ સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીત રેડીઓમાંથી ગવાય છે તેમ બતાવવા માટે ખરેખર રેડીયોની પાછળથી ગાવું એ વિચાર આઈ એસ જોહરને જ સૂઝે ! તેમાં પણ શરૂઆતમાં સ્વાભાવિકપણે છબરડા પણ થાય તેવી માર્મિક રમૂજ પણ ઉમેરાય છે. મના ડે, અને શમશાદ બેગમ પણ, ગીતમાં ખીલી ઊઠ્યાં છે.

‘બેવક઼ૂફ’ આઈ એસ જોહર દ્વારા જ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ હતી. પરદા પર આઈ એસ જોહર પણ હોય એવાં બીજાં બે ગીતો પણ ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં છે. દેખ ઈધર ધ્યાન તેરા કિધર હૈ (આશા ભોસલે સથે) માં આઈ એસ જોહરે સ્ત્રીવેશ ધારણ કર્યો છે, એટલે તેમના માટે આશા ભોસલે સ્વર આપે છે. સ્ત્રી પર લટ્ટુ બે ‘સજ્જનો’ માટે મન્ના ડે એકાદ લીટી ગીતમાં ગાય છે. ધડકા દિલ ધક ધક સે મૂળ તો હેલન પર ફિલ્માવાયેલું નૃત્ય ગીત છે.

યે દો દિવાને દિલકે – જોહર મેહમૂદ ઈન ગોવા (૧૯૬૫) – મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: કલ્યણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આઈ એસ જોહરે ‘જોહર મેહમૂદ ઈન ઓવા’ પછી ફિલ્મનાં સીર્શ્કમં ‘જોહર’ હોય એવી ઘણી ફિલ્મો કરી. દરેક ફિલમાં એ સ્થળની અમુક જાણીતી બાબતોને કેન્દ્રમાં રાખીને ફિલ્મની કથા તેઓ ગુંથી લેતા. ફિલ્મનાં શીર્ષકમાં એ સ્થળનું નામ પણ સામેલ હોય..

ઉત્તરોત્તર દરેક ફિલ્મ વધારેને વધારે સ્થૂળ બનતી ગઈ તે વાતની દુઃખદ નોંધ આપણે અહીં લેવી પડે.

પ્યાર કિયાં તો મરના ક્યા – રાઝ (૧૯૬૩) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: શમીમ જયપુરી

ગીતના મુખડાના બોલથી જ જ ખબર પડી જાય છે કે આ કયાં ગીતની પૅરોડી છે.

આ પછીનાં ગીતો પણ કૉમેડી કે ગીતની ગુણવત્તાની દૃષ્ટિએ હજુ નીચે જ ઉતરતાં જણાઈ રહ્યાં છે. આપણે જે વિષય હાથ પર લીધો છે તેને દસ્તાવેજીકરણની દૃષ્ટિએ ન્યાય કરવા માટે કરીને આપણે એ ગીતોની માત્ર નોંધ જ અહીં લઈશું.

બચપનકી હસીં મંઝિલ પે જબ હુસ્ન ગુઝર કે આયે – જોહર ઈન બોમ્બે (૧૯૬૭)- ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી

બેશરમ સે શરમ ન કર, હેરા ફેરી સે મત ડર – તીન ચોર (૧૯૭૩) – મોહમ્મદ રફી, મુકેશ સાથે – સંગીતકાર: સોનિક ઓમી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હમ સબકા હૈ શુભચિંતક– ખલિફા (૧૯૭૬) – કિશોર કુમાર સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: ગુલશન બાવરા

ક્યા મિલ ગયા સરકાર તુમ્હેં ઇમર્જન્સી લગા કે – નસબંદી (૧૯૭૮) – મહેન્દ્ર કપૂર સાથે – સંગીતકાર કલ્યાણજી આણંદજી – ગીતકાર હુલ્લડ મુરાબાબાદી

આઇ એસ જોહર વિષયોની આટલી વિવિધતા વિશે વિચારી શક્યા, પણ એ વિચારના અમલમાં તેઓ એ વિચારને, અને પરિણામે મન્ના ડેના સ્વરને પણ, સરાસર અન્યાય કરી ગયા એ ખેદ સાથે મના ડેનાં કોમેડી ગીતોની આ શ્રેણી આજે અહીં પૂરી કરી છીએ.

મન્ના દેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ શ્રેની મન્ના ડે – ભૂલ્યા ના ભુલાશે પણ અહીં પૂરી કરીશું.

જોકે આ શ્રેણીમાં આવરી લેવાયેલ ગીતો સિવાયનાં પણ મન્ના ડેનાં હજુ અસંખ્ય બીજાં ગીતો છે. એ બધાં ગીતોને આપણે આપણી મન્ના ડે – ચલે જા રહેં હૈ’ શ્રેણીના વાર્ષિક અંકોમાં યાદ કરતાં રહીશું.

મન્ના દેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ શ્રેની મન્ના ડે – ભૂલ્યા ના ભુલાશે પણ અહીં પૂરી કરીશું.

જોકે આ શ્રેણીમાં આવરી લેવાયેલ ગીતો સિવાયનાં પણ મન્ના ડેનાં હજુ અસંખ્ય બીજાં ગીતો છે. એ બધાં ગીતોને આપણે આપણી મન્ના ડે – ચલે જા રહેં હૈ’ શ્રેણીના વાર્ષિક અંકોમાં યાદ કરતાં રહીશું.


દરેક શ્રેણીના બધા જ અંકો એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો

મન્ના ડે – ભૂલ્યા ના ભૂલાશે

     પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો

     મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો

             મન્ના ડેનાં મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો

             મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.