શબ્દસંગ : માતૃભાષાનું ગૌરવ: શુદ્ધ લેખન

(રમણભાઈ સોની લિખિત પુસ્તક “ગુજરાતી લેખનપદ્ધતિ” નો પરિચય )

નિરુપમ છાયા

ભાષયતે ઇતિ ભાષા. આમ ભાષાનો વિચાર કરીએ ત્યારે બોલવું એ જ સર્વપ્રથમ બાબત છે. માનવના ઉત્પતિ અને ઉત્ક્રાંતિ કાળથી ભાષા મહત્વની બાબત રહી હોય એ સ્વાભાવિક છે. જો કે એ કાળમાં, શરૂઆતમાં બોલવું એવી કોઈ બાબત નહીં હોય. હાથ કે શરીરના માધ્યમથી ઈશારાઓ દ્વારા પોતાની વાત કહી હશે. પછી અ, આ, ઉ, ન, ણ, એવા અવાજો ગળા અને નાકમાંથી નીકળ્યા હોય અને જે વ્યક્ત કરવું છે એ નજીક કે દૂર રહેલાને થોડું સ્પષ્ટ થયું હોય. બાળક તેના વિકાસના તબક્કામાં જે રીતે વ્યક્ત થવાનો પ્રયત્ન કરે છે એને સૂક્ષ્મ રીતે સમજીએ એના પરથી આ કલ્પના કરી શકાય છે. ઉત્ક્રાન્તિના વિવિધ તબક્કામાં આ ઉચ્ચારો વિશેષ સ્પષ્ટ થયા હશે અને પ્રથમ આગળ જતાં શબ્દભંડોળ વિકસ્યો હશે અને સમૃદ્ધ પણ થતો ગયો હશે. એક આડવાત. બાળકનાં શિક્ષણમાં પણ ભાષા માટે પૂર્ણપણે વૈજ્ઞાનિક પ્રક્રિયાનો ક્રમ, જોવું, સાંભળવું,બોલવું, ઓળખ, વાચન અને સહુથી છેલ્લે લેખન એવો છે.. લખાણમાં ભાષાશુદ્ધિનાં વિવિધ પાસાં માટે ઉચ્ચારોનો, તેની ઉત્પતિ, વિકાસ વગેરે બાબતોની ચકાસણી અને કાળક્રમે થતા રહેલા ફેરફારોના અભ્યાસને આધારે ભાષાનાં લેખનમાં એકવાક્યતા લાવવા એક ચોક્કસ પદ્ધતિનું વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. શાસ્ત્ર પણ રચાયું. હવે સામાન્ય માણસ માટે આ બાબતો ગહન અને વિસ્તાર ધરાવતી છે. પણ મા સમાન માતૃભાષા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ એનો દરેક રીતે શુદ્ધ ઉપયોગ કરવો એ છે. પરંતુ શાળા કક્ષાથી લઈને કોલેજ કક્ષા સુધી લેખન અશુદ્ધિ ચિંતા ઉપજાવનારી બાબત છે.એ અંગે કોઈ ગંભીરતા કે સમજ સ્પષ્ટ કરવાનું વલણ નથી જણાતું. આમ તો અનેક પ્રકારના કોશ, વ્યાકરણના ગ્રંથો ઉપલબ્ધ છે. પણ, અત્યંત વિસ્તાર, ઊંડાણ, શાસ્ત્રીયતા અને આળસ પણ ખરું,વગેરેને કારણે એના સુધી કોઈ પહોંચવાનો પ્રયત્ન કરતું નથી. ત્યારે, વિદ્વાનથી લઈને સામાન્ય જન પણ સરળતાથી સમજી, લેખનમાં શુદ્ધિ લાવે એ માટે આપણી ભાષાના પ્રથમ પંક્તિના, આદરણીય વિદ્વાન, સર્જક, અને જેમની આગવી સંપાદકીય સૂઝ પ્રતિષ્ઠિત છે એવા શ્રી રમણ સોનીએ હમણાં જ ‘ગુજરાતી લેખન પદ્ધતિ’ નામનું પુસ્તક સુલભ કરાવ્યું છે. તેઓ ‘આ પુસ્તક વિશે’ કહે છે, “…….એમાં એકવાક્યતા પર ભાર મૂક્યો છે-લેખનમાં જો સમાન પદ્ધતિ લાવવી હોય તો એકવાક્યતા અનિવાર્ય લેખાય.’’ વળી, ‘ભાષા, જોડણી, અને લેખન વિશેની તળની, પ્રાથમિક અને સ્પષ્ટ જાણકારી પામવા ઇચ્છનાર’ માટેની દૃષ્ટિથી લખાયેલ પુસ્તક એના હેતુ અને ઉપયોગીતાને સ્પષ્ટ કરે છે.

પ્રારંભે મુકાયેલા અનુક્રમના વિષયો, જોડણી, અનુસ્વાર, ક્યા શબ્દો ભેગા લખવા-છુટ્ટા લખવા, વિરામચિહ્નો, સંક્ષેપાક્ષર, વિશેષ કાળજી , પરિશિષ્ટો વગેરે પર દૃષ્ટિપાત કરતાં જ ખ્યાલ આવે છે કે ફક્ત જોડણી જ નહીં, લેખનનાં સંદર્ભમાં ઇષ્ટ અને આવશ્યક મુદ્દાઓને પુસ્તકમાં આવરી લીધા છે. અને હા, ગભરાવાની જરૂર નથી. પુસ્તક દળદાર કે ભારેખમ નથી. ફક્ત ૯૬ પાનામાં જ આ બધું સમાવ્યું છે જે લેખકનાં શુદ્ધ ભાષા માટે ખેવના અને કૌશલ્ય પ્રગટ કરે છે.

લેખક સંશોધન નિષ્ણાત અને ભાષાશાસ્ત્રના વિદ્વાન છે. ભાષા-વ્યાકરણ-જોડણી વિશેનો વિશાળ અભ્યાસ ધરાવે છે, એના પરિપાકરૂપે આ પુસ્તક તૈયાર કર્યું છે એટલે પુસ્તક પૂરેપૂરું શાસ્ત્રીય છે. પણ,‘શાસ્ત્રીય બાબતોની રજૂઆત શા માટે અઘરી અને અટપટી રહેવી જોઈએ’ એવું કહેતાં, લેખકે શાસ્ત્ર પદ્ધતિનો પૂરો આદર કરીને , ભાષાના તંત્રની શાસ્ત્રીયતાનું સાવ સરળીકરણ નથી કર્યું , પણ બહુ જ સરળ રીતે સ્પષ્ટ સમજ આપી છે.

આ પુસ્તકમાંથી પસાર થતાં, લેખકનાં અધ્યાપકીય કૌશલ્ય ,વિષય સર્વાંગી રીતે વિદ્યાર્થીમાં ઝીલાય અને એ રીતની શૈલી વડે વર્ગને સ્વર્ગ બનાવવાની નિષ્ઠા આ પુસ્તકની પ્રસ્તુતિમાં પણ વરતાઈ આવે છે. સરળતા એ આ પુસ્તકની સર્વોપરી બાબત છે. પ્રવેશકમાં ભાષાના બોલવા અને લખવાના આયામોને બહુ જ સરળ ભાષામાં, ક્લિષ્ટતા વિના, નાનાં અને સ્પષ્ટ વાક્યોમાં સમજાવ્યા છે જેથી લેખન શુદ્ધિના નિયમોને શા માટે અનુસરવા જોઈએ એ ગળે ઊતરી જાય છે.

પ્રસ્તુતિમાં તર્કબદ્ધતાને કારણે લેખન શુદ્ધ કરવા માટે સૂત્રો કંઠસ્થ નથી કરવાં પડતાં પણ સહજ રીતે હૃદયસ્થ થતાં આપોઆપ એક ટેવ , અનુશાસન બની જાય છે. ઉદાહરણરૂપે જોડણીનું પ્રકરણ લઈએ તો ‘એક અક્ષરવાળા શબ્દો ઈ, ઊ, દીર્ઘ લખવા’ આ એક જ વાક્યમાં નિયમ સમજાવ્યો. પછી બે, ત્રણ ચાર અક્ષરવાળા શબ્દોની જોડણી, એમ આગળ વધતાં, શબ્દાંત, હ્રસ્વ અને દીર્ઘ ઈ વાળા પ્રત્યયો, એ રીતે ક્રમબદ્ધ તર્કપૂર્ણ ગોઠવણીને કારણે કોઈ જ ભારણ વિના જોડણી સમજવી સરળ થઇ જાય છે. એ જ રીતે લેખનમાં અનુસ્વાર વિષે વધુ ગુંચવણ પ્રવર્તે છે એટલે એ વિષયને થોડો વિસ્તારપૂર્વક સ્પષ્ટ કર્યો છે. એમાં તર્કબદ્ધ ક્રમ તો ખરો જ. ઉદાહરણ જોઈએ તો , ‘અનુસ્વારનું સ્થાન નક્કી કરવામાં શબ્દોનાં લિંગ અને વચન નિર્ણાયક બને છે.’ નિયમનું કેવું સરળ સૂત્રીકરણ ! અને પછી એક એક લીટીમાં વધારે નિયમો મૂક્યા છે એટલું જ નહીં, આટલી સરળ રીતે મુકાયેલાં સૂત્રોને કોષ્ટકમાં એક ચિત્રાત્મક રૂપ આપી, સહજ રીતે દૃઢ થાય એવી પદ્ધતિ અપનાવી છે. પછીના ક્રમમાં, સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ,કૃદંત, ક્રિયાપદ, વગેરેમાં અનુસ્વાર કઈ રીતે આવે તે સ્પષ્ટ કર્યું છે. દા.ત. ‘જો નામને વિભક્તિનો પ્રત્યય હોય તો’ એ નિયમ સરળ રીતે મૂકી, અહીં અને એ પછી દરેક મુદ્દામાં આવી સરળ રીતે જ અનુસ્વારનો ઉપયોગ સ્પષ્ટ કર્યો છે. લેખન માટેની મહત્વની સર્વ બાબતોમાં આ જ રીતે તર્કબદ્ધતા જોઈ શકીએ છીએ.

સરળ રીતે નિયમો દર્શાવી, સાથે ફક્ત એક બે જ નહીં પણ ઘણાં ઉદાહરણો સાથે સમજને ઊંડી કરવાનો હેતુ રાખ્યો છે. દરેક પૃષ્ઠમાં મુદ્રણમાં પણ અધ્યાપક દૃષ્ટિનો ખ્યાલ આવે છે. નિયમો ડાબા છેડે અને ઉદાહરણો એની નીચે જમણા હાથે સળંગ લીટીમાં નહીં પણ જૂથમાં, ઊભા સ્તંભમાં આપ્યાં છે જેથી એક દૃષ્ટિમાં આવતાં સહેલાઈથી ગ્રહણ થઇ શકે. તો પછી ડાબી બાજુએ અવકાશ રહ્યો એનો શો ઉપયોગ? ઉપયોગકર્તા, ઉદાહરણો સાથે નિયમ સમજી, પછી પોતે એ અવકાશમાં બીજાં ઉદાહરણો લખી, નિયમને વિશેષપણે આત્મસાત કરી શકે. અધ્યાપક ગ્રહણશીલતાની કસોટી માટે ગૃહકાર્ય સ્વાધ્યાય કે મનોયત્ન તો આપે જ ને? આ પુસ્તકમાં પણ દરેક પ્રકરણને અંતે એ જ રીતે સ્વાધ્યાય આપ્યાં છે અને ઉત્તરો માટે જગ્યા પણ એમાં જ રાખી છે. સ્વાધ્યાય આપ્યાં હોય એટલે એક અપેક્ષા સ્વાભાવિક જ રહે કે એના ઉત્તરો પણ છેલ્લે આપ્યા હોત તો વિશેષ ઉપયોગી બની શકત.

સંસ્કૃત ઉચ્ચારની અસર અંગ્રેજી લિપિ પર થઇ અને ગુજરાતીમાં પણ એ જ ઉચ્ચાર અપનાવ્યા, જેમ કે ‘યોગ’ ને બદલે ‘યોગા’ની જેમ શબ્દોના ખોટા ઉચ્ચાર તરફ ધ્યાન ખેંચવું, , ગુજરાતી ભાષામાં પ્રવેશતા અંગ્રેજી શબ્દો પ્રત્યે સભાન રહેવા ટકોર અને અવારનવાર વપરાતા અંગ્રેજી શબ્દોના પર્યાયના ઉપયોગનું સૂચન વગેરે બાબતો વિશદતાથી મૂકી,માતૃભાષાનું ગૌરવ કરવા પ્રેરિત કર્યા છે. શબ્દકોશની રચના, સ્વર અને વ્યંજન વર્ણક્રમ વિષે માહિતી ,જોડાક્ષરો અને અન્ય શબ્દો શોધવાની સરળ ચાવી, અને કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ, ક્રિયાવિશેષણ જેવી વ્યાકરણની કેટલીક સામાન્ય ઉપયોગમાં લેવાતી સંજ્ઞાઓનો પરિચય કરાવી પુસ્તકને વિશેષ મૂલ્યવાન બનાવ્યું છે.

જોડણીના સદર્ભમાં કેટલાંક સૂચનો થયાં, પ્રયોગો પણ કરવામાં આવ્યા. જેમ કે લોકમિલાપના મહેન્દ્રભાઈ મેઘાણીએ રોમન લિપિમાં ૨૬ અક્ષરોથી જ કામ ચાલે છે એની જેમ જ ગુજરાતી લિપિમાં અક્ષરોની સંખ્યા ઘટાડવા કેટલાંક સૂચનો કર્યાં, એ જ રીતે, ઊંઝા જોડણીને નામે વિખ્યાત વિચાર પણ વહેતો થયો. પણ આ બધા પ્રયોગો સામે ઘણા પ્રશ્નો પણ રહ્યા. ત્યારે પ્રવર્તમાન જોડણી અને લેખન પદ્ધતિ જ કેમ સરળતાથી શુદ્ધ બને એ આ પુસ્તક દ્રઢતાથી દર્શાવે છે. આપણી ભાષાના અગ્રિમ સર્જક રતિલાલ બોરીસાગર, શાળા કોલેજોનાં શિક્ષકો-વિદ્યાર્થીઓ માટે આ પુસ્તિકાને ‘નિત્ય હાથપોથી’ તરીકે પ્રતિષ્ઠિત કરતાં વધાવતાં, રમણભાઈના વર્ષોના વિદ્યાતપનું સુફળ ગણાવે છે.

એક સમયે જેમ વિદ્યાર્થી પાસે શબ્દકોશ, વ્યાકરણ, નકશાપોથી વગેરે સામગ્રી હોવી જરૂરી ગણાતી એ રીતે જ આ ‘હાથપોથી’ પણ વિદ્યાર્થીઓ ઉપરાંત ગુજરાતી લેખન સાથે સંકળાયેલા સહુ કોઈ આવશ્યક ગણી અપનાવે એવી આશા રાખીએ. આ હાથપોથીની નકલોની અનેકગણી સંખ્યા સાથે આવૃત્તિની સંખ્યા પણ વધે એવું ઈચ્છીએ. એના માટે આગોતરા ગ્રાહક જેવી યોજના સાથે ઓછી કિમતની સુલભ આવૃત્તિનો વિચાર પણ થઇ શકે.

ગરવા ગુજરાતીઓ આ હાથપોથીના ઉપયોગ દ્વારા લેખનપદ્ધતિ સુધારી, માતૃભાષાની વંદના કરશે એ પ્રાર્થના કરીએ.

[પ્રકાશક: ગુર્જર. પ્રથમ આવૃત્તિ: ૨૦૧૯ પૃષ્ઠ ૯૬ . કિંમત: રુ ૧૦૦.]


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.