સમયચક્ર : કેરી – ભારતીય પ્રજાના જીવનસાથે જોડાયેલું ફળ

કહેવાય છે કે એક ભારતીય આખીય દુનિયાના લિજ્જતદાર વ્યંજનો ભલે ચાખી લે. પણ જ્યાં સુધી રોટલી શાક ન મળે ત્યાં સુધી તેને તૃપ્તિ થતી નથી. એવું જ અન્ય પ્રજાઓનું પણ છે. આવું શા માટે થતું હશે ? ખોરાક બાબતની આ પ્રતિક્રિયા દુનિયાની દરેક પ્રજા માટે એક સમાન હોય છે. દુનિયાના દરેક ભૂભાગ પર પેદા થતી વનસ્પતિ ત્યાં રહેતી પ્રજાને માત્ર પોષતી નથી, એ પ્રજાના મગજમાં પોતાની જગ્યા બનાવી લે છે. ભારતીય પ્રજા માટે કેરી નામનું ફળ માત્ર સ્વાદ નથી. આ પ્રજાની એક ઈચ્છા બની રહે છે.

માવજી મહેશ્વરી

સ્વાદ, સુગંધ અને ખોરાકીય દષ્ટિ માનવીય ઉછેર સાથે આજીવન જોડાયેલા રહે છે. એ ખોરાક તેની જીવનની તરસ પણ બની રહે છે. એક તરીક ભારતીય ચોકલેટ ખાઈએ છીએ ત્યારે એનો માત્ર સ્વાદ માણીએ છીએ. પણ એક યુરોપિયન જ્યારે ચોકલેટ ખાય છે ત્યારે ચોકલેટના સ્વાદ સાથે તેની સાથે જોડાયેલી તમામ અનુભુતિઓને એ માણે છે. એવી જ રીતે આપણે જ્યારે કેરી ખાઈએ છીએ ત્યારે એમાત્ર સ્વાદ ન બની રહેતા આપણાં જીવન સાથે જોડાયેલી અનેક હકીકતો અનુભવીએ છીએ, યુરોપિયનને ચોકલેટ, ઈટાલીયનને દ્રાક્ષ, બ્રીટિશને સફરજન, આરબને ખજુર માટે જે લગાવ છે. એવો જ લગાવ ભારતીય પ્રજાને કેરી સાથે છે. આમ તો ભારતમાં કેરીની બરોબરી કરે એવું બીજું ફળ છે જ નહીં. એટલે તો કેરીને ભારતમાં રાષ્ટ્રીય ફળનો દરજ્જો મળ્યો છે.

કેરીનો ઈતિહાસ અત્યંત પ્રાચિન છે. ડો. કૈડલ ( ૧૮૪૪ )ના મત અનુસાર કેરી ( મંજીફેરા જીનસ ) સંભવતઃ મ્યાનમારમાં પેદા થઈ. પરંતુ ભારતીય કેરી ( મંજીફેરા ઈન્ડિકા )નું મૂળ આસામમાં છે. આ કેરી ભારત, મ્યાનમાર, તથા વર્તમાન પાકિસ્તાનમાં જંગલી અવસ્થામાં કુદરતી રીતે પેદા થનારું ફળ હતું. જેની પાછળથી ખેતી કરવામાં આવી. આ ફળ બાબતે વિશ્વના લોકોને માહિતગાર કરનાર બુધ્ધ કાલિન યાત્રી હ્યુ એન સાંગ હતા. તે પછી ભારતીય કેરી વિશ્વના અન્ય દેશોમાં ગઈ એવો મત છે. પરંતુ કેરી એ મૂળે ભારતીય ફળ છે. ભારતીય લોકજીવન સાથે કેરી સદીઓથી જોડાયેલી રહી છે. ન માત્ર તેના સ્વાદની, પરંતુ કેરીના ઉત્પાદનની ભારતીય અર્થ વ્યવ્સ્થા ઉપર પણ ખાસ્સી અસર દેખાય છે. સંસ્કૃતમાં ભાષામાં કેરીને આમ્રઃ કહેવાય છે. હિંદી, મરાઠી, બંગાલી, મૈથિલી વગેરે ભાષાઓમાં તેને આમ કહેવાય છે. મલયાલમ ભાષામાં તેને માન્ન કહે છે. એવું કહેવાય છે કે ૧૪૯૮માં પોર્ટુગીઝ લોકો કેરલ આવ્યા અને તેઓ કેરલથી જ કેરી અને તેનું મલયાલમ નામ માન્ન લઈ ગયા. તેઓ કેરીને માંગા કહેતા હતા. યુરોપીય ભાષાઓમાં કેરીનું નામકરણ પહેલીવાર ઈટાલીમાં થયું. ત્યાંથી, ફ્રેંચ થઈને અંગ્રેજીમાં આવ્યુ ત્યાં સુધી તે માંગા જ હતુ. પણ માંગાનું મેન્ગો કેમ થઈ ગયું તે એક રહસ્ય છે. એવું જ આશ્ચર્ય ગુજરાતી ભાષાનુંય ખરું. ગુજરાતીમાં કેરીના વૃક્ષને આંબો કહે છે. આંબો શબ્દ સંસ્કૃત આમ્ર: પરથી આવ્યાનું માની લઈએ, તોય આંબાના ફળને કેરી શા માટે કહેવાયું તે વિશે કોઈ આધારભૂત પ્રમાણ નથી. જોકે કેરી એ તત્સમ શબ્દ નથી. તેથી તે દેશ્ય ( દેશી) એટલે લોકબોલીમાંથી ઉતરી આવ્યાનું કહી શકાય. ઉદાર મતવાદી અંગ્રેજી ભાષામાં વિશ્વની મોટાભાગની ભાષાઓના શબ્દો સમાવિષ્ઠ છે. અને વિશ્વના મધુર ફળ પૈકીના એક એવા કેરી માટે ભારતીય ભાષામાંથી જન્મેલો શબ્દ વપરાય છે. કેરી માટે સૌરભ, રસાલ, ચુવત, ટપકા, સહકાર પિકવલ્લભ જેવા અન્ય શબ્દો પણ પ્રચલિત છે. જે આ ફળનું લોક હૃદયમાં કેટલું સ્થાન છે તે દર્શાવે છે. શતપથ બ્રાહ્મણમાં આ ફળની ચર્ચા, વેદકાલિન ગ્રંથો અને અમરકોશમાં એની પ્રશંસા કેરીની મહત્તા દર્શાવે છે. ભારતીય સાહિત્ય આ મધુર ફળથી અલિપ્ત રહી શક્યું નથી. સંસ્કૃત સાહિત્યના મહાકવિ કાલિદાસે કેરી અને તેના વૃક્ષના ખૂબ ગુણગાન કર્યા છે. સિકંદરે આ ફળની સરાહના કરી છે. તો મોગલ સમ્રાટ અકબરે દરભંગામાં લાલબાગ નામે આંબાના એક લાખ વૃક્ષો છોડ વાવી અમ્રવન ઊભું કર્યું હતું. કોઈ પણ ભારતીય કલાકાર આ ફળના આકર્ષણથી મુક્ત રહી શક્યો નથી. કવિઓએ એને કવિતામાં ઉતાર્યો છે. લેખકોએ ભાષા લાલિત્ય દ્વારા આ વૃક્ષ અને ફળને શણગાર્યું છે, તો ચિત્રકારોએ આ ફળને કેન્વાસ પર ઉતર્યો છે. ફિલ્મી જગત પણ આ વૃક્ષથી પ્રભાવિત છે. ભારતમાં કેરી ( આમ ) સંબંધિત અનેક કહેવતો, લોકગીત વગેરે પ્રચલિત છે. શૃંગારિક લોક સાહિત્યમાં રચાયેલા કેટલાક ગીતોમાં કાચી કેરીનો થતો ઉલ્લેખ યુવાનીના આવેગોને ચિન્હિત કરે છે. ખાસ કરીને ભોજપુરી અને મારવાડી ભાષામાં એ વિશેષ જોવા મળે છે. કેરીનું વૃક્ષ સદાપર્ણ હોવાથી તેના પર્ણોને શુભપ્રસંગે તોરણ તરીકે લટકાવવામાં આવે છે. ભારતીય તહેવારો, જીવનપ્રસંગો, માંગલિક કાર્યો, યજ્ઞ વગેરે સાથે આંબાનું વૃક્ષ જોડાયેલું રહ્યું છે. આંબાના પર્ણો જ નહીં, તેના ફૂલ, લાકડું ફળ આદિ માંગલિક કાર્યોમાં વપરાતા રહ્યા છે.

વિશ્વમાં કેરીનું ઉત્પાદન આમ તો બધા દેશોમાં થોડુ વધુ થાય છે. પણ ભારત, ચીન, પાકિસ્તાન, મેક્સિકો, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, ફિલીપાઈન્સ, નાઈજીરીયા અને વિએતનામ મુખ્ય છે. આ દસ દેશોમાં કેરીના ઉત્પાદનમાં ભારત સોથી મોખરે છે. ભારતમાં પ્રતિ વર્ષે સરેરાશ ૧૩૫૦૧૦૦૦ ટન કેરીનું ઉત્પાદન થાય છે. જે વિશ્વના કુલ ઉત્પાદનનો ૫૨ ( બાવન ) ટકા ભાગ છે. ભારતમાં કેરીના વૃક્ષો અંદાજે ૨૧,૪૩,૦૦૦ હેક્ટર વિસ્તારમાં જગ્યા રોકે છે. આમ તો કેરીની અનેક જાતો છે. પણ આફૂસ ( હાફૂસ ) અત્યંત લોકપ્રિય અને સ્વાદિષ્ઠ ગણાય છે. મહારાષ્ટના કોંકણ વિસ્તારમાં પાકતી આ કેરીને કોંકણ ચા રાજા કહેવાય છે. આફૂસ કેરી મૂળ પોર્ટુગીઝ અફોન્સો શબ્દનું અપભ્રંશ છે,. અફોન્સો અલ્બુકર્ક નામનો એક સાહસિક આ જાતીનો છોડ ગોવામાં લાવ્યો હોવાનું કહેવાય છે. ભારતમાં હાલ લંગડો, દશેરી, ચૌસા, ફજલી, બમ્બઈ ગ્રીન, બમ્બઈ, અલફોન્સો ( આફૂસ ), બેન્ગનપલ્લી, હિમસાગર, કેશર, બદામ, કિશનભોગ, મલગોવા, નીલમ, સુવર્ણરેખા, સિંધૂ વનરાજ, જરદાલુ, મલ્લિકા, પાયરી, સરદાર, તોતાપુરી, રાજાપુરી આમ્રપાલી, રત્ના, અર્કા, અરુણ, મુનિત, અનમોલ, ગૌરજીત તથા સફેદા જેવી પ્રજાતિની કેરીનું ઉત્પાદન થાય છે. ભારતના પશ્ચિમીભાગ સૌરાષ્ટ, કચ્છ, રાજસ્થાન, હરિયાણા તેમજ પંજાબમાં એક સમયે દેશી કેરી તરીકે ઓળખાતી કેરી જ મુખ્ય હતી. તેને ગુજરાતમાં દેશી કેરી કહેવાય છે જ્યારે અન્ય રાજ્યો અને પાકિસ્તાનમાં ચુસનાઆમ કહેવાય છે. આ જાત્તનું ફળ નાના કદનું હોય છે તથા ગોટલા પર રુંછડાં હોય છે. એ કેરી ચુસીને ખવાય છે અથવા તેને હાથથી દબાવી રસ કાઢવામાં આવે છે. તેને ‘ કેરી ગોળવી ‘ કહેવાય છે. આ પ્રજાતિ હવે ઘટતી જાય છે. કારણ કે તેના વૃક્ષો બહુ મોટા અને ઉત્પાદન ઓછું આપે છે વળી તેમા ખટાશનું પ્રમાણ વધારે હોય છે.

વિજ્ઞાન ભલે કેરીના સ્વાદને પીણાની બોટલમાં ભરીને આપે કે કેન્ડીમાં આપે. પરંતુ જ્યાં સુધી માણસજાતમાં બાળપણના લક્ષણો હયાત હશે ત્યાં સુધી આંબો હયાત રહેવાનો. અને જ્યાં સુધી આંબો હયાત હશે ત્યાં સુધી પથ્થરથી કેરી પાડવાની ચેષ્ટા પણ રહેવાની.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.