શબ્દસંગ : ૨૧મી સદીનાં બોધસૂત્રો

નિરુપમ છાયા

વિજ્ઞાનની શોધોએ મનુષ્યને આધુનિક બનાવ્યો. એનું જીવન સરળ બન્યું, એની સાથે જ એશ આરામનાં, કૈંક અંશે વિલાસી કહી શકાય એવાં ઉપકરણો પણ હાથવગાં થયાં. લગભગ સમાંતરે જ આવેલી ઔદ્યોગિક ક્રાંતિએ મનુષ્યની પ્રગતિ માટે તો જાણે રાજમાર્ગ ખોલી આપ્યો. પણ, આ પ્રગતિએ ઘણા ચિંતકોને વિચારતા પણ કરી મૂક્યા. મનુષ્યની ઉત્ક્રાંતિનો નકશો, એની હરણફાળ આ બધીયે બાબતો પર ઊંડું ચિંતન અને આકલન કરતાં ભવિષ્યની એક આછી છતાં કળી શકાય તેવી રેખા તેમની દૃષ્ટિમાં ઉપસી આવી. અવકાશી ગ્રહોને આધારે ભાવિનું કથન કરતા ભવિષ્યવેત્તા તેઓ નહોતા, પણ ભૂમિ પર રહીને, ભાવિને પેખતા ભવિષ્ય દ્રષ્ટાઓ હતા. વિજ્ઞાન, સમાજ, અર્થશાસ્ત્ર એમ અનેક ક્ષેત્રોમાં આવા દ્રષ્ટાઓએ મનુષ્યનાં ભાવિનાં લેખાંજોખાં કર્યાં. તેને સાવધાન પણ કર્યો. 1984, FUTURESHOCK, THIRD WAVE વગેરે પુસ્તકોએ એક નવો શબ્દ વાપરીને કહેવાનું મન થાય એવી HUMUNOLOGY આપી. આ પુસ્તકમાં પ્રસ્તુત થયેલ મંથન ઘણાં વાસ્તવિક સ્વરૂપે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ જે ક્યારેક રળિયામણું લાગે છે તો બિહામણું પણ જણાય છે.

૨૧મી સદીના આવા દૃષ્ટાઓની અગ્રિમ હરોળમાં પણ પ્રથમ સ્થાને ડૉ. યુવલ નોહ હરારીને મૂકી શકાય. વર્તમાન સમયમાં એમનાં પુસ્તકોએ સહુને આકર્ષ્યા છે એટલું જ નહીં વિચારતા પણ કરી મૂક્યા છે. ઓક્ષફર્ડ યુની.માંથી ઇતિહાસના વિષય પર સંશોધન કરી તેમણે phd.ની પદવી મેળવી , અત્યારે જેરુસલેમ- ઇઝરાયલ-ની હિબ્રુ યુની.માં ઈતિહાસ વિષયના અધ્યાપક તરીકે કાર્યરત છે. સાથે સાથે તેઓ માનવ ઈતિહાસ અંગે સંશોધાનાત્મક કાર્ય કરતા રહી, આધુનિક સમયની ઘટના ગણાય એવાં પુસ્તકો દ્વારા વિશ્વને ચિંતન, દૃષ્ટિ આપતા રહે છે. SEPIANS: A BRIEF HISTORY OF HUMANKIND માં તેમણે મનુષ્યના ઉત્ક્રાંતિકાળથી લઇ પ્રગતિ કરી તે દર્શાવી, ભૂતકાળનો નકશો આપ્યો છે. તો, HOMO DEUS : A BRIEF HISTORY OF TOMMORROW ના શિર્ષકમાં જ નિહિત છે તે પ્રમાણે માનવીનું ભવિષ્ય શું હોઈ શકે એની એક આછી રેખા મળે છે અને એમનાં છેલ્લા ૨૦૧૮માં પ્રગટ થયેલ પુસ્તક 21 LESSONS FOR THE 21ST CENTUARY માં મનુષ્યના વર્તમાનની નાડ પકડી છે, પારખી છે.

આ ત્રણેય પુસ્તકો સંશોધન પછી સાંપડેલા આધારો પુરાવાઓ અને પૂરા સંદર્ભોથી છલોછલ છે, અને તર્કબદ્ધ રજુઆતથી પણ પ્રસ્તુત વિષયવસ્તુમાં શંકા માટે ઓછો અવકાશ રહે છે. શૈલી પણ સરળ અને પ્રવાહી છે. વિગતો રોમાંચક ઘટનારૂપે પ્રસ્તુત થઇ હોવાને કારણે પુસ્તક શુષ્ક દસ્તાવેજી પણ બની નથી રહેતાં.

માનવજાત ૨૧મી સદીમાં પ્રવેશી તેને લગભગ ૨૧ વર્ષ થવા આવશે. એક માનવીના આયુષ્ય માટે આટલાં વર્ષો કદાચ ગણતરીમાં લેવાય પરંતુ, અનંત કાળના પ્રવાહમાં એની ગણના શું ? ક્ષણાર્ધ કહેવું પણ વધારે પડતું છે. આટલા સમયમાં જ વિશ્વ એક મહામારી-PANADAMIC-થી ગૂંગળાઈ ગયું છે, બધા પોતપોતાની રીતે ઉકેલ પાછળ મંડ્યા છે પણ સાચી દિશા કોઈને નથી મળતી. ડૉ. હરારી વર્તમાન સ્થિતિની કલ્પના થોડાં વર્ષ પહેલાં જ આપીને, પોતાના પ્રથમ પુસ્તક SAPIAN…..માં ચિંતન સાથે યથાર્થ રીતે આલેખીને આધુનિક સમયના ભવિષ્યદૃષ્ટા તરીકે સહજપણે સચોટ રીતે વિશ્વ સમક્ષ આવે છે એ આપણે આગળ પર જોઈશું. સમસ્યાઓનો જ વિચાર અને એનું જ વિશ્લેષણ થોડુંઘણું થાય પણ બહુધા તો એના ઉકેલની દિશામાં જ આગળ વધવું જોઈએ. ડૉ. હરારીએ 21 LESSONS……માં મહત્વના વિવિધ આયામો પર વિશ્લેષણ કરી, પથદર્શન કર્યું છે અને તેમાંથી વર્તમાન અને નિકટવર્તી ભવિષ્ય સંદર્ભે બોધપાઠ લેવા પણ સૂચવે છે.

21 LESSONS…..પુસ્તક પર ઉડતો દૃષ્ટિપાત કરીએ તો એ મુખ્યત્વે પાંચ મુદ્દાને સ્પષ્ટ કરે છે. પ્રથમ જ પ્રસ્તુત બે મુદ્દા THE TECHNOLOGICAL CHALLENGE અને POLITICAL CHALLENGE દર્શાવે છે કે માનવજીવન પર એ બે બાબતોનો કેટલો પ્રભાવ છે! એ પછી DESPAIR AND HOPE , TRUTH, RESILIENCE આવે છે. આ પાંચ મુખ્ય મુદ્દાને પણ વ્યવસાય, સ્વતંત્રતા, સમાનતા, સભ્યતા સમાજ, રાષ્ટ્રીયતા , ધર્મ , વિસ્થાપન, આતંકવાદ યુદ્ધ, શોષણ, ઈશ્વર, સહિષ્ણુતા, અજ્ઞાન, ન્યાય, સત્યનું મહોરું, શિક્ષણ, સત્ય અર્થસમજ (MEANING ), અને…..ધ્યાન જેવા વૈશ્વિક અને વ્યક્તિગત સ્તરે સ્પર્શતા એવા બધા પેટામુદ્દામાં વિભાજીત કરીને, બહુ ઝીણું કાંતીને,સૂક્ષ્મ ચિંતન આપ્યું છે. અગાઉ કહ્યું તેમ પુષ્કળ ઉદાહરણો અને સંદર્ભો સાથે દરેકની છણાવટ સાચી દિશા તરફ દોરી જાય છે.

પુસ્તકના પ્રારંભમાં જ તેઓ કહે છે તેમ મનુષ્ય સામાન્ય જીવન વ્યવહારોમાં એટલો વ્યસ્ત રહે છે કે એની પાસે ઊંડું વિચારવાનો સમય જ નથી. પણ એક ઇતિહાસકાર તરીકે મનુષ્ય માટે જરૂરી અન્નવસ્ત્રો પૂરાં પાડી શકવાની પોતાની અસમર્થતા વ્યક્ત કરી, વર્તમાન સમયમાં , વિશ્વના પડકારોને ઝીલવા માટે સ્પષ્ટ વિચાર અને કાર્યની ચોક્કસ દિશાની પ્રેરણા જ આપી શકે છે એમ કહી, વૈશ્વિક દૃષ્ટિકોણને સ્પષ્ટ કરે છે. આવિષ્કારો દ્વારા મનુષ્યએ પ્રાપ્ત કરેલા સાધનોએ જીવનને સરળ બનાવ્યું પણ એના ઉપયોગ માટેનાં શાણપણ અને વિવેકશૂન્યતાથી પ્રભાવિત થયેલ વર્તમાન વિશ્વના અને એના ભવિષ્ય માટે પણ આશંકિત કરતા અનેક પ્રશ્નો તેમણે ચર્ચ્યા છે. INFORMATION TECHNOLOGY અને BIOTECHNOLOGYનું જોડાણ નવી જ અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા તો લાવશે જેના પરિણામે વ્યવસાયો તો છીનવાશે પણ મનુષ્યનાં શરીર અને મનને પણ નિયંત્રિત કરશે. સ્વતંત્રતા અને સમાનતાને પણ કેવો લૂણો લગાડશે એની ગંભીર ચિંતા તેમણે વ્યક્ત કરી છે.

વર્તમાન કોરોનાની મહામારીની પરિસ્થિતિના સંદર્ભમાં જ જાણે કહેવાયું હોય તેમ આધુનિક વિજ્ઞાને એક નવી જ શક્તિ આપી પણ એની વિશ્વના પર્યાવરણ પર કેવી માઠી અસર થઇ છે કે વિનાશની ધાર પર જ વિશ્વ ઊભું છે. તેમણે અગાઉનાં પુસ્તકમાં કહ્યું હતું અને 15 ડિસે.ના રોજ મુંબઈ ખાતે એક વાર્તાલાપ દરમિયાન પણ એ જ વાત કહી કે ૩૦ લાખ વર્ષ પૂર્વે ધરતી પરના અન્ય પ્રાણીઓથી મનુષ્ય ઝડપથી વિકસિત થયો તેનું કારણ ગોસીપ્સ-કહાણીઓ. મનુષ્ય જ એવી પ્રજાતિ છે કે જેણે ધર્મની, દેશની, કે પૈસાની, એવી કહાણીઓ પર જ સામ્રાજ્યો ઊભાં કર્યાં. એ જ રીતે DATA REVOLUTION થકી પણ મોટું પરિવર્તન આવી શકે છે. મનુષ્ય ભ્રામક સત્ય (FAKE NEWS)ની માયાજાળ કુશળતાથી સર્જી રહ્યો છે એના પર પણ તેઓ વિશદ ચર્ચા કરે છે. ફેબ્રુઆરી ૨૦૧૪માં રશિયાએ યુક્રેઇન પર હુમલો કર્યો એના પર ઢાંકપીછોડો એવી રીતે કર્યો જાણે સ્વયંભુરીતે સુરક્ષા માટે બનેલી ઘટના હોય. આ અને આવી અન્ય અનેક ઘટનાઓ બહુ મોટી વાત ગણાય. પરંતુ, સામાન્ય વ્યક્તિના જીવન માટે કોકાકોલાનું ઉદાહરણ આપે છે. એના દ્વારા શરીરને મળતી સ્ફૂર્તિ અને શક્તિનાં કેવાં ગુણગાન ગવાય છે! વાસ્તવમાં એ પીણું એવી કોઈ ઊર્જા આપે છે ખરું એ વિચારવા જેવું છે. ભ્રમ પેદા કરી, સત્ય પ્રસ્તુત કરવાની વાત પહેલેથી ચાલતી આવે છે પણ આજના વૈવિધ્યસભર સમૂહ માધ્યમોના મંચને કારણે તો જાણે વકરી છે અને મનુષ્યને ગેરમાર્ગે દોરે છે. કોરોના વિષે પણ આપણે કેટલી ભ્રામક વાતો સાંભળી છે એનો સહુને અનુભવ થયો જ છે.

આજે કોરોના સંદર્ભે પણ કેટકેટલી જુદી જુદી કહાણીઓ વહેતી કરીને વિશ્વના દેશો એને ગૂંચવી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. હમણાં જ થોડાં સમય પર જ તેમણે લખેલા લેખમાં પણ 21 LESSONS….ને પૂરક બનતા વિચારો થકી વર્તમાન પરિસ્થિતિનું સુંદર આકલન કર્યું છે. DATA REVOLUTION સાથે એને સાંકળતાં તેઓ કહે છે કે BIOMETRICK SERVELENCEના ઉપયોગથી દરેક નાગરિક પર દેખરેખ રાખી શકાય છે. અત્યારે ચીન, કેમેરાથી ચહેરો ઓળખવાની ટેકનીકના ઉપયોગથી શરીરનું તાપમાન અને મેડિકલ સ્થિતિની માહિતી મેળવીને ઝડપથી ચેપગ્રસ્તોની ઓળખ મેળવી રહ્યું છે. ભવિષ્યમાં આ જ ટેકનીક તમે જે કંઈ જુઓ છો તેને આધારે તમારા શરીર પર થતી અસરને કારણે આંતરિક ભાવોમાં થતાં પરિવર્તનને પકડી વ્યક્તિત્વને સમજી શકે અને પછી વ્યાપક રીતે સમાજમાં ચાલતી ક્રિયાપ્રક્રિયાને પણ જાણી શકે. આમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય સામે મોટો ભય ઝળુંબે છે. ખરેખર તો નવી ટેકનીકનો ઉપયોગ વ્યક્તિને શક્તિશાળી બનાવવા થવો જોઈએ. આમ સ્વાતંત્ર્ય કે આરોગ્ય આ પ્રશ્ન પણ રહે છે. BIOMETRICK SERVELENCE એ કાયમની ઘટના ન બનવી જોઈએ એવું મંતવ્ય તેઓ આપે છે. બીજી બાબત તેઓ કહે છે રાષ્ટ્રીય અલગતાવાદ અને વૈશ્વિક એકજૂથતા વચ્ચે પસંદગી કરવાનો આ સમય છે. અરસપરસ માહિતીનું આદાનપ્રદાન થવું જોઈએ. વિનમ્રતાથી સલાહ પણ માગવી અને આપવી પડશે. મહામારી સામે લડવાનો આ ઉપાય છે. (પણ જ્યાં આપણા દેશમાં જ સહુ એકજુટ થવા તૈયાર નથી, બધાને પોતે કહે એમ જ થવું જોઈએ એવો આગ્રહ છે ત્યાં વૈશ્વિક એકતા ક્યાંથી આવે?)

21 LESSONS ના અંતિમ બોધસૂત્ર RESIELENCE (લચીલું – સ્થિતિસ્થાપક) માં જીવનનો મર્મ -અર્થ, શિક્ષણ અને ધ્યાન જેવા મુદ્દા સાથે એક ગંભીર મંથન આપ્યું છે. અને છેલ્લે મનુષ્ય જીવન માટે શિખર સમાં સ્વાનુભવને આધારે ધ્યાન તરફ વળવા સૂચવી, આ અને આવનારી સદીઓની ગૂંચવણો, સમસ્યાઓનો જાણે કે સર્વકાલીન ઉકેલ આપી દે છે. ડૉ. હરારી પોતે અપનાવેલી ધ્યાન પદ્ધતિની વાત કરે છે પણ દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર એ માર્ગ પસંદ કરી શકે. દરેક મનુષ્ય તટસ્થ દૃષ્ટા બનીને મનને જુએ, એની સાથે વહે નહીં એવા પ્રયત્નમાં જોડાય તો સૃષ્ટિ, સૌન્દર્યના શિખર પર પહોંચે. મૂળ વાત મનને ‘જોવાની’ સમજવાની છે.

આજે કોરોનાની મહામારીનો ઉકેલ પણ એમાં જ ક્યાંક નથી જણાતો?


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.