સમયચક્ર : ભારતમાં સીનેમાનું આગમન, એક અકસ્માત !

સામાન્ય રીતે નેતા અને અભિનેતાઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ નેતા કરતા અભિનેતાઓને જોવાનો તેની નજીક જવાની ઈચ્છા મોટાભાગના લોકોને રહે છે. સીનેમાના કાલ્પનિક જગતના વાસ્તવિક માણસ વિશે એક કૂતુહલ રહેતું હોય છે. એટલે જ ફિલ્મી સિતારા જાહેરમાં આવે છે ત્યારે તેમને જોવા લોકો ટોળે વળે છે. ભારતનું બોલીવૂડ નામે ઓળખાતું સીનેમા જગત આજે બહુ જ ચર્ચામાં છે. પરંતુ જો એક વિમાન ખોટકાયું ન હોત તો ભારતમાં સીનેમાએ કદાચ મોડો પ્રવેશ કર્યો હોત. બોલીવૂડ ફિલ્મોની સંખ્યા બાબતે આગળ છે. પરંતુ હજુ તે પરંપરાને વળગી રહ્યું છે. બીનજરુરી ગીતો અને લંબાણને કારણે ભારતીય ફિલ્મો વાસ્તવિકતાથી જરા દૂર રહી જાય છે. ૧૮ મેના રોજ ભારતીય સીનેમા જગતે ૧૧૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

માવજી મહેશ્વરી

જ્યારથી કેમેરા દ્વારા હાલતા ચાલતા દ્શ્યો લેવાનું શરુ થયું તે પછી જલદી પશ્ચિમના સર્જક મગજના લોકોને વિચાર આવ્યો કે શા માટે કોઈ સળંગ ઘટના ન બતાવવી ? શરુઆત પ્રાણીઓની નાની ફિલ્મો દ્વારા થઈ. એ વખતે કેમેરા પ્રારંભિક અવસ્થાના હતા. ઉપરાંત ફિલ્મો ધ્વનિ રહિત હતી. છતાં કોઈ વ્યક્તિને હાલતો ચાલતો જોવો એક આશ્ચર્ય ચકિત કરી દેનારી ઘટના હતી. એટલે આ નવી ચીજ તરફ લોકો ઉતેજીત હતા. એ અરસામાં ભારતમાં એક આકસ્મિક ઘટના બની. લુમિયર બ્રધર્સ નામે જાણીતા ચાલતી છબીઓ બનાવનાર સહસિકોએ બનાવેલી છ ફિલ્મો ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી. તેમણે પોતાના એજન્ટ દ્વારા છ ફિલ્મોનું પેકેજ રવાના કર્યું. તેમનો એજન્ટ મોરીસ સેસ્ટીયરને મુંબઈ આવ્યો ત્યારે ખબર પડી કે ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઈટ ખરાબીને કારણે રદ થઈ છે અને હવે તેણે ફરજિયાત મુંબઈ ચારેક દિવસ રોકાણ કરવું પડશે. મોરીસ કોલાબામાં આવેલી અને હાલે નેવીની ઓફિસ તરીકે ઓળખાતી વૉટસન હોટેલમાં રૂમ બુક કરાવી રોકાઈ ગયો. અહીં તેણે આમ તો ઓસ્ટ્રેલિયા જવાની ફ્લાઈટ ન મળે ત્યાં સુધી કશું કરવાનું ન હતું. તેના સક્રિય દિમાગમાં એક વિચાર ઝબક્યો. મોરીસે વિચાર્યું કે જે કામ ઓસ્ટ્રેલિયા જઈને કરવાનું છે તે અહીં મુંબઈમાં શા માટે ન કરવું ? મોરીસનો આ વિચાર ભારતીય સીનેમા ઉદ્યોગ માટે બીજરૂપ હતું જે પછીથી સમજાયું.

૬ જુલાઈ ૧૮૮૬ના રોજ મોરીસ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ઓફિસે ગયો અને તેણે બીજા દિવસ માટે એક જાહેર ખબર નોંધાવી. ‘દુનિયા કા અજુબા ‘ નામની એ જાહેરાત વાંચીને બીજા દિવસે મુંબઈના ખૂણે ખૂણેથી લોકોના ટોળા વૉટસન હોટેલમાં ઉમટી પડ્યા. ૧ રુપિયાની ટીકીટથી લગભગ ૨૦૦ પ્રેક્ષકોએ ૭ જુલાઈ ૧૮૮૬ના રોજ લુમિયર બ્રધર્સની ફિલ્મો જોઈ. જેને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ “miracle of the century” ના મથાળા સાથે સમાચાર છાપ્યા. આમ એક વિમાનનું ઊડવું રદ થવાથી ભારતમાં ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. ભારતમાં રજુ થનારી પહેલી છ ફિલ્મોના નામ આ પ્રમાણે હતા. એન્ટ્રી ઓફ સીને મેટોગ્રાફ, ધ સી બાથ, એરાઈવલ ઓફ એ ટ્રૈન, એ ડીમોલિશન, લેડીઝ અને સોલ્જર્સ ઓન વ્હીલ્સ, અને લીવીંગ ધ ફેક્ટરી. ભારતમાં સીનેમાના આગમન અને પ્રદર્શન સંદર્ભે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમીક્ષકે પોતાના વર્તમાનપત્રમાં લખ્યું હતું કે – એક શક્તિશાળી લાલટેન દ્વારા વાસ્તવિક જીવન સાથે મળતા આવતા ઘણાં બધા દશ્યો પરદા ઉપર બતાવવામાં આવ્યા. એક મિનિટમાં લગભગ સાતસો થી આઠસો છાયાચિત્ર પરદા ઉપર બતાવવામાં આવ્યા. જે પ્રેક્ષકોને બહુ જ ગમ્યા છે. વૉટસન હોટેલમાં ૭થી ૧૩ જુલાઈ ૧૮૮૬ સુધી લગાતાર ફિલ્મોના શો ચાલતા રહ્યા. ૧૪ જુલાઈથી તે ફિલ્મોને નોવેલ્ટી થિયેટરમાં બતાવવાનું શરુ કરાયું. જે ૧૫ ઓગસ્ટ સુધી સળંગ ચાલતી રહી. આમ ભારતમાં સીનેમાનું આગમન અકસ્માતે થયું છે.

વૉટસન હોટેલમાં ફિલ્મો જોવા આવનારામાં મુંબઈના ખ્યાતનામ છબીકાર હરિશચંદ્ર સખારામ ભાટવડેકર પણ હતા. લુમિયર બ્રધર્સની ફિલ્મો જોઈ તેમને વિચાર આવ્યો કે શા માટે મુંબઈમાં સ્વદેશી ફિલ્મો બનાવીને તેનું પ્રદર્શન ન કરી શકાય ? ભાટવડેકર પોતાનો ફોટો સ્ટુડિઓ ચલાવતા હતા. સાવેદાદાના નામથી જાણીતા ભાટવડેકરે ૧૮૯૮માં લુમિયર સિનેમેટોગ્રાફ ૨૧ ગીની મોકલીને મગાવ્યું. તેમણે મુંબઈના હેંગીગ ગાર્ડનામાં એક કુસ્તીનું આયોજન કરી તેના ઉપર એક લઘુ ફિલ્મ બનાવી. જેનું નામ હતું ધ રેસલર્સ. તેમની બીજી ફિલ્મ સર્કસમાં કામ કરતા વાંદરાઓની તાલીમ આધારીત હતી. આ બન્ને ફિલ્મો તેમણે ડેવલપીંગ માટે લંડન મોકલી. ૧૮૮૯ના રોજ તેમની બન્ને ફિલ્મો વિદેશી ફિલ્મોની સાથે પ્રદર્શિત થઈ. આમ સાવેદાદા પહેલા ભારતીય હતા જેમણે પોતાની છબીકલા અને કૌશલ્યથી ભારતીય લઘુ ફિલ્મ બનાવી. શ્રી ભાટવડેકર ભારતના ફિલ્મ ઉદ્યોગના પ્રથમ નિર્માતા, નિર્દેશક અને રજુકર્તા ગણાય છે. ભાટવડેકર દ્વારા બીજી ઘટના પણ અનાયાસે ઘટી. ભાટવડેકરને ખબર નહોતી કે તેઓ ઈતિહાસનું પહેલું પ્રકરણ લખી રહ્યા છે. જેમા આગળ જતાં અનેક પ્રકરણો ઉમેરાવાના છે એટલું જ નહીં ભાવિના ગર્ભમાં રહેલો ઈતિહાસ તેમની પાછળ પાછળ ચાલવાનો છે. સન ૧૯૦૧ના રોજ ર. પુ. પરાંજપે નામનો એક હોનહાર ભારતીય વિદ્યાર્થી કેમ્બ્રિજ યુનિવર્સીટીમાંથી ગણિતમાં સૌથી વધુ ગુણ લઈ પરત ભારત આવનાર હતો. મુંબઈ બંદર ઉપર તેના સ્વાગત માટે સેંકડો લોકો પહોંચ્યા હતા. ભાટવડેકરે આ વિરલ ઘટનાને પોતાના મૂવી કેમેરામાં કેદ કરી લીધી. તેમની આ ફિલ્મ્ને ભારતીય સમાચાર ઈતિહાસમાં પહેલા સમાચાર ચિત્ર માનવામાં આવે છે. ભારતમાં આયોજિત એડવર્ડ સાતમાના રાજ્યાભિષેકના સંદર્ભે ભારતમાં તેમના સ્વાગત સમારોહનો કાર્યક્રમ પણ ૧૯૦૩માં ભાટવડેકરે શૂટ કર્યો હતો.

ભાટવડેકરના પ્રયત્નો પછી ભારતમાં ફિલ્મો બનાવવાના કાયદેસરના પ્રયત્નો થયા. જેમા મોશન પીક્ચર્સ દ્વારા કલકતા અને ચેન્નઈમાં ફિલ્મો બનાવવાનું શરુ થયું. તે વખતે ફિલ્મોમાં કોઈ જાતનો અવાજ ઉમેરી શકાતો નહીં. એ મૂંગી ફિલ્મોનો ગાળો હતો. ભારતમાં પહેલી કથા આધારિત પહેલી ફિલ્મ ૧૮ મે ૧૯૧૨ના રોજ રજુ થઈ. શ્રી પુંડરિક નામની એ ભારતની પહેલી મૂક ફિલ્મ હતી. તે પછી એક વર્ષના ગાળામાં પૂરી લંબાઈની ફિલ્મ દાદા સાહેબ ફાલકેએ બનાવી. ૧૯૧૩માં રજુ થનાર એ ફિલ્મનું નામ રાજા હરિશ્ચંદ્ર હતું. ભારતીય ફિલ્મ જગતના પિતામહ ગણાતા દાદા સાહેબ ફાલકેએ જ વ્યાપારી ફિલ્મની શરુઆત કરી. ૧૯૧૨થી શરુ થયેલી ભારતીય ફિલ્મોની કથા આગળ વધે તે દરમિયાન વિશ્વમાં આ ક્ષેત્રમાં અનેક પરિવર્તનો આવ્યા. વિશ્વના ટેક્નિશિયન એ વિષય ઉપર સતત મથતા હતા કે ફિલ્મના રીલમાં અવાજ કેવી રીતે ઉમેરી શકાય. વિશ્વમાં ફિલ્મોનો જાદૂ છવાતો જતો હતો. ફિલ્મ ક્ષેત્રે સંશોધન થતા હતા અને એવામાં એમને એક રસ્તો મળ્યો. ફિલ્મ ધ જાજ સીંગરમાં કેટલાક ગીતોમાં અવાજ નાખવાનો નિર્દેશકને વિચાર આવ્યો. પણ ફિલ્મ્ના મુખ્ય અભિનેતા ઑલ જોનસને પોતાના કેટલાક સંવાદો ફિલ્મોમાં નાખવાનું કહ્યું. સેમ વોર્નરે સંવાદો ઉમેરવા ભાર આપ્યો. સંવાદ ઉમેરાયા. ૬ ઓક્ટોબર ૧૯૨૭ના રોજ ફિલ્મ થિયેટરમાં રજુ થઈ કે પ્રેક્ષકોએ ચિચિયારીઓ પાડી. તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઊઠ્યો. બોલતી ફિલ્મના ઈતિહાસનો પહેલો સંવાદ આ પ્રકારનો હતો. વેઇટ અ મિનીટ, વેઇટ અ મિનિટ. યુ એન્ટ હર્ડ નથીંગ યટ આ ફિલ્મના નિર્માતા ડોરીલને ઓનરરી ઓસ્કાર પણ અપાયો હતો. બોલતી ફિલ્મની ક્રાંતિ પછી ધ જાજ સીંગરની રીમેક પણ બની હતી. ભારતમાં પહેલી બોલતી ફિલ્મ આલમઆરા ૧૪ માર્ચ ૧૯૩૧ના રોજ રજુ થઈ. નિર્દેશક અરદેશર ઈરાનીની આ ફિલ્મ મુંબઈમાં રજુ થઈ ત્યારે લોકોની ભીડને કાબૂ કરવા પોલીસની વધુ કૂમક બોલાવવી પડી હતી. ભારતીય ફિલ્મ જગતની અને હિન્દી ભાષાની પહેલી બોલતી ફિલ્મ આલમઆરાએ નવા યુગના મંડાણ કર્યા. જેનો જાદૂ હજુ ઓસર્યો નથી. આલમઆરાનો અર્થ વિશ્વનો પ્રકાશ એવો થાય છે. આ ફિલ્મે ભારતીય ફિલ્મ જગતને અજવાળી દીધું જે દિન પ્રતિદિન બહુ આયામી પ્રકાશ પાથરી રહ્યું છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

1 thought on “સમયચક્ર : ભારતમાં સીનેમાનું આગમન, એક અકસ્માત !

  1. ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ર્ટ્રીમાં દક્ષિણ ભારત કરતાં ઘણું જ પાછળ છે.કેમ?
    ગુજરાતના સારા એક્ટરો પણ હિન્દી ફિલ્મોમાં જોડાઈ જાયછે. કેમ ?
    અરે! ગુજરાતી કવિઓ પણ જુનાં કાવ્યોની જેમ ગાઈ શકાય તેવાં કાવ્યો રચી શકતા નથી.

    ભારત કે લિએ આવશ્યક શિક્ષા નીતિ:
    યદિ ભારત મેં અંગ્રેજી શિક્ષા બેહતર હૈ તો સભી ક્ષેત્રીય ભાષાઓં મેં અંગ્રેજી પાઠ્યક્રમ કા અનુવાદ ક્યોં ન કરેં ઔર સભી કો સમાન શિક્ષા / સૂચના પ્રદાન ક્યોં ન કરેં? ક્યા લોગ વેબસાઇટ પર સભી ક્ષેત્રીય ભાષાઓં મેં પી.એમ. કે મન કી બાત નહીં પઢ઼તે હૈં? ક્યા વે સભી ભારતીય ભાષાઓં મેં બાઇબલ નહીં સિખાતે? સંસ્કૃત કે વિદ્વાન અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે અંગ્રેજી મેં પશ્ચિમી લોગોં કો વૈદિક જ્ઞાન પ્રદાન કરતે હૈં લેકિન ભારતિય લિપિયોં મેં ભારતીયોં કે લિએ વૈસા નહીં કરતે હૈ.ક્યોં? ગુજ઼રાત ને મહાન રાજનીતિક નેતાઓં કે સાથ-સાથ રાષ્ટ્ર કો સરલ ગુજનાગરી લિપિ ભી દી હૈ ઔર ફિર ભી હિંદી કો એક જટિલ પ્રિંટિંગ ઇન્ક વેસ્ટિંગ સ્ક્રિપ્ટ મેં પઢ઼ાયા જાતા હૈ. ક્યોં?

Leave a Reply

Your email address will not be published.