લ્યો, આ ચીંધી આંગળી : ‘આખરે હું પણ એ વાઈરસની ઝપટમાં આવી ગયો …… અને ઉગરી પણ ગયો.’

(કોરોનાના સંદર્ભમાં બેલ્જિયમના વિષાણુવિજ્ઞાની પીટર પીયટની આપવીતી)

(ડૉ. તુષાર શાહ ગુજરાતના એક નામાંકિત કાર્ડીઆક સર્જ્યન છે. જરા પણ અતિશયોક્તિ વગર કહી શકાય કે બીજી અનેક સિધ્ધિઓના તેઓ યશોભાગી હોવા ઉપરાંત ગુજરાતી ભાષાના એક ઉમદા નવલકથાકાર સ્વ. અશ્વિની ભટ્ટની આયુષ્યની અવધિ સારી એવી લંબાવી આપવામાં તેમનું અને તેમના તબીબી ક્ષેત્રના સાથીઓનું અવિસ્મરણીય યોગદાન છે. સાહિત્ય અને કલાના વ્યાસંગી એવા ડૉ. તુષાર શાહ પોતાના તબીબી ક્ષેત્રના દેશ-વિદેશના અનેક વૃત્તપત્રોના સતત વાચન અને અધ્યયન દરમિયાન જે કંઇ આત્મસાત કરે છે તે હંમેશા બીજા જિજ્ઞાસુઓની સાથે બાંટવાની તજવીજ કરતા રહે છે. એવી જ એક પેરવીરુપે આ એક કિંમતી સામગ્રી મને તેમણે મોકલી. મને એ ગમી જતાં કોરોનાના સતત ઓથાર સાથે વ્યતિત થતા આ દિવસોમાં બીજા અનેકો તે વાંચે-સમજે એ આશયથી મેં ભાઇ બીરેન કોઠારીને એનો અનુવાદ કરવા વિનંતી કરી અને એમના એ અનુવાદને મેં પૂરી ગુજરાતી લઢણ આપવા કોશીશ કરી છે. એ આખા લખાણનો માત્ર કોરોનાને સ્પર્શતો અંશ અહીં પ્રસ્તુત છે:

રજનીકુમાર પંડ્યા)

બેલ્જિયમમાં ઉછરેલા અને લંડન સ્કૂલ ઑફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડીસીનના નિદેશક પીટર પીયટ ૧૯૭૬માં ઈબોલા વાયરસના શોધકોમાંના અને તેને નાથવા ઝઝુમતા વિષાણુવિજ્ઞાનીઓમાંના એક છે. પોતાની આજ સુધીની પૂરી કારકિર્દી તેમણે ચેપી રોગો સામે ઝઝૂમવામાં વીતાવી છે. ૧૯૯૫ અને ૨૦૦૮ દરમિયાન એચ.આઈ.વી./એઈડ્સ પરના સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત કાર્યક્રમનું વડપણ તેમણે જ કરેલું. હાલ તેઓ યુરોપિયન કમિશનનાં પ્રમુખ ઉર્સૂલા વૉન ડેર લેયનના કોરોના વાયરસના સલાહકાર છે. એ જટીલ અને એનો અભ્યાસ કરનારા માટે પણ જીવજોખમી એવા એ વિજ્ઞાનના આટલા જ્ઞાન,અનુભવ અને એમાં હાંસલ કરેલી સિધ્ધિઓ છતાં જ્યારે તેમને પોતાને કોરોના વાયરસ લાગુ પડી ગયો ત્યારે તેમણે કોઇ આઘાત કે આંચકો અનુભવવાને બદલે કેવળ એક ડોક્ટર કે વિજ્ઞાની તરીકે જ નહિં, પણ એક જાગ્રત દર્દી તરીકે સતર્ક થઇને તેની સામે જબ્બર લડત આપી અને અંતે એને નાથવામાં ફત્તેહ મેળવી. પણ એ દરમિયાન તેમને એ લડતના અનુષંગે ઇંગ્લેંડની તબીબી વ્યવસ્થા, શાસન અને સમાજવ્યવસ્થાના પણ કેટલાક બાહ્ય અનુભવો પણ થયા.અને એ અનુભવોએ તેમની જીવનના મેદાનને જોવાની નવી દૃષ્ટિ બક્ષી. આમ તેમના માટે પોતે કરેલો વ્યક્તિગત પણ બહુમુખી મુકાબલો એક જીવનપરિવર્તક અનુભવ બની રહ્યો.

આ સંદર્ભે સુવિખ્યાત બેલ્જિયન વિજ્ઞાન સામયિકનેક’ના એક પત્રકાર-લેખક ડર્ક ડ્રોલાન્‍સ દ્વારા પીટર પીયટની મુલાકાત તાજેતરમાં લેવામાં આવી હતી, જે દોઢ કલાક જેટલો ખાસ્સો લાંબો સમય ચાલી હતી. આ વર્ષ ૨૦૨૦ના માર્ચની મધ્યમાં તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછીની પ્રસિદ્ધ થયેલી આ તેમની પહેલવહેલી મુલાકાત છે. એ દીર્ઘ વિડીયો મુલાકાત દરમિયાન,એ વિષાણુવિજ્ઞાની પીટર પીયટ થાકેલા જણાતા હતા.પણ હારેલા નહિં. વિડીયો મુલાકાત દરમિયાન તેઓ શરૂઆતમાં આ રોગે બીજા કોઇ દર્દીની ઉપર નહિં, પણ તેમના ખુદ પર કરેલી અસર વિશે સહેજ ભાવુક થઇને ખચકાતાં ખચકાતાં વાત કરતા હતા. એમના શબ્દોમાં એક એવી ફિકર વરતાતી હતી કે જનસમાજ પર પડેલી કોરોના વાયરસની અસરને હજુ આપણે બહુ ગણકારતા નથી. એને હળવાશથી જોઇએ છીએ. પરિણામે એનો પ્રકોપ ફાટી નીકળવાની શક્યતાઓ બહુ વધી જાય છે..

(પીટર પીયટ)

આ વર્ષ ૨૦૨૦ના માર્ચની મધ્યમાં કોરોનાથી ચેપગ્રસ્ત થયા પછી પીટર પિયટ સાહેબે એક સપ્તાહ તો પોતાને ઘેર જ આઈસોલેશનમાં ગાળ્યું. તે પછી એક સામાન્ય દર્દીની જેમ હોસ્પીટલમાં ભરતી થઇ ગયા. જરૂરી હોય એટલા દિવસ ત્યાં ગાળીને પછી લંડનના પોતાના નિવાસસ્થાને તેઓ ફરી તથાવત થવાનો પ્રયત્ન કરી રહ્યા. પણ ત્યારે એમણે જોયું કે દાદર ચડતી વખતે હવે એમનાથી હાંફી જવાય છે. આવું અગાઉ કદી થતું નહોતું. મતલબ કે આ વખતના આ ચિહ્નો નવાં હતાં,એમને તરત સમજાઇ ગયું કે કોરોના વાયરસ તેમના દેહમાં પ્રવેશ કરી ચુક્યો છે. અને એ હવે એનો પંજો ફેલાવ્યા વગર રહેવાનો નથી. આ કારમી સભાનતા પ્રગટી તો ખરી, પણ એ સભાનતા ન તો તેમને કોઇ આઘાત આપી શકી કે ને તો એમને બેબાકળા બનાવી શકી. અત્યારના સાર્વત્રિક ગભરાટના સંજોગોમાં આવી માનસિક્તા જાળવવી એ જેવી તેવી વાત નથી. એ માટે તો વૈજ્ઞાનિક અભિગમ અને મજબૂત મનોબળ જોઇએ.

તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછીની પ્રસિદ્ધ થયેલી આ તેમની પહેલવહેલી મુલાકાત બીજી મેના રોજ લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે આપેલા જવાબ તેમના પોતાના જ શબ્દોમાં:

“૧૯ માર્ચના દિવસે અચાનક મને સખત તાવ અને માથાનો તીવ્ર દુખાવો થઈ આવ્યો. માથામાં અને વાળના મૂળ(તાળવા)માં ખૂબ દર્દ થતું હતું, જે વિચિત્ર હતું. સામાન્ય રીતે મને કંઈ એવી ખાંસી થતી નથી, એટલે પહેલાં મને થયું કે આ તો સામાન્ય ખાંસી છે.આવી રીતે હળવાશથી વિચારવાના કારણે મને એ વાતની માનસિક અસર ખાસ ન પડી. કારણ કે હું તો બહુ કામગરો માણસ છું એટલે જે કામ હું કરતો હતો એ મેં ચાલુ રાખ્યું. હું ઘેર રહીને જ કામ કરી શકું એમ છું. આમેય મારે કોઇ ખાસ મુસાફરીનો પ્રસંગ પડતો નથી, એટલે ઘરની બહાર પગ દેવાનો કોઇ સવાલ જ ઉભો થતો નહોતો.

પણ તેમ છતાંય મને થયું કે મારે એક વાર ટેસ્ટ તો કરાવી જ લેવો જોઇએ. મેં એક ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો ત્યારે મારી આશંકા સાચી પડતી જણાઇ. મારો કોવિડ-19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો ! આની મને ખબર પડી કે તરત મેં જરાય વિલંબ કર્યા વગર મારા ઘરના ગેસ્ટરૂમમાં મારી જાતને આઈસોલેશનમાં રાખી દીધી. ઠીક ઠીક સમય એ રીતે રહ્યો અને છતાં પણ મને તાવ ઉતર્યો નહીં. હું ૭૧નો છું. આ ઉમરે પણ સ્વસ્થ જીવન જીવનારો છું અને નિયમીતપણે ચાલવા પણ જાઉં છું. આટલા વર્ષોમાં હું કદી ગંભીર રીતે બિમાર પડ્યો જ નથી. આ બધા છતાં મારા ચિત્તમાં મારા સંદર્ભે આ કોરોનાના રૂપમાં પહેલી વાર એક જોખમી પરિબળ ઉભું થયું. જો કે, હું આશાવાદી છું. એથી મેં વિચાર્યું કે મને ચેપ મને કોઇ અસર નહીં કરે. મારી આ માન્યતા છતાં પણ પહેલી એપ્રિલે મારા એક ડૉક્ટર મિત્રે મને સંપૂર્ણ ચેક-અપ કરાવી લેવાની સલાહ આપી,કેમ કે, તાવ ઉતરવાનું નામ લેતો નહોતો અને ખાસ કરીને થાક સતત વધતો જતો હતો.

ચેક અપ કરાવવાથી એ હકિકત નજર સામે આવી કે મને ઑક્સિજનની તીવ્ર અછત અનુભવાય છે,પણ સાથોસાથ એ પણ એક હકીકત નોંધપાત્ર હતી કે હજુ મને બેઠા બેઠા શ્વાસચડવાની કોઇ ફરીયાદ નહોતી.પરંતુ ફેફસાંની ઈમેજમાં દેખાઇ આવ્યું કે મને તીવ્ર બૅક્ટેરિયલ ન્યુમોનિયા છે, કે જે કોવિડ-19ની ખાસિયત છે. સામાન્ય રીતે હું હંમેશાં ઉર્જાથી ભરપૂર હોઉં છું, પણ હવે મને સતત થાક અનુભવાવા માંડ્યો. મેં એ પણ જોયું કે એ કેવળ સાધારણ થાક નહોતો. એ તો હું સાવ લોથ થઇ જાઉં તેવો અસામાન્ય થાક હતો.

ખેર,આ દરમિયાન વાયરસનો મારો ટેસ્ટ નેગેટીવ આવ્યો. આનો અર્થ સામાન્ય દર્દી તો એમ જ કરે કે પોતે હવે કોરાના-મુક્ત છે. પણ વાસ્તવમાં હું જાણતો હતો કે આ પણ કોવિડ-19ની એક છેતરામણી ખાસિયત છે.મતલબ કે વાયરસ અદૃશ્ય થઈ જાય,પણ તેની અસર કેટલાય સપ્તાહ સુધી રહે. આ હું જાણતો હોવાથી મારે હોસ્પિટલમાં દાખલ તો થવું જ પડ્યું.

(ઈબોલા કટોકટી વખતે આફ્રિકામાં પીટર પીયટ)

મને એ અંદેશો હતો કે મને ત્યાં દાખલ થતાં વેંત ક્યાંક વેન્ટીલેટર પર ન મૂકી દેવામાં આવે ! મારી આ ફિકર કાંઇ છેક પાયા વગરની નહોતી, કારણ કે મેં વાંચ્યું હતું કે વેન્ટીલેટર પર મુકાનારા દર્દીઓમાં મૃત્યુની ટકાવારી ખાસ્સી વધુ હોયછે. એટલે મારી બાબત એવી શક્યતાનો વિચાર આવતાં જ હું ખૂબ ગભરાઇ ગયો.પણ જો કે, સદ્‍ભાગ્યે મને બીક હતી એવું કંઇ થયું નહિં. કારણ કે મને જેની બીક હતી તે વેન્ટીલેટરને બદલે પહેલાં ઓક્સિજન માસ્ક આપવામાં આવ્યો અને એ ઇલાજ ખરેખર કારગર પણ નીવડ્યો. ઓક્સિજન માસ્ક સાથે મારે ઈન્ટેન્સીવ કૅર વિભાગના પ્રવેશખંડ (એન્ટીચેમ્બર)માં રહેવાનું થયું. થાકેલો હતો એટલે પછી મેં નસીબને ભરોસે જ જાતને મુકી દીધી.હવે મારે સંપૂર્ણપણે નર્સિંગ સ્ટાફને હવાલે જ રહેવાનું થયું. પણ તોય મને આશા હતી કે મારી હાલત ધીરે ધીરે સુધરતી જશે એટલે એ આશાના બળે મેં હૉસ્પિટલમાં સિરીન્જથી માંડીને‍ ઈન્ફ્યુઝનના ક્રમને સ્વીકારી લીધો. મારે ઘેર તો હું મારી કાર્યપદ્ધતિ મુજબ સતત મારા કામમાં પરોવાયેલો રહેનારો સ્વસ્થ માણસ ખરો, પણ અહીં તો હું સોએ સોટકા આજ્ઞાંકિત દરદી બની રહ્યો.

મેં જોયું છે કે ઈન્ગ્લેન્‍ડની જાહેર સ્વાસ્થ્ય સેવા (Public Health Services)માં દર્દીઓના દરજ્જાના સંદર્ભે કશો ભેદભાવ આચરવામાં આવતો નથી. મારી પાસે જો કે હોસ્પિટલાઈઝેશનનો વિશેષ હેલ્થ વીમો હતો, પણ મુશ્કેલી એ હતી કે ઈન્‍ગ્લેન્‍ડનાં મોંઘાં ખાનગી દવાખાનાં પણ કોવિડના દરદીઓની સારવાર કરવાનું ટાળે છે. જરા પણ ખચકાયા વગર, અરે, એક પણ પળના વિલંબ વગર તે લોકો દરદીને સીધા જ સરકારી દવાખાને જ ધકેલી દે છે. તમામ સારસંભાળ અને દવાઓનો- જે કંઈ હોય એ બધાનો ખર્ચ તે સરકારી હોસ્પીટલ જ ભોગવે છે. હું પણ એ રીતે જ સરકારી દવાખાને દાખલ થઇ ગયો. મેં જોયું તો મારા રૂમમાં મારા ઉપરાંત બીજા ત્રણ જણ હતા. એમાં એક નિરાશ્રીત, એક કોલમ્બીયન સફાઈકર્મી અને એક બાંગ્લાદેશી. આ ત્રણે ત્રણ ડાયાબિટીસના દર્દી હતા. યોગાનુયોગે ડાયાબીટીસનાં લક્ષણો પણ આ રોગને મોકળું મેદાન આપે તેવાં હોય છે.

દાખલ થયા પછી મારા દિવસ અને રાત સાવ એકાકી અવસ્થામાં વીતવા માંડ્યા, કોઇની સાથે પરસ્પર સામાન્ય વાત પણ થતી નહિં. કારણ કે કોઈનામાં બોલવાની હામ નહોતી. ઘણા અઠવાડિયા લગી હું પણ સાવ ધીમા અવાજે જ વાત કરી શકતો અને મારા મનમાં સતત એ સવાલ ઘોળાયા કરતો કે આમાંથી મારો છૂટકારો ક્યારે ?

વિશ્વભરમાં 40 કરતાંય વધુ વરસો સુધી વાયરસ સામે લડ્યા પછી ચેપ(Infection syndrome)નો હું નિષ્ણાત બની ગયો છું.એટલે મારી એ જાણકારીથી હું મનોમન રાજીરાજી રહેતો હતો કે મને કોરોના છે, ઈબોલા નહીં. જો કે, ગઈ કાલે જ મેં એક વૈજ્ઞાનિક અભ્યાસ લેખ વાંચ્યો, જેમાં લખેલું કે કોવિડ-19 સાથે બ્રિટીશ હોસ્પિટલમાં દાખલ થનારાઓમાં મૃત્યુનો દર 30 ટકા છે. પશ્ચિમ આફ્રિકામાં, 2014માં ઈબોલા માટેનો મૃત્યુદર લગભગ આટલો જ હતો. આવા આંકડાઓ દિમાગમાં સંઘરાવાને કારણે આપણે ભૂલાવામાં પડી જઇએ છીએ અને એવી મનોદશામાં ઘણીયે વાર આપણો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિસારે પાડીને બહુ પોચટ પોચટ, રોતલ જેવી પ્રતિક્રિયાઓ આપવા માંડીએ છીએ. મને પણ એવું જ થયેલું. મને એમ જ લાગવા માંડ્યું કે વાયરસ સામે લડતાં મેં આખું જીવન ગાળ્યું અને આખરે વાયરસે એનું વેર વાળ્યે જ પાર કર્યો! બસ, પૂરા એક સપ્તાહ સુધી હું એ વિચારે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે ઝોલાં ખાતો રહ્યો કે મારો અંજામ શો હશે! જીવન કે મૃત્યુ ?

સતત કંટાળાને કારણે કેમેય ન ખૂટતા લાગતા અઠવાડીયા પછી મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. મને હાશકારો થયો. મારે ઘેર જ જતા રહેવાનું હોય પણ હું તો બહાર નીકળીને સીધો ઘરભેગો થવાને બદલે શહેરને જોવા માગતો હતો,એટલે મેં ખાનગી કારને બદલે જાહેર પરિવહન દ્વારા ઘર સુધીની સફર કરવાનું પસંદ કર્યું. ત્યારે રસ્તામાં મેં જોયું કે સમગ્ર શહેરની શેરીઓમાં સુનકાર ગાજતો હતો કે જેમાં માણસ તો શું પણ ચકલુંય ફરકતું દેખાતું નહોતું! તાળાં દેવાઇ ગયેલાં પબ અને આશ્ચર્ય પમાડે એવી તાજી હવા ! બહુ વિચિત્ર અનુભવ હતો એ. ખેર,ઘેર પહોંચીને મેં જોયું કે અગાઉની જેમ હું સરખું ચાલી પણ શકતો નહોતો, કેમ કે, સતત સૂતા રહેવાને કારણે અને લાંબા સમય સુધી કશું હલનચલન ન થવાને કારણે મારા સ્નાયુઓ નબળા પડી ગયા હતા. હું એક વૈજ્ઞાનિક તરીકે સમજું છું કે ફેફસાંની સારવાર ચાલી રહી હોય ત્યારે આવી નબળા સ્નાયુવાળી સ્થિતિ સારી ન ગણાય. ઘરમાં પણ હું સાવ રડમસ રહ્યો. હું તો ઘરમાં આવીને તરત જ સૂઈ ગયો. હજી કશું આથી પણ વધુ ગંભીર બની શકે છે એ વિચાર મનને સતાવ્યા કરતો હતો. આ રીતે ફરી વાર હું કેદમાં આવી પડ્યો હોઉં એવું અનુભવતો હતો. જો કે, પછી મારામાં એવી સભાનતા પ્રગટી કે આવી સ્થિતિને પણ મારે પોઝીટીવ નજરે જ લેવી જોઈએ.

આ રોગચાળાને કાબૂમાં લેવા મથતા વિજ્ઞાનીઓ અને સાવ જોયા-જાણ્યા વગર એમની પર ટીકા વરસાવનારાઓ પર હું એટલા માટે જ બરાબર અકળાયો હતો. મને સમજાતું હતું કે કોઇ કામ કરતું હોય ત્યારે એના કામ પર ટીકા-ટિપ્પણ વરસાવ્યા કરવા વાજબી ન ગણાય.

આ ડરના માનસિક માહૌલ વચ્ચે પણ મને એટલી હૈયાધારણ હતી મને ઈબોલા નહીં, પણ કોરોના હતો. ઈબોલા તો જીવલેણ વાયરસ છે.

ચાઈનીઝ સેન્‍‍ટર ફોર ડિસીઝ કન્‍ટ્રોલના વડા મારા સારા મિત્ર છે. એ હિસાબે, છેક શરૂઆતથી, જાન્યુઆરીથી કોરોના કટોકટીની ગતિવિધિઓ પર હું નજર રાખી શક્યો છું. શરૂઆતમાં તો અમને લાગ્યું કે આ સાર્સ (SARS- સિવીયર એક્યુટ રેસ્પિરેટરી સિસ્ટમ) વાયરસની નવી આવૃત્તિ છે. ચીનમાં તે ૨૦૦૩માં દેખાયો હતો પણ તેની અસર મર્યાદિત હતી. પણ હવે એની ભયંકરતાનો અંદાજ આવતાવેંત જાન્યુઆરીના અંતમાં સ્વીત્ઝર્લેન્‍ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે વૈશ્વિક મહામારી (પેન્‍ડેમિક)ની ચર્ચા માટેની અગાઉથી યોજાયેલી વધારાની બેઠકોને રદ કરી નાખવામાં આવી. રદ કરવાનું એ પણ ખરુ કે કોઈને તે યોજવાની અવશ્યકતા જ લાગી નહિં. કારણ કે એ વખતે અમે જાણતા નહોતા કે આ કોરોના વાયરસ વૈશ્વિક રીતે પ્રસરે તો મોટી બિહામણી સમસ્યા સર્જાઇ શકે. અને પછી જ્યારે એવી સભાનતા જાગી ત્યારે તો ખરેખર એ વિશ્વભરમાં ફેલાઇ ચુક્યો હતો. જો કે, તે(SARS- સિવીયર એક્યુટ રેસ્પિરેટરી સિસ્ટમ)નહોતો. SARS તો માત્ર ફેફસાંમાં જ ઉંડે સુધી જાય છે, જ્યારે કોરોના વાયરસની તો વાત જ જુદી છે. એ વાયરસ શ્વસનમાર્ગના ઉપલા ભાગમાં પગપેસારો કરીને પછી આખા દેહમાં આસાનીથી પ્રસરી જાય છે.

એની સામેની-પ્રતિરોધક-રસી વિકસાવવા માટે કમિશન એકદમ પ્રતિબદ્ધ છે. એ સ્પષ્ટ જ છે કે કોરોના વાયરસની રસી વિના આપણે ફરી કદી સામાન્ય જીવન જીવી શકવાના નથી. એટલે રસી વિકસાવીને વિશ્વવ્યાપી બનાવવી એ જ આ દુનિયાને કટોકટીમાંથી બહાર કાઢવા માટેની એક માત્ર ઠોસ વ્યૂહરચના છે. પરંતુ સાથોસાથ એ પણ યાદ રાખવું જોઇએ કે અનેક પ્રયત્નો છતાં હજુ તો કોવિડ-19ની રસી વિકસાવી શકાય એમ છે કે કેમ તે પણ ચોક્કસપણે કહી શકાતું નથી.પણ ધારી લો કે કદાચ આગળ ઉપર રસી વિકસાવી શકાય, તો પણ કેવળ એટલા માત્રથી જ સંતોષનો ઓડકાર ખાવાનો નથી.. એ માટે તો કરોડોની સંખ્યામાં એ રસીના ડોઝ અને એમ્પ્યુલ્સ તૈયાર કરવાં જોઇશે અને એના આવા જંગી ઉત્પાદનનું આયોજન કરવું એ જ આપણી સામેનો મોટો પડકાર છે.

હું તો નજર સામે જોઇ રહ્યો છું કે કોવિડ-19ની આરંભિક સારવાર શોધાશે ત્યાં સુધીમાં તો કોરોના રોગ ચોતરફ પ્રસરી ગયો હશે. તેથી એ શોધેલી સારવાર પણ દુનિયાને ખાસ મદદરૂપ બની નહીં શકે. એવા સંજોગોમાં આ વાયરસને કાબૂમાં લેવાનું કેટલું મુશ્કેલ બની રહેશે એનો અંદાજ આપણને અત્યારે નથી આવતો. પણ સાવચેતી ખાતર આપણે અત્યારથી અનેક ગણતરીઓને નજરમાં રાખવી જોઇશે.

બીજી વાત: વાયરસને નિયંત્રણમાં રાખવા માટે લોકો આજકાલ જે તે વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવી એ એ જાણવાની બહુ ચીવટ રાખે છે. ચેપગ્રસ્ત લોકો ચેપ લાગતાં પહેલાંના સપ્તાહે કોને કોને મળ્યા હતા એની ઝીણવટથી તપાસ કરવામાં આવે છે. મને પોતાને તો કોઈ પારકા દેશમાં નહિં, પણ ઈન્‍ગ્લેન્‍ડમાં હતો ત્યારે જ કોરોનાનો ચેપ ચોંટેલો. પણ એ સમયગાળા અગાઉ હું ઓછામાં ઓછા દોઢસો લોકોના સંપર્કમાં આવ્યો હોઈશ. એટલે જો એ સંદર્ભે તપાસ કરવાનું નક્કી કરવામાં આવે તો મારા સંસર્ગમા એ વખતે આવી ચુકેલા તમામ લોકોની તપાસ કરવી પડે! ખણખોદનું આ કામ સહેલું નથી. કારણ કે એ કેવી રીતે ખબર પડે કે હું જેને જેને મળ્યો હતો તે તે વ્યક્તિ ચેપગ્રસ્ત હતી કે નહિં ! અરે,મને ખુદને પણ જાણ નથી કે હું આટલો બિમાર તો છું પણ હું પોતે વાયરસનો કેટલી હદે પ્રતિકાર કરી શકું એમ છું. આ જાણવું સહેલું નથી કારણ કે શરીરમાં કોરોનાની સામે પ્રતિરોધ ( Immunity) કરવાની શક્તિ શી રીતે પેદા કરી શકાય તે અંગેની પ્રાથમિક જાણકારી પણ અત્યારે તો આપણે ધરાવતા નથી.

(કોરોના વાયરસ [સાંકેતિક])

‘આગામી વૈશ્વિક મહામારી માટે આપણે સજ્જ છીએ?’ આ સવાલનો જવાબ હું મારા વક્તવ્યોમાં 2014થી આપતો આવ્યો છું. કારણ કે આપણને ખાતરી હતી કે કોઇ મહામારી આવશે જ અને મોટે ભાગે એ શ્વસનને લગતા વાયરસને લીધે હશે. એ આફત આવશે એમાં બેમત નથી પણ હાલ આપણા માથા ઉપર ઝળૂંબતી આફત ખરેખર ક્યારે ત્રાટકશે એનો જવાબ નથી. એ એક અકળ કોયડો છે. એટલે આપણે એવી આગાહીઓમાં અટવાયા વગર વિશ્વને એવી મહામારી (પેન્‍ડેમિક) સામે લડવા માટે સજ્જ કરવા મચી પડવું જરુરી છે..

તાજેતરની કોરોનાની નવી વૈશ્વિક મહામારી ટાણે કોની પાસેથી શી અપેક્ષા રાખવી એનું ચિત્ર આપણી આગળ સ્પષ્ટ નથી. હવે તો ખરેખરી ભયજનક સ્થિતિ પેદા થઇ છે, કારણ કે, કોરોના વાયરસથી થયેલા લોકોના મૃત્યુદર સાથે હવે ૯૦ ટકા લોકોનો જીવ લઈ લેતા મારબર્ગ વાયરસના મૃત્યુદરનો સરવાળો કરવામાં આવે છે. વાયરસના અસ્તિત્વ માટે આ સ્થિતિ વધુ અનુકુળ બનતી જાય છે. આને કારણે દર્દીઓનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધ્યું છે. આપણે સામાજિક અંતર જાળવ્યા વગર સાવ એકબીજાથી સાવ પાસે પાસે યા સાવ અડીને રહીએ છીએ અને પ્રવાસો પણ વધુ પડતા કરીએ છીએ-પ્રાણીઓમાંથી મનુષ્યદેહમાં થતા વાયરસના સંક્રમણને માટે આ તમામ પરિબળો પોષક છે. આ સંજોગોમાં હવે આજના ચેપી વાયરસનો ફેલાવો કેવળ ચીન પૂરતો સિમિત રહેશે એમ માનવું ભૂલ ભરેલું છે..

આજે એ પણ એક વક્રતા છે કે રસીને કારણે અમુક રોગમાંથી બચી ગયેલા લોકો પણ પોતાનાં બાળકોનું રસીકરણ ઈચ્છતા નથી. કોરોના વાયરસ સામેની રસીને આપણે વ્યાપક બનાવવા માગતા હોઇએ તો આ નકારાત્મકતા પણ એક જબરી સમસ્યા બની જશે,કેમ કે, ઘણા બધા લોકોએ રસી લેવાનો કે પોતાનાં સ્વજનોને આપવા-અપાવવાનો ઈન્કાર કરશે. એવું થશે તો સમગ્ર વિશ્વને ભરડો લઇ રહેલી આ મહામારીને આપણે કદી કાબૂમાં લાવી શકીશું નહીં.

એ બાબતે કોઈ શંકા નથી કે કોરોના વાયરસથી પેદા થયેલો આર્થિક ફટકો 2008માં ઉભી થયેલી આર્થિક કટોકટી કરતાં ઘણો આકરો હશે. યુરોપિયન કમિશન આ કટોકટીને વર્તમાન સમયની સૌથી મોટી કટોકટી ગણે છે.

કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે આધુનિક પગલાંને બદલે હાલ લેવાઇ રહેલાં મધ્યયુગીન પ્રકારના એવાં ક્વોરન્‍ટાઈનનાં પગલાંની સામે પડછે એની સામે લોકોની એ તરફ વધતી જતી ઉદાસિનતા પણ એક જબરો વિરોધાભાસ ઉભો કરે છે. ખાસ તો જ્યારે આપણને એવો અણસાર આવી જાય કે દરદી પ્રતિ ક્ષણ મૃત્યુ ભણી ધસી રહ્યો છે ત્યારે આ બધું એમને એમ ચાલુ રાખવા દેવું હિતાવહ નથી. અધુરામાં પુરું આ મધ્યયુગીન પગલાંમાં પણ મૂકાતી હળવી છૂટછાટો પણ આ રોગના કેસની સંખ્યામાં નવેસરથી વૃદ્ધિ કરશે.

હું તો એવી ઉમેદ પણ રાખું કે આ કોરોના-કટોકટી ઘણા વિસ્તારોમાં રાજકીય ગરમાગરમી જ હાલ ચાલી રહી છે તેને ઘટાડવામાં નિમિત્ત બને.આવું ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે કે પોલિયો રસીકરણની ઝુંબેશ એની આડપેદાશ તરીકે સુમેળ અને શાંતિ તરફ દોરી ગઈ છે. એ જ ધોરણે હું આશા રાખું છું કે કોવિડ-19 સામેની લડતમાં ઉત્તમ ભૂમિકા નિભાવતા વિશ્વ આરોગ્ય સંગઠન[WHO]માં જરૂરી સુધારા કરીને તેને બાબુશાહી(Buerocracy) અને સલાહકાર સમિતિઓ પર ઓછું નિર્ભર બનાવવામાં આવે. એ એક એવું સંગઠન બની રહે કે જેના માધ્યમથી જે તે દેશ પોતાનાં હિતનું રક્ષણ કરી શકે.

વાયરસમાં મને હંમેશાં ખૂબ રસ રહ્યો છે, જે હજી આટલા અનુભવ પછીય જરા પણ ઘટ્યો નથી. એઈડ્સના વાયરસ સામે લડતાં મેં મારું ઘણું જીવન વ્યતિત કર્યું છે. મારાં નિરીક્ષણ મુજબ તે એટલો ચંચળ હોય છે કે તેને રોકવાની આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ તે છટકી જ જાય છે. આ બોલતાં બોલતાં જ્યારે હવે મારા શરીરમાં(કોવિડ-19) વાયરસની અકાટ્ય હાજરી હું અનુભવી રહ્યો છું ત્યારે હું એને જરા નવી નજરે જોઇ રહ્યો છું. વાયરસ સાથે થયેલા મારા અગાઉના મુકાબલાના અનુભવો છતાં મને લાગે છે કે નક્કી આ વાયરસ મારા જીવનને ધરમૂળથી પલટી નાખવાનો છે. અને એ રીતે વિચારતાં હવેમ ને મારા જાન ઉપર વધુ જોખમ હોવાનું લાગે છે..

ખેર, હૉસ્પીટલમાંથી મને રજા આપ્યાના એક સપ્તાહ પછી મને શ્વાસની તકલીફ સતત વધવા લાગી. ત્યારે મારે ફરી હોસ્પિટલે જવું પડ્યું, પણ આ વખતે સદ્‍ભાગ્યે મારી સારવાર એક આઉટપેશન્ટ (OPD Patient)તરીકે કરી શકાઈ. તપાસમાં મને ન્યુમોનિયા પ્રેરિત ફેફસાંનો રોગ હોવાનું માલૂમ પડ્યું, જે કહેવાતા સાયટોકાઈન સ્ટોર્મને કારણે હતો. મારી રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી સક્રિય હોવાનું એ પરિણામ હતું. વાયરસ દ્વારા થયેલા પેશીઓના નુકસાનથી નહીં,પણ તેમની રોગપ્રતિકારક શક્તિની વધુ પડતી પ્રતિક્રિયાઓને કારણે ઘણા એવા લોકો મૃત્યુને ભેટે છે,કે જેમને ખબર નથી કે વાયરસ સાથે શી રીતે કામ પાડવું?

ખેર, ફરી મૂળ વાત પર આવું તો કોરોના માટેની મારી સારવાર હજુ ચાલુ છે. કોર્ટિકો સ્ટેરોઈડના ભારે ડોઝ મને આપવામાં આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિને મંદ પાડે છે. નવાઇ લાગે તેવી વાત છે કે આ પ્રતિકારક શક્તિ વધુ તીવ્ર બનાવવાને બદલે મંદ પાડવી પણ જરૂરી છે.! કારણ કે એવું જોવા મળ્યું છે કે ઘણા દર્દીઓ વાયરસને કારણે શરીરની પેશીઓને થતા નૂકશાનને કારણે નહીં,પરંતુ આ વાયરસ સામેની પોતાની રોગપ્રતિકારકતાની વધુ પડતી (Excessive) પ્રતિક્રિયાને કારણે મરણને શરણ થાય છે.(બહાદૂર લડવૈયો પણ જો વધુ પડતો ઝનૂને ચડી જાય તો પોતાના જ માણસોના ઢીમ ઢાળી દે એના જેવી આ વાત છે.) આમ થવાનું કારણ એ છે કે આપણા રોગપ્રતિકારક તંત્ર માટે આ નવતર વાયરસનો મુકાબલો એ નવા મોરચાની નવી લડાઇ છે. મારા કિસ્સાની વાત કરું તો મેં કહ્યું તેમ હજુ એ માટેની મારી સારવાર ચાલુ જ છે, પણ ઉપરની થિયરી જોતાં મને લાગે છે કે પણ મારા શરીરમાં આ વાયરસની સામે જો મારી ભીતરનું રોગપ્રતિકારક તંત્ર પણ વધુ પડતું સક્રિય બની રહ્યું હોત તો કદાચ હું બચી શક્યો ન હોત ! વધુ પડતો પ્રતિકાર મને જીવવા દેત નહિં. રોગમાં મને એટ્રીયલ ફાઈબ્રીલેશન હતું. એક વાત આમાં ઉમેરવી જરૂરી લાગે છે કે આ સારવાર દરમીયાન મારા હૃદયની ધડકન 170 પ્રતિ મિનીટ સુધી પહોંચી ગઇ હતી.લોહીને ગંઠાઈ જતું રોકવા માટે કે પક્ષાઘાતના સંભવિત હુમલાને ખાળવા માટે આ ગતિ અનિવાર્ય છે.

વાયરસની તાકાતને હજુ આપણે ઓછી આંકીએ છીએ : વાયરસ આપણા શરીરનાં તમામ અંગોને અસર પહોંચાડી દે છે. ઘણા લોકો માને છે કે કોવિડ-19 માત્ર એક ટકો દરદીઓનો જ જીવ લઇ લે છે.અને બાકીના નવ્વાણું ટકાને તો માત્ર ફ્લુ જેવાં લક્ષણો જ રહે છે. પણ ના,આ વાત ધારીએ તેટલી સહેલી નથી. આ રોગ પછી ઘણા લોકોમાં કીડની અને હૃદયની સતત(ક્રોનિક) સમસ્યાઓ પેદા થશે. તેમનું ચેતાતંત્ર પણ છિન્નભિન્ન થઇ ગયું હશે.

દુનિયાભરમાં હજારો કે કદાચ એથી વધુ લોકો એવા હશે કે જેમણે બાકીની જિંદગી ડાયાલિસીસ કરાવવું પડશે. આમ, કોરોના વાયરસ વિષે જેમ જેમ વધુ જાણતા જઈએ છીએ, એમ એમ વધુ સવાલો ઉભા થાય છે અને એના જવાબો શોધતાં શોધતાં જ આપણું એ અંગેનું જ્ઞાન વૃધ્ધિ પામતું જાય છે.

આજે હવે કોરોનાનો ચેપ લાગ્યાના સાત સપ્તાહ પછી, પહેલી વાર મને કંઇક સારું લાગે છે. હમણાં જ મારા ઘરની પાસેના ખૂણે આવેલા ટર્કીશ દુકાનદાર પાસેથી સફેદ એસ્પારેગસ(શતાવરી) મંગાવીને મેં ખાધી. મારા માટે એ પરિચિત વનસ્પતિ છે. કારણ કે હું બેલ્જિયમના કીરબર્ગનનો છું અને અમે એસ્પારેગસ ઘેર જ ઉગાડતા હોઈએ છીએ. મારાં ફેફસાંની ઈમેજ પણ આખરે બહેતર દેખાય છે. જો કે, થોડા સમય માટે મારે મારી ગતિવિધિઓ પર મર્યાદા રાખવી પડશે, પણ તેમ છતાં હું પાછો કામે ચડી જવા માગું છું. મેં ફરી હાથમાં લીધેલું પહેલવહેલું કામ છે વૉન ડેર લેયનના કોવિડ-19ના આર એન્‍ડ ડી વિશેષ સલાહકાર તરીકેનું.”


(મુલાકાત લેનાર: ડર્ક ડ્રૉલાન્‍સ, ડચમાંથી અંગ્રેજી અનુવાદ: માર્ટિન એન્સરીન્ક)


(અંગ્રેજી પરથી ગુજરાતીમાં અનુવાદ: બીરેન કોઠારી | સંમાર્જન: રજનીકુમાર પંડ્યા )


લેખકસંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

6 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : ‘આખરે હું પણ એ વાઈરસની ઝપટમાં આવી ગયો …… અને ઉગરી પણ ગયો.’

  1. અત્યંત મનનીય લેખ છે. તલસ્પર્શી માહિતી એક્સપર્ટ દ્વારા રજૂ કરવામાં આવી છે. કોવીડ 90 ના તમામ પાસાઓ સામાન્ય જ્ઞાન ધરાવતાં વ્યક્તિને પણ સમજાય તે રીતે સમજાવવામાં આવ્યાં છે. ડૉ. તુષારભાઈ અને શ્રી રજનીભાઈનો ખૂબ ખૂબ આભાર. ભાઈશ્રી બીરેનભાઈને અત્યંત સરળ ભાષામાં ભાષાંતર કર્યુ તે બદલ અભિનંદન અને આભાર….રણછોડ શાહ ભરુચ

  2. લેખ સરસ છે, પણ અંત સુધી પહોંચતાં પહોંચતાં થથરી જવાય છે. ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિનું વધુપડતું સક્રિય થઈ જવું પણ મૃત્યુનું કારણ બની શકે છે એ માહિતી. એ વાંચીને લાગ્યું કે જે તલવારથી શત્રુને મારવાનો હોય એ જ આપણો વધ કરે એ તે કેવી આઈરની!

    ક્યાંક વાંચેલું કે ભારતમાં કોરોનાવાઈરસનું જે વર્ઝન છે એ કમજોર છે. લેટ્સ હોપ કે એ વાત સાચી હોય.

  3. આ લેખ વાંચ્યા પછી મારું મન તો મજબૂત બન્યું.મનોબળ માં વધારો થયો.

  4. yes technical article covering subject from various angles. Giving great awareness. Thx worth all efforts

  5. એકી શ્વાસે વાંચ્યો આ લેખ .
    અતિ ઉપયોગી.આજ સુધી ના આ વિષય પરના તમામ લેખ કરતા આપના આ લૈખમાંથી ઘણી જ સચોટ ને રસપ્રદ માહિતી મળી.તમારી મહેનત ને વંદન.ગુજરાતી વાચકોને આવી ઉપયોગી માહિતી આપવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.