ફિર દેખો યારોં : યહાં પર તો જીવન સે હૈ મૌત સસ્તી

બીરેન કોઠારી

ગયા સપ્તાહે આ કટારમાં વિશાખાપટણમની ‘એલ.જી.પોલિમર્સ’ કંપનીમાં થયેલા અકસ્માતની પૃષ્ઠભૂમિમાં આ પ્રકારના અકસ્માતોમાં સત્તાધીશોના અભિગમની વાત કરવામાં આવી હતી. ‘એલ.જી.પોલિમર્સ’માં બે સપ્તાહ અગાઉ સ્ટાયરીન નામનો વાયુ લીક થયો હતો અને બારેક લોકો તેમ જ અનેક પશુપંખીનો ભોગ તેણે લીધો હતો. હજારેક અસરગ્રસ્તોને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતાં. આવી દુર્ઘટનાને પગલે પ્રસારમાધ્યમોમાં સર્જાતા ભારે ઉહાપોહ પછી મોટે ભાગે બનતું આવ્યું છે એમ પરિસ્થિતિ થાળે પડી જતી હોય છે. આ દુર્ઘટના બન્યા પછીના બે સપ્તાહમાં શું શું બન્યું?

સરકારે, આ કિસ્સામાં આંધ્ર પ્રદેશ સરકારે એક ઉચ્ચ કક્ષાની સમિતિની નિમણૂક કરી દીધી. કોરીયાથી વિવિધ બાબતોના નિષ્ણાત એવા આઠ તજજ્ઞોની સમિતિ આ કંપનીના પ્લાન્‍ટની મુલાકાતે આવી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી.) દ્વારા કંપનીની સામે સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે, એટલે કે એન.જી.ટી. પોતે ફરિયાદી બન્યું છે. તેણે કંપનીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પચાસ કરોડની આરંભિક રકમ જમા કરાવવાની તાકીદ કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાને મૃતકોના વારસને તેમજ અકસ્માતમાં અસરગ્રસ્તોને નિ:શુલ્ક સારવાર તથા વળતર ઘોષિત કર્યું છે. એ સમજવું મુશ્કેલ છે કે કંપનીને આમ કરવા માટે ફરજ પાડવાને બદલે રાજ્ય સરકાર શું કામ વળતર ઘોષિત કરે?

દરમિયાન વિવિધ અહેવાલો મુજબ, આ વિસ્તારના ગોપાલપટણમ પોલિસ સ્ટેશન દ્વારા દુર્ઘટનાના પાંચેક કલાક પછી પ્રથમદર્શી અહેવાલ (એફ.આઈ.આર.) નોંધવામાં આવ્યો છે તે સૂચક છે. આ અહેવાલમાં મૃતકોની સંખ્યા પાંચ દર્શાવવામાં આવી છે. વાયુનું સ્પષ્ટ નામ પાડવાને બદલે ફેક્ટરીમાંથી નીકળેલા ‘કશાકના ધુમાડા’ની ‘દુર્ગંધ’નો ઉલ્લેખ કરાયો છે. એફ.આઈ.આર.નોંધવામાં આવી ત્યાં સુધીમાં દસ મૃતકોનો આંકડો અધિકૃત રીતે જાહેર થઈ ગયેલો હતો. એફ.આઈ.આર.માં કંપનીના કોઈ અધિકારીનો નામોલ્લેખ પણ નથી. વિશાખાપટણમના સંયુક્ત ઈન્‍સ્પેક્ટર ઑફ ફેક્ટરીઝ, જે. શિવશંકર રેડ્ડીનો સંપર્ક અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ના સંવાદદાતા દ્વારા કરાતાં તેમણે જણાવ્યું હતું કે ફેક્ટરીનો સલામત રીતે પુન:આરંભ કરવાની જવાબદારી કંપનીના જનરલ મેનેજર અને ડાયરેક્ટર ઑફ ઓપરેશન્‍સની હોય, પણ લૉકડાઉન પછી ફેક્ટરી શરૂ કરતી વખતે તે હાજર નહોતા. દોષનો ટોપલો પણ આવી દુર્ઘટનાઓ વખતે બને છે એમ બિનઅનુભવી હંગામી કામદારોને માથે ઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે મોટા ભાગની કંપનીઓ હંગામી કામદારોને રાખતી થઈ ગઈ છે, પરિણામે કશું પણ થાય તો જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા સહેલા પડે છે.

એફ.આઈ.આર.માં કોઈનો નામોલ્લેખ કેમ નથી એના જવાબમાં વિશાખાપટણમના પોલિસ કમિશ્નરે જણાવ્યું હતું કે નામોલ્લેખ ભલે ન કરાયો હોય, પ્રત્યેકની જવાબદારી અને ભૂમિકાની તપાસ કરવામાં આવશે. મોડી રાતના અઢી વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટના પછી સવારના સાડા દસ સુધી તો પોલિસ કમિશ્નર આ વાયુને ‘બિનઝેરી’ જણાવતા હતા. વાયુની અસરને ઘટાડવા માટે પોલિસ દ્વારા લોકોને દૂધ પીવાની, કેળાં કે ગોળ ખાવાની સલાહ આપવામાં આવતી હતી.

કંપનીએ દુર્ઘટના બન્યા પછી છેક બે દિવસે આશ્વાસનના શબ્દો ઉચ્ચાર્યા હતા. અલબત્ત, મૃતકોના વળતર અંગે તેણે મૌન સેવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કંપની આઈ.એસ.ઓ. પ્રમાણિત છે. એટલે કે એકે એક કામ કરવા માટે અહીં નિર્ધારીત કાર્યપદ્ધતિ (એસ.ઓ.પી.) છે, એટલું જ નહીં, તેનો અમલ પણ કરવામાં આવે છે એમ માનવામાં આવે છે. કેમ કે, ‘ઈન્‍ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફૉર સ્ટાન્‍ડર્ડાઈઝેશન’ વિવિધ બાબતોને પ્રમાણિત કરતું ભરોસાપાત્ર આંતરરાષ્ટ્રીય સંગઠન છે.

આ બધી વિગતોને સાથે મૂકીને જોતાં જે ચિત્ર ઉપસે છે એ ભયાનક કહી શકાય એવું છે. દેશના આર્થિક વિકાસ માટે ઉદ્યોગો જરૂરી છે, પણ કયા અને કોના ભોગે? નિયમપાલનમાં આવી દેખીતી શિથિલતા માત્ર અજ્ઞાન, અવગણના કે બેકાળજી નથી સૂચવતી, બલ્કે સ્પષ્ટ ખ્યાલ આપે છે કે આ આખી રમતમાં સામાન્ય પ્રજાજન ક્યાં ઊભેલો છે અને જે વિકાસ તેના માટે હોવાનું કહેવાય છે એમાં તેનું મૂલ્ય શું છે!

આવી દુર્ઘટના 1984માં ભોપાલમાં મોટે પાયે બની, અને હવે વિશાખાપટણમમાં નાને પાયે. તેમાં ફરક તરાહનો નહીં, કેવળ તીવ્રતાનો હતો. આ 36 વરસમાં બન્ને રાજ્યોમાં કે દેશમાં કેટકેટલી સરકારો બદલાઈ, પણ ઉચ્ચ કક્ષાની સમિતિઓ બનાવવાની ઘોષણા સિવાય કશું નક્કર કામ થયું છે ખરું? આટલા વરસો પછી પણ આપણે ઠેરના ઠેર ઊભા છીએ. આવાં કારખાનાં ગુજરાતમાં પણ છે. જે તે સમયે તે કદાચ માનવવસતિથી દૂર હશે, પણ હવે શહેરી આયોજનની કમાલને લીધે માનવવસતિની લગોલગ આવી ગયાં છે. પોલિસ તંત્ર કે મહાનગર સેવા સદનની વાત જવા દઈએ, પણ આસપાસ વસતા લોકોને કશો અંદાજ હશે ખરો કે એ કારખાનાંમાં ક્યારેક કશી દુર્ઘટના થાય તો બચવા માટે પોતે શા પગલાં લેવાં? જે તે કારખાનાના સંચાલકો દ્વારા કદી આ બાબતે માહિતી આપવાની વ્યવસ્થા કરવાનું વિચારાયું હશે કે કેમ? એમ ન કરાયું હોય તો એ પણ કાનૂનભંગ છે.

સરકાર ગમે એ હોય, આ સ્થિતિનો સામનો નાગરિક તરીકે, જે તે કારખાનાને સંલગ્ન વિસ્તારના રહીશ તરીકે આપણે જ કરવાનો આવે છે એ પુરવાર થઈ ગયેલું સત્ય છે. આ વાસ્તવ દિવસે દિવસે વધુ કઠોર અને નિષ્ઠુર બનીને સામે આવતું જાય છે. આ બાબતે નક્કર પગલાં ભરવા બાબતે કોઈ પણ સરકારને નથી રસ કે નથી ઈચ્છા. વિકાસની કિંમત ચૂકવવી પડે કે તેના માટે ભોગ આપવો પડે એમ માનનારો એક મોટો નિર્દોષ શહેરી વર્ગ પણ છે. આમાં કોનો ભોગ અપાય છે અને વિકાસ કોનો થાય છે એ આ વર્ગની સમજણની બહાર છે. આવા અકસ્માત ન થાય એ માટે કદાચ પ્રાર્થના અને શુભેચ્છા સિવાય કોઈ આરો જણાતો નથી. અકસ્માત થઈ ગયા પછી તો ઉચ્ચ કક્ષાની સમિતિઓ રચાતી રહેશે અને મૃતકોના વળતરનો આંકડો કદાચ વધતો રહેશે. સરવાળે એ સસ્તા પડતા ઉપાયો છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૫-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.