ઝિ યા ર ત

ઉર્દૂ કવિ અબ્દુલ અહદ  ‘ સાઝ ‘ ગયા. સાવ અચાનક અને ચુપચાપ. સમાચાર પત્રોના ખૂણે-ખાંચરે પણ કોઈ નોંધ નહીં. સાઠના પણ માંડ હશે.

એમની એક નઝ્મ  ‘ ઝિયારત ‘ વર્ષોથી મારા મનમાં ઘર કરી બેઠી છે. ‘ ઝિયારત ‘ એ ટિપીકલ ઇસ્લામિક શબ્દ – બલ્કે વિધિ – છે. કોઈ મૃત સ્વજન કે પ્રિય કે પૂજનીય વ્યક્તિની કબર કે મઝારનું દર્શન / યાત્રા કરી એને સ્મરણાજલિ આપવી તે.

અહીં આ નઝ્મમાં જે વાત છે અનોખી છે અને આપણે સૌ એક યા બીજી રીતે, ‘ સાઝ ‘ સાહેબ જેની વાત કરે છે એ ઝિયારત મનોમન કરતા રહીએ છીએ. અહીં કોઈ મૃત્યુ પામેલા સ્વજનની ઝિયારતની વાત નથી પણ એવા લોકો, એવા સંબંધીઓ, એવા સ્વજનોની ઝિયારતની વાત છે જે ભૌતિક રીતે હયાત છે પણ આપણા જીવનમાંથી ચાલ્યા ગયેલા છે. કઈ રીતે, કયા કારણસર, એ જુઓ અબ્દુલ અહદ  ‘ સાઝ ‘ ની આ નઝ્મ  ‘ ઝિયારત ‘ ના ગુજરાતી ભાવાનુવાદમાં ‘ઝિયારત’ નો સુયોગ્ય અને અસરકારક પર્યાય ન સૂઝતાં એ જ શીર્ષક મુનાસિબ માન્યું છે.

                                                      :  ઝિ  યા  ર  ત   :

ઘણા લોકો મારી અંદર મરી ચુક્યા છે.

કોઈના મૃત્યુની ઘટનાને બાર વર્ષ થયા
કોઈક એવા પણ કે ત્રીસેક વર્ષ થવા આવ્યા
જેમના અવસાનને
કેટલીક દુર્ઘટનાઓને તો સમજો ને
મહિનાઓ કે અઠવાડિયા માત્ર થયા

કોઈકનું આકસ્મિક મૃત્યુ
અચાનક અંત:કરણ પડી ભાંગવાના પરિણામે
કેટલાક વળી
પોતાના જ અહમની દીવાલના
કાટમાળ નીચે દબાઈ મુઆ
કેટલાક તો સંપર્કના દુકાળથી મરી પરવાર્યા

અમુક તો એવા જેમને મેં મારી પાંપણો પર
બિરાજમાન કરી જીવાડવા ચાહ્યા
પણ એમણે મારી નજરમાંથી ભૂસકો મારી
આપઘાત કર્યો
ઘણા બધા પ્રયત્નો પછી પણ
કેટલાયને બચાવી ન શક્યો
રહ્યા એ સૌ પથારીવશ
વર્ષો સુધી
મારા મનની ફૂલ-શૈયા પર
પણ અંતે મરણને શરણ થયા

ઘરોમાં
ઓફિસોમાં
મહેફિલોમાં
રસ્તાઓ ઉપર
કેટલાય કબ્રસ્તાનો મોજુદ છે
જ્યાંથી હું દરરોજ પસાર થાઉં છું
હરતા-ફરતા મકબરાઓની ઝિયારત કરું છું

દરરોજ ..

                           મૂળ ઉર્દૂ નઝ્મ  :  અબ્દુલ અહદ  ‘ સાઝ ‘

                                    ગુજરાતી ભાવાનુવાદ  : ભગવાન થાવરાણી


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

2 thoughts on “ઝિ યા ર ત

 1. અશોકભાઈ,

  ‘ સાઝ ‘ સાહેબનું જીવંત પઠન પણ ઉપલબ્ધ કરાવવા બદલ ઋણી છું.
  આ નઝમ પ્રથમ દ્રષ્ટિએ અછાંદસ લાગે, પણ એમાં એક ચોક્કસ લય છે, રવાની છે જે ધ્યાનપૂર્વક સાંભળીએ, વાંચીએ તો અનુભવાય છે.

  આભાર !

 2. Adbhut.
  True Reality of almost all of us. We all have predominantly one or other aspect touches most. For me
  “કેટલાક તો સંપર્કના દુકાળથી મરી પરવાર્યા” . I sincerely feel short of this quality. First Time Heard of Abdul Ahad “Saaz”. Thanks.

Leave a Reply

Your email address will not be published.