ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૭ :: સવિનય કાનૂન ભંગની તૈયારી

દીપક ધોળકિયા

કોંગ્રેસે સવિનય કાનૂન ભંગ કઈ રીતે થશે તે નક્કી કરવાનું કામ ગાંધીજી પર છોડ્યું હતું. ૧૪મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી સાબરમતી આશ્રમમાં કોંગ્રેસની મીટિંગ મળી, તેમાં સવિનય કાનૂન ભંગ કેમ કરવો તેના વિશે ઊંડાણથી ચર્ચા થઈ. બધી શંકાઓ દૂર થઈ ગઈ અને ફરી બધા ગાંધીજીના નેતૃત્વ હેઠળ આવી ગયા, એટલું જ નહીં, ગાંધીજીને સર્વંસર્વા માનીને સવિનય કાનૂન ભંગના આંદોલનનો દોર એમના હાથમાં સોંપી દીધો!

વાઇસરૉયને પત્ર

લોકોમાં એક જાતની અધીરાઈ હતી, કંઈક મોટું થવાની આશા હતી. ગાંધીજીએ પોતે શું કરવા માગે છે તે હજી નક્કી નહોતું કર્યું. એ કોઈ એવો મુદ્દો શોધતા હતા કે જે જણે જણને સ્પર્શે. પરંતુ ગાંધીજી એમના કાર્યક્રમને બટ્ટો ન લાગે અને સત્તાવાળાઓને બોલવાનો મોકો ન મળે તેનું પણ ધ્યાન રાખતા હતા.

એમણે ૩૦મી જાન્યુઆરીએ વાઇસરૉય અર્વિનને એક પત્ર લખ્યો અને ૧૧ મુદ્દાની માગણી રજૂ કરીઃ (૧) સંપૂર્ણ નશાબંધી; (૨) રૂપિયાનો દર ૧ શિલિંગ ૪ પેન્સ સુધી ઘટાડવો; (૩) જમીન મહેસૂલ ઓછામાં ઓછું ૫૦ ટકા ઘટાડવું અને એને ઍસેમ્બ્લીના અધિકારમાં મૂકવું; (૪) મીઠા પરનો વેરો નાબૂદ કરવો; (૫) લશ્કરી ખર્ચ અડધો કરી નાખવો; (૬) સૌથી ઊંચી પાયરીના ઑફિસરોના પગાર પચાસ ટકા કાપી નાખવા; (૭) વિદેશી કાપડ પર રક્ષણાત્મક જકાત નાખવી; (૮) સાગર કિનારે જકાત અનામત રાખવાના બિલને કાયદામાં ફેરવવું; (૯) ખૂનનો આરોપ ન હોય તેવા બધા રાજકીય કેદીઓને છોડી મૂકવા; (૧૦) સી. આઈ. ડી. ખાતું બંધ કરવું અથવા એને લોકોના નિયંત્રણમાં મૂકવું; અને (૧૧) સ્વબચાવ માટે શસ્ત્રો રાખવાનો હક.

આ બધા મુદ્દા લોકોના કોઈ ને કોઈ વર્ગને સ્પર્શતા હતા. પરંતુ છેલ્લો મુદ્દો ધ્યાન ખેંચે છે. અહિંસાનો પુજારી સ્વબચાવ માટે લોકોને શસ્ત્રો આપવાની વાત કરે છે!

અર્વિનને લાગ્યું કે આ બધી માગણીઓ અવાસ્તવિક છે. પરંતુ એને સત્યાગ્રહ વિશે બહુ ચિંતા ન થઈ. એણે બ્રિટનના હોમ સેક્રેટરી વેજવૂડ બૅનને લખ્યું કે “હમણાં તો મીઠાના સત્યાગ્રહ વિશે વિચારતાં મારી ઊંઘ હરામ નથી થતી”.

જવાહરલાલ નહેરુને લાગ્યું કે ગાંધીજી મોટા આંદોલનની વાત કરતા હતા અને હવે નાની વાતો આગળ ધરી. મોતીલાલ નહેરુએ કહ્યું કે ગાંધીજીએ શરણાગતી સ્વીકારી લીધી. ગાંધીજીના કહેવાથી કેટલીયે પ્રાંતીય ધારાસભાઓમાં કોંગ્રેસી સભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. સુભાષ ચંદ્ર બોઝ અને બીજા કેટલાયે નેતાઓ જેલમાં હતા. એવામાં ગાંધીજી કંઈક જલદ કાર્યક્રમ આપશે એવી સૌને આશા હતી.

ગાંધીજીને અર્વિન તરફથી ૧૧ મુદ્દા માટે કોઈ ખાતરી ન મળતાં એમણે ૧૧ મુદ્દામાંથી મીઠાનો વેરો નાબૂદ કરવાનો મુદ્દો પસંદ કર્યો. ૨ માર્ચે એમણે અર્વિનને મીઠાના સત્યાગ્રહ વિશે પત્ર લખીને જાણ કરી દીધી. એમણે લાંબા પત્રમાં કહ્યું:

“સવિનય કાનૂન ભંગ શરૂ કરતાં પહેલાં અને જેનાથી હું વર્ષોથી ડરતો રહ્યો છું તે જોખમ ઉઠાવતાં પહેલાં હું તમને મળવા અને કંઈક રસ્તો શોધી કાઢવા ઇચ્છું છું. મારો અંગત વિશ્વાસ બહુ સ્પષ્ટ છે. હું ઇરાદાપૂર્વક કોઈ જીવતા જીવને નુકસાન ન કરી શકું, તેમાંય માણસને તો નહીં જ, ભલે ને એ મને કે મારાં જે હોય તેમને ગંભીર નુકસાન પહોંચાડે. આથી હું અંગ્રેજી હકુમતને શાપરૂપ માનું છું તેમ છતાં હું એક પણ અંગ્રેજને કે હિન્દુસ્તાનમાં એનાં વાજબી હિતોને નુકસાન કરવાનો મારો ઇરાદો નથી.” …

“અને હું અંગ્રેજી રાજને શા માટે શાપરૂપ માનું છું?… “આ હકુમતે પોતાની સતત વધતા શોષણની વ્યવસ્થા, અને પાયમાલ કરી નાખે તેવા વિસ્તરતા લશ્કરી અને મુલ્કી વહીવટી તંત્ર દ્વારા કરોડો અબોધ જનોને ગરીબીમાં ધકેલી દીધાં છે… અમને રાજકીય રીતે ગુલામ બનાવી દીધા છે….મારા દેશવાસીઓની જેમ જ મને આશા હતી કે સૂચિત ગોળમેજી પરિષદ કદાચ કોઈ નિવેડો લાવશે પરતં તમે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે ડોમિનિયન સ્ટેટસની કોઈ યોજનાને તમે કે બ્રિટીશ કૅબિનેટ ટેકો આપશે તેવું વચન તમે ન આપી શકો…એ કહેવાની જરૂર નથી કે બ્રિટનની પાર્લામેન્ટ શો નિર્ણય કરશે તે પહેલેથી ધારવાનું કોઈ કારણ નથી. (પણ) એવાં ઘણાં ઉદાહરણો છે કે જેમાં પાર્લામેન્ટના નિર્ણયથી પહેલાં બ્રિટિશ કૅબિનેટે અમુક નીતિનું વચન આપ્યું હોય…”

ગાંધીજીએ દેશમાં બ્રિટિશ હાકેમો અને સામાન્ય માણસ વચ્ચેની આર્થિક અસમાનતાનું ઉદાહરણ આપતાં વાઇસરૉયને કહ્યું કે તમને દર મહિને ૨૧,૦૦૦ રૂપિયા પગાર મળે છે, જ્યારે બ્રિટનના વડા પ્રધાનનો પગાર ૫૪૦૦ રૂપિયા છે. તમે દરરોજ ૭૦૦ રૂપિયા કમાઓ છો તો સામે પક્ષે સામાન્ય માણસ રોજના માંડ બે આના (એક આનો = એક રૂપિયાનો સોળમો ભાગ) કમાય છે. તમે સરેરાશ હિન્દી કરતાં પાંચ હજારગણું કમાઓ છો પણ બ્રિટનનો વડો પ્રધાન સરેરાશ બ્રિટિશ નાગરિક કરતાં માત્ર નેવુંગણું કમાય છે. એમણે વાઇસરૉયને અંગત રીતે સંબોધતાં કહ્યું કે

“મને અંગત રીતે તમારા માટે એટલું માન છે કે તમારી લાગણી દુભવવાનું હું વિચારી જ નથી શકતો. તમે જાણો છો કે તમને આટલી મોટી રકમની જરૂર નથી અને કદાચ એ આખી રકમ ધર્માદામાં જતી હોય એ પણ શક્ય છે. પણ આવી સ્થિતિ માટે ગુંજાશ હોય તેવી વ્યવસ્થાને તોડવાની જરૂર છે.”

તે પછી એમણે મીઠાના કરનો મુદ્દો ઉપાડ્યો અને બ્રિટનનું હૃદયપરિવર્તન કરવાનો દાવો કર્યો! –

હું જાણું છું કે અહિંસાના માર્ગે ચાલવામાં હું એક ગાંડપણભર્યું જોખમ ખેડવાનો છું એમ કોઈ કહે તો તે વાજબી જ હશે પરંતુ સત્યના વિજયો કદી જોખમ વિનાના નથી રહ્યા, ક્યારેક તો જોખમ બહુ મોટાં હોય છે. પરંતુ જે દેશે સભાનપણે કે અભાનપણે એના કરતાં વધારે પ્રાચીન, જરાય ઓછો સુસભ્ય ન હોય અને વધારે વસ્તીવાળો હોય તેનો સતત શિકાર બનાવ્યો હોય તેવા દેશના પરિવર્તન બદલવા માટે જોખમ લેવાનું યોગ્ય જ છે..મેં સમજીવિચારીને ‘પરિવર્તન’ શબ્દ વાપર્યો છે. કારણ કે મારી મહેચ્છા અહિંસા મારફતે બ્રિટિશ જનતાનું (હૃદય)પરિવર્તન કરવા માગું છું અને એમને દેખાડવા માગું છું કે એમણે હિન્દુસ્તાનનું કેટલું નુકસાન કર્યું છે…”

અર્વિને દેશની કોમી સમસ્યાનો પહેલાં ઉલ્લેખ કર્યો હતો તેનો જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું કે તમે એનો અકારણ ઉલ્લેખ કર્યો છે કારણ કે દેશમાં એના કરતાં પણ વધારે મોટી સમસ્યાઓ છે અને એ દૂષણો તમે દૂર ન કરી શકો તો આ મહિનાની ૧૧મીએ મારા આશ્રમના સાથીઓને લઈને હું નીકળીશ અને મીઠાના કાયદાની જોગવાઈઓની અવગણના કરીશ.

એમણે ઉમેર્યું કે મારી ધરપકડ કરીને તમે મારી યોજનાને નિષ્ફળ બનાવી શકો છો પણ મને આશા છે કે તે પછી લાખો લોકો શિસ્તબદ્ધ રીતે મારું કામ ચાલુ રાખશે અને મીઠાના કાયદાનો ભંગ કરશે અને એની સજાઓ ભોગવવા તૈયાર રહેશે – એમણે કહ્યું કે આ સજાઓ કદી કાયદાની પોથીઓમાં હોવી જ નહોતી જોઈતી; એમણે કાયદાની પોથીઓને ભુંડાપો અપાવ્યો છે.

જો કે દાંડી કૂચ ૧૧મીએ નહીં પણ ૧૨મી માર્ચે શરૂ થઈ. પરંતુ ૧૦મીએ વલ્લભભાઈ યાત્રાની વ્યવસ્થા માટે બોરસદ ગયા હતા ત્યાં એમની ધરપકડ કરી લેવાઈ અને એમને ત્રણ મહિનાની સજા થઈ.

મીઠું જ શા માટે?

આ વેરો માથાદીઠ ચારપાંચ આના જેટલો હતો. આ વેરો બહુ ન કહેવાય, એવા એક સવાલનો ગાંધીજીએ ‘નવજીવન’ (૯.૩.૩૦) જવાબ આપ્યો છે: એ વખતે બીજા દેશોમાં મીઠા વેરો હતો; ચીનમાં વેરો હતો જેમાંથી બે કરોડ પૌંડ જેટલી આવક થતી હતી, એટલે કે હિન્દુસ્તાનમાં ૬ કરોડ રૂપિયા. ભારતમાં મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો ઇજારો હતો. આથી દરિયાકાંઠે રહેતા લોકો પણ જાતે મીઠું ન પકવી શકતા. બ્રિટનમાં આ વેરો ૧૮૩૦ની આસપાસ નાબુદ કરવામાં આવ્યો હતો.

ફ્રાન્સમાં રાજ્યક્રાન્તિ થઈ તેની પાછળ પ્રજા પર લદાયેલો કરવેરાનો બોજ જવાબદાર હતો અને એવા કરવેરામાં મીઠા પરનો કર પણ હતો.

મુંબઈ પ્રાંતમાં મીઠા અંગેનો કાયદો સખત હતો. પોલીસને કોઈ પણ ઘરે જઈને ઝડતી લેવાનો અધિકાર હતો. જ્યાં મીઠું બનતું હોય ત્યાં જવાની અને બધો સરસામાન કબ્જે કરી લેવાની, મીઠાની હેરફેર માટે વપરાતાં પશુઓ, બળદગાડીઓ બધું જપ્ત કરી શકાતું. આ કાયદાનો અમલ કરાવવામાં નિષ્ફળ જનારો અધિકારી પણ સજાને પાત્ર ગણાતો. મીઠું જણેજણને જોઈએ એટલે એના પર કોઈનો ઇજારો ન હોઈ શકે.

આગળની દાંડીકથા આવતા અંકમાં

૦૦૦

૧. Centenary History of Indian National Congress Part II -1919-1935 edited by B. N. Pandey

૨. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૩ નવજીવન ટ્રસ્ટ


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

1 thought on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૭ :: સવિનય કાનૂન ભંગની તૈયારી

Leave a Reply

Your email address will not be published.