વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: વિશાખાપટ્ટનમમાં અડધી રાત્રે કોને આઝાદી મળી?

જગદીશ પટેલ

આઝાદી શબ્દ એકવાર બોલો તો એમનું ધ્યાન ખેંચાય છે અને એ ચોંકે છે પણ બે વાર એકી શ્વાસે “આઝાદી, આઝાદી” બોલો તો એ ભડકે છે. જવાહરલાલ નહેરુ વિદ્યાપીઠના કનૈયાકુમાર હોય કે બીજા આ ગાન કરતા હોય છે ત્યારે આગળ એ સ્પષ્ટતા કરતા હોય છે કે એમને શાનાથી આઝાદી અપેક્ષિત છે, ગરીબીથી, સત્તાધીશોની જોહુકમીથી વગેરે. પણ આંધ્રપ્રદેશના સમુદ્રી શહેર વિશાખાપટ્ટનમમાં ટાંકીમાં લોકડાઉન થયેલા ગેસે પોતાની જાતે જ બહાર નીકળવાની આઝાદી મેળવી લીધી અને ૬ અને ૭ મે, ૨૦૨૦ વચ્ચેની રાત્રીએ એ નગરચર્યા માટે નીકળી પડ્યો. કોઇક વાંક્દેખા એમ પણ કહે છે કે બહુરાષ્ટ્રીય કંપનીએ ભારતમાં નાગરિકોને સ્ટાયરીન સુંઘાડવાની આઝાદી જાતે જ મેળવી લીધી. પ્રસ્તુત છે આ આઝાદીકથા.

૩૮ વર્ષના એમ.જી.રેડ્ડી એલ.જી કારખાનાથી ૫૦૦ મીટરને અંતરે પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે. સવારે ૪ વાગે આંખોમાં બળતરા થતાં જાગી ગયા પણ સરકાર ડીસઇન્ફેક્ટંટ્નો છંટકાવ કરતી હશે એમ વિચારી એ પાછા સુઇ ગયા. પણ સવારે ૬ વાગે તો ગામમાં દોડાદોડી અને ચીસાચીસ થતી હતી એટલે એ પણ કુટુંબને લઇ ભાગ્યા. એમણે ઘણાને રસ્તા પર પડેલા જોયા પણ પોતાને અને પોતાના કુટુંબને બચાવવામાં એમને બીજા કોઇને બચાવવાનો વિચાર ન આવ્યો.

પોલીસને ખબર મળતાં એ ઘટનાસ્થળે ગયા પણ એમને પણ આંખ બળવા લાગતાં પાછા ભાગ્યા. થોડા કલાક પછી એ પાછા ગયા ત્યારે ગેસનું પ્રમાણ ઘટ્યું હતું. પછી ઘેર ઘેર ફરી બેભાન બનેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ભેગા કર્યા.

૨૨ વર્ષની અનીતા ઘરની બહાર નીકળી ત્યારે તેણે ઘણા લોકોને રસ્તા પર સુતેલા જોયા પણ તેને સમજાયું નહી કે લોકો શા માટે આમ રસ્તા વચ્ચે સુઇ ગયા છે. થોડી વારમાં તેને પોતાને આંખો અને ગળામાં બળતરા થવા લાગી, પછી ઉલટી થઇ અને બેભાન થઇને ઢળી પડી. એ ભાનમાં આવી ત્યારે હોસ્પિટલમાં હતી.

ભોપાલમાં ૧૯૮૪માં યુનિયન કાર્બાઇડના પ્લાંટમાંથી ૨ અને ૩ ડિસેમ્બર વચ્ચેની રાત્રે મીથાઇલ આઇસોસાયનેટ નામના ગેસનું ગળતર થયું હ્તું અને ૩૦૦૦ લોકો તો તાત્કાલિક મરણ પામેલા. તેની યાદ અપાવે તેવો આ બનાવ આંધ્રપ્રદેશના સમુદ્રી શહેર વિશાખાપટ્ટનમથી ૧૫ કિલોમીટર દૂર આર. આર. વેંકટપુરમમાં બન્યો. અહીં આવેલ એલ.જી. ગ્રુપની ફેકટરી એલ.જી પોલીમરમાંથી સ્ટાયરીન નામનો ગેસ રાત્રે ૨.૩૦ – ૩ના અરસામાં લીક થયો અને આસપાસના ૩ કિલોમીટર વીસ્તારમાં ફેલાયો.

આ ફેકટરીમાં ૧૦૦ અધિકારીઓ, ૫૦ કાયમી કામદારો અને ૩૫૦ કોંટ્રાકટ કામદારો હતા. ઘણા સમયથી કાયમી કામદારોની ભરતી કરતા નથી. કોઇ કામદાર સંગઠન નથી. ૪૫ દિવસથી લોકડાઉનને કારણે બંધ હતી. બે દિવસ પહેલાં જ ચાલુ કરવાની પરવાનગી માગવામાં આવી અને તેને આપવામાં આવી. ૬ મેના દિવસે ૨0-૨૫ કોંટ્રાકટ કામદારોને બોલાવી પ્લાંટ શરૂ કર્યો. કાયમી કામદારોને બોલાવવામાં આવ્યા નહી. કોંટ્રાકટ કામદારો પૂરતી તાલીમ પામેલા કે અનુભવ ધરાવતા ન હતા.

આયાત કરાયેલ સ્ટાયરીનમાંથી પોલીસ્ટાયરીન અને એક્સ્પાંડેડ સ્ટાયરીનનું ઉત્પાદન કરવામાં આવતું હતું જેનો ઉપયોગ પ્લાસ્ટીક બનાવવામાં થાય છે. સ્ટાયરીનના સંગ્રહ માટે ૨૫૦૦ પણ મેટ્રિક ટન ક્ષમતાવાળી ટાંકી હતી. અન્ય અહેવાલો મુજબ ૫૦૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળી ૨ ટાંકી હતી. કુલ ૯ ટાંકી હતી. બીજી ખાલી હતી. જે ટાંકીમાં સ્ટાયરીન હતો તેમાં છેલ્લે ૧૪૦૦ મેટ્રિક ટન ગેસ હતો. જોખમી રસાયણોના ઉત્પાદન, આયાત અને સંગ્રહ નિયમો, ૧૯૮૯ મુજબ સ્ટાયરીન જોખમી રસાયણ છે. આ નિયમો અનુસાર કંપની એ ઓનસાઇટ અને ઓફસાઇટ ઇમરજંસી પ્લાન બનાવવાના હોય છે.

ગેસ ટાંકીમાંથી શા કારણે લીક થયો તેની કોઇ માહિતી મળતી નથી. ટાંકી ફાટી હોય, તેની નીપલનો જોઇંટ લીક થયો હોય, તેનો વાલ્વ તૂટી ગયો હોય અથવા લીક થયો હોય, પાઇપ ફાટી ગઇ હોય. બીજા કારણ પણ હોય. કહે છે કે સ્ટાયરીનનો સંગ્રહ ૨૦ સેલ્સીઅસ તાપમાને કરવો પડે. તે માટે ચિલીંગ પ્લાંટ ચલાવવો પડે. લોક્ડાઉનમાં તે શક્ય ન હોય તે કારણે ટાંકીમાં તાપમાન વધી શકે અને તે કારણે ટાંકીમાં ગેસનું કદ (વોલ્યુમ) વધવાને કારણે તેના મેનહોલમાંથી (ઉપરના ઢાંકણમાંથી) અથવા બીજેથી ગેસ નીકળવાનો ચાલુ થયો હોય તેમ પણ બને. હાલના અહેવાલો મુજબ લોકડાઉનના સમગ્રગાળા દરમિયાન ૧૫ ઇજનેરોની ટુકડી સતત ત્યાં હાજર રહેતી હતી અને ધ્યાન રાખતી હતી. એટલે કે તેને જરૂરિયાત મુજબના તાપમાને જ સંગ્રહ કરવામાં આવ્યું હતું. અન્ય અહેવાલ મુજબ ટાંકીમાં તાપમાન ખુબ વધી ગયું એટલે પોલીમરાઇઝેશનની પ્રક્રિયા બહુ ઝડપથી થઇ અને ગેસ બહાર નીકળવા માંડ્યો. સાચું ખોટું રામ જાણે!

નિશ્ણાતોની સમિતિ તપાસ કરીને જે અને જ્યારે અહેવાલ આપે ત્યારે ખબર પડે કે ખરેખર શું થયું. આજે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે જાતે જ – સુઓમોટો – ફરિયાદ દાખલ કરીને એક સમિતિ બનાવી તેને તપાસ સોંપી છે. રાજ્ય સરકારે પણ તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. સવાલ તપાસનો નથી. સવાલ છે કાયદા ભંગ માટે ફોજદારી ગુનો દાખલ કરી કામ ચલાવી સજા કરવાનો છે. આપણી સરકારો જે રીતે બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે ઘૂંટણીયે પડે છે તે જોતાં પતીજ પડતી નથી કે આવું કઇ થાય. ગઇકાલે આંધ્રના મુખ્યમંત્રીએ આ કંપની સારી હોવાનું પ્રમાણપત્ર માગ્યા પહેલાં જ આપી દીધું છે. જો કે ગ્રીન ટ્રીબ્ય્યુનલે ૫૦ કરોડ જમા કરાવવા આદેશ આપ્યો છે.

હિંન્દુસ્તાન પોલીમર તરીકે આ ફેક્ટરી ૧૯૬૧માં સ્થપાઇ હતી. ૨૨૩ એકરમાં પથરાયેલી આ ફેક્ટરી ૧૯૭૮માં મેકડોવેલ જુથે ખરીદી લીધી હતી અને તે પછી ૧૯૯૭માં દક્ષિણ કોરિયાના એલ.જી, જુથે ખરીદી લીધી. ફેક્ટરીમાં સ્ટાયરીન કાચો માલ છે જે આયાત કરવામાં આવે છે. તેમાંથી પોલીસ્ટાયરીન અને હાઇ ઇંપેક્ટ પોલીસ્ટાયરીન અને એન્જીનીયરીંગ પ્લાસ્ટીક્ની ચીજોનું ઉત્પદન કરવામાં આવે છે. કંપનીએ જાન્યુઆરી ૨૦માં વાર્ષિક વેચાણ ૫૩ બીલીયન ડોલર અને નફો ૨ બીલીયન ડોલર થયાની જાહેરાત કરી હતી. દક્ષિણ કોરિયાની આ કંપની વોશિંગ મશીન, રેફ્રીજરેટર વગેરે ઇલેક્ટ્રોનીક્સ સાધનોનું પણ ઉત્પાદન કરે છે.

પ્લાન્ટ નખાયો ત્યારે વસ્તીથી દૂર હતો પણ ધીમે ધીમે આસપાસ વસ્તી વધતી ગઇ તે આપણા ટાઉન પ્લાનીંગની ખામીઓને ઉજાગર કરે છે. ભોપાલ દુર્ઘટના પછી ફેકટરી એક્ટમાં સુધારા કરી કલમ ૪૧-એ માં સાઇટ એપ્રેઇઝલ સમિતિ બનાવવાની વાત કરાઇ હતી પણ એક પણ રાજ્ય આ કલમનો અમલ કરતી નથી. કલમ ૪૧ – બીમાં આસપાસની વસ્તીને ફેક્ટરીમાં વપરાતા રસાયણોના જોખમો, કેટલા પ્રમાણમાં જુદા જુદા રસાયણોનો સંગ્રહ થાય છે, શાનું ઉત્પાદન કરવામાં આવે છે, આવો અકસ્માત થાય તો લોકોએ પોતાના બચાવ માટે શું કરવું તેની માહિતી આપવાની જોગવાઇ કરી પણ એનો પણ ક્યાંક અમલ થતો નથી તો ક્યાંક માત્ર દેખાવ પૂરતો થાય છે.

તે પછી એક નવો કાયદો ઘડવામાં આવ્યો હતો જેનું નામ છે પબ્લીક લાયેબીલીટી એક્ટ. આ કાયદા મુજબ કંપનીએ આવી આફત કે અકસ્માતને પહોંચી વળવા વીમો ખરીદવાનો હોય છે. કલેક્ટર આ કાયદા હેઠળ કંપની પાસે વસુલાત કરી શકે છે. એલ.જી એ આ કાયદાનું પાલન કર્યું હતું કે કેમ તેની જાણ નથી.

એન્વાયર્નમેંટ પ્રોટેક્શન એક્ટ પણ ૧૯૮૬માં ઘડવામાં આવ્યો અને તે હેઠળ જોખમી રસાયણોના ઉત્પાદન, સંગ્રહ અને આયાત અંગેના નિયમો ૧૯૮૯માં બનાવાયા. આ કાયદામાં જોખમી રસાયણોની યાદી આપવામાં આવી છે તેમાં ૫૮૩મા નંબરે સ્ટાયરીન છે. જો કે એને ઝેરી કે આગનું જોખમ હોય તેવા રસાયણોની યાદીમાં સમાવાયું નથી. આ કાયદામાં મોટો અક્સ્માત કોને કહેવાય તેની વ્યાખ્યા આપવામાં આવી છે. માલિકે મોટા અક્સ્માત થતા અટકાવવા જરૂરી પગલાં લેવાના રહે છે. પોલીમરાઇઝેશન થતું હોય તે એકમમાં વર્ષે એક્વાર તપાસ થવી જરૂરી છે. ફેક્ટરી એક્ટની જોગવાઇ મુજબ ઓનસાઇટ ઇમરજ્ન્સી પ્લાન બનાવવાનો હોય છે અને કામદારો અને આસપાસના લોકોને એ પ્લાનથી માહિતગાર કરવાના હોય છે.

આ કોરિયન કંપની છે અને કોરિયામાંમાં ગયા વર્ષે બીજી એક ફેક્ટરીમાંથી સ્ટાયરીન લીક થયો હતો તેમાં ૩૦૦ લોકો ઇજા પામ્યા હતા પણ કોઇ મ્રુત્યુ થયું ન હતું. તેમાં કંપનીની ભૂલ સામે આવી હતી. અહીં આ કંપનીએ પર્યાવરણ વિભાગની મંજૂરી મેળવી ન હતી. ઇંપેક્ટ એસેસમેંટ કરાવ્યું ન હતું.

સ્ટાયરીનના સંપર્કને કારણે ૨ બાળકો સહિત ૧૨ વ્યક્તિઓ આઝાદ થઇ ગઇ. તેમાં એક ભાઇ બાઇક લઈને જતા હતા તે ગેસને કારણે બેભાન થઇ ગયા અને બાઇક પડી ગયું તેમાં ચાલક અને પાછ્ળ બેસનાર બંનેના મોત થયા. બીજા બનાવમાં એક બહેન ઘરની બહાર નીકળ્યા અને ગેસને કારણે બીજા માળેથી નીચે પડી મ્રુત્યુ પામ્યા. ૧૦૦૦ જેટલા હોસ્પિટલને બીછાને છે જે પૈકી કેટલાક વેંટીલેટર પર છે એટલે કે સ્થિતિ ગંભીર છે. લાંબા ગાળે શી તકલીફો થશે તે સમય આવ્યે જાણ થશે. જે મોત થયા તે મગજમાં આવેલા શ્વાસોચ્છવાસને નિયંત્રિત કરતા કેન્દ્ર પર અસર થવાને કારણે થયા હોવાનું નિષ્ણાતો કહે છે. બનાવને કારણે ઘણા ઢોર, કૂતરા અને પક્ષીઓના પણ મરણ થયા.

ઇંટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેંસર તેને સંભવિત કેંસરજનક ગણાવે છે. ટૂંકાગાળાની અસરોમાં કેન્દ્રિય ચેતાતંત્ર પર અસર, કિડની અને લિવર પર અસર, માનસિક આઘાત, પ્રજનન તંત્ર પરની અસરને કારણે ગર્ભપાત થઇ શકે. થોડા દિવસ બાદ અસ્થમા થઇ શકે. કેંસરની સંભાવના ઓછી છે. સ્ટાયરીન શરીરમાં ગયા બાદ ધીમે ધીમે તૂટી જાય અને તેના અંશો પેશાબ દ્વારા બહાર નીકળે. સંપર્કમાં આવેલ લોકોના પેશાબમાંથી મેન્ડેલીક એસિડ અને ફીનાઇલગ્લાયઓક્સીલીક એસિડ નીકળે તેનો ટેસ્ટ કરવો પડે.પણ એ ગમે ત્યારે કરો તે ન ચાલે. ૨૫ કલાક્ની અંદર કરવો પડે એમ નિષ્ણાતો કહે છે.

સવાલ તો એ છે કે રાત્રે ૨.૩૦ – ૩.૦૦ વાગે ગળતર શરૂ થયું તે સવાર સુધી ચાલતું જ રહ્યું. એમ શાથી થયું હશે તે જ સમજાતું નથી. આગ લાગે અને તે જલદી બૂઝાય નહી તે કદાચ સમજી શકાય પણ ગેસ લીક થાય અને ત્યાં કર્મચારીઓ હાજર હોય તો તેને બહાર જતો રોકવા માટે કોઇ વ્યવસ્થા નહી હોય? પાણીના ફૂવારા અને બીજી ઘણી ટેકનીકો દ્વારા બહાર જતા ગેસને મોળો પાડી શકાય, પાણી કે અન્ય દ્રાવકમાં ઓગાળી શકાય, જતો અટકાવી શકાય પણ એવું કશું થયું જણાતું નથી. અહેવાલો તો એવા છે કે એમણે પોલીસ, કલેક્ટર કે ફેક્ટરી ઇંસ્પેક્ટરને જાણ સુધ્ધા કરી નહી, આસપાસની વસ્તીને ચેતવવા સાયરન વગાડી નહી. તે સમયે કોઇ સિનિયર મેનેજર હાજર હતા કે કેમ? એમણે શા પગલાં લીધાં?

ફેકટરી એક્ટમાં સ્ટાયરીનનું કેટલું પ્રમાણ સલામત ગણાય તે શીડ્યુલ – ૨ની યાદીમાં અપાયું છે. તે મુજબ ૮ કલાકમાં સરેરાશ સંપર્ક ૫૦ પીપીએમ (પાર્ટ્સ પર મીલીયન – દસલાખ ભાગમાં એક ૫૦ ભાગ) અથવા ૨૧૫ મીલિગ્રામ પ્રતિ ઘનમીટરથી વધવો જોઇએ નહી. શોર્ટ ટર્મ એક્સ્પોઝર લિમિટ એટલે કે ૧૫ મિનિટના સમયગાળા દરમિયાન તે પ્રમાણ ૧૦૦ પીપીએમ (પાર્ટ્સ પર મીલીયન – દસલાખ ભાગમાં એક ૫૦ ભાગ) અથવા ૪૨૫ મીલિગ્રામ પ્રતિ ઘનમીટરથી વધવો જોઇએ નહી. આ ઘટનામાં લોકોને કેટલા પ્રમાણમાં સંપર્ક થયો તે તો તરત હવાનો નમુનો લીધો હોત તો જાણવા મળત. એ થયું હોય તેવો સંભવ ઓછો જ છે. અનુમાન કરી શકાય કે એ પ્રમાણ ૧૦૦ પીપીએમ કરતાં વધુ જ હશે. આ પ્રમાણ તંદુરસ્ત પુખ્તવયના માણસ માટે છે. બાળકો, સગર્ભા બહેનો અને હ્રદયરોગ, ફેફસાના રોગ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા લોકોને એથી ઓછા પ્રમાણથી અસર થાય. એમાંય જો કોઇને કોવીડ ૧૯ થયો હોય અને સ્ટાયરીનના સંપર્કમાં આવે તો અસર બેવડાઇ જાય. શરીરમાં ગયા પછી એની સારવાર માટે કોઇ જાણીતો એંટીડોટ નથી.

આ રસાયણને ન્યુટ્રલાઇઝ કરવા માટે ગુજરાતના વાપીથી તાત્કાલીક ૫૦૦ કીલો પેરા ટર્શીઅરી બ્યુટાઇલ કેટેકોલ (પીટીબીસી) નામનું રસાયણ મંગાવવામાં આવ્યું. ગુજરાત સરકારે તેને મેળવીને પહોંચાડવામાં મદદ કરી. દેશમાં વાપીની કે.કે.પુંજા એન્ડ સન્સ નામની કંપની એક માત્ર છે જે આ રસાયણનું ઉત્પાદન કરે છે. કંપનીના ભાગીદાર સંજય ખટાઉને વહેલી સવારે જ એલ,જી માંથી ફોન આવ્યો અને કંપનીએ દમણ એરપોર્ટ પરથી માત્ર બે કલાકમાં જ આ રસાયણનો જથ્થો રવાના કર્યો. જો કે તેનો કશો ઉપયોગ થયો નહી કારણ તે ત્યાં પહોંચ્યું ત્યારે ટાંકીમાંથી એટલા મોટા પ્રમાણમાં ગેસ બહાર આવતો હતો કે તે ઉમેરવાનો કશો અર્થ ન હતો.

ગયા વર્ષે કંપનીએ મે મહિનામાં રાજ્યસ્તરીય પર્યાવરણ પર થનારી અસરનો અંદાજ બાંધવા માટેની સત્તા સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં એવી કબૂલાત કરી હતી કે તેની પાસે પર્યાવરણ ખાતાની મંજુરી નથી. એણે એમ પણ કબૂલ્યું હતું કે પૂર્વ પરવાનગી લીધા વગર જ પોતાના પ્લાંટની ક્ષમતામાં પણ એણે વધારો કર્યો છે (એણે માની લીધું કે એને આવી આઝાદી છે) અને ઉત્પાદનોના વૈવિધ્યમાં પણ વધારો કર્યો છે. ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહી કરે તેવી લેખિત કબુલાત પણ આપી. તે પછી ગયા વર્ષે ફરી ક્ષમતા વધારવા માટેના આયોજન મુજબ પર્યાવરણ મંજૂરી માટે પરવાનગી કેંદ્ર સરકાર પાસે માગવાની હોય તેને બદલે રાજ્ય સરકાર પાસે માગી અને રાજ્ય સરકારે તે કેંદ્ર સરકારને મોકલી આપી. જો કે પછી કંપનીએ દરખાસ્ત પાછી ખેંચી.

મેઇંટેનંસ પછી પ્લાંટ ચાલુ કરતી વખતે કેમિકલ ફેક્ટરીઓમાં વારંવાર અક્સ્માત થતા હોવાના અનુભવ છે. આ ઘટના પણ એવી જ છે. રસાયણ એકમોમાં આવા અક્સ્માત નીવારવા માટે સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર હોય છે એટલે કે કામ શી રીતે કરવું, શી કાળજી રાખવી તેની લેખિત નોંધ હોય અને તે મુજબ ચાલવામાં આવે તો અક્સ્માત નિવારી શકાય. આટલી જૂની કંપની પાસે આ તો હોય જ તેમ માની લેવું પડે. અક્સ્માત નિવારણનું વિજ્ઞાન બહુ આગળ વધ્યું છે પણ આપણા ઉદ્યોગો કે સરકાર પૂરતો રસ લેતા નથી. ટ્રેવર ક્લેઝનું બહુ જાણીતું પુસ્તક છે – વ્હોટ વેંટ રોંગ. તેમાં તેમણે પ્રોસેસ પ્લાંટના અકસ્માતોનું વિષ્લેષણ કરી કઇ ખામી કે ભૂલને કારણે અક્સ્માત થયો તે સમજાવ્યું છે. ૨૦૧૩માં મૃત્યુ પહેલાં તેમણે રસાયણ એકમોમાં અક્સ્માત વિષે પુષ્કળ સાહિત્ય સમાજને આપ્યું. (તેની સાતમી આવૃત્તિની કીંમત માત્ર રુ.૯૧૫૫/- છે.) અમેરિકામાં આવા અક્સ્માતોની તપાસ માટે અલાયદું તંત્ર છે – યુ.એસ.કેમીકલ સેફ્ટી બોર્ડ (https://www.csb.gov/)- જેના વડાની નિમણુંક પ્રમુખ પોતે કરે તેટલું મહત્વ મળતું હોય છે. તે અમેરિકામાં કેમિક્લ ફેક્ટરીમાં થતા અક્સ્માતોની તદ્દન નિષ્પક્ષ તપાસ કરે અને મૂળમાં જઇ શા કારણે બનાવ બન્યો તે જાણે અને પોતાની વેબસાઇટ પર એ બધું મુકે જેનાથી પ્રજાને શિક્ષણ મળે. આપણા દેશમાં નિષ્ણાતોની કમી નથી. તેમને આવા કામમાં જોડીને તપાસ માટેનું કાયમી અલાયદું તંત્ર ઉભું કરવાની તાતી જરૂર છે.

મુખ્યમંત્રી જગન રેડ્ડીએ તરત મૃતકોને એક એક કરોડ આપવાની જાહેરાત કરી. શા માટે રાજ્ય સરકારે આવી સહાય આપવી જોઇએ? કંપની પાસે તે રકમ અપાવવી જોઇએ. કંપની સધ્ધર હોય ત્યારે સરકારે આવી લોકરંજક જાહેરાતો કરવાથી દૂર રહેવું જોઇએ.

દરમિયાન તામીલનાડુના કડ્ડ્લોરમાં એનએલસી ઇંડિયામાં ધડાકો થયો અને છત્તીસગઢના રાયપુરની પેપરમીલમાં સફાઇ કરવા ઉતરેલા કામદારોને ગેસ લાગતાં હોસ્પિટલ ભેગા કરવા પડ્યા. આવા બનાવો છતાં રાજ્ય સરકારોએ કેંદ્ર સરકારથી આઝાદી મેળવી પોતાના રાજ્યોમાં મજૂર કાયદાઓના અમલમાંથી મુક્તિ મેળવી લીધી છે ત્યારે આવા બનાવો ન્યુ નોર્મલ બનશે તેવી દહેશત રહે છે.

કેટલીક લીંકઃ

કોરિયન ટીવીની લીંક છે જેમાં ભારતના નિષ્ણાતોના ઇંટરવ્યુ છેઃ

https://m.news.naver.com/read.nhn?mode=LSD&mid=sec&sid1=102&oid=056&aid=0010835930

ઇંડીયા ટુડેઃ

https://www.indiatoday.in/india/story/lg-polymers-plant-gas-leak-tragedy-vishakhapatnam-victims-health-problems-1678327-2020-05-15

16.5.2020 Hindu:

https://www.thehindu.com/news/national/andhra-pradesh/polymers-gas-leak-study-points-to-lacunae-in-crisis-management/article31596328.ece

ડેક્કન ક્રોનિકલ

http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=14866608 

ટાઇમ્સ ઓફ ઇંડિયા

https://timesofindia.indiatimes.com/city/hyderabad/siren-would-have-helped-people-escape-after-styrene-leak-experts/articleshow/75746626.cms


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

9 thoughts on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: વિશાખાપટ્ટનમમાં અડધી રાત્રે કોને આઝાદી મળી?

 1. નાના મોટા ગેસ ગળતર રાસાયણના કારખાનઓમાં વારે વારે થતા હોય છે. અત્યારે ઓટોમેશનનો જમાનો છે.. તો એવું મિકેનિઝમ ના ગોઠવી શકાય કે સહેજ પણ ગેસ ગળતર થાય તો આપોઆપ સાયરન વાગે. જો કે આ બાબતે માત્ર નિષ્ણાતો જ અભિપ્રાય આપી શકે.

  1. કીશોરભાઇ, ટાંકીમાં તાપમાન એટલું વધી ગયું કે પ્રવાહી સ્ટાયરીન વાયુમાં ફેરવાતાં તેના કદમાં વધારો થયો અને તે કદ ટાંકીની ક્ષમતા કરતાં વધુ હોય એટલે એ બહાર નીકળવાનો માર્ગ શોધે અને અંદર દબાણ એટલું વધી જાય કે ટાંકીના સૌથી નબળા ભાગને તોડીને અથવા જો પ્રેશર રીલિઝ વાલ્વ હોય તો ત્યાંથી બહાર નીકળે. બહાર નીકળે એટલે ઝડપથી પ્રસરવા લાગે. હવાથી ભારે હઓય એટલે જમીન પર બેસે. ઘટના સમયે સાયરન કેમ વગાડી નહી તે સવાલ તો છે પણ વગાડિ હોત તો પણ એટલી રાત્રે તેનો ફાયદો કેટલો થયો હોત તે સમજાતું નથિ. આપની કોમેંટના જવાબમાં શ્રી અરોરા સાહેબે જવાબ આપ્યોછે. તેઓ નીવ્રુત્ત કારખાના નીરીક્ષક છે, ઘણા અનુભવી અને અભ્યાસુ છે. તેઓએ ભરુચ – અંક્લેશ્વર જ્યાં રસાયણ કારખાનાની સંખ્યા મોટી છે ત્યાં કામ કરેલ છે.

 2. Sensors are available for individual gases which need to be installed at stratgic points and always kept in working condition. However, for mixed gases no sensor is available which is a practical problem.

  1. My question is – what it was which got leaked? Can it be Styrene after the tank reached high temperature leading to polymerization which may have converted the chemical into polystyrene or something else but not pure Styrene. Do you have any idea?

 3. a. ૨૦. ૫ ૨૦૧૭ના આંધ્રપ્રદેશ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ (APPCB)ની મીટિંગ મળે છે. એમાં એજન્ડા આઇટેમ ૧૩ LG polymersની હતી. કંપની પેટ્રો-કેમિકલ્સ પ્રોડક્ટોનો ઉપયોગ કરવાની હતી એટલે મીટિંગ એવા નિર્ણય પર પહોંચે છે કે કંપનીને સલાહ આપવી કે એ કામ શરૂ કરતાં પહેલાં એન્વાયરનમેંટ ક્લિઅરન્સ (EC) સર્ટીફિકેટ જરૂરી છે કે નહીં તેની સ્પષ્ટતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય પાસેથી મેળવી લે.
  b. આ પહેલાં ૨૨.૪.૨૦૧૭ના CFE (Consent for Establishment) કમિટીની મીટિંગ મળી. તેમાં એ નોંધવામાં આવ્યું કે આ કંપની ૧૯૯૩થી કામ કરે છે એટલે એને EC લેવાની જરૂર નથી. પરંતુ એણે આવી જરૂર છે કે નહીં તે વિશે મંત્રાલય પાસેથી સ્પષ્ટતા મેળવી લેવી.
  (હવે પછીની કૉમેન્ટ જૂઓ)

 4. કૉમેન્ટ-૨
  c આમ APPCB CFEના નિર્ણયને અનુમોદન આપતું હતું.. પોતાના તરફથી કંઈ કરવા નહોતું માગતું. કંપનીના પ્રતિનિધિએ કહ્યું કે એમને EIA (Environment Impact Assessment)ના નિયમો લાગુ નહીં પડે. પરંતુ આવી સ્પષ્ટતા મેળવવાની શરતે એના એક્સ્ટેન્શન પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ.
  d. તે પછી કેન્દ્રીય મંત્રાલય પાસેથી કંપનીએ સ્પષ્ટતા માગી કે નહીં? જાણવા નથી મળતું. અને એણે કામ શરૂ કરી દીધું APPCBએ એને રોકીને પૂછવું જોઈતું હતું કે એણે પર્યાવરણ મંત્રાલય પાસેથી સ્પષ્ટતા મેળવી કે નહીં? એ સ્પષ્ટતા મળે એ જ શરતે એને મંજૂરી અપાઈ હતી.
  e. પરંતુ આ બધું બહાર આવવા માટે જીવલેણ હોનારત જરૂરી હતી.

  1. જે દસ્તાવેજો જોયા તે મુજ્બ કંપની વિવરણ પણ સાચું આપતી ન હતી તેવીછપ પડે છે. કંપની સ્ટાયરીનમાંથી પોલીસ્ટાયરીનના ગ્રેન્યુલ બનાવતી હતી અને ગ્રેન્યુલમાંથી મશીનો માટેના ભાગ બનવતી હતી પણ વીવરણમાં એ માત્ર એવું બતાવવા માગ્તી હતી કે ગ્રેન્યુલમાંથી મશીનો માટેના ભાગનું જ ઉત્પાદન કરવાનૂં છે. તપાસમાં મુંબઇની યુડીસીટી કે આઇ આઇટીના રસાયણ વીભાગના અધ્યાપકોને સામેલ કરવા જોઇએ

 5. ઘણું જાણવા મળ્યું. જગદીશભાઈ, અરોરાભાઇ તથા દીપકભાઇનો આભાર

Leave a Reply

Your email address will not be published.