ફિલ્મસંગીતના નકશીકારો (૩) કિશોર દેસાઈ

પીયૂષ મ. પંડ્યા

[યુવા વયે કિશોર દેસાઈ]

અનેક ફિલ્મી ગીતોમાં બે સાવ અલગ વાદ્યો – મેન્ડોલીન અને સરોદ – વગાડી ચૂકેલા કલાકાર કિશોર દેસાઈનો પરિચય મેળવવાની શરૂઆત એક એવું ગીત સાંભળી ને કરીએ કે જેમાં એમનું મેન્ડોલીનવાદન અનોખો રંગ પૂરી ગયું છે.

કિશોર દેસાઈના જણાવ્યા મુજબ રાહુલદેવ બર્મનના સ્વરનિયોજનમાં તૈયાર થયેલ ફિલ્મ ‘પ્યાર કા મૌસમ(1969)ના આ ગીતનાં બે અલગઅલગ રેકોર્ડીંગ્ઝ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી એક કિશોરકુમારના સ્વરમાં અને એક મહમ્મદ રફીના સ્વરમાં હતું. આ બે પૈકી રફીવાળા ગીતમાં મેન્ડોલીન વાદન વધારે પ્રભાવક છે, જે વગાડવાનું .કિશોરભાઈના ભાગે આવ્યું હતું. અહીં ગીતની શરૂઆતમાં વાગતો પ્રિલ્યુડ માત્ર અને માત્ર મેન્ડોલીનના વાદન થકી જ બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત બન્ને ઈન્ટરલ્યુડ્સમાં પણ મેન્ડોલીનનું પ્રાધાન્ય ઉડીને કાને વળગે એવું છે. આટલું ઓછું હોય એમ સમગ્ર ગીત દરમિયાન કાને પડ્યે રાખતા ઓબ્લિગેટોસમાં પણ આ વાદ્યની કમાલ સાંભળવા મળે છે. કિશોરકુમારવાળા ગીતમાં મેન્ડોલીન લગભગ એવા જ ટૂકડા પ્રસિધ્ધ કલાકાર મનોહારીસિન્હે વગાડ્યા છે., પણ કેટલીક જગ્યાએ ગાયકનું યોડેલીંગ મેદાન મારી જાય છે. અહીં આ સ્પષ્ટતા કરવી એટલા માટે જરૂરી છે કે શકવર્તી ગણાવી શકાય એવા આ ટૂકડા આ બે દિગ્ગજોમાંથી કોણે વગાડ્યા છે એ બાબતે લાંબા સમયથી દ્વીધા પ્રવર્તતી રહી છે. કિશોરભાઈએ સ્વમુખે આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતે રફી વાળા સંસ્કરણમાં મેન્ડોલીન છેડ્યું હોવાની વાત કરી છે. તે ઉપરાંત એમણે પોતાને ઉક્ત ટૂકડાઓ વગાડવા મળ્યા એ બાબતનો ઉલ્લેખ એક કરતાં વધારે કાર્યક્રમોમાં અને રેકોર્ડીંગ્ઝમાં પોતાના સદનસીબ તરીકે કર્યો છે. એ પૈકીની એક ક્લિપ પ્રસ્તુત છે.

આવાં તો અનેક ગીતોમાં આ ઉસ્તાદ કલાકારે પોતાની કળા દર્શાવી છે, પણ તેનો આસ્વાદ લેતાં પહેલાં થોડો પરિચય તેમના અંગત જીવનનો. . . .

મ્યાંમાર-તત્કાલિન બર્મા- ના રંગૂન શહેરમાં પહેલી ઑગસ્ટ,૧૯૩૭ના રોજ જન્મેલા કિશોરભાઈનાં કૌટુંબિક મૂળીયાં ભાવનગરની પડખે આવેલા ચોગઠ નામના એક નાનકડા ગામડામાં મળી આવે છે. એમની પાંચેક વર્ષની ઉમરે કુટુંબીજનોએ રંગૂનથી સ્થળાંતર કરી મુંબઈમાં વસવાટ કર્યો ત્યારથી એ મુંબઈનિવાસી બની રહ્યા છે. નાની ઉમરથી જ એમને સંગીતનો નાદ લાગ્યો હતો અને એમના કુટુંબીજનોએ એમનું એ માટેનું હીર સમયસર પારખી લીધું. બાળવયથી જ તાલિમ શરૂ થઈ ગઈ, જેમાં એ પહેલા પાઠ પ્રોફેસર દેવધરની સંગીતશાળામાં શીખ્યા. એમનો હાર્મોનિયમ અને મેન્ડોલીન માટેનો લગાવ ત્યાં વિકસવા લાગ્યો. આ જોઈને પિતા જવાહર દેસાઈએ કિશોરભાઈને પ્રસિધ્ધ સરોદવાદક ઉસ્તાદ અલીઅકબરખાનના પિતરાઈ ઉસ્તાદ બહાદુરખાન પાસે સરોદ માટેની ગહન તાલીમ લેવા મોકલ્યા. તે ઉપરાંત એમણે આગ્રા ઘરાણાના ખ્યાતનામ જાણકાર એવા ઉસ્તાદ ખાદીમહુસેનખાન પાસે શાસ્ત્રીય સંગીતનો પણ અભ્યાસ ચાલુ રાખ્યો. આ સમગ્ર ઘટનાક્રમનું પરિણામ એ આવ્યું કે કિશોરભાઈને હજી પંદર વર્ષ પૂરાં નહોતાં થયાં એવામાં એ સંગીતકાર શિવદયાળ (એસ.ડી.) બાતીશની નજરે ચડી ગયા. બાતીશ એટલા તો પ્રભાવિત થઈ ગયા કે તે સમયે બની રહેલી ફિલ્મ ‘બહુ બેટી’ (1952)ના ગીત ‘છૂમક છૂમક મોરા ઘૂંઘરવા બાજે’ ના રેકોર્ડીંગમાં કિશોરભાઈને મેન્ડોલીન વગાડવા માટે બોલાવી લીધા. પંદર વર્ષના અને નાજૂક બાંધાના કિશોર( નામથી અને વયથી!)ને ઊંચા સ્ટૂલ ઉપર બેસાડીને એના વાદનનું રેકોર્ડીંગ કરવામાં આવેલું! એ જ અરસામાં કિશોરભાઈને અનિલ બિશ્વાસના સંગીતનિર્દેશનમાં ફિલ્મ ‘હીર’ (1956) માટે વગાડવાનો મોકો પણ મળ્યો. આમ, કિશોરભાઈ નાની ઉમરથી જ યોગ્ય જગ્યાએ અને એ પણ યોગ્ય સમયે હતા, કારણકે ત્યારે હિન્દી ફિલ્મી સંગીતનો સુવર્ણયુગ ચાલી રહ્યો હતો. પહેલા રેકોર્ડીંગમાં વગાડ્યાના ટૂંકા ગાળામાં જ એ ત્યાંના વર્તૂળમાં જાણીતા થઈ ગયા. એક પછી એક સંગીતનિર્દેશકના વાદ્યવૃંદમાં એમનું સ્થાન સુનિશ્ચિત થતું ગયું. એમણે તે સમયના ટોચના સંગીતનિર્દેશકો જેવા કે શંકર-જયકિશન, સી. રામચન્દ્ર, રોશન, સચીનદેવ બર્મન, નૌશાદ વગેરેથી શરૂ કરી, તો તે પછીની પેઢીના ગણાતા લક્ષ્મીકાંત-પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી, રાહુલદેવ બર્મન જેવા સંગીતકારો સાથે પણ કામ કર્યું.

(ડાબી બાજુએ કિશોરભાઈ, ડાબેથી ત્રીજા લક્ષ્મીકાંત,ડાબેથી છઠ્ઠા રાહુલદેવ બર્મન, છેક જમણે પ્યારેલાલ. સાથે અન્ય કલાકાર

બહુ જાણીતા નહીં એવા સંગીતકાર સરદાર મલિક સાથે કિશોરભાઈએ ફિલ્મ ‘સારંગા’ (1960) માટે સહાયક સંગીતનિર્દેશક તરીકે કામ કર્યું. એ ફિલ્મનાં ટાઈટલ્સમાં એ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે.

એ ફિલ્મના મશહૂર ગીત ‘સારંગા તેરી યાદ મેં’નો મુખડો કિશોરભાઈએ સ્વતંત્ર રીતે તૈયાર કર્યો. મલિકને એ પસંદ આવતાં એમણે એ જેમનો તેમ રાખી લીધો. પછી એ ગીતના મુખડા અને પહેલા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડમાં સરદાર મલિક મેન્ડોલીનનો અને વાંસળીનો ઉપયોગ કરવા ઈચ્છતા હતા. પણ કિશોરભાઈએ એ ટૂકડામાં ત્યાં મેન્ડોલીનની જગ્યાએ સરોદનો (1.03) ઉપયોગ કરવાનું સૂચવ્યું. એ સૂચનનો સ્વીકાર થયો અને પરિણામે આ ખુબ જ મધુર ગીતના પહેલા ઈન્ટરલ્યુડમાં સરોદ અને વાંસળીનો સમન્વય માણી શકાય છે. સંગીતકાર મલિકે આનો સમગ્ર યશ કિશોરભાઈને આપ્યો હતો. આ સરોદવાદનથી ગાયક મુકેશ એટલા ખુશ થઈ ગયા કે એમણે કિશોરભાઈને ત્યારે ને ત્યારે રૂપીયા એક હજાર ભેટરૂપે આપ્યા હતા.

https://www.youtube.com/watch?v=oCFV5oY9nsI

પોતાની કારકિર્દીની શરૂઆતથી લઈને આજ દિન સુધી કિશોરભાઈને લતા મંગેશકર સાથે ઘનિષ્ઠ સંબંધ ટકી રહ્યો છે. લતા એમના ઘેર આવતાં. કિશોરભાઈનાં મા અત્યંત દેખાવડાં હતાં એ બાબતને ધ્યાને લઈને લતા એમને ‘ખૂબસૂરત મા કા ખૂબસૂરત બેટા’ તરીકે ઓળખાવતાં.

[યુવા વયે લતા મંગેશકર અને કિશોરભાઈ]

લતા કિશોરભાઈના સંકોચશીલ સ્વભાવથી પરિચિત હતાં, આથી જાહેર કાર્યક્રમ વખતે એમનો ખાસ ખ્યાલ રાખતાં. એક વાર તે કલ્યાણજી-આણંદજી સાથે યોજાયેલા દક્ષીણ આફ્રીકાના પ્રવાસે જઈ રહ્યા હતા. વિમાનમાં સૌને જમવાનું પીરસાયું એની થોડી વાર પછી લતાનું ધ્યાન પડ્યું કે કિશોરભાઈ જમી નહોતા રહ્યા. પૂછતાં ખબર પડી કે પીરસાયેલું ભોજન સામિષ હતું! પોતે શુધ્ધ શાકાહારી હોવાથી કિશોરભાઈએ એ સ્વીકાર્યું નહોતું. આ બાબતે ખિન્ન થયેલાં લતાએ વિમાનનાં કર્મચારીને બોલાવી, કિશોરભાઈ માટે નિરામિષ ભોજનની વ્યવસ્થા કરાવી. એ દરમિયાન અન્યોનું ભોજન પૂરૂં થઈ ગયું હતું. આથી કિશોરભાઈ જમી રહ્યા ત્યાં સુધી લતા એમની પાસે બેસીને વાતો કરતાં રહ્યાં. એ જ રીતે કલકત્તામાં યોજાયેલ એક સંગીતના કાર્યક્રમના રીહર્સલ માટે કિશોરભાઈ મોડા પડ્યા. ત્યારે સલીલ ચૌધરીના નિર્દેશનમાં ફિલ્મ ‘મધુમતી’ના ગીત ‘જુલ્મી સંગ આંખ લડી’ની તૈયારી કરવાની હતી. એ પહોંચ્યા ત્યાં સુધીમાં અન્ય સાજીંદાઓની બેઠક વ્યવસ્થા ખુરશીમાં કે બાંકડા ઉપર ગોઠવાઈ ગઈ હતી. મોડા પડ્યાના ક્ષોભ સહિત કિશોરભાઈ પોતાનું મેન્ડોલીન કાઢીને ભોંય ઉપર બેસી ગયા. રીહર્સલ શરૂ થયું કે કિશોરભાઈએ એ ગીતનો પ્રિલ્યુડ વગાડ્યો. તે સમયે માઈક્રોફોન ઉપર ઉભેલાં લતાનું ધ્યાન પડ્યું કે એ તો નીચે બેઠા હતા! એ જ ક્ષણે લતા એમની પાસે આવીને નીચે બેસી ગયાં. આ જોઈને ખુદ સલીલ ચૌધરી પણ નીચે બેસી ગયા! આ જોઈને થોડી જ વારમાં આયોજકોએ કિશોરભાઈ માટે ખુરશીની વ્યવસ્થા કરાવી દીધી. આ વાતો કહેતાં કિશોરભાઈ ભાવુક થઈ જાય છે કે લતા મંગેશકર જેવાં કલાકાર એમને માટે આટલો સ્નેહ રાખે છે.

જો કે ફિલ્મ માટે રેકોર્ડ થયેલા એ ગીતમાં કિશોરભાઈનું મેન્ડોલીન વાદન નથી. પોતે એ સમયે પ્રવાસમાં હોવાથી આ મધુર ગીતમાં સાથ આપી ન શકાયાનો રંજ હજી એમને છે. એ પછી એ જ ફિલ્મના લતા મંગેશકરના જ કંઠે ગવાયેલા ગીત ‘ઘડી ઘડી મેરા દિલ ધડકે’ના રેકોર્ડીંગ વખતે સલીલ ચૌધરીએ કિશોરભાઈને બોલાવી લીધા હતા. આ ગીત સાંભળીએ. ગીતની શરૂઆતથી લઈ, 0.10 દરમિયાન વાગતા પ્રિલ્યુડમાં માત્ર અને માત્ર મેન્ડોલીનનો જ ઉપયોગ કરાયો છે. તે ઉપરાંત સમગ્ર ગીત દરમિયાન મેન્ડોલીન જાણે ગાયકીનો છૂપી રીતે પીછો કરતું હોય એવા ધીરા અવાજમાં સતત સંભળાયા કરે છે.

ગાયક મહમ્મદ રફી સાથે કિશોરભાઈને અંગત સંબંધ બંધાયો હતો, જે છેવટ સુધી ટકી રહ્યો. રફી સાથે અનેક ગીતોમાં વગાડવાની તક મળી એને કિશોરભાઈ પોતાનું સૌભાગ્ય ગણે છે. એ પૈકીનું ફિલ્મ ‘કાલા બજાર’નું સચીનદેવ બર્મનના સંગીત વડે સજાવાયેલું ગીત એમને માટે યાદગાર બની રહ્યું છે.

[મહમ્મદ રફી સાથે]

કિશોરભાઈના જીવનનો એક યાદગાર પ્રસંગ પંડિત નહેરુની હાજરીમાં દીલ્હી ખાતે ‘એ મેરે વતન કે લોગો’ની રજૂઆત સમયે લતા મંગેશકરની સાથે મેન્ડોલીન ઉપર સંગત કરવા મળી તે છે. સી. રામચન્દ્રનું સંગીતનિર્દેશન, કવિ પ્રદીપના શબ્દો અને લતા મંગેશકરની ગાયકીના સંગમ થકી સર્જાયેલા આ ગીતે ઈતિહાસમાં અમરપટ્ટો લખાવી દીધો છે. એમાં યત્કિંચીત ફાળો આપ્યાનો કિશોરભાઈને સંતોષ છે. યોગાનુયોગે એમની બેઠક એવી જગ્યાએ હતી, જ્યાંથી એ નહેરુને સારી રીતે જોઈ શકતા હતા અને તેઓ ભાવુક થઈ ગયેલા એ કિશોરભાઈએ બરાબર નોંધ્યું હતું.

આ કાર્યક્રમમાં સી.રામચન્દ્રને જરાય ન રૂચે એવી બાબતો ઘટેલી. અહીં એનો ઉલ્લેખ ટાળવો ઉચિત રહેશે. એ પછી રામચન્દ્રને સાંત્વન આપવામાં કવિ પ્રદીપ અને કિશોરભાઈ મુખ્ય હતા. પરિણામે એમનો રામચન્દ્ર સાથેનો સંબંધ એટલો ગાઢ બની રહ્યો કે કિશોરભાઈને સી રામચન્દ્ર સાથે કામ કરવાના મોકા વારંવાર મળતા રહ્યા. રામચન્દ્ર પોતાના જાહેર કાર્યક્રમોમાં અને વિદેશ પ્રવાસોમાં પણ એમને સાથે રાખવાનો આગ્રહ રાખતા. એમની અંતિમ માંદગીની છેલ્લી અવસ્થામાં રામચન્દ્રજી સતત તંદ્રાવસ્થામાં જ રહેતા. ડાક્ટરોના અથાગ પ્રયાસો પછી પણ એ સચેત થતા નહતા. એવામાં એક દિવસ એમની ખબર જોવા કિશોરભાઈ ગયા. બાજુમાં બેઠેલા સ્વજને એમના કાનમાં આ બાબતની જાણ કરી અને યોગાનુયોગ રામચન્દ્રજીએ એ જ સમયે આંખ ખોલી, સ્મિત કર્યું, જે દિવસો પછી એમની ચેતના પાછી ફરી હોવાનો સંકેત હતો.

[સી.રામચન્દ્ર અને કવિ પ્રદીપ સાથે કિશોરભાઈ (વચ્ચે)]

અહીં આપણે ફિલ્મ ‘યાસ્મીન’ (1955)નું સી. રામચન્દ્ર દ્વારા નિયોજિત એક ગીત સાંભળીએ, જેમાં મેન્ડોલીન ઉપર યાદગાર ટૂકડા કિશોરભાઈએ વગાડ્યા છે.

અત્યાર સુધી આપણે માણ્યાં એ બધાં ગીતો કિશોરભાઈની યુવાનીના કાળમાં સર્જાયાં હતાં. અત્યારે તો એ ઉમરના નવમા દાયકામાં પહોંચ્યા છે. સમયે એમના શરીર પાસેથી પોતાનું દાપું વસૂલ કરી લીધું છે.

પણ, એમના કસબ ઉપર અને એમની ઝીંદાદિલી ઉપર સમયની કોઈ જ અસર જણાતી નથી. હજી બે જ વર્ષ પહેલાં ( માર્ચ, 2018માં ) અમદાવાદની ‘ગ્રામોફોન ક્લબ’ના એક કાર્યક્રમમાં કિશોરભાઈએ આ બાબતની પ્રતીતિ કરાવી હતી. ત્રણ કલાકથી વધુ સમય સ્ટેજ ઉપર બેસી, શ્રોતાઓ સાથે પોતાની વાતો વહેંચી અને પોતે ફિલ્મી સંગીતની દુનિયામાં મેળવેલા અનુભવોની લ્હાણી કરી. તે ઉપરાંત કેટલાંયે લોકપ્રિય ગીતો વગાડી સંભળાવ્યાં અને પૂરવાર કર્યું કે એમના કાંડાનો અને આંગળીઓનો જાદૂ હજી જેમનો તેમ બરકરાર છે. એ પૈકીનાં ત્રણ ગીતો સાંભળીએ. એમની સાથે વગાડી રહેલી યુવતી ઐશ્વર્યા પગારે છે, જે છેલ્લાં થોડાં વર્ષોથી કિશોરભાઈ પાસે તાલિમ લઈ રહી છે. પહેલાં સાંભળીએ ફિલ્મ ‘ચોરીચોરી’ (1956)નું એક પ્રસિધ્ધ યુગલગીત. આ ગીતમાં સમાવિષ્ટ સમગ્ર સંગીતની અસર કિશોરભાઈ અને એમની સક્ષમ શિષ્યા આપણી સમક્ષ ઉભી કરી દે છે. પ્રસ્તુત છે એ વિડીઓ ક્લિપ.

એ જ કાર્યક્રમની બીજી વીડિઓ ક્લિપમાં ફિલ્મ ‘ચોરીચોરી’નું અન્ય લોકપ્રિય ગીત ‘આજા સનમ’ સાંભળીએ.

હજી એક વધારે ગીત સાંભળીએ. ફિલ્મ ‘દાગ’ (1952)ના આ ગીતના અંતરા દરમિયાન વાગેલા કાઉન્ટર્સ ઉપર સંગીતપ્રેમીઓ પાગલ છે. મૂળ ગીતમાં વિસ્તસ્પ બલસારા નામના ખ્યાતનામ કલાકારે એ ટૂકડાઓ હાર્મોનીયમ ઉપર વગાડ્યા છે. અહીં સાંભળવા મળતા વાદનની નોંધપાત્ર બાબત એ છે કે એ કાઉન્ટર્સ થોડા ફેરફાર સહિત કિશોરભાઈ મેન્ડોલીન ઉપર વગાડતા સાંભળી શકાય છે. આ ત્રણેય ક્લિપ્સમાં કિશોરભાઈના કોટના ડાબા કૉલર પાસે એક બિલ્લો લગાડેલો જોઈ શકાય છે. એ એમના વિશિષ્ટ પ્રદાન માટે તત્કાલિન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના હસ્તે અર્પણ કરાયેલો છે.

હવે પછીની ક્લિપમાં કિશોરભાઈ ફિલ્મ ‘પરખ’ (1960)નું ગીત ‘ઓ સજના બરખા બહાર આયી’ વગાડતા માણી શકાશે.

ફિલ્મ ‘છલીયા’(1960)ના ગીત ‘ડમ ડમ ડીગા ડીગા’માં કિશોરભાઈએ વગાડેલા મેન્ડોલીનના ટૂકડાઓ ઉપર રાજ કપૂર ખુશ ખુશ થઈ ગયા હતા. પ્રસ્તુત ક્લિપમાં કલ્યાણજી-આણંદજી દ્વારા સ્વરનિયોજિત એ ગીત વગાડતા કિશોરભાઈ સાંભળી શકાય છે.

સરદાર મલિકની પછી કિશોરભાઈએ તેમના દીકરા અનુ મલિક સાથે પણ કામ કર્યું છે. અનુ મલિક દ્વારા તૈયાર કરાયેલા ફિલ્મ ‘બોર્ડર’ (1997)ના લોકપ્રિય ગીત વિશે કિશોરભાઈના મુખે માહીતિ મેળવીએ અને સાથે એમણે છેડેલું એ ગીત માણીએ.

એમની સાંહિઠ વર્ષથી પણ લાંબી કારકિર્દીમાં કિશોરભાઈએ સજ્જાદ હુસૈન અને ઓ.પી. નૈયરને છોડીને લગભગ બધા જ સંગીતકારો સાથે વગાડ્યું છે. કેટલીક ફિલ્મો માટે સરદાર મલિક અને સી.રામચન્દ્ર સાથે સહાયક સંગીતકારની અને એરેન્જરની ભૂમિકા પણ નિભાવી છે. એમને સ્વતંત્ર સંગીત નિર્દેશન આપવા માટે ત્રણ વાર મોકા મળ્યા હતા. એ પૈકીની બે ફિલ્મોનાં નામ હજી એમને યાદ છે….’ઉમર ખય્યામ’ અને જીંદગી કી રાહેં’. પણ એ ત્રણેય ફિલ્મો કોઈક કારણોસર રજૂઆત પામી જ નહીં. જો કે એમના સંગીતમાં શિવકુમાર સરોજ દ્વારા લખાયેલું અને મુકેશનું ગાયેલું એક ગેરફિલ્મી ગીત એક જમાનામાં ખુબ જ લોકપ્રિય બનેલું. આપણે એ ગીત માણીએ.

કિશોરભાઈની કળા અને કળાપ્રેમ જોતાં લાગે કે આ કલાકાર એવા શાપિત ગાંધર્વોમાંના એક છે, જે આપણા યુગમાં ધરતી ઉપર ઉતરી આવ્યા છે. એમણે આપણને તરબતર કરી મૂકે એવું ઘણું કામ કર્યું છે અને એમાંનું મોટા ભાગનું મુદ્રીત અવસ્થામાં આપણી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે એ આપણું સદનસીબ છે. અંતમાં એ ઉમદાદિલ કલાકાર સાથે આ લખનારને સાડાત્રણ કલાકથી વધુ સમય ગાળવા મળ્યો છે એનો ઉલ્લેખ કરવાનો અને છૂટા પડતી વેળાએ એમની પ્રેમાળ ચેષ્ટાનો તસવીરી પૂરાવો વહેંચવાનો લોભ રોકી નથી શકાતો.

[કિશોરભઈ (ડાબે) અને લેખક પિયુષભાઈ (જમણે) ઉષ્માભર્યો મિલાપ]

કિશોર દેસાઈનું મેન્ડોલીન/સરોદ વાદન હોય એવાં અનેક ગીતો છે. એ પૈકીનાં કેટલાંક ચુનંદાં ગીતોની આ યાદી છે. રસ ધરાવનારાઓ યુ ટ્યુબ ઉપર સાંભળી શકશે.

યે મેરા દીવાનાપન હૈ’, (મેન્ડોલીન) ફિલ્મ ‘યહૂદી’ (1958).

એ ગુલબદન”, (મેન્ડોલીન) ફિલ્મ ‘પ્રોફેસર’ (1962).

તેરી પ્યારી પ્યારી સુરત’, (મેન્ડોલીન) ફિલ્મ ‘સસુરાલ’ (1961).

અપની તો હર આહ એક તૂફાન હૈ’, (મેન્ડોલીન) ફિલ્મ ‘કાલા બાજાર’ (1960).

જાદુગર સૈંયા છોડો મોરી બૈયાં’, (મેન્ડોલીન) ફિલ્મ ‘નાગીન’ (1954).

છોડો કલ કી બાતેં’, (મેન્ડોલીન) ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’ (1960).

નૈન મીલે ચૈન કહાં’, (મેન્ડોલીન) ફિલ્મ ‘બસંતબહાર’ (1956).

સખીરી મેરા મન ઉલઝે તન ડોલ્રે’, (સરોદ) ફિલ્મ ‘ચિત્રલેખા’ (1964).

તુ છૂપી હૈ કહાં’ (સરોદ), ફિલ્મ નવરંગ. (1959).


નોંધ:

તમામ વિડીઓ યુ ટ્યુબ ઉપરથી સાભાર લેવામાં આવ્યા છે. એમાં કોઈ વ્યવસાયી હેતુ નથી.

તસવીરો અને કેટલીક માહીતિ નેટ ઉપરની વિવિધ સાઈટ્સ ઉપરથી સાભાર લેવામાં આવી છે.

કિશોરભાઈની રૂબરૂ મુલાકાત ચન્દ્રશેખર વૈદ્યના સૌજન્ય અને માધ્યમ થકી શક્ય બની છે.

‘ગ્રામોફોન ક્લબ’ના કાર્યક્રમની વિડીઓ ક્લિપ્સ ક્લબના અધિષ્ઠાતાઓના સૌજન્યથી ઉપલબ્ધ થઈ છે. એ સૌનો  ભાર.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

3 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો (૩) કિશોર દેસાઈ

Leave a Reply

Your email address will not be published.