ટાઈટલ મ્યુઝીક : (૩૪) આરતી (૧૯૬૨)

બીરેન કોઠારી

કેટલાક કલાકારોનું સર્જન સમગ્રપણે જોઈએ તો સંખ્યાત્મક રીતે પ્રમાણમાં ઓછું હોય, પણ તે એટલું લોકપ્રિય બની રહ્યું હોય કે આપણને એમ જ લાગે કે તેમણે વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું હશે. સંગીતકાર રોશનલાલ નાગરથ એટલે કે રોશનને બેઝીઝક આ શ્રેણીમાં મૂકી શકાય. માત્ર પચાસ વર્ષનું આયુષ્ય, ફક્ત ૫૭ ફિલ્મોમાં સંગીત, પણ તેમનાં લોકપ્રિય, ઉત્તમ ગીતો સાંભળતાં એમ જ લાગે કે તેમણે કેટલી બધી ફિલ્મોમાં કામ કર્યું હશે!

(રોશન)

માધુર્યનો પર્યાય કહી શકાય એવા રોશનનાં સંગીતબદ્ધ ગીતોની શી વાત કરવી! તેમની સંગીત કારકિર્દી ૧૯૪૯થી ૧૯૬૭ સુધીની જ હતી, છતાં આટલાં વરસે તેમનાં ગીતો એવા જ તરોતાજા લાગે છે.
૧૯૬૨માં આવેલી રાજશ્રી પ્રોડક્‍શનની ફિલ્મ ‘આરતી’નાં ગીતો અત્યંત લોકપ્રિય બની રહ્યાં છે.

(‘આરતી’નો એક સ્ટીલ)

ફણિ મજમૂદાર દિગ્દર્શીત, અશોકકુમાર, મીના કુમારી, પ્રદીપ કુમાર, શશીકલાની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મમા કુલ નવ ગીતો હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખેલાં હતાં.

‘આપને યાદ દિલાયા તો મુઝે યાદ આયા‘ (લતા, રફી), ‘કભી તો મિલેગી, કહીં તો મિલેગી‘ (લતા), ‘અબ ક્યા મિસાલ દૂં મૈં તુમ્હારે શબાબ કી‘ (રફી), ‘બાર બાર તોહે ક્યા સમઝાયે‘ (લતા, રફી), ‘વો તીર દિલ પે ચલા જો તેરી કમાન મેં હૈ‘ (આશા, રફી) જેવાં ગીતો તો વિવિધભારતી પર અવારનવાર ગૂંજતાં રહે છે. આ ઉપરાંત ‘ના ભંવરા ના કોઈ ગુલ‘ (આશા, રફી) અને ‘બને હો એક ખાક સે‘ (લતા), (આ સાત ગીતો અહીં સાંભળી શકાશે) ‘પ્યાર કી બોલીયાં બોલતી’ (આશા, રફી), અને ‘આ આ, આ આ’ (સુમન કલ્યાણપુર, રફી) ગીતો પણ એટલા જ મઝાનાં છે.

સંગીત સહાયક તરીકે (મનોહરલાલ) સોનિક અને ઓમપ્રકાશનાં નામ વાંચી શકાય છે.
‘આરતી’ના ટાઈટલ મ્યુઝીક નો ઉઘાડ 0.28 થી વાયોલિનવૃંદથી થાય છે અને ત્યાર પછી તેની પર જ ‘કભી તો મિલેગી’નો આલાપ આરંભાય છે. 0.54 થી સેક્સોફોન પ્રવેશે છે અને ‘કભી તો મિલેગી’ની મૂળ ધૂન શરૂ થાય છે. 1.25 થી ફરી વાયોલિનવૃંદ આવે છે અને સિફતપૂર્વક ટ્રેક બદલાય છે. 1.31 થી ફ્લૂટ પર ‘બાર બાર તોહે ક્યા સમઝાયે’ની ધૂન શરૂ થાય છે. એમ જ લાગે કે જાણે એક ધૂનમાંથી બીજી ધૂન નીકળી હોય. આ ધૂનમાં અમુક અંતરાલે છોડાતા સિતારના ટુકડા અદ્‍ભુત અસર ઉભી કરે છે. 1.49 થી ફરી પાછું વાયોલિનવૃંદ શરૂ થાય છે અને 1.56 થી વળી પાછું સેક્સોફોન પર ‘કભી તો મિલોગી’નો અંતરો શરૂ થાય છે. સેક્સોફોન પરની આ જ ધૂન 2.24 થી ફૅડ આઉટ થાય છે અને છેલ્લે વાયોલિનવૃંદથી ટ્રેકનું સમાપન થાય છે.

દિગ્દર્શક, સંગીતકાર મિત્ર ગિરિશ મકવાણાના જણાવ્યા મુજબ, ‘કભી તો મિલેગી’ રાગ પહાડીમાં, જ્યારે ‘બાર બાર તોહે ક્યા સમજાય’ રાગ ખમાજમાં છે. બન્ને રાગ સાવ અલગ છે, છતાં આ ટ્રેકમાં સંગીતકારે તેને એવી ખૂબીથી પ્રયોજ્યા છે કે બન્ને વચ્ચે સામ્ય હોય એમ લાગે.

અહીં આપેલી ‘આરતી’ ફિલ્મની લીન્‍કમાં 2.45 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

3 thoughts on “ટાઈટલ મ્યુઝીક : (૩૪) આરતી (૧૯૬૨)

 1. ફિલ્મ રજૂ થઈ ત્યારે જોઈ હતી, પણ તે સમયે ક્રેડીટ ટાઈટલ્સને આ રીતે માણવાની બહુ સૂઝ નહીં.

  તે પછી ફિલ્મનાં ગીતો અનેક વાર સાંભળ્યાં હશે. આજે રોશનનાં સંગીતના માધુર્યનો ‘આરતી’ ક્રેડીટ ટાઈટલ્સમાં ફેરપરિચય થયો.

  એ સમયે ફિલ્મનાં કોઈ એક ગીતને ટાઈટલ્સનાં સંગીતમાં વણી લેવાની પ્રથા પડી ગઈ જણાય છે, જેને દરેક સંગીતકારે પોતપોતાની રીતે વધારે ને વધારે નીખારી.

 2. આભાર, અશોકભાઈ.
  ફિલ્મના ગીતની ધૂન ટાઈટલ મ્યુઝીકમાં લેવાની પ્રથાનો સૌથી વધુ અને ઉત્તમ ઉપયોગ કદાચ શંકર-જયકિશન દ્વારા થયો હતો.

  1. શંકર જયકિશનનો આ બાબતે પ્રભાવ આટલો વ્યાપક રહ્યો છે તે વાત આ શ્રેણી પછી ન ધ્યાનમાં આવી છે.

   થોડા દિવસો પહેલાં ‘લાજવંતી’ (૧૯૫૮) જોઇએ. તેમાં પણ ક્રેડીટ ટાઈટલ્સનાં સંગીતમાં શંકર જયકિશનની શૈલીનો પ્રયોગ જોવા મળ્યો.

   એ સમયે આ ફિલ્મો જોઈ હશે ત્યારે આવી બાબતો પર ધ્યાન જાય એટલી સમજ પણ ક્યાં વીકસી હતી !

Leave a Reply

Your email address will not be published.