ચેલેન્‍જ.edu : એક બાળકના વાલી અને એક વાલીવાળું બાળક

રણછોડ શાહ

સમાજ પરિવર્તનશીલ છે. તમામ પરિસ્થિતિ અને પ્રવાહો બદલાતા જ રહે તેવો સૃષ્ટિનો ક્રમ છે. ૩૦–૪૦ વર્ષ પહેલાંના વાતાવરણ અને આજના હવામાનમાં સ્પષ્ટ ફરક છે. ભૌતિક સુવિધાઓમાં સતત વધારો થતો રહે છે. ખેતીપ્રધાન દેશમાંથી બદલાઈને ઉદ્યોગો કેન્દ્રમાં હોય તેવું આજનું ભારત બની ગયું. શાળાઓમાં પણ અકલ્પનીય પરિવર્તન પ્રવેશી ચૂકયા. આજે તમામ શાળાઓની સવલતોમાં ઓછાવત્તા પ્રમાણમાં વધારો થઈ ચૂકયો છે. કયાંક તો ‘સેન્ટ્રલી એ.સી.’ શાળાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. ભૌતિક રીતે શાળાઓએ પ્રગતિ કરી હોય તો તે બરાબર છે. પરંતુ વર્તમાન સંજોગોમાં બાળક, વાલી અને શિક્ષકો સાથે કામ કરવામાં શાળા સંચાલકો સમક્ષ અનેક પડકારો છે. અગાઉ આવી મુશ્કેલીઓ પ્રમાણમાં ઓછી હતી.

છેલ્લા બે દાયકામાં સમાજિક ક્ષેત્રે અનેક બદલાવ આવ્યા છે. વિશેષ કરીને લગ્નવ્યવસ્થા અને લગ્નજીવનમાં ખૂબ મોટા ફેરફારો આવ્યા છે. આજે મહિલાઓ તમામ ક્ષેત્રે ખૂબ પ્રગતિશીલ બની છે. સ્ત્રીઓમાં શિક્ષણ વિશેનો ઉત્સાહ અને જાગૃતિ વધ્યાં છે. તેઓએ પોતાની તેજસ્વિતા પૂરવાર કરી છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ યુવક અને યુવતીના લગ્ન થાય ત્યારે બંનેની એકબીજા પ્રત્યેની અપેક્ષા ઘણી ઊંચી હોય અને તે સ્વાભાવિક પણ છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બહેનોએ પણ પોતાની કારકિર્દી ઉચ્ચ બને તેવા સ્વપ્નાઓ યુવાવસ્થામાં જોયા હોય છે. લગ્ન બાદ પોતાના સ્વપ્ના સાકાર થાય તે બાબતે જાગૃત હોય તો તે યોગ્ય જ છે. આ સંજોગોમાં પતિપત્ની બંને લગ્નજીવનના શરૂઆતના તબક્કે કારકિર્દી ઘડતર માટે જ વિચારે છે. કયારેક તો વડીલોના સૂચન બાદ તેઓ પ્રથમ સંતાનના આગમન અંગે વિચારે છે.

clip_image002[4]

બાળકના જન્મ બાદ માતાના ભાગે બાળઉછેરની વિશેષ જવાબદારી આવે છે. પિતા તે કાર્યમાં અમુક હદ સુધી મદદ કરે તો પણ માતાના પક્ષે નોકરીની સાથોસાથ બાળકને ઉછેરવામાં અનેક અડચણો આવે તેવું બને. ખાસ કરીને શરૂઆતના એકાદ વર્ષ સુધી તો માતાએ અનેક જવાબદારીઓ ઉઠાવવી પડે છે. બાળઉછેરની જવાબદારી અને વ્યાવસાયિક કામગીરી વચ્ચે સમતુલા ન જળવાતાં થોડા સમય માટે કે કાયમી ધોરણે વ્યવસાયને તિલાંજલિ આપવી પડે છે. આ પરિસ્થિતિમાં કેટલાક દંપતીઓ માત્ર એક જ બાળકથી સંતોષ માને છે અથવા સ્વીકારી લે છે. આ રીતે જોઈએ તો આ વાલીઓ ‘એક બાળકના વાલી’ બની રહેવાનું પસંદ કરે છે.

બીજી તરફ લગ્ન બાદ બે યુવાન હૈયાં એક યા બીજાં કારણોસર કયારેક અનુકૂલન સાધી શકતા નથી. આજના આ પ્રગતિશીલ યુગમાં અગાઉની જેમ ‘પડયું પાનું નિભાવી લેવાનું’ શકય બનશે નહીં. કારણ યુવક અને યુવતી બંને શિક્ષિત છે. કેટલીક વાર તો સ્ત્રી પુરૂષ કરતાં વધારે શિક્ષિત, કાબેલ અને હોશિયાર હોવાથી તેની વ્યવસાય ક્ષેત્રે ખૂબ ઝડપી અને ઉચ્ચ કક્ષાની પ્રગતિ થાય છે. આર્થિક રીતે પણ આવી બહેનો પતિ કરતાં વધારે સદ્ધર બને છે. આવા સંજોગોમાં કયારેક પુરૂષ કે સ્ત્રીનો અહમ્‌ ટકરાતાં કૌટુંબિક જીવનમાં મતભેદો ઉદ્‌ભવે છે. કેટલાક સંજોગોમાં પતિ–પત્ની વચ્ચે સ્વભાવ અથવા અન્ય ટેવો બાબતમાં આસમાન જમીન જેટલું અંતર હોય છે. બંને વચ્ચે કોઈ બાબતે સમજણનો સેતુ બનતો જ નથી. રોજેરોજની જિંદગીમાં વિસંવાદનું પ્રમાણ સંવાદ કરતાં ખૂબ વિશેષ જોવા મળે ત્યારે બંને પાત્રો અનિચ્છાએ પણ અલગ થવાનું સ્વીકારી લે છે. આ સમય દરમિયાન સંતાનના મમ્મી–પપ્પા અલગ થાય તો બાળક ‘એક વાલીવાળા સંતાન’ તરીકે શાળામાં પ્રવેશ પામે છે. તો વળી કયારેક પૈસા કમાવવા માટે અથવા વધુ અભ્યાસ માટે પરદેશ ખેડતા પતિ પત્ની અને બાળકોને દેશમાં છોડી દે છે. આવા સંજોગોમાં પણ બાળક પિતાની ગેરહાજરીમાં મોટું થાય છે. આમ આ બાળક પણ ‘એક વાલીવાળું બાળક’ બની જાય છે. આ સંજોગોમાં મમ્મી અથવા પપ્પાએ ડબલ રોલમાં કામગીરી નિભાવવાની જવાબદારી આવે છે.

clip_image004[3]

‘એક બાળક’વાળા મમ્મી/પપ્પાના મનોજગતનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું જરૂરી બન્યું છે. એક જ બાળક હોવાથી સમગ્ર કુટુંબ બાળક પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. પળે પળે બાળકની નાની નાની બાબતોની કાળજી રાખવા માટે તત્પર હોય છે. બાળક રડે કે કોઈ માંગણી કરે તો તરત જ તે વસ્તુ હાજર કરી દેવામાં આવે છે. બાળકનો પડયો બોલ ઝીલવા માતા–પિતા અને સંયુકત કુટુંબમાં રહેતા હોય તો દાદા–દાદી પણ તત્પર હોય છે. આ બાળક વહેંચીને ખાવાનું શીખ્યું હોતું નથી. આવું બાળક અત્યંત સુરક્ષિત (Extremely protective) જીવન જીવવાનું શીખે છે. તે જ્યારે શાળામાં આવે છે ત્યારે અન્ય બાળકો સાથે અનુકૂલન સાધવામાં મુશ્કેલી અનુભવે છે. બાળક ‘ના’ સાંભળવા ટેવાયેલ ન હોવાથી શિક્ષકની ‘ના’નો પણ સ્વીકાર કરતું નથી. શિક્ષક ગમે તેટલી કાળજી રાખે તો પણ આવા વાલીઓને શિક્ષકની કામગીરીથી સંતોષ થતો નથી. તેઓ શિક્ષકો પાસે અત્યંત ઊંચી અપેક્ષાઓ રાખે છે. શિક્ષકે ૪૦–પ૦ બાળકોને એક સાથે, એક સરખી રીતે સાચવવાના, અભ્યાસ કરાવવાનો અને તેમની કાળજી પણ રાખવાની હોય છે તે વાત આ વાલીઓ સ્વીકારવા તૈયાર નથી. તેઓ તમામ સૂચનો અને ફરીયાદો માત્ર પોતાના એક સંતાનને ધ્યાનમાં રાખીને કરે છે. તેથી વાલી અને શિક્ષક વચ્ચે મતભેદોનું પ્રમાણ વધે છે. બંને વચ્ચે સંવાદિતા તૂટે છે. વાલી બાળકને અન્ય શાળામાં લઈ જાય છે. એક જ શહેરમાં પાંચથી સાત શાળા બદલનાર વાલીઓ પણ મળી રહે. આવા સ્વભાવવાળા વાલીઓ આચાર્યશ્રી માટે શાળાસંચાલનના અનેક પ્રશ્નો સર્જે છે. આચાર્યશ્રી બાળકની ભૂલ બતાવે તો વાલી તુરત જ શિક્ષકના દોષ વર્ણવવાની શરૂઆત કરે છે. વાલી બાળકની ભૂલ સમજવા કે સ્વીકારવાને બદલે તેનો ખોટો બચાવ કરવા પ્રયત્ન કરે છે. તેઓ આ રીતે બાળકનું અહિત કરે છે તેમ સમજાવવાના તમામ પ્રયત્નો મહદ્‌ અંશે નિષ્ફળ નીવડે છે. તેઓનું સમગ્ર જીવન એક માત્ર પોતાના બાળકકેન્દ્રી બની જાય છે. આ બાળક મોટું થતાં ક્યારેક પડી ભાંગે છે, જીવન નિરર્થક ગયાનું અનુભવે છે અને સમગ્ર દોષનો ટોપલો શિક્ષકો ઉપર ઢોળી શાળાને દોષિત ઠેરવવા પ્રયત્ન કરે છે.

લગભગ આવી જ પરિસ્થિતિ ‘એક વાલીવાળા બાળક’ની છે. કદાચ આવા કુટુંબમાં એક કરતાં વધુ બાળકો પણ હોઈ શકે. પરંતુ તેની પાસે મમ્મી અથવા તો પપ્પા હોય. બેમાંથી એક જ વાલી હોય. આ બાળકની પરિસ્થિતિ અને પ્રશ્નો અલગ હોય છે. આ બાળક મમ્મી કે પપ્પાના અભાવે પોતાની જાતને ખૂબ અસુરક્ષિત (Extremely unprotected) અનુભવે છે. તેના જીવનમાં સદાય એક વડીલ માર્ગદર્શકની ખોટ રહે છે. આવા બાળકો સમક્ષ શિક્ષક કયારેક માતૃપ્રેમ કે પિતૃપ્રેમની ચર્ચા કરે ત્યારે બાળકો પોતે કઈ બાબતથી વંચિત છે તે તરફ સજાગ બનીને વિચારે છે. પ્રત્યેક ક્ષણે પોતે જાણેઅજાણે ‘અનાથ’ હોય તેવો અનુભવ કરે છે. મમ્મી કે પપ્પા પણ પોતાની મુશ્કેલીને કારણે કયારેક આવા બાળકને ભગવાનને ભરોસે છોડી દે તેવું પણ બને. એટલું જ નહીં, બાળક કયારેક પોતાની સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં પણ ફેરવે. નાનપણમાં માતાપિતા વચ્ચે ઝઘડા જોયા હોય તો તે કદાચ ઝઘડાળુ અને કયારેક હિંસક પણ બને. શિક્ષક માટે આવા બાળકોની સંભાળ લેવાનું કાર્ય ખૂબ કપરું બને છે. જો તેને અટકાવે તો બાળક પોતાનું કોઈ નથી તેમ સમજી વધુ આક્રમક બને અને બાળક ઈચ્છે તેમ કરવા દે તો પણ બાળક કાબૂ બહારનું બની જાય. આવા બાળકના મમ્મી કે પપ્પાને શાળા મળવા બોલાવે તો વાલી પોતાની કથની કહેવાની શરૂ કરી શાળા પાસે વિશેષ તરફેણ (Special favors) માંગે. શાળા આવા અંગત કારણોસર બાળકો વચ્ચે ભેદભાવભરી નીતિ–રીતિ અપનાવી શકે નહીં. આથી આવા વાલીઓ પણ શાળા બાબતે સમાજમાં એમ વાત કરી શકે કે શાળા આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ‘સહકાર’ આપતી નથી.

આ રીતે ‘એક બાળકના વાલી’ અને ‘એક વાલીવાળા બાળકો’ની સંખ્યા દિવસે દિવસે વધતી રહી છે. આ સંજોગોમાં શાળાઓનું સંચાલન ખૂબ પડકારરૂપ બન્યું છે. આજથી બે–ત્રણ દસકા પહેલા સમાજની આવી પરિસ્થિતિ નહોતી. ત્યારે શિક્ષકો બાળકો સાથે સહેજ કડકાઈથી કામ લેતા તો વાલીઓ પણ તે સમજતા અને સ્વીકારતા. પરંતુ આજે તેવી પરિસ્થિતિ નથી. આજે શાળામાં કાર્ય કરતા યુવાનો–યુવતીઓ રપ થી ૪૦ વર્ષના હોય તો તેમને અને તેમના વાલીઓએ જે રીતે શિક્ષકો સાથે વ્યવહાર કર્યો હોય તેવો આજે વાલીઓ તેમની સાથે કરે તેવી તેમની અપેક્ષા હોય છે. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. પણ નવા જોડાયેલ શિક્ષકો આ પ્રશ્નોથી અજાણ હોય છે. આથી શાળા સંચાલન માથાના દુખાવા જેવું બને. શિક્ષકો જે તાલીમ પામીને આવે છે તે તાલીમી કોલેજોમાં પણ વર્ષો જૂની શાળાની સમસ્યાઓ અને તેના ઉકેલનું શિક્ષણ આપે છે. જે વર્તમાન શિક્ષણવ્યવસ્થામાં તદ્દન નિષ્ફળ જાય છે.

શાળાના આચાર્યશ્રી અને સંચાલક પાસે આજે સમસ્યાથી ઘેરાયેલા વાલીઓ અને શિક્ષકો છે. આ બધાની વચ્ચે સિફતપૂર્વક સૌને અનુકૂળ થાય, સંતોષ આપે અને પ્રગતિ કરે તેવું સંચાલન કરવું એક મોટો પડકાર છે. આ પરિસ્થિતિમાં ઉત્તમ આચાર્ય વાલીઓની અને શિક્ષકોની સભામાં આ મુદ્દાઓની વિશદ ચર્ચા કરી તેના યોગ્ય ઉકેલ બતાવી શકે તે જ આચાર્ય કદાચ સફળતા પ્રાપ્ત કરી શકશે. કદાચ આ પ્રશ્નો આજે છે તેના કરતાં સંખ્યાની દ્દષ્ટિએ વધારે અને ગુણવત્તાની નજરે વધારે કઠિન (More difficult) આવવાના છે. સમાજ પણ વધારે સંકુલ (Complex) બની રહ્યો છે. સંયુકત કુટુંબો અદ્દશ્ય થઈ રહ્યા છે. વિભકત કુટુંબોની બોલબાલા થઈ રહી હોય તેવા સંજોગોમાં આવા વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે માત્ર ધંધાકીય શાળાસંચાલકો કેટલા સફળ થશે તે પ્રશ્નાર્થ છે. શિક્ષણને વરેલા, સમર્પિત, કાંઈક નવીન કરવાની દ્દષ્ટિવાળા, નિઃસ્વાર્થભાવે, સમાજોત્કર્ષ માટે કાર્ય કરતા સેવાભાવી આચાર્યો અને સંચાલકો જ શાળાઓનું સફળ રીતે પરિણામદર્શી સંચાલન કરી શકશે.

(નોંધઃ ભરૂચ શહેરની ત્રણ શાળાના લગભગ દસ હજાર બાળકોનો સર્વે કરતાં જાણવા મળ્યું કે આશરે ર૪% કુટુંબોમાં એક બાળક છે અને લગભગ ર.૬% બાળકોના વાલી કાં તો મમ્મી કે એકલા પપ્પા છે એટલે કે તે ‘એક વાલીવાળા’ બાળકો છે.)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(નોંધ: તસવીર નેટ પરથી લીધી છે અને પ્રતીકાત્મક છે)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.