સાયન્સ ફેર : હંગેરીના વૈજ્ઞાનિકોએ શોધ્યા ‘રોઝહીપ’ ન્યુરોન્સ

જ્વલંત નાયક

અમુક બાબતો ખૂબ જાણીતી હોવા છતાં આપણે એના વિષે કશું જ જાણતા નથી હોતા! દાખલા તરીકે, જો તમારો હાથ ઓચિંતો ગરમ તવા પર પડી જાય તો શું થાય? સ્વાભાવિક છે કે તવા પર હાથ પડે અને જેવી ચામડી ચંપાય કે તરત જ આપણે હાથ ઊંચકી લઈએ છીએ. આ બધું સેકન્ડના અમુક હિસ્સામાં જ બની જતું હોય છે. શું બન્યું એની ખબર પણ આપણને પાછળથી પડે છે, એ પહેલા જ આપણું શરીર ‘રિએક્શન’ આપી દે છે! હવે આ પ્રકારના કિસ્સાઓમાં એ બાબત જાણીતી છે કે આવું ક્વિક રિએક્શન આપણા મગજ તરફથી મળતું હોય છે, પરંતુ મગજે હાથ ખસેડી લેવા માટેનો મેસેજ આટલો ઝડપથી શી રીતે પહોંચાડ્યો, એ આપણે નથી જાણતા!

સૌથી પહેલા નર્વસ સિસ્ટમ (nervous system) વિષે જાણવું જોઈએ. મગજમાંથી મોકલાયેલા સિગ્નલ્સને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કામ કરતુ નેટવર્ક એટલે નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમમાં મસ્તિષ્ક, સ્પાઈનલ કોર્ડ-કરોડરજ્જુ અને ન્યુરોન (Neuron) નો સમાવેશ થાય છે. મસ્તિષ્ક અને કરોડરજ્જુનો રોલ સમજી શકાય એવો છે, પણ મસ્તિષ્કનો મેસેજ અતિશય ઝડપથી વિવિધ અંગો સુધી પહોંચાડવા માટે જવાબદાર છે ન્યુરોન. અને ન્યુરોન કેટલી ઝડપે કામ કરે છે? શરૂઆતમાં આપેલું ઉદાહરણ ચકાસો. ગરમ તવા ઉપર તમારો હાથ પડે, અને તમે બીજું કંઈ વિચારો એ પહેલા જ તમારો હાથ ઊંચકાઈ જાય! આ આખી ઘટના જેટલા સમયમાં બને છે, માત્ર એટલો જ સમય લાગે ન્યુરોન્સના નેટવર્કને મગજથી હાથ સુધી મેસેજ પહોંચાડવામાં! આપણા (એટલે કે કોઈઈ પણ સજીવના) શરીરમાં રહેલા ન્યુરોન્સના આવા નેટવર્કને ‘ન્યુરલ નેટવર્ક’ તરીકે ઓળખવામાં આવે છે.

(એક આડવાત, અતિશય ઝડપે કામ કરતાં કોમ્પુટર નેટવર્કની રચના માટે પણ આપણા બાયોલોજીકલ ન્યુરલ નેટવર્કને ધ્યાનમાં રાખીને જ ‘આર્ટીફિશીયલ ન્યુરલ નેટવર્ક -ANN’ ની રચના કરવામાં આવી છે.)

ઓકે ફાઈન, આપણા શરીર દ્વારા થતી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ માટે આ ન્યુરલ નેટવર્ક અને એના બેઝીક યુનિટ એવા ન્યુરોન્સ અતિમહત્વના છે, એ સમજાઈ ગયું. પણ એનું શું?

તાજા મળેલા સમાચાર મુજબ વૈજ્ઞાનિકોએ એક એવા ન્યુરોન્સ શોધ્યા છે જે ફક્ત મનુષ્યના મગજમાં જ જોવા મળે છે! માનવ જીવનની ગુણવત્તા સુધારવા માટે વિજ્ઞાનીઓ સતત આપણી શરીર રચનાનો અને શરીરમાં ચાલતા બાયોલોજીકલ પ્રોસેસનો અભ્યાસ કરતાં રહે છે. હંગેરીની એલન યુનિવર્સીટીના ન્યૂરોસાયન્ટિસ્ટનું એક દળ, મૃત્યુ પામ્યા હોય એવા બે મધ્યવયસ્ક વ્યક્તિઓના મસ્તિષ્કનો અભ્યાસ કરી રહ્યું હતું. આ દરમિયાન એમને એક સાવ નવા જ ન્યુરોન વિષે જાણકારી મળી, જે મસ્તિષ્કના અમુક જ કોષમાં હાજરી ધરાવતા હતા. નવા શોધાયેલા આ ન્યુરોન્સ દેખાવે ઝાડીઝાંખરા જેવા ગુચ્છાદાર છે. ફૂલનો કોઈ છોડ મૂળ સમેત ઉખેડી નાખો તો એના મૂળની શાખાઓ જે રીતે ગુચ્છા સ્વરૂપે જોવા મળે, એવો જ દેખાવ નવા શોધાયેલા આ ન્યુરોનનો હોય છે. વળી તેઓ ગુલાબ જેવા રંગના હોય છે. આથી વૈજ્ઞાનિકોએ એને ‘રોઝહીપ ન્યુરોન્સ’ નામ આપ્યું છે. (ગુલાબના છોડ પર ઉગતા નાનાં અમથા ફળને ‘રોઝહીપ’ કહે છે.)

રોઝહીપ ન્યુરોન્સ હજી સુધી કોઈ ન્યૂરોસાયન્ટીસ્ટની નજરે ન ચડ્યા એના બે મુખ્ય કારણો છે. એક તો આ ન્યુરોન્સની હાજરી પકડાવાની ઘટના બહુ વિરલ ગણાય, ભાગ્યે જ કોઈકના મસ્તિષ્કમાં એની હાજરી પરખાય. અને બીજું મહત્વનું કારણ એ કે જ્યારે પણ ન્યૂરોસાયન્ટીસ્ટસ્ બ્રેઈન સેલ્સનો અભ્યાસ કરે છે, ત્યારે મોટે ભાગે કોષના ઉપલા આવરણનો જ અભ્યાસ કરે છે. બની શકે કે રોઝહીપ ન્યુરોન્સ બીજા આવરણમાં હાજરી ધરાવતા હોય. ઉપરાંત, ન્યૂરોસાયન્ટીસ્ટસના મતે મોટા ભાગના રોઝહીપ ન્યુરોન્સ મસ્તિષ્કમાં નવા શોધાયેલા આવરણ ‘નીઓ કોર્ટેક્સ’માં આવેલા હોય છે. આ નીઓ કોર્ટેક્સ દ્રષ્ટિ અને શ્રવણશક્તિ સાથે સંકળાયેલ છે.

પરંતુ આપણને તો સ્વાભાવિકપણે એ જ જાણવામાં રસ હોય કે આ નવા ન્યુરોનની શોધ પછી આપણા જીવનમાં કોઈ ફરક પડશે કે નહિ! રોઝહીપ ન્યુરોનના અભ્યાસ બાદ વૈજ્ઞાનિકો આપણા મસ્તિષ્કના કોઈક નવા રહસ્યો ઉજાગર કરવાના હોય તો જ કંઈક વાત બને! અત્યારે તો આ મામલે એવા કોઈ ‘બ્રેકિંગ ન્યૂઝ’ નથી. આ ન્યુરોન્સ બ્રેઈન બીહેવિઅર ઉપર કઈ રીતની અસર કરે છે એ બાબત હજી અજ્ઞાત છે. પણ હા, ન્યૂરોસાયન્ટીસ્ટના મતે રોઝહીપ ન્યુરોન્સની શોધ મંઝીલ ભલે નથી કિન્તુ એક માઈલ સ્ટોન જરૂર છે. શરીરમાં – અને એમાંય મસ્તિષ્ક જેવા ભાગમાં એક્કેય ચીજ ‘કામ વગર’ની હોઈ જ ન શકે! આ શોધ પછી ટોચના વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવ મસ્તિષ્કના અભ્યાસ માટે એક નવો દ્રષ્ટિકોણ વિકસી શકે એમ છે. આવી માન્યતા પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજવા જેવું છે.

મગજ કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે ઉંદરના મગજને ‘મોડેલ’ તરીકે ગણવામાં આવે છે. દાખલા તરીકે ઉંદરના મગજનો અભ્યાસ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે અલ્ઝાઇમર જેવી બિમારીના ઈલાજ માટે એસ્પીરીન જેવી દવા કંઈક અંશે અસરકારક નીવડી શકે એમ છે. હવે ઉંદર ઉપર થયેલ આ સંશોધનને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો મનુષ્યને થતા અલ્ઝાઇમર માટે એસ્પીરીન કેટલી હદે ઉપયોગી છે, એ ચકાસશે. પરંતુ રોઝહીપ ન્યુરોન્સની શોધ પછી આ ચિત્ર બદલાવાની પૂરેપૂરી શક્યતા છે. કેમકે ઉંદરના મગજમાં રોઝહીપ ન્યુરોન્સ હોતા જ નથી!! આથી અમુક દવાની આડઅસર ઉંદરના મગજ પર ભલે ન થાય, પણ માનવ મસ્તિષ્કમાં રહેલા રોઝહીપ ન્યુરોન્સ એ જ દવા સામે રિએક્શન આપે તો?! એવું માનવામાં આવે છે કે રોઝહીપ ન્યુરોન્સની ‘એન્ટ્રી’ બાદ ઘણા ન્યૂરોસાયન્ટીસ્ટ ઉંદરના મગજને ‘મોડેલ’ ગણીને ચાલવા સામે લાલબત્તી ધરતા થશે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર The Rosehip Neuron: The discovery of the reconstructed human brain cell પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.