(ગયા સપ્તાહે અહિં રજુ થયેલી આ લેખની પશ્ચાદભુ પછીનો બીજો અને અંતિમ હપ્તો).
આજે જ્યારે લૉકડાઉનને કારણે તમામ હોટેલોને તાળાં વાગી ગયાં છે ત્યારે લગભગ એક સૈકા અગાઉ પ્રખર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મુકેલી એક હોટેલની વાત.
–રજનીકુમાર પંડ્યા
“હે ઈશ્વર !” એમણે એક નિઃસાસો નાખીને આ ઉદગાર કાઢ્યો.
આમ તો ડોક્ટર હિરાલાલ થોડી ફિલ્મોના નિર્માતા હતા, પણ એમની બ્રીટીશ સલ્તનત ખિલાફની ફિલ્મ ‘ગૌહરજાન ઉર્ફે દેશસેવિકા’ પર ખફા થઇને બ્રિટીશ સરકારે 1931થી જ એમને ફિલ્મો બનાવવા પર પાબંદી ફરમાવી દીધી હતી. આમ ફિલમોના મેદાનમાંથી હદપાર કરાયેલા એવા એ મુંબઈની હવે ગજવાને પરવડે એવી એક સામાન્ય ગણાતી હોટેલમાં સાંજના સમયે એક નિઃસાસો નાખીને કોઇ પોકારની જેમ ’હે ઈશ્વર’ બોલ્યા. ત્યાં એ કોઇ વચનસિધ્ધ મહાત્મા હોય એમ રેસ્ટોરાંના સામેના દરવાજેથી એક સાથે બે ઈશ્વરોનો એમને સાક્ષાત્કાર થયો. એમાંથી એક ઈશ્વરલાલ પટ્ટણી અને બીજા ઈશ્વરલાલ મહેતા. એક તો પાટણમાં વીતાવેલી પોતાની બાલ્યવયનો ગોઠિયો અને બીજો તે ફિલ્મી પરાક્રમોમાં થતાં થઇ ગયેલો મિત્ર. જો કે, આજે હવે એ બીજા ઈશ્વરને ઓળખાવવા હોય તો અવિનાશ વ્યાસના સગા મામા ઈશ્વરલાલ મહેતા તરીકે ઓળખાવવા પડે.
નજર સામે પ્રગટ થયેલા બબ્બે ઈશ્વરોને જોઈને હિરાલાલ ડોક્ટરે એમને પૂછ્યું : ”હે ઇશ્વરો, હવે આપ આવી જ ગયા છો તો હવે કહો કે હવે શું ધંધો કરીશું?’ પછી બોલ્યા: ‘કંઇક તો કરવું પડશે ને ? બાકી રોટલા કેમના નીકળશે?’
ઈશ્વરલાલ પટ્ટણીના નાકમાં ઘરના રોટલાને બદલે હોટેલના રસોડામાં તળાતા કાંદાનાં ભજિયાની તીવ્ર વાસ આવી. બીજા ઈશ્વરલાલના કાનમાં તો ક્યારનોય હોટલિયો શોરબકોર ક્ષુધાને પ્રદિપ્ત કરી રહ્યો હતો. જ્યારે હિરાલાલને શક્કરપારાની લાલસા થઇ આવી હતી કે જે અહીં મળતા નહોતા. આવી પ્રખ્યાત છતાં ગંદી હોટેલના ઘોંઘાટમાં કોઇને એકબીજાને કાને પડ્યું સંભળાતું જ નહોતું.
“ચાલો, બીજે ક્યાંક જઈએ.”
ત્રણે ઊઠીને ચાલતાં ચાલતાં ભૂલેશ્વરની ‘માધવાશ્રમ હોટેલ’માં આવ્યા. આ કોઈ મરાઠાની હોટેલ હતી. સારી હતી. સ્વચ્છ, ખુલ્લી, ફૂલઝાડનાં કુંડા ગોઠવેલી. માગેલું તમામ મળ્યું. શક્કરપારા, કાંદાના ભજીયાં અને સૂકી ભાજી પણ. આરોગતાં આરોગતાં ત્રણેએ ગહન ચિંતન કર્યું કે આજે છાપામાં આવેલી એક જાહેરખબરના અનુસંધાને મુંબઈની હાઈકોર્ટના રિસિવર પાસે જઈએ. એ રિસીવર પાસે કોઈ ફડચામાં ગયેલી ફિલ્મ કંપનીના બેલ એન્ડ હોવેલના કેમેરા વેચાઉ હતા. રિસિવર હતા ચિનાઈસાહેબ. એમની વગથી કામ પતે એમ હતું. કારણ કે એમના હેડક્લાર્ક મિસ્તર પાયઘોડાવાલા વળી હિરાલાલ ડોક્ટરના જરીતરી ઓળખીતા હતા.
પાયઘોડાવાલાને બીજે જ દિવસે મળ્યા. તો એ એમને ચિનાઈસાહેબ પાસે જ લઈ ગયા. મોટે ઉપાડે ડોક્ટર એમને કેમેરાની વાત કરવા ગયા ત્યાં એમના મોં પર જ એ પારસી ગૃહસ્થે ચોડ્યું : “આંય ડીકરી, હું બધું જ તારા સંબંધે જાનું છેઉં. સરકાર નામદારે તુને ફિલ્મ ઉતારવાની મના કિઢેલી ચ. પન ટુ યંગ મેન છેય. અને તાકાદવાલો બી છેવ. સું કામ ફિલમમાં પાછો બરબાદ થવા વિચારે છેય ! કોઈ બીજો હુન્નર વિચાર ની !”
“બીજો હુન્નર (ધંધો) શું વિચારે ? આ તો એમ કે…” ડોક્ટર હિરાલાલ બોલ્યા : “ફિલ્મ પ્રોડ્યુસ કરવાની મનાઈ કરેલી છે. બીજાં ફિલ્મી કામ કરવાની મનાઈ થોડી કરેલી છે ?”
પણ ચિનાઈસાહેબ મનાઈને જ ચીટકી રહ્યા. એ બોલ્યા. “એ ધંધો રહેવા દે. હું તમુને એક સજેશન કરું છેવ…કે…”
સજેશન એટલે કે સૂચનમાં ભૂલેશ્વરમાં જ એક મોટી, ચૌદસો ચોરસ વાર જમીનની વાત હતી. ભૂલેશ્વરનું તળાવ હતું તે મ્યુનિસિપાલિટીએ પૂરી દીધું. જમીન ખુલ્લી કરી. એટલે એના દાવેદાર બે મંદિરો થયા. ઝઘડો જાગ્યો હતો. સરકારે ચિનોઈને જ રિસિવર તરીકે નિમ્યા હતા અને એમને ખાતરી હતી કે ઝઘડો છેક પ્રિવી કાઉન્સિલને આંબવાનો છે. ત્યાં સુધી આ જમીનનો ઉપયોગ આ તરવરિયા જુવાનો કંઈક કરી શકે તો એમનેય લાભ-સરકારનેય ફાયદો.
પણ શું કરવો એ જમીનનો ઉપયોગ ? જોયા વગર નક્કી ન થાય.
બીજે જ દિવસે જોવા ગયા તો આંખો જ ચાર થઈ ગઈ. ભૂલેશ્વરમાં જ્યાં પગ દેવાની જગ્યા ન મળે ત્યાં આવડી મોટી માટીની પણ હકીકતે સોનાની લગડી ?
“શું થઈ શકે આનો ઉપયોગ ?”
સુથારનું મન બાવળિયે હોય એમ હિરાલાલ ડોક્ટર કંઈક નાનકડા ફિલ્મી સ્ટુડિયોની વાત કરવા જતા હતા ત્યાં ઈશ્વરલાલ પટ્ટણીના મનમાં કાલે સાંજે જ અનુભવેલી કાંદાનાં ભજિયાની તીવ્ર ગંધ તાજી થઈ. એ બોલ્યા : “જબરદસ્ત હોટેલ કરવી જોઈએ, હોટેલ…!”
એમના આ ઉચ્ચારણની સાથે જ હિરાલાલ ડોક્ટરના મનના પ્રોજેકટરમાંથી ફિલ્મની પટ્ટી ઠામુકી ઉતરી જ ગઇ. કાલે સાંજે માધવાશ્રમ હોટેલમાં જોયેલાં ફૂલઝાડનાં કુંડા યાદ આવી ગયાં… યેસ, યેસ, હૉટેલ ઉભી કરી દેવી જોઇએ આ જમીન પર અને એ પણ પાછી બાગ-બગીચાવાળી લીલીછમ… જ્યારે જોઈએ ત્યારે શક્કરપારા…. મસાલા ચા….કાંદાના ભજીયાં અને ઘરાકીનો કોલાહલ બધું જ સાગમટે મળે એવી…”
પણ કાર્ય કંઈ કલ્પના જેટલું સરળ નહોતું. જમીન ખાલી નહોતી. એના ઉપર દાતણવાળા, શાકભાજીવાળા, પાનવાળા ‘અઠે દ્વારકા’ કરીને બેસી ગયા હતા. પૂરી દીધેલા તળાવની વચ્ચે જ એક મોટો હડીંબા જેવો થાંભલો હતો. ખાડા ખસે પણ હાડા ન ખસે એવું એ કમઠાણ હતું.
શું કરવું ? આ દબાણવાળાઓને તગેડી કોણ શકે ?
ત્યાં તો ચિનાઈસાહેબ બોલ્યા “તમારો વાઘ જેવો વકીલ દોસ્ત છેલશંકર વ્યાસ જેવો વકીલ છે ની ? એની મદદગારી બી મલશે કે ની ? બાકી હું છેવ… પોલીસખાતાનો બી બંદોબસ્ત કિધો છ તી !”
છેલશંકર વ્યાસ શું નહોતા ? ધરખમ વકીલ….અને આમ પાછા ‘મુંબઇ સમાચાર’ સાથે સંકળાયેલા પત્રકાર પણ ખરા. જબરદસ્ત કરાફાતી માણસ….હા, એ મરદ માણસ સિંહના દાંત પણ પાડી નાખે એવા.
આ ત્રણે જઇને એમને મળ્યા અને પ્રોજેક્ટની વાત એમને કીધી તો એમની દાઢ પણ ડળકી. એમણે શરત મુકી. દબાણના નામે કોઇની એક ખીલી પણ ન રહેવા દઉં. પણ મારે ફી ન જોઇએ.. મને આ ધંધામાં ભાગમાં રાખો. એવું હશે તો વધારામાં પાંચેક હજાર રોકીશ પણ ખરો.
વકીલ મફત મળતો હોય તો આ દરખાસ્ત ખોટી નહોતી, વળી પાંચ હજાર રોકવાના બી છે. બાકીમાં ચાર જણ દોઢ દોઢ હજાર કાઢે તોય બહુ થયું. હિરાલાલ ડોક્ટર અને પટ્ટણી સક્રિય ભાગીદારમાં અને છેલભાઈ અને ઈશ્વરભાઈ મહેતા સ્લીપિંગ પાર્ટનર તરીકે. આમેય પટ્ટણી પાછા વધારામાં શેરબજારનો ધંધો કરી લેતા હતા એટલે એમને તો ‘ફૂરસત હી ફૂરસત’ જેવું હતું.
બધું ધડાધડ પતાવ્યું. રિસિવરનો ચેક પણ આપી દીધો. માસિક પાંચસો ને એક લીઝનું ભાડું અને એક હજાર અનામત તરીકે. અલબત ભાડું ચૂકવી દીધે ક્યાંય ન્યાલ ન થઈ જવાય. જમીન ખાલી કરાવતાં કપાળે પરસેવાના રેલા ઊતર્યા. છેલશંકર વ્યાસના ખોફથી જીવતા માણસો તો પગ કરી ગયા, પણ થાંભલો ?
“થાંભલો રાખવો.” છેલભાઈ વકીલે કહ્યું : “જમીન કંઈ આપણા નામે અખ્યાતી નથી. એ તો કોર્ટમાં સલવાયેલી છે. આને આપણા નામે ‘યાવતચંદ્રદિવાકરૌ’ ન માનશો. એની ઉપર પાકું બાંધકામ ન કરાય…. થાંભલો રાખો અને થાંભલાના આધારે વિશાળ તંબુ તાણો…. દિવાળી નજીક આવે છે. લોકો માનશે કે કાર્નિવલ આવી રહ્યું છે.”
લોકો ખરેખર કાર્નિવલ (મેળો) આવવાનું છે એમ માનીને કુતૂહલના માર્યા જોવા આવતા થઈ ગયા. રાત-દિવસ કામ ચાલતું હતું. તંબુ તૈયાર થઇ ગયો. મોટા ગોળાકારમાં આજુબાજુ લાલ મધરાસીની ઝાલરી અને જે થાંભલો પહેલા સળગતી સમસ્યા જેવો લાગતો હતો તેની ટોચ પર હાઇ પાવરનો વીજળી ગોળો સળગવા માંડ્યો અને એનાથીય ઉપર જબરું લાલ ત્રિશૂળ. ગોળાકારમાં પાટિયાઓની દુકાનો પણ તૈયાર થઈ ગઈ અને જ્યારે જાહેરખબર આપવામાં આવી કે ‘ભાડે આપવાની છે’ ત્યારે મુંબઈગરાઓને ખબર પડી કે અહીં કોઇ કાર્નિવલ નહીં, પણ મુંબઈમાં આજ સુધી ન ખૂલી હોય એવી બગીચાવાળી હોટેલ ખૂલવાની છે.
“બગીચોય આવી ગયો સમજો.” હિરાલાલ ડોક્ટર એમના ભાગીદારોને કહેતા હતા : “વિક્ટોરિયા ગાર્ડનના સુપ્રીન્ટેન્ડન્ટ લેલે આપણા દોસ્ત છે. ઘણી વાર શૂટિંગ કરવા ત્યાં ગયો છું. એમણે માત્ર પાંચ રૂપિયાનું એકના ભાવે મોટાં મોટાં એંસી જેટલાં પામનાં કુંડા આપવાનું કબૂલ કર્યું છે. હવે માત્ર જરૂર છે આપણે આપણી હોટેલની તૈયારી કરવાની અને ફરતી જે પાટિયાની દુકાનો બનાવી છે તે ભાડે આપી દેવાની.”
દિવાળી આવતી હતી એટલે દુકાનો ભાડે લેવા માટેય ભારે ધસારો થયો. પાનવાળાનું પાટિયું એકસો ને પચ્ચીસ માસિક ભાડે ગયું, ને બાકીના પોણાસો પોણોસોમાં. એક પાટિયાવાળાએ રાજી થઈને હોટેલમાં લગાવવા માટે મોટા મોટા દેશનેતાઓની અને કુદરતી દૃશ્યોની તસવીરો પણ ભેટ આપી દીધી. આટલું ઓવારી જવાનું કારણ ?
તો કહે કે એણે કૉંગ્રેસ હાઉસમાં છાનામાંની હિરાલાલ ડોક્ટરની ‘દેશસેવિકા’ ફિલ્મ જોઈ લીધી હતી અને ત્યારથી એ ડોક્ટર પર ઓળઘોળ હતો. ડોક્ટર ફિલમવાળા મટીને હોટેલવાળા થઈ ગયા તોય!
છેલશંકર વ્યાસની સાહિત્યિક રુચિ બહુ ઊંચી હતી. હોટેલનું નામ રાખ્યું ‘સનાતન કુંજવિહાર’. અને ઉદ્ઘાટક તરીકે બોલાવ્યા કનૈયાલાલ મુનશીને. દશેરાના દિવસે સવારે સવા આઠે ઉદ્ઘાટન હતું. મુનશીજી આવ્યા અને ‘સનાતન કુંજવિહાર હોટેલ’નું લાલ પટ્ટી કાપીને ઉદ્ઘાટન કરીને આખી હોટેલમાં ફર્યા. લીલાં ઝાડપાન, લીલાં ટેબલ-ખુરશી અને લીલાં લીલાં સુશોભનો! એ બોલ્યા : ‘એ ફેન્ટાસ્ટિક ગ્રીન ગાર્ડન હોટેલ આઈ હેવ એવર સીન ઈન બોમ્બે.’ પછી એમણે ભાગીદારોને પૂછ્યું : ‘ભાવ પણ ફેન્ટાસ્ટિક જ રાખ્યો હશે ને?’
‘જી ના.’ ઈશ્વરલાલ પટ્ટણી બોલ્યા : ‘બીજી હોટલો જેટલા જ… છતાં વાનગીમાં સૌથી ફેન્ટાસ્ટિક અમે.’
આ જ વાંધો પડ્યો.
હોટેલનો રસોઈયો આ લોકો તેડી લાવ્યા હતા. પિરસણિયા પણ બીજી હોટેલમાંથી. લોકો હકડેઠઠ્ઠ ભરાવા માંડ્યા. બાજુની હોટેલના માલિકો બગાસાં ખાવા માંડ્યા. ધંધો ડૂબી જશે કે શું ? એક-બે સારી હોટેલોવાળા બાકાત રહ્યા, પણ બાકીના બધા ભવાનજીભાઈની સરદારી નીચે એક થઈ ગયા. ભવાનજીભાઈ એટલે બાજુની એક નાની હોટેલનો નામચીન (નામાકિંત નહીં) માલિક.
નામચીનને હંમેશાં નામચીન સાથે સારું ભળે. મલાડનો એક નામચીન સુંદરો બાવો એમના હાથમાં આવી ગયો.
જે દિવસોમાં ગુજરાતી ને અંગ્રેજી અખબારોમાંય આ હોટેલના વારંવાર ઉલ્લેખો અને વખાણ આવતા હતા અને નામી વકીલો અને પત્રકારો રોજ સાંજે એની મુલાકાત લેતા હતા તેવા જ દિવસોમાં એક સાંજે હોટેલના એક લીલા ટેબલ-ખુરશી પરથી એક માણસ ખાતાં ખાતાં ઊભો થઈ ગયો : “અલ્યા એય. આ ઉસળમાં મરેલો વાંદો ખવડાવીને માણસોને મારી નાખવા છે?”
એક વેઈટર અહીંનો જૂનો હતો. એણે ઈશ્વરલાલ પટ્ટણી સામે થડા પર જોયું. ત્યાં એ ઊભા ઊભા લેખક મસ્તફકીર(હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ)સાથે વાતોમાં મશગુલ હતા. તેમણે પણ ચમકીને જોયું. પેલો ‘ઘરાક’ હજુ પણ બૂમાબૂમ કરતો હતો અને હાથમાંનો મરેલો વંદો સૌને બતાવતો હતો.
“અરે શેઠ!” વેઈટર બોલ્યો : “હું લાવ્યો ત્યારે પ્લેટમાં મને દેખાયું નહીં ને તમને દેખાયું ?”
પણ એનું સાંભળે કોણ ?
એકાએક એ માણસ સાથે બીજા ચાર માણસો ઊભા થઈ ગયા. મામલો કદાચ વધુ બીચકે તેમ હતો. પટ્ટણી થડા બહાર નીકળીને સૌને વારવા જતા હતા, પણ મસ્તફકીરે તેમને રોક્યા અને કહ્યું : “તમે ન જાઓ…. તમારા હરીફોએ કોઈ ગુંડાના માણસો મોકલ્યા લાગે છે.”
એમની વાત સાચી હતી. સુંદરા બાવાના માણસો હતા. ઝઘડો કરવા માગતા હતા, પણ થોડા સારા માણસો વચ્ચે પડ્યા. સારી એવી હો હા થઇ પણ અંતે વાત રફેદફે થઈ ગઈ. પણ આ હોટેલ બંધ થઇ જવી જોઇએ એવી એક બુમ ઉઠી હતી તે વાતાવરણમાં સ્થપાઇ ગઇ.
તે જ સાંજે પટ્ટણીએ હિરાલાલ ડોક્ટર અને છેલભાઈને આ વાત કરી. અરે સાહેબ, હોટેલ બંધ કરીએ તો પછી આપણા રોજગારનું શું ?
ડોક્ટરે અને છેલભાઈએ તાત્કાલિક બે કામ કર્યાં.એક તો હોટેલના પાટિયા-ભાડૂતોને પડખામાં લઈ લીધા અને કહ્યું : “માત્ર અમારી જ નહિં, પણ તમારી રોજીરોટીનો પણ સવાલ છે.”
અને બીજું રોજના ગ્રાહક એવા કડકમિજાજી પોલીસ ઈન્સ્પેક્ટર ગોલેસાહેબને વાત કરી : “અમારી રોજીરોટીનો સવાલ છે.”
થોડા દિવસ શાંત પસાર થયા. સવારના ચારથી ફૂલગલી અને તમામ મંદિરો સહિત આખું ભૂલેશ્વર જાગી જતું અને હોટેલ ચાલુ થઈ જતી. રાતના બાર વાગ્યા સુધી. ત્રણ પૈસાની એક કપ ચા અને એક આનાના બટાટાવડા. સાંજે વકરો ત્રાજવેથી તોલવો પડતો.
પણ એક દિવસ હિરાલાલ ડોક્ટર હાજર હતા ત્યાં જ એક ખૂણામાંથી ફરી બૂમ ઊઠી. “પબ્લિકને કરોળિયા ખવડાવો છો?’ એ સાથે જ દાળભાતની પ્લોટો ખખડી. આઠ -દસ ખૂણેથી આઠ-દસ ખૂનખાર મુછાળા ઊભા થયા. એમાં એક તો ખુદ સુંદરો બાવો હતો.
ઝઘડો આયોજિત કરનાર માણસ મનમાં ધારેલી ઝડપે ઝઘડો વિકસાવતો જતો હોય છે. એની ગતિને કોઈ ઓવરટેઈક કરી આગળ નીકળી જાય તો એ માણસ ડઘાઈ જાય. હિરાલાલ વીજળીવેગે ઊભા થયા. છ ફૂટના તો હતા જ. ચાર-પાંચ પઠાણી ગાળો બોલીને સુંદરા બાવાને એક પઠાણી થપ્પડ ઝીંકી દીધી અનેપછી પાટિયા ભાડૂતોએ કામ સંભાળી લીધું. એ લોકોએ એના ભાડૂતી માણસોને જકડી લીધા અને ત્યાં જ પોલીસ ઈન્સ્પેક્ટર ગોલે મોટરસાઈકલ પર આવી પહોંચ્યા અને ગાળો બોલતાં સુંદરા બાવા પર તૂટી જ પડ્યા.
આ બધું એટલી ઝડપથી બની ગયું કે જાણે એક અપશુકનિયાળ છીંક આવીને શમી ગઈ.
વળતે દિવસે સાંજે થોડા મધ્યસ્થી કરનારા આવી પહોંચ્યા. તો વળી “ભાઈસાહેબ, અમે નથી આમાં…”, “અમે નથી આમાં” કરતાં કરતાં ભવાનજીભાઈ અને બીજા કેટલાક હોટેલવાળા આવ્યા. સુંદરા બાવાના સાગરીતો આવ્યા. સમાધાન થયું અને પછી તો હિરાલાલ ડોક્ટરે જ પાંચસોના જામીન દઈને સુંદરાને છોડાવ્યો.
“એ પછી સુંદરો મર્યો ત્યાં લગી અમારો ગુલામ થઈને રહ્યો.” મણિનગરના ઘરડાઘરમાં સત્યાસી વરસની ઉંમરે છેલ્લા દિવસો ગાળતા હિરાલાલ ડોક્ટરે મને પત્રમાં લખ્યું : “પણ અમારાં જ નસીબ અવળાં હતાં. પટ્ટણીએ શેરબજારમાં ખોટ ખાધી. વલણ ન ચૂકવી શક્યા અને નાદાર થયા. એની અસર અમારાં નાણાં પર થઈ. મૂડી આ રીતે પણ અંદર અંદરથી ક્યારનીય અમારી જાણ બહાર ખવાતી જતી હતી. અમે શું કરી શકીએ એને થોડા ઠમઠોરવા સિવાય ? સારી એવી ખોટ ગઈ અને એમાં છેલ્લો ફટકો એ લાગ્યો કે હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો અને જમીન એક મંદિરના કબજામાં ગઈ. બીજા મંદિરે આગળ કાર્યવાહી કરવાનું માંડી વાળ્યું અને અમારે એ જમીન પાછી સોંપવાની થઈ. લેણદારો પણ ડિક્રી લઈને આવતા થઈ ગયા અને અંતે ગમે તેમ કરી બધી પતાવટ કરી અને ‘સનાતન કુંજવિહાર’ બંધ કરી.
મુનશીજીને આ વાત કોઇએ કરી ત્યારે એ બોલ્યા: ‘ચાલો, એક ખાટી મીઠી ફરસી નવલકથાનો અંત આવી ગયો !’⓿
લેખકસંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com
Very interesting real story. Now which temple is there ? If you have update ?
સરસ વર્ણનાત્મક લેખ વાંચવા મળે છે .
અતિશય રસપ્રદ શૈલીમાં કહેવાયેલી એટલી જ રસપ્રદ સત્યકથા.