યૂં કિ સોચનેવાલી બાત : તાળાંબંધી દરમ્યાન સર્જનશીલતાને ટકાવી રાખીએ

આરતી નાયર

આ લેખ તમે વાંચવાનો શરૂ કર્યો છે એટલે એમ માની લઈએ કે શીર્ષક વાંચ્યા પછી લેખમાં શું હશે તે જાણવાની તમને ઉત્સુકતા થઈ છે. તમે લેખક કે ડીઝાઈનર કે ફિલ્મનિર્માતા જેવી કોઈ સર્જનાત્મક વ્યક્તિ હોઈ શકો છો. કે પછી તમે કદાચ કોઈ કામ વગરની સર્જનશીલ પ્રતિભા હોઈ શકો છો કે પછી ‘સંચાલક’ કે ‘વ્યૂહરચનાકાર’ કે ‘ગૃહિણી’ પણ હોઈ શકો છો. ખેર, નામ કંઈ પણ હોય, જો તમે સમસ્યાઓનું નિવારણ કરતાં હો, કે નવા નવા વિચારોનું સર્જન કરી શકતાં હો, નવી નવી વ્યૂહરચનાઓ ઘડી શકતાં હો તો હું તો તમને સર્જનશીલ વ્યક્તિ જ કહીશ. સર્જનશીલતાની વ્યાખ્યા તમે કેટલું કમાઈ શકો છો તેના પરથી નહીં પણ તમે કેટલું મૂલ્ય સર્જન કરી શકો છો તેનાથી નક્કી થાય છે.

મોટા ભાગે, સર્જનાત્મક વ્યક્તિઓ પોતાના વિચારો પર કામ કરી શકવા માટે એકાંત ઝંખતી હોય છે. એ સંદર્ભમાં કોવિડ-૧૯ આપણને ખોટાં સાબિત કરે છે. તેને કારણે તમારી પાસે સમય જ સમય છે, અને છતાં તમે પીંજરામાં કેદ છો. આપણામાં ઘણાંને સમજાઈ રહ્યું છે કે કોવિડ-૧૯ પ્રેરિત તાળાંબંધી જેવું એકાંત આપણને નહોતું જોઈતું. કેમ કે તાળાંબંધી આપણી પસંદ નથી, તે તો આપણી પર, આપણાં ભલાં માટે, લાદી દેવાયેલ છે.

ધ ઈનોર્મસ સ્મૉલનેસ

સ્રોત સૌજન્ય – ધ ઈનોર્મસ સ્મૉલનેસ – એ સ્ટોરી ઑફ ઈ.ઈ. કમ્મિંગ્સ – મેથ્યુ બર્જેસ – ચિત્રાંકન ક્રિસ ડી જિયૉકોમો

કોઈક દિવસે તો અજાણના અંજપાના ભાર હેઠળ જ આંખ ખુલે છે. તાળાંબંધી ક્યારે ખુલશે? તાળાંબંધી ખુલ્યા બાદ અર્થતંત્ર ફરીથી કેમ કરીને બેઠું થશે? એ બધામાં મારૂં શું થશે? ભવિષ્ય ખરાબ કે બદતર હશે તેવી, છાતી ઠોકીને, આગાહીઓ કરતા અગ્રલેખોની સામાજિક માધ્યમોમાંની રોજની વણઝાર રોજબરોજની અનિશ્ચિતતાના વચ્ચે રહેવાની મુશ્કેલીઓમાં ઉમેરો કરે છે. વર્તમાન અને ભવિષ્ય બહુ ધુંધળાં ભાસે છે. જોકે, નસીબ એટલાં સારાં છે કે કાળાં વાદળની આસપાસની પ્રકાશની રૂપેરી કોર સરખો ઈતિહાસનો સધિયારો આપણી પડખે છે.

વિલિયમ શેક્સપીયરે તેમના સમયના સૌથી ખરાબ ગણાય એવા પ્લેગના દિવસો જોયા હતા. એ સમયે, પ્લેગની મહામારીનાં વિશાળકાય મોજામાં હજારો લોકોને એક રાતમાં મોત ભરખી જતું હતું. પ્લેગના તેમના પહેલાંના અનુભવ વખતે શેક્સપીયરને પ્રેમનું કાવ્ય લખવાની સ્ફુરણા થઈ હતી. એ કાવ્યમાં તેઓએ સમજાવ્યું હતું કે પ્રેમમાં ‘સંક્રમણને આ જોખમી વર્ષમાંથી તગડી મુકવાની’ શક્તિ છે. પછી જ્યારે તેમને સંસર્ગનિષેધ કરી દેવામાં આવ્યા, ત્યારે તેમણે ‘કિંગ લીયર‘, ‘મૅક્બેથ‘ અને ‘ક્લીઓપેટ્રા‘નું સર્જન કર્યું, જે તેમનાં શ્રેષ્ઠ નાટકોમાં સ્થાન ધરાવે છે. તેમનાં આ કામે તેમને મૃત્યુ અને અનિશ્ચિતતા ભયની સામે જીવવા માટેનું બળ પૂરૂં પાડ્યું હશે.

મારા સૌથી પ્રિય લેખકોમાંના એક, આલ્બર્ટ કામુ ૧૯મી સદીના કૉલેરા પ્રકોપ સમયે જીવિત હતા. તેમની નવલકથા ‘પ્લેગ‘ માનવ જીવન સામેની આવી વિકરાળ કટોકટી સમયે એકતાનો સંદેશ છે. ૧૯૩૦ અને ૧૯૪૦ના દસકાઓના બીજા ચિંતકો અને લેખકોની જેમ તેમણે ‘પ્લેગ” વડે અસમાનતા, આપખુદશાહી કે તાનાશાહીને વખોડી કાઢ્યાં હતાં.

The Plague

સ્રોત સૌજન્ય – “The Plague” and author Albert Camus.(Vintage/ Everett/Shutterstock) / Albert Camus’ ‘The Plague’ and our own Great Reset: Los Angeles Times

૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન ભલે એક મહામારી નહોતું, પણ તેને કારણે લાખો લોકો પર મોતની ચાદર ફરી વળી હતી. એ સમયે સમાજે અનુભવેલ શારીરિક, માનસિક અને સામાજિક યાતના આજે પણ બન્ને દેશોમાં કમકમાં લાવી દે છે. હિંદ ઉપખંડના શ્રેષ્ઠ લેખકો પૈકી અગ્રણી એવા સઆદત મન્ટોએ સમયે ‘ટોબા ટેક સિંહ‘ લખી. પાગલખાનામાં સંધર્ષ કરી રહેલા એક પાગલ શીખનાં રૂપક વડે તેમણે વિભાજનને કારણે થયેલ દારૂણ માનવ હિજ઼રતની કથાને દસ્તાવેજ કરી, અને એ રીતે વિભાજનની સામે અવાજ ઊઠાવ્યો હતો.

મારો આશય આપણી સરખામણી આવી મહાન હસ્તીઓ સાથે કરવાનો નથી. આપણે તો એટલું જ સમજવાનું છે કે માનવજાત માટે મહામારીઓ અને મહાઘાતક કટોકટીઓ કંઈ નવા અનુભવ નથી. એવા કપરા સમયમાં પણ કળાનાં અંકુર મુર્ઝાયાં નથી. ઈતિહાસની આપણને હુંફ જરૂર છે, પણ દ્વિધાઓ, નિરાશાઓ, ચિતાઓ કે ભય અને ડર જેવા આપણા આંતરિક સંધર્ષોનું શું કરવું? હતોત્સાહ કરતી પરિસ્થિતિઓથી આપણને કેમ કરીને દૂર રાખવી?.

હું પણ એક સર્જનશીલ વ્યક્તિ, લેખિકા, છું. આપણામાંનાં ઘણાં સર્જનાત્મકતાને સ્વિચ ચાલુ કરો એટલે શરૂ થઈ જાય એવાં વૉશિંગ મશીન જેવી ગણે છે. એટલે કે જેવી હું કોરા કાગળ સામે બેસું, તેવા શબ્દો વહી નીકળવા જોઈએ. હકીકતમાં તેનાથી ઉલટું છે. સર્જનાત્મકતા એક એવી મોંધી કાર જેવી છે, જેને દરકાર કર્યા વગર ગૅરેજમાં મુકી રાખી હોય તો અણીના સમયે તે ચાલુ ના પણ થાય. સર્જનાત્મકતા અને શિસ્તને ચોલીદામનનો સંબંધ છે.

કોવિડ-૧૯ પ્રેરિત તાળાંબંધીના શરૂઆતના દિવસોમાં મેં ટૉડ્ડ હેન્રી લિખિત પુસ્તક ‘The Accidental Creative’ વાંચવાનું શરૂ કર્યું હતું. સામાન્ય રીતે હું સ્વ-મદદ પ્રકારનાં પુસ્તકો વાંચતી નથી, પરંતુ એક નોકરીની જ્યાં વાતચીત ચાલતી હતી તેના સંસ્થાપકને આ પુસ્તક ગમે છે એવું જાણ્યા બાદ તેમના પર પ્રભાવ પાડવા માટે કરીને મેં આ પુસ્તક હાથમાં લીધું હતું. વાત મારા સ્વાર્થની હતી, એટલે પુસ્તક ઉપર ઉપરથી વાંચી જવું એમ વિચારેલ. પરંતુ, થયું એવું કે પુસ્તકે મને બે મહિના સુધી પકડી રાખી.

“સર્જન પ્રક્રિયામાં આપણે અપેક્ષા રાખ્યા સિવાય અપેક્ષિત બનવું જરૂરી છે”

                               – ધ આર્ટીસ્ટ્સ વેજુલીઆ કૅમેરૉન

અમેરિકાનાં જાણીતાં લેખિકા અને પીઢ કલાકાર જુલિઆ કેમેરોનનું આ કથન ખાસ ધ્યાન પર લેવા જેવું છે:

“સવારનાં પાનાં તાર્કિક મગજને બાજુએ કરીને કળાકારને છુટ્ટો રમતો કરી શકે છે. ક્યારેક ક્યારેક ભલે હોય પણ, અન્યથા સવારનાં પાનાં ચબરાકીયાં હોય તેવું જરૂરી નથી. મોટા ભાગે તો નહીં જ હોય, અને તમારા સિવાય તે કોઈએ જાણવાની જરૂર પણ નથી – કોઈને જાણવાની છુટ પણ નથી !”

                                 – ધ આર્ટિસ્ટ વેજુલિઆ કૅમેરૉન

સ્રર્જનાત્મકપણે બેઠાં થવા માટે’ તેઓ ‘સવારનાં પાનાં’ની હિમાયત કરે છે. લેખકો માટે તેમનું સુચન દરરોજ સવારનાં ત્રણ પાનાં લખવાનું છે. તેઓનો આગ્રહ કાગળ પર લખવા માટેનો છે. મેં માર્ચના અંતમાં લખવાનું શરૂ કર્યું અને એપ્રિલના અંત સુધીમાં મેં એક ડાયરી પુરી કરી નાખી. ક્યારેક રંગરંગીન, ખુશખુશાલ બનતાં સવારનાં પાનાં મોટા ભાગે નકારાત્મક, પોતાની જાત પર દયા ખાતાં, બાલીશ, ગુસ્સેદાર કે મુરખ હોઈ શકે છે.

તેઓ વાચકને બાળપણમાં ડૂબકી મારીને એ યાદો લખવા પ્રોત્સાહિત કરે છે. બાળપણમાં મારો પોતાનો આગવો રૂમ નહોતો. મારાં દાદાદાદી સાથેની ભાગીદારીમાં મારો રૂમ હતો. મારા વિચારો લખતી વખતે મને દાદાનું ટાઈપરાઈટર યાદ આવી ગયું. દાદા જ્યારે રૂમમાં ન હોય ત્યારે હું કેવી રૂમમાં ચોરીછુપીથી સરકી જતી ! અને ટાઈપરાઈટરની કળોને ગેરકાયદે અડી લેવાની મજાની તો વાત જ ન પૂછશો ! મને એ પણ યાદ છે કે દાદીની સાડી મારાં ટી-શર્ટ અને ચડ્ડીની ઉપર વિંટાળ્યા સિવાય હુ ક્યારે પણ સુઈ ન જતી. સવારે તેમને પોતાની સાડી રૂમના બીજે છેડેથી મળી આવતી. આ આખી કસરત રોગનિવારક નીવડતી. હું ખુબ હળવાશ અનુભવતી અને ઘરની યાદ ઓછી સતાવતી.

મેં મારાં મેજને આંખોને ગમે તેમ ગોઠવ્યું

મેં મારાં મેજને આંખોને ગમે તેમ ગોઠવ્યું. નોંધ – ફોટાઓ ચાર્જરના વાયર પર લટકાવ્યા છે.

સવારનાં પાનાંઓનું રૂપક કળાનાં દરેક સ્વરૂપ ને લાગુ પડી શકે છે. લેખિકાનું કહેવું છે કે કોઈપણ કળાનું સર્જન કરવું હોય તો સવારનો પહોર જ પકડો. જોકે જે લોકોને રાતના જ કામ કરવાનું ફાવતું હોય તે આ સુચનને પોતાના શ્રેષ્ઠ ઉત્પાદક સમય સાથે સાંકળી લઈ શકે છે. મહત્ત્વનું એ છે કે તમારી ‘કળા’નાં સર્જન માટે તમારા સમયને નિશ્ચિત સમય / પ્રાથમિક્તા અચુકપણે ફાળવો.

સર્જનાત્મક વ્યક્તિ જો પરિણિત સ્ત્રી પણ હોય, તો સંધર્ષ થોડો વધારે ઘેરો બની રહે છે. અને સમાજની અપેક્ષાઓને અનુરૂપ ન દેખાયા સિવાય પોતાની જાતને ન્યાય આપવાની લડત સતત ચાલુ જ રહેતી હોય છે. મોટા ભાગની પરિણિત સ્ત્રીઓ જવાબદારીના વધારે પડતા બોજ હેઠળ પોતાના સર્જન માટેના ઉત્પાદક સમયને કચડી નાખતી હોય છે. પોતાની પ્રતિભાઓને તે છેક છેવાડે જગ્યા ફાળવે છે. આ મુદ્દે મારો પણ સંઘર્ષ ચાલુ જ છે. જેમ કે ઘરની સફાઈ તો કાયમ સામે મોં ફાડીને ઊભી જ હોય. સ્ત્રીઓ માટે સફાઈ પહેલાં અને કળા પછી એવો નિયમ મોટા ભાગે જોવા મળતો હોય છે. સફાઈ ભાગ્યેજ બહુ તાકીદની પ્રાથમિકતા હોઈ શકે છે, પણ તેને પહેલો જ ન્યાય અપાતો હોય છે. બહેનો પણ પોતાનું સર્જન કામ હાથ પર લેતા પહેલાં સફાઈનાં બધાં કામ પતાવી દેવાની માનસિકતા ધરાવતી હોય છે. અકૃતઘ્ન મિત્રની જેમ આ રોજિંદી પ્રવૃતિ પણ આપણને નીચોવી નાખનારી નીવડતી હોય છે. અને દુઃખદ મજાની વાત એ છે કે સફાઈનો અંત તો ક્યારે પણ આવતો જ નથી. કદાચ આ જ કારણે આપણી માતાઓ કે ઘરકામની જવાબદારી નિભાવતી ઘરની અન્ય સ્ત્રીઓને ઘરની સફાઈનું વળગણ લાગેલું દેખાતું હતું.

કેટી પોન્ડરનાં ચિત્રાંકનો

સ્રોત સૌજન્ય: કેટી પોન્ડરનાં ચિત્રાંકનો

ક્યારેક જ્યારે સર્જન પ્રક્રિયા આપણને પીડાદાયક અનુભવાય, ત્યારે આપણે તેને મુલતવી કરી દેતાં હોઈએ છીએ. એ સમયે આવા વિચારોને દાદ ન દેવા માટે આપણું મન કંઈ કેટલાંય કારણો આગળ કરતું રહે છે. દુઃખદ બાબત એ છે કે જે પીડા તેણે પેદા કરી છે તેને મટાડવા માટેની તક આપણે આપણી કળાને નથી આપતાં. જોકે તાળાંબંધી અલગ જ બાબત છે. આ સમયગાળામાં આપણી અનેક ઝંખનાઓ પણ ઘરમાં પુરાઈ ગઈ છે. આપણામાંનાં કેટલાંય પોતાનાં કુટુંબીજનોથી કે પ્રેમીજનોથી દુર હશે. તે ઉપરાંત, કળા ખુબ એકલતાનો અહેસાસ કરાવે છે. તેની સાથે મનનો મેળ કેમ અને શા માટે થાય ?

“ઉષ્મા એક રહસ્ય છે. તે કોઈક રીતે મટાડે છે કે કોઈક રીતે તેનાં બીજ પણ રોપે છે. બહુ જકડીને પકડી રાખેલ વસ્તુઓને તે છૂટી કરી દે છે, તે પ્રવાહમાં વધારો કરે છે, ગૂઢ થવાના ઊમળકામાં, તાજા વિચારોનાં પહેલાં પહેલાં ઊડાનમાં તે વૃદ્ધિ કરે છે. ઉષ્મા જે હોય તે, આપણને તે હજુ વધારે અને વધારે નજદીક લાવતી રહે છે. ”

                                – વીમેન હુ રન વિથ વૉલ્વ્સક્લેરિસ્સા ઍસ્ટસ

આ કથન જેટલું સરળ છે એટલું જ માર્મિક છે. ક્લૅરિસ્સા એસ્ટ્સ તેમનાં પુસ્તક ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ’માં અનુભવ આધારિત કાલાતીત જ્ઞાન રજૂ કરે છે, જે સબળ મનોબળ ધરાવતી સ્ત્રીઓ માટે તો ઘણું વધારે પ્રસ્તુત છે. જે મિત્રો આપણને ઉષ્મા પુરી પાડે છે, સમર્થન આપે છે અને આપણી સર્જનશીલ ક્ષમતાનું ગૌરવ અનુભવે છે તેમની સાથે વાતો કરતાં રહેવું જોઈએ. તેઓ આપણી પ્રક્રિયાઓ સાથે ધીરજથી કામ લે છે અને સર્જનનાં આપણાં દર્દ / આનંદને સમજે છે તમારે આવાં કેટલાં મિત્રો હશે તે તો મને ખબર નથી, પણ દરેકને કમસે કમ એક કે બે એવાં મિત્રો હોવાં જોઇએ જે તમને ચાહે અને તમારી સર્જનશીલ જિંદગીને હુંફ આપે. તાળાંબંધી આપણને બહાર પગ મુકવાનો નિષેધ કરે કે તડકામાં ફરવા ન દે ત્યારે આ મિત્રો આપણા માટે એ તડકાની ગરજ સારી શકે છે.

તાળાંબંધી ચાલુ રહે કે ન રહે, પરંતુ કોવિડ-૧૯ પછીની દુનિયા જુદી જ હશે. ખેર, આપણને જે પ્રસન્નચિત્ત રાખે તેવું બધું આપણે પોષવું જોઈએ. અંતે, તારણ એટલું જ નીકળે છે કે આપણે કેટલી હદે ટકી શકશું તે આપણી અનુકૂલનક્ષમતા પર નિર્ભર છે. આપણી સર્જનશીલતા આપણું લાઈફ જૅકૅટ બની શકે છે. વાંચન, લેખન, રસોઈ કરવી મારાં પોષક પરિબળો છે. જોકે હું નિયમિતપણે કસરત નથી કરી શકતી કે દરરોજનાં હજાર પગલાં ચાલી નથી શકતી. હું મારી ખાંડસ્પૃહાને પણ નથી ખાળી શકતી. પણ હું મારી જાતને કહી લઉં છું કે એટલું તો ચાલશે. માનવજાતના સૌથી વધારે મહામારીના આ સમયમાં, થોડું જતું કરીએ.


The Other Angle પર પ્રકાશિત મૂળ લેખ,Surviving Lockdown as a Creative Person, નો અનુવાદ


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.