ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૬ :: લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજના ઠરાવથી દાંડી કૂચ સુધી (૧)

દીપક ધોળકિયા

કોંગ્રેસ અસમંજસમાં

આપણે હજી ૧૯૧૬થી ૧૯૩૫ના ગાળાના ઇતિહાસમાં જ છીએ અને જેટલી સંગઠિત ક્રાન્તિકારી ઘટનાઓ બની તે એ જ વર્ષોમાં બની. એવું નથી કે ચૌરીચૌરા પછી ક્રાન્તિકારીઓ જ સક્રિય હતા અને કોંગ્રેસ કંઈ નહોતી કરતી. એમાં પણ નેતાઓ નવા નવા રસ્તા શોધતા રહ્યા હતા. મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ, વિઠ્ઠલભાઈ પટેલ જેવા નેતાઓ કોંગ્રેસની અંદર જ સ્વરાજ પાર્ટી બનાવીને ઍસેમ્બ્લીમાં ગયા જ હતા. કોંગ્રેસમાં ઍસેમ્બ્લીમાં જનારા ફેરવાદી (નીતિમાં ફેરફાર) અને ના-ફેરવાદી એવી બે વિચારધારા ચાલતી હતી. હવે જો કે આંદોલનના હિમાયતીઓ વધવા લાગ્યા હતા. ગાંધીજી પોતે પણ વિચારમંથનમાં પડ્યા હતા અને રચનાત્મક કાર્યો પર જોર દેવા લાગ્યા હતા. આમ છતાં, ફેરવાદીઓ અને ના-ફેરવાદીઓની ખેંચતાણને કારણે કોંગ્રેસ તૂટી ન જાય એવા પણ પ્રયત્ન કરતા રહ્યા. એમને જ કારણે કોંગ્રેસે નિર્ણય લીધો હતો કે જે ઍસેમ્બ્લીમાં જઈને રકારને હંફાવવાનું યોગ્ય માનતા હોય એમને રોકવા નહીં. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ વગેરે ના-ફેરવાદી, અથવા તો આંદોલનવાદી હતા પરંતુ એમણે સ્વરાજિસ્ટોને એમનો માર્ગ પકડવાની છૂટ આપી. કોંગ્રેસ તે પછી એમના કામના પ્રભાવની સમીક્ષા કરવાની હતી. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે ઍસેમ્બ્લીમાં બોંબ ફેંક્યો ત્યારે સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ અને મોતીલાલ નહેરુ ગૃહમાં હાજર હતા.

પરંતુ આપણે પહેલાં પણ જોયું છે તેમ ધીમે ધીમે સ્વરાજ પાર્ટીમાં જ સરકાર સાથે સહકાર કરનારાઅઓનું જૂથ ઊભું થયું હતું. ૧૯૨૫માં ચિત્તરંજન દાસનું મૃત્યુ થયું એ પણ સ્વરાજ પાર્ટી માટે એક ધક્કો હતો. અધૂરામાં પૂરું, ચિત્તરંજનબાબુના જવા પછી બંગાળ કોંગ્રેસમાં સુભાષ ચંદ્ર બોઝ સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત થયા. સુભાષબાબુ ઉદ્દામ રાજકારણના હિમાયતી હતા અને એમને ઍસેમ્બ્લીમાં રસ નહોતો. એકંદરે જવાહરલાલ અને સુભાષબાબુની નેતાગીરી હેઠળ યુવાનો ઍસેમ્બ્લીની વિરુદ્ધ હતા. કોંગ્રેસની અંદર જ એમણે ‘ઇન્ડીપેન્ડન્સ ફૉર ઇંડિયા લીગ’ની રચના કરી હતી અને જવાહરલાલ અને સુભાષ એના મંત્રીઓ બન્યા. આમ પિતાપુત્ર તદ્દન સામસામે આવી ગયા.

કોંગ્રેસ અને ક્રાન્તિકારીઓ

ક્રાન્તિકારીઓ કોંગ્રેસ અને ગાંધીજીના રાજકારણથી દૂર હતા, એવું માનવું પણ ભૂલભરેલું છે. એ એમની સશસ્ત્ર પ્રવૃત્તિઓ કરતા હતા ત્યારે પણ એમની નજર રાષ્ટ્રવ્યાપી આંદોલન પર તો રહેતી જ હતી. ચિત્તાગોંગમાં પોલીસ શસ્ત્રાગાર પર માસ્ટરદાના નેતૃત્વ હેઠળ હુમલો થયો ત્યારે સામાન્ય લોકો ગામડેગામડે મહાત્મા ગાંધીનો મીઠાનો સત્યાગ્રહ કરતા હતા! એવું જ પંજાબ અને ઉત્તર હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના આંદોલનનું પણ હતું. કોંગ્રેસના ઠરાવો પર સરકાર શું કરે છે તે એ જોતા જ હતા. એનું ઉદાહરણ આપણને આ પહેલાં ૩૪મા પ્રકરણમાં મળે જ છે. એટલે એના પર એક નજર નાખીને આગળ વધીએ કારણ કે હવે આપણે સ્વતંત્રતા સંગ્રામના એક સીમાચિહ્ન પાસે પહોંચીએ છીએ. એ સીમાચિહ્ન એટલે મીઠાનો સત્યાગ્રહ અથવા દાંડી કૂચ.

એ પ્રકરણમાં આપણે ૧૯૨૯ની ૨૩મી ડિસેમ્બરે વાઇસરૉયની ટ્રેનને ઉડાવી દેવાના પ્રયાસ વિશે આપણે એ પ્રકરણમાં વાંચ્યું હતું. કાનપુરના નેતા ગણેશ શંકર વિદ્યાર્થીએ ક્રાન્તિકારીઓને વાઇસરૉય પર હુમલો ન કરવા સમજાવ્યા હતા. એમનું કહેવું હતું કે ૧૯૨૮માં કોંગ્રેસે અંગ્રેજ હકુમતને ભારતનો દરજ્જો નક્કી કરવા માટે એક વર્ષનો સમય આપ્યો હતો તે ૧૯૨૯માં પૂરો થાય છે અને બીજા જ દિવસે, ૨૪મીથી લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે. ગાંધીજી વાઇસરૉયનું વલણ જાણવા જ ૨૩મીએ વાઇસરૉય દિલ્હી આવે તે પછી એને મળવાના હતા અને જે કંઈ વાત થાય તે લઈને એ જ દિવસે લાહોર માટે રવાના થવાના હતા. જો કે ક્રાન્તિકારીઓએ ટ્રેન ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો જ પણ સફળ ન રહ્યા.

ગાંધીજી વાઇસરૉયને મળ્યા અને એમને ભગવાને બચાવી લીધા તેનો આનંદ વ્યક્ત કર્યો અને તે પછી કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા માટે લાહોર જવા રવાના થઈ ગયા. બીજા દિવસે કોંગ્રેસની બેઠક શરૂ થઈ તેમાં શરૂઆતમાં જ ગાંધીજીએ આ કૃત્યની ટીકા કરી અને વાઇસરૉયના બચી જવા વિશે એમણે જે ઠરાવ રજૂ કરાવડાવ્યો તે ૧૭૧૩ સભ્યોમાં માત્ર ૮૧ની બહુમતીથી મંજૂર રહ્યો. આ દેખાડે છે કે જેમ ક્રાન્તિકારીઓ કોંગ્રેસની કાર્યવાહી જોતા હતા તેમ, કોંગ્રેસની વિશાળ બહુમતી પણ અહિંસાના સિદ્ધાંત છતાં ક્રાન્તિકારીઓ પ્રત્યે સદ઼્ભાવ રાખતી હતી.

૧૯૨૯- કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ

મુસ્લિમ લીગે નહેરુ રિપોર્ટ (મોતીલાલ નહેરુનો દેશના બંધારણ વિશેની ભલામણો) ફગાવી દીધો તે પછી કોંગ્રેસ પાસે પોતાની રીતે આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો રહ્યો. જવાહરલાલ, સુભાષ વગેરે તો પહેલેથી જ એનો વિરોધ કરતા હતા કારણ કે એમાં ‘પૂર્ણ સ્વરાજ’ વિશે કંઈ હતું જ નહીં. મોતીલાલ નહેરુ માનતા હતા કે એ સમય આવે તે પહેલાં ડોમિનિયન સ્ટેટસ પણ માગવામાં કંઈ ખોટું નથી, એ પણ એક આગેકદમ જ છે. (ઑસ્ટ્ર્લિયા અને કૅનેડા બ્રિટનનાં સંસ્થાન હતાં પણ એમને પોતાની જ સરકાર બનાવવાનો અધિકાર હતો. આને ડોમિનિયન સ્ટેટસ કહેવાય. ભારત માટે પણ એ જ દરજ્જાની માગણી હતી).

કલકત્તા અધિવેશનમાં મોતીલાલ નહેરુ પ્રમુખ બન્યા પણ એમણે કહી દીધું કે જો એમનો ઠરાવ ઊડી જશે તો પોતે રાજીનામું આપી દેશે. ડોમિનિયન સ્ટેટસ કે પૂર્ણ સ્વરાજ? આ પ્રશ્ન પર કોંગ્રેસ પડી ભાંગવાની અણીએ હતી. પણ ગાંધીજીએ રસ્તો કાઢી આપ્યો. એમણે ઠરાવ રજૂ કર્યો કે નહેરુ રિપોર્ટ એના ડોમિનિયન સ્ટેટસ માટેના સૂચન સહિત સ્વીકારવો અને સરકારને એક વર્ષનો સમય આપવો. એ દરમિયાન પણ જો સરકાર કોંગ્રેસની માગણી ન માને તો સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ કરવું.

પહેલી ગોળમેજી પરિષદ

પરંતુ એ મુદત દરમિયાન બ્રિટિશ સરકાર સતત કોંગ્રેસની માગણીને ઠોકરે ચડાવતી રહી. આમ છતાં વાઇસરૉય અર્વિને કોંગ્રેસમાં ગૂંચવાડો વધે એવી એક જાહેરાત કરી દીધી. અર્વિન ૧૯૨૯ના વચગાળે રજામાં લંડન ગયો અને ત્યાં એને હિન્દુસ્તાનની સ્થિતિ વિશે પોતાના વિચારો બ્રિટિશ સરકાર સમક્ષ રજૂ કર્યા. અર્વિન સામ્રાજ્યવાદી તો હતો જ, બ્રિટનના રૂઢીચુસ્ત પક્ષનો સભ્ય પણ હતો એટલે હિન્દમાંથી અંગ્રેજો હટી જાય એવું તો એ નહોતો વિચારતો, તેમ છતાં એ બીજા રૂઢીચુસ્તો પણ નહોતો અને હિન્દ પર હકુમત કરવામાં હિન્દીઓને સત્તામાં ભાગીદારી આપવી જોઈએ એમ માનતો હતો. એને લંડનથી ભારત પાછા આવતાં જ જાહેરાત કરી કે બ્રિટન સરકાર હિન્દુસ્તાનના ભાવિ રાજકીય સ્વરૂપ વિશે ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદ બોલાવશે. કોંગ્રેસે હજી કલકત્તા અધિવેશમાં જ નિર્ણય લીધો હતો કે દોમિનિયન સ્ટેટસ એક વર્ષમાં ન મળે તો ૧૯૨૯નું વર્ષ પૂરું થાય તે પછી પૂર્ણ સ્વરાજ માટે આંદોલન કરવું. અર્વિનની જાહેરાતના ફલિતાર્થો સમજવા કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં મળ્યા. અર્વિનની જાહેરાતમાં એમણે નોંધ્યું કે ડોમિનિયન સ્ટૅટસની પણ એમાં વાત નહોતી. આ સંજોગોમાં ગોળમેજી પરિષદ શું કરવાની હતી?

દિલ્હી ઘોષણા’માં એમણે કહ્યું કે ગોળમેજી પરિષદ હિન્દને ડોમિનિયન સ્ટેટસ ક્યારે આપવું તે નક્કી કરવા માટે નહીં, પરંતુ, એનું માળખું તૈયાર કરવાના હેતુથી બોલાવવી જોઈએ. આના પછી ગાંધીજી, મોતીલાલ નહેરુ વગેરે નેતાઓ વાઇસરૉયને મળ્યા પરંતુ એમાં કોંગ્રેસ અને બ્રિટનની સરકાર વચ્ચે તો બહુ મોટી ખાઈ હોવાનું જણાયું. હિન્દને ડોમિનિયન સ્ટેટસ આપવા વિશે તો બ્રિટિશ સરકાર વિચારતી પણ નહોતી! હવે કંઈ રસ્તો નહોતો રહ્યો.

પૂર્ણ સ્વરાજ

૧૯૨૯માં લાહોર અધિવેશનમાં જવાહરલાલ પ્રમુખપદે ચુંટાયા; પિતા મોતીલાલ નહેરુની ડોમિનિયન સ્ટેટસની માગણીને કોરાણે મૂકીને પુત્ર જવાહરલાલે દેશ વતી ‘પૂર્ણ સ્વરાજ’ના સંકલ્પની ઘોષણા કરી. અને સમાજવાદી આર્થિક કાર્યક્રમ રજૂ કર્યો.

કલકત્તા અને લાહોર અધિવેશનો વચ્ચે મહત્ત્વની વાત એ બની કે ગાંધીજી રચનાત્મક કાર્યક્રમોમાંથી ફરી રાજકારણમાં સક્રિય થઈ ગયા. કોંગ્રેસે સવિનય કાનૂન ભંગ આંદોલન ચલાવવૌં તેનો વ્યૂહ ઘડવાની સંપૂર્ણ સત્તા ગાંધીજીને સોંપી દીધી.

૦૦૦

સંદર્ભઃ

1. Centenary History of Indian National Congress – 1919-1935 Edited by B. N. Pandey

2. Motilal Nehru, published by Publications Division, GoI, August 1964.

000

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

Leave a Reply

Your email address will not be published.