ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧૩: ત્રિપુટી

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*———–

સને ૧૯૯૪ના મે મહિનાના એક દિવસે સૌરાષ્ટ્રના એક નાના ગામમાંથી પસાર થતી વેળાએ હું બેઠો હતો એ બસ બગડી ગઈ. ડ્રાઈવર અને કંડક્ટર શક્ય ત્વરાથી એની મરમ્મત માટેની વેતરણમાં પડ્યા, પણ ભરઉનાળાની ગરમીમાં એકાદ- બે કલાક ગાળવા જ પડશે એવી માનસિક તૈયારી મેં કરી લીધી. હવે મારા માટે સમય શી રીતે પસાર કરવો એ પ્રશ્ન હતો. જો કે કોઈ પણ અજાણ્યા સ્થળે ચાની લારી/દુકાન અને વાળ કપાવવાની દુકાન _ આ બે જગ્યાઓ ક્યારેય એકલું કે અજાણ્યું લાગવા ન દે એવો અનુભવ રહ્યો છે. એમના અંગત મહેમાન હોઈએ એવા જ ઉમળકાથી આવકારો મળે, ઈચ્છ્યું કામ થાય અને કીધી ખૂટે નહીં એટલી વાતો સાંભળવા મળે. પૂરા દેશમાં એકાદ-બે છોડીને બધાં જ રાજ્યોનાં નાનાં-મોટાં શહેરો અને ગામોની મુલાકાત લેવાના યોગ થયા છે અને દરેક જગ્યાએ ઉક્ત બે પ્રકારનાં વ્યવસાયિક સ્થળોની મુલાકાત લીધી છે. હજી સુધી કોઈ વખત અપેક્ષાથી વિપરીત અનુભવ થયો નથી. સહયાત્રીઓની રજા લઈને હું આંટો મારવા નીકળ્યો અને થોડા જ અંતરે એક હેર કટીંગ સલૂન દેખાયું.

ત્યાં દાખલ થવા જાઉં ત્યાં અંદર એક સરાસરી કરતાં વધુ બુધ્ધિશાળી અને શાલિન દેખાતા એક સજ્જન બેઠેલા હતા. માલિક અને કારીગરો એમને ભરોસે દુકાન મૂકી આસપાસમાં ગયા હશે એમ માનીને હું અંદર જતાં જરા ખચકાયો. પણ એમણે તો મને કોઈ મોંઘેરા મહેમાનને આપે એવો ઉમળકાભર્યો આવકારો દીધો ! મેં જરા ક્ષોભથી કહ્યું કે હું તો દુકાન ખુલ્લી જોઈને પગથીયાં ચડ્યો હતો, કારીગરો ન હોય તો ક્યાંક બીજી જગ્યા ગોતી લઈશ. જવાબ મળ્યો, ‘આંઈ તો આપડે જ કારીગર ને આપડે જ માલિક ! બોલો, દાઢી કે બાલ? કે બેય?” મેં સક્ષોભ ફરીવાર એમની સામે જોયું. ચશ્માંના કાચની આરપાર એ આંખોમાં થોડી ટીખળની છાંટ પણ દેખાતી હતી. આમ હોવાથી મેં ખાત્રી કરવા પ્રયત્ન કર્યો કે આવા ભણેલા ગણેલા જણાતા સજ્જન મારી સાથે મજાક તો ન્હોતા કરી રહ્યા ને! પણ એ ગંભીર હતા એમ લાગતાં છેવટે હું “ખાલી દાઢી” કહી, એક ખુરશીમાં ગોઠવાઈ ગયો. એમણે પૂર્વતૈયારીના ભાગરૂપે મારા ગળા ફરતે એક સફેદ કપડું વીંટ્યું. એની ભીંસ જરૂર કરતાં વધતી હોય એવું મને લાગ્યું. “અરે ભાઈ ! ઢીલું બાંધો” એમ કહું એ પહેલાં તો એક હાથમાં અસ્ત્રો પકડી, એમણે મને પૂછ્યું, “હવે બોલો, સાહેબ ! ગળે ટૂંપો દઉં કે પછી અસ્ત્રાથી નસ કાપું?” હું ઝબકીને પાછળ જોવા ગયો, પણ ઓલો ગાળીયો ખાસ્સો મજબૂત હતો એટલે ડોકી ફેરવવી ન શકાઈ. એવામાં જ ખડખડાટ હસતાં એણે ગાળીયો છોડી નાખ્યો અને કહે, “ હાલ, હવે તો ઓળખી જા !” અને હું એને ઓળખી ગયો. એ હતો હસમુખ વાઝા, મારો ધોરણ નવમાના વર્ગ ‘ડ’નો સહપાઠી. લગભગ ૨૬-૨૭ વરસ પછી પણ એ મને તરત જ ઓળખી ગયેલો. એ પછીના એકાદ કલાકમાં અમે અમારા સહપાઠના દિવસો અને કેટલાક મિત્રોને યાદ કર્યા.

એ સમયે નિશાળમાં એને નામથી તો લગભગ કોઈ જ ન જાણતું. બધા એને અટકથી જ ઓળખતા અને એમાં પણ ‘વાઝા’ની જગ્યાએ એને ‘વાઝો’ કહીને જ બોલાવતા. હું જ્યારે નવમા ધોરણમાં પહોંચ્યો ત્યારે એ ત્રણ વરસના નિશાળત્યાગ પછી પાછો આવ્યો હતો. એ અગાઉ પણ એકાદ-બે ધોરણો પાકાં કર્યાં હોવાથી એ મારા કરતાં પાંચે-છ વર્ષે મોટો હતો. સારી દેહયષ્ટી અને સૌમ્ય વ્યક્તિત્વ થકી એ ખુબ જ શાંત અને ગંભીર દેખાતો. એ ભણતર સિવાયના વાંચનનો ગજબ શોખીન હતો અને શાયરીઓ પણ સારી એવી બોલી જાણતો. એ અમારા જ વર્ગના અને લગભગ એની જ ઉમરના બે છોકરાઓ સાથે ગાઢ ભાઈબંધી કેળવી ચૂક્યો હતો. એ બે મિત્રો હતા અનિલ પટેલ અને ઈકબાલ મેમણ, અનુક્રમે અનિલિયો અને ઈકબાલીયો. એ બન્ને પણ વચ્ચેનાં ધોરણોમાં વિવિધ કારણોવશાત રોકાતા રોકાતા નવમામાં પહોંચ્યા હતા. વાઝો અને અનિલ નિયમિત રીતે નિશાળે આવતા, જ્યારે ઈકબાલ નિશાળે આવશે કે નહીં એનો આધાર નિશાળમાં એનો આગલો દિવસ કેવો વિત્યો છે એની ઉપર રહેતો.

વાઝો નિયમિત આવતો એનું કારણ એ હતું કે ચોક્કસ કારણોસર એને વચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. આથી સાનુકુળ સંજોગો સર્જાતાં જ્યારે એ ફરીથી ભણવા આવવા લાગ્યો ત્યારે એને ભણતરની કિંમત સુપેરે સમજાઈ ગઈ હતી. એ કેશકર્તનના પોતાના કૌટુંબિક વ્યવસાયમાં જોડાયેલા રહેવાને બદલે ઉચ્ચ શિક્ષણ મેળવીને કોઈ સારી નોકરી કરવાની મહત્વાકાંક્ષા ધરાવતો હતો. બીજી બાજુ અનિલિયા પાસે રોજેરોજ નિશાળે આવવા માટેનું સાવ અલગ જ કારણ હતું. અનિલના કુટુંબીજનો શહેરની મધ્યના વિસ્તારમાં સોડા/પાન/બીડીનો ધંધો કરતા. અનિલ ખાસ્સો હટ્ટોકટ્ટો હોવાથી અમુક માથાભારે ઉધારીયાઓની ઉધારી વસૂલ કરવા એને મોકલતા. એ કામગીરીથી છટકવા માટે એ નિશાળે આવવાનું પસંદ કરતો. અમારો અનિલિયો કહેતો, “જો હું નિશાળે નો આવું ને, તો મારો મોટોભાઈ કે બાપા મને —–(ભાવનગરનો ચોક્કસ વિસ્તાર)માં ઉઘરાણીએ મોકલે શ. હવે ઈ કોઈ પૈશા તો દેવામાં માને જ નહીં. એટલે પછી મારે ન્યાં બાધણું જ થાય. એમાં હું ય કોકને મારું ને કોક મને ય મારે. પણ અંતે તો ઈ બધા ભેગા થઈને ઢીંકા-પાટુ કરીને આપણને આડા પાડી દે. માર ખાઈને ય આપડે ખાલી હાથે જ વહ્યા આવવું પડે. હવે થાય એવું કે પૈશા લીધા વિના જાઉં એટલે બાપા કે મોટોભાઈ ધોકાવી નાખે. એટલે આપડે તો ઢોલની જેમ બેઈ બાજુથી ટીપાઈ જઈયે. ઈ પે ( એના કરતાં) અહીં નિશાળમાં મજા. સાહેબું કાઢી મૂકે, મારે તો નહીં ! કોક વાર મારે તો ય ઓલ્યા ઉધારીયાઓ જેટલું તો નો જ મારે ને !” આમ, એ ભણવાની એષણાથી નહીં પણ એક અઘરી કામગીરીથી બચવા નિશાળે આવતો ! ઈકબાલીયો નિયમિત નિશાળે ન આવતો એની પાછળ પણ વાજબી કારણ હતું. અમારી નિશાળની બરાબર પાછળ પોલીસોનાં સરકારી રહેઠાણો હતાં, જે ‘પોલીસ લાઈન’ તરીકે જાણીતાં હતાં. ત્યાંના મોટા ભાગના છોકરાઓ અમારી નિશાળમાં જ ભણતા. પોલીસોના જ કુટુંબી હોવાથી શિસ્ત, કાયદો કે નિશાળમાં પાળવા પડે એવા નિયમોથી પોતે પર હતા એવું એમાંના મોટા ભાગના માનતા અને સમયસમયે એનાં પ્રમાણ પણ આપતા રહેતા. સામે પક્ષે ઈકબાલ ગામના એવા વિસ્તારમાંથી આવતો હતો, જ્યાં અવારનવાર પોલીસની રેડ પડ્યા કરતી હતી. આથી પોલીસલાઈનના છોકરાઓ એને પોતાના તાબા હેઠળના વિસ્તારનો રહીશ ગણતા અને એની ઉપર હકૂમત ચલાવવાના પ્રયત્નો કરતા. સ્વતંત્ર અને સ્વચ્છંદ મિજાજી ઈકબાલને આ જરાય સ્વીકાર્ય નહતું. આથી એ નિયમિત રીતે એવા છોકરાઓ સાથે ઝગડી પડતો. અસાધારણ રમૂજવૃત્તિ અને ખુબ જ ટીખળી સ્વભાવ થકી એ ભલભલાઓની ફીરકી ઉતારતો. પણ કોઈ કોઈ વાર પોલીસલાઈનના છોકરાને ખીજવવામાં હદ વળોટી જાય ત્યારે સામેવાળાઓ જીભ સામે જોરનો પ્રયોગ કરતા. પરિણામે સારો એવો માર ખાઈને ઘેર જાય એ પછી પણ ઈકબાલની મજબૂરી એ હતી કે એ લાઈનના છોકરાઓ સામે બદલો ન લઈ શકતો. એને પોતાના વિસ્તારના છોકરાઓનું પીઠબળ તો હતું પણ જો વેર વાળવા એ બધા ભેગા થઈને લાઈનના છોકરાઓને મારે તો એના પરિણામરૂપે એના વિસ્તારમાં રેડ પડી જ જાય ! એના કરતાં એ નિશાળમાં બેચાર દિવસ રજા પાડી દેતો. પછી આવે ત્યાં સુધીમાં મામલો ટાઢો પડી ગયો હોય એવું બનતું.

વાઝા અને અનિલ મૂળભૂત રીતે ડહાપણ, શિસ્ત અને આજ્ઞાંકિતતા જેવા સદગુણોથી સભર હતા. પણ એમના આ સદગુણો જે દિવસે ઈકબાલ નિશાળે આવે એવા એને ભાળતાંની સાથે જ ગેબમાં વિલીન થઈ જતા. આમ, ઈકબાલ વાઝા અને અનિલને માટે ઉદ્વીપકની ભૂમિકા નિભાવતો. આ ત્રણેય મિત્રો ભેગા થાય એ દિવસ અમારા માટે વિશિષ્ટ બની જતો. અનિલ અને ઈકબાલ તો જન્મજાત ટીખળી હતા જ, તે ઉપરાંત અન્યથા ધીર ગંભીર જણાતો વાઝો પણ ત્યારે ખીલી ઉઠતો. એમની ગાઢ મૈત્રીમાં એ લોકોની સરખી ઉમર અને મજબૂત દેહયષ્ટી ઉપરાંત એક કારણ એ પણ હતું કે એ ત્રણેય પરીણિત હતા ! એ લોકો છેલ્લી હરોળમાં સાથે જ બેસતા અને બે પિરીયડ વચ્ચેના અવકાશમાં એકદમ ધીરા અવાજે ગુસપુસ કર્યે રાખતા. રિસેસ દરમિયાન તો એ લોકો ખૂણા પાસેની બારી આગળ ઉભા રહી એકદમ ધીમા અવાજે ગુફતેગો કરતા. તે ઉપરાંત કેટલીક ભેદી પ્રવૃત્તિઓ પણ હાથે ધરતા, જેમાં પૂંઠાં ચડાવેલી પુસ્તિકાઓની આપલે પણ સમાવિષ્ટ હતી. કોઈ છોકરો કુતૂહલનો માર્યો એ તરફ ધ્યાન દેવા જાય તો અનિલિયો “ હાલ એ ઈ.ઈ.ઈ.ઈ.ઈ.ઈ.! આમ આઘીનો જા, હવા આવવા દેજે !” જેવા પ્રેમાળ ઉદગારો થકી એને દૂર રહેવા કહી દેતો. આમ પણ એ ત્રણેય બાકીના છોકરાઓ કરતાં તંદુરસ્તીમાં ઘણા બહેતર હોવાથી આવો એકાદો હાકોટો અમને આઘા તગેડી મૂકવા માટે પૂરતો થઈ પડતો. અને એ લોકો પોતાની જ્ઞાનચર્ચા આગળ ચલાવતા.

આ ત્રિપુટીની બે ખાસીયત હતી. એક તો એ કે ત્રણેય મિત્રો ભેગા થાય તો જ મસ્તી અને ટીખળ ઉપર ઉતરી આવતા. મોટે ભાગે તો કૉરમ થવામાં ઈકબાલ જ ખૂટતો. એ આવે તે દિવસે અમે બધા કોઈ મજેદાર ઘટનાની રાહ જોતા થઈ જતા. બીજી ખાસીયત એ કે એ ત્રણેય ભેગા થઈને જબરાં ડીંડક અને ટીખળ કરતા પણ ક્યારેય કશુંય વિધ્વંસક કરવા સુધી ન પહોંચતા. ઘણી વાર તો અમારા સાહેબો પણ એમનાં તોફાનોની મજા લેવામાં ભાગીદાર બનતા. અત્યારે કેટકેટલા બનાવો નજર સામે તરે છે એમાંથી બે અહીં વહેંચું છું.

—————*—————-*——————-*——————-*——————*———–

પહેલાં વાત કરું એ ઘટનાની, જેમાં મારી સીધી સંડોવણી હતી. અમારા નવમા ધોરણના બિલકુલ શરૂઆતના દિવસોમાં થયું એવું કે એક સવારે અમારા વર્ગમાં નેશનલ કેડેટ કોર – ‘એનસીસી’ – ની ભરતી માટેની નોટીસ આવી. એ માટે અમારી શાળાની બહાર આવેલા એ વી સ્કૂલના મેદાનના સામી બાજુના છેડે આવેલા પેવિલિયન ઉપર અમારા જીવુભા સાહેબની કસોટીમાં પાર ઉતરવાનું હતું. નિયત સમયે હું મેદાનમાં થયેલી કતારમાં ઉભો રહી ગયો. મારી આગળ મનોજ શાહ ઉભો હતો. આગળ વધતાં અમે પેવિલિયનનાં પગથિયાં પાસે પહોંચ્યા ત્યારે ધ્યાન પડ્યું કે વાઝા, અનિલ અને ઈકબાલ તો એનસીસીના યુનિફોર્મમાં સજ્જ હતા અને જીવુભા સાહેબના મદદગાર તરીકે સેવા આપી રહ્યા હતા! થોડી થોડી વારે એ ત્રણેય મારી આગળ ઉભેલા મનોજની અને મારી ભણી ઉપહાસભરી નજરે જોઈ લેતા હતા. મને કારણ સમજાવા લાગ્યું હતું. એ સમયે માંડ પાંચ ફીટ જેટલી ઉંચાઈ અને ચાળીશ કિલોગ્રામથી ય ઓછા વજન વાળું મનોજનું અને મારું દેહસૌષ્ઠવ કોઈ પણ ધારાધોરણથી એનસીસીમાં પ્રવેશપાત્ર નહતું. પણ મારા મનમાં તો ફિલ્મ ‘સન ઑફ ઈન્ડીયા’ નું ગીત ‘નન્હા મુન્ના રાહી હૂં, દેશકા સિપાહી હૂં” જ વાગ્યે રાખતું હતું. છેવટે મનોજનો જીવુભા સાહેબ પાસે જવાનો વારો આવ્યો. ઓલા ત્રણે ય એનું વજન કરવા અને છાતીનું માપ લઈ નોંધવાની તૈયારી કરે એ પહેલાં જીવુભા સાહેબે મનોજને પૂછ્યું, “એનસીસીમાં રહેવું ચ્છ?” મનોજે ‘હા જી, સાહેબ’ કહેતાં જ જીવુભા સાહેબે એને એક જોરદાર લાફો અડાડી દીધો અને ફરીથી બોલ્યા, “એનસીસીમાં રહેવું ચ્છ! ટોંટીને એનસીસીમાં રહેવું ચ્છ!” આગળ કશું પણ થાય એ પહેલાં મને ખ્યાલ આવી ગયો કે હું પણ ટોંટી હતો ! મનોજ પગથિયાં ઉતરે એ પહેલાં જ મેં પીછેહઠ કરી લીધી. બસ, રાષ્ટ્રીય ચારિત્ર્યઘડતર માટેની એક ઉમદા પ્રવૃત્તિ સાથેના મારા સંભવિત સંબંધનો એ જ સાથે અંત આવી ગયો. હવે ઉપર ઉભેલા મારા ત્રણ હિતેચ્છુઓ તો રાહ જોઈ રહ્યા હશે કે હું ઉપર જાઉં એટલે સાહેબ મને ય મનોજ જેવી જ સારવાર આપશે. પણ મને એમ ન થતાં એ હતાશ થઈ ગયા. એ ત્રણમાંના સૌથી ઓછો ભરાડી એવા વાઝાએ હું સાંભળું એમ સાહેબને કીધું, “જુઓ, સાહેબ ! ઓલ્યો બીજો ટોંટી તો જાય ભાગ્યો !” મેં એ વણસાંભળ્યું કરીને મારી વળતી યાત્રા ચાલુ રાખી, ત્યાં વાઝાએ મોટી બૂમ પાડી, “એય્ય્ય્ય્યય્ય્ય્ય ટોંટી! પાછો આવ્ય, સાયેબ ઈનામ આપે!” આટલું એ એટલે મોટે અવાજે ત્રાડ્યો કે લાંબી કતારમાં ઉભેલા ઘણા બધા છોકરાઓએ સાંભળ્યું. આમ થતાં એ બધાએ તો “ટોંટી ભાગ્યો, ટોંટી ભાગ્યો”નું સમૂહગાન આદરી દીધું. એ દિવસથી શરૂ થઈને હું મેટ્રીક પાસ થઈને નીકળ્યો ત્યાં સુધી વિદ્યામંદીર હાઈસ્કૂલમાં મારી ઓળખ ‘ટોંટી’ની બની રહી.

આનો બદલો વાળવાની તક મને બીજે જ દિવસે મળી ગઈ. અમારા વર્ગશિક્ષક કીરિટભાઈ સાહેબે કહ્યું કે આઠમા ધોરણમાં સૌથી વધુ માર્ક્સ લાવી ને નવમામાં આવેલા ત્રણ છોકરાઓને ક્લાસના મોનીટર બનાવવા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી એ ત્રણમાંના એક તરીકે મારી પણ નિમણૂક થઈ. એ સમયે પૂરા ક્લાસમાં ઉમર અને કદકાઠી સંદર્ભે હું સૌથી નાનો હતો. આ ઘોષણા થતાંની સાથે જ ઈકબાલીયો તો ખડખડાટ હસવા માંડ્યો. અનિલ અને વાઝાએ એનો સાથ આપવાનું શરૂ કર્યું. એ ચેપ આગળ વધે તે પહેલાં સાહેબે કડકાઈથી એ પ્રવૃત્તિ ડામી દીધી. પણ એ વર્ગ પૂરો થતાં જેવા સાહેબ બહાર ગયા કે વાઝો જોરથી બોલ્યો, “ એલા આપડો મોનીટર તો ટોંટી! બધા હખણીના રે’જો હો, નકર ધોકાવી નાખશે.” અને વર્ગમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું. મેં વળતો ઘા કર્યો, “ ભાઈઓ, કોઈ વાઝાની દુકાને વાળ કપાવવા નો જતા. ઈ કાં તો ગળે ટૂવાલ વીંટીને ટૂંપો દઈ દેશે ને નકર અસ્ત્રાથી વાળને બદલે ધોરી નસ કાપી નાખશે.” વર્ગમાં ફેલાયેલું હાસ્ય ચાલુ જ રહ્યું પણ હવે નિશાન બદલાઈ ગયું હતું, એ દિવસથી વાઝાની ખીજવણી ચાલુ થઈ ગઈ, “એલ્યા ગળે ટૂંપો દઈશ કે નસ કાપીશ?” બીજા વિષયના સાહેબ આવે એ પહેલાં મેં આગળ ઉભા રહીને બાકીના બેયને ય લપેટમાં લઈ લીધા. અનિલનું કુટુંબ પાનના વ્યવસાયમાં હતું એ યાદ કરાવતાં મેં કહ્યું, “ આવડો આ પટલો એને હાહરે જાય ત્યારે ‘પાન ખાય સૈયાં હમાર’ ગાતો ગાતો જાય છ.” આ સાથે અનિલીયો ‘સૈયાં’ તરીકે ઓળખાવા લાગ્યો. એ પછી મેં ઈકબાલનો વારો પાડ્યો. થોડા દિવસ પહેલાં અમારી નિશાળની બહાર એક ગાયે એને શીંગડે ચડાવેલો એ યાદ કરાવી મેં એની ખીજ ‘ગોધો’ પાડી દીધી. આમ, એક જ દિવસમાં વાઝો, અનિલિયો, ઈકબાલીયો અને હું વિશિષ્ટ ઓળખ પામ્યા ! એ જમાનામાં આ બધું એટલું સાહજિક હતું કે એને લીધે પરસ્પર કડવાશ ઉભી થાય એ શક્ય જ નહતું. આમ તો મોટા ભાગના છોકરાઓનાં કોઈ ને કોઈ ખીજનામ પડેલાં જ હોય એવું બનતું. પણ આ તો ક્લાસના ત્રણ વરિષ્ઠ દાદાલોકને મારા થકી એકસાથે આવો શરપાવ મળે એ વાત ક્લાસમાં મારી છાપ સુધારવામાં સારો ભાગ ભજવી ગયેલી.

————–*—————-*——————-*——————-*——————*————–

દર શનિવારે અમારી નિશાળના મધ્યસ્થ ખંડમાં બધા જ વર્ગોના છોકરાઓની સભા યોજાતી, જેને સંમેલન કહેતા. આચાર્ય સાહેબ અને બધા જ શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાતા આ કાર્યક્રમમાં કેટલીક વાર સમાજના કોઈ અગ્રણી મહેમાન તરીકે આવી, અમને ઉદ્ બોધન કરતા. સંમેલનની તૈયારી આમ તો ચંપકભાઈ અને ગૌરીશંકરભાઈ કરતા, પણ એ લોકોને મદદ કરવા અમુક વિદ્યાર્થીઓને પણ જોડી દેવામાં આવતા. અમારા ક્લાસની ત્રિપુટી વગર કહ્યે આવાં કામો હોંશેહોંશે કરતી.

એકવાર ઉત્તર ભારતની કોઈ સર્વોદય સંસ્થાના એક કાર્યકરને અમારા સંમેલનમાં મહેમાનપદે બોલાવવામાં આવ્યા. બે દિવસ અગાઉથી અમને સૌને અચૂક હાજર રહી, પૂરો સંમેલનખંડ ભરી દેવાની સૂચના મળી હતી. જો કે આટલા બધા બારકસો ભેગા થાય પછી શિસ્તની જાળવણીનો પ્રશ્ન પણ થાય એમ હતો. એને નાથવા માટે જીવુભા સાહેબ, કનકશી સાહેબ અને કીરિટભાઈ સાહેબ જેવા શિક્ષકોએ શરીરે મજબૂત અને સ્વભાવે માથાભારે હોય એવા અને ખાસ તો એનસીસીમાં જોડાયેલા હોય એવા થોડા છોકરાઓને પસંદ કર્યા. એ લોકોને કાર્યક્રમની શરૂઆત પહેલાં ખંડમાં અલગઅલગ સ્થાન ઉપર ભીંત સરસા ઉભા રહી, કોઈ અવાજ કે તોફાન ન કરે એ જોવાની જવાબદારી સોંપી દીધી.

કાર્યક્રમ સમયસર શરૂ થયો અને સુપેરે ચાલવા લાગ્યો. યોગાનુયોગે હું જ્યાં બેઠો હતો ત્યાંથી તદ્દન નજીક ઈકબાલ અને અનિલ બાજુબાજુમાં ઉભા રહી, ચોકી કરતા હતા. એવામાં મુખ્ય મહેમાનને સ્ટેજ ઉપર આવી, અમને શીખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરવામાં આવી. એ ઉભા થઈને આગળ આવ્યા એટલે અમે બધાએ ભારે ઉમળકાથી એમનું અભિવાદન કર્યું. પ્રત્યુત્તરમાં એમણે ચોક્કસ મુદ્રામાં હાથ જોડી, એ અભિવાદન ઝીલ્યું. એ ઉભા રહ્યા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ સારા એવા ઉંચા હતા. વળી એમના પગની લંબાઈ બાકીના શરીરની સરખામણીએ વધારે પડતી હતી. હું આટલું નોંધી રહ્યો એટલામાં ત્યાં ઉભેલો અનિલ બાજુમાં જ ગોઠવાયેલા ઈકબાલને ઉદ્દેશીને બોલ્યો, “એલા ઈકબાલીયા ! આવડો આ મે’માન તો કેવેન્ડર વાળો લાગે શ.” (એ સમયે ‘કેવેન્ડર્સ’ બ્રાન્ડની સીગરેટની જાહેરખબર કરવા પગ સાથે સાત-આઠ ફીટ લાંબી સોટીઓ બાંધી, એની ઉપર ચાલતા માણસો બજારમાં ફરતા રહેતા. એટલે પહેલી નજરે એવો ભાસ થતો કે જાણે સાડાનવ-દસ ફીટ ઉંચો માણસ જઈ રહ્યો હોય!). આમ તો એ ધીમેથી બોલ્યો હતો, પણ આસપાસમાં હાસ્ય ફરી વળ્યું. એ જ ક્ષણે એક ખૂણામાં ઉભેલા કનકશી સાહેબે કરડી નજરે અમારી બાજુ જોતાં એ બંધ થઈ ગયું. મહેમાને વક્તવ્ય શરૂ કર્યું. એમણે સાદાઈ અને ત્યાગમાં જ જીવનનું સાર્થક્ય છે અને પામર મનુષ્યો ભોગવિલાસમાં રાચતા રહીને જીવન વેડફી નાખે છે એ પાપ કહેવાય એવા મતલબનું ભાષણ શરૂ કર્યું. થોડી જ વારમાં એમણે ફિલ્મો ઉપર હુમલો શરૂ કર્યો. આગળ વધતાં ફિલ્મી ગીતો સુધી પહોંચી ગયા. એ સમયે કેવાં કેવાં છીછરાં ગીતો અમારી નાદાન વયે અમને બગાડી નાખવા સમર્થ હતાં એના ઉદાહરણરૂપે એમણે ફિલ્મ ‘બહારોં કે સપને’ના ગીત ‘ચુનરી સમ્હાલ ગોરી, ઉડી ચલી જાય રે’નો ઉલ્લેખ કર્યો. એ ગીતમાં વચ્ચે વચ્ચે લતા મંગેશકરના અવાજમાં ‘અહ્હા !’ એવી હરકત એક કરતાં વધુ વાર કાને પડતી રહે છે. આ બાબતને એમણે સખત વખોડી નાખી. પોતાની વાત ઉપર વધુ ભાર મૂકતાં એમણે એ ‘અહ્હા !’ વાળી હરકત સાથે ઠૂમકો લગાવીને રજૂ કરી. અમે બધા તો આવું સાભિનય એવું મનોરંજનમીશ્રિત જ્ઞાન મળવાનું ચાલુ થતાં ખુશ ખુશ થઈ ગયા. અને અતીથિને તાળીઓથી વધાવી લીધા.

મહેમાન આગળ વધે એ પહેલાં ઈકબાલીયાએ મોટેથી ત્રાડ નાખી, “વન્સ મોર, વન્સ મોર”. એની બાજુમાં જ ઉભેલા અનિલીયાએ અને સામી દીવાલે ઉભેલા વાઝાએ પણ વન્સ મોરના નારા ચાલુ કરી દીધા. શિસ્તપાલન માટે જવાબદાર અમારા સાહેબો કશું કરે એ પહેલાં તો પૂરો સંમેલનખંડ એ નારાઓથી ગાજી ઉઠ્યો. અમારા આચાર્ય ધનુભાઈ ભટ્ટ સાહેબના ચહેરા ઉપર ગુસ્સો, ભોંઠપ અને લાચારીની મિશ્ર ભાવો ઉપસી આવ્યા. છોકરાઓ તો પોતાની માંગ ઉપર અટલ હતા. છેવટે વાત વણસે નહીં એ માટે થઈને આચાર્ય સાહેબે જ મહેમાનને છોકરાઓ કહે એમ કરવા માટે વિનંતી કરી. એ સજ્જને ફરીથી ઠૂમકો લગાવીને ‘અહ્હા !’નો વાકઅભિનય કર્યો અને બધું આનંદ-મંગળ થઈ રહ્યું. એ દિવસે સમારંભ પૂરો થયો અને મહેમાન ગયા પછી આચાર્યની રૂમમાંથી એ ત્રિપુટીને તેડાં આવ્યાં. અડધીએક કલાક પછી એ લોકો ક્લાસમાં પાછા આવ્યા ત્યારે એમનાં મોઢાં જોઈને ખ્યાલ આવી જતો હતો કે ત્યાં જીવુભા સાહેબ અને કનકશી સાહેબે એમની સારી એવી સરભરા કરી હશે. જો કે જ્યારે છૂટવાનો ઘંટ વાગ્યો ત્યારે તો પાછા રોજીંદા મૂડમાં આવી ગયેલા. ઠેઠ બહારના દરવાજા સુધી ‘અહ્હા !’, ‘અહ્હા !’ ગાતા અને સાથે ઠૂમકા લગાવતા ત્રણેય ઘર ભણી સીધાવેલા.

આ ઘટનાને ચોપન વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ગયો છે. તો પણ હજી જ્યારે ભાવનગર જાઉં ત્યારે મારી નિશાળના વિસ્તારમાંથી પસાર થવાનો સંજોગ અચૂક સાંપડી રહે છે. તે સમયે ઘણી વાર ઠૂમકા લગાવતા અને ‘અહ્હા !’ નો નાદ ગજાવતા એક લાંબા અને પાતળા ખાદીધારી નજરે તરી જાય છે.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: admin

3 thoughts on “ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧૩: ત્રિપુટી

  1. એક એક પ્રસંગ મુકાતો જાય છે તેમ તેમ એ પ્રંગનું તાદૂશ્ય, સંવેદનશીલ, લાગણીસભર વર્ણન દરેક વાચકને પોતપોતાનાં બાળપણ તરફ અચુક ખેંચી જતું હશે.

    દરેકનાં મનમાં બાળકને ફરીથી જગાડી આપવાનું જે કામ પિયૂષભાઈએ કર્યું છે તે માટે તેમનો કોઇ શબ્દોમાં આભાર માની શકાય તેમ નથી.

    1. અશોકભાઈ, હકીકતમાં આ મજાના પ્લેટફોર્મ ઉપર મને તક આપવા માટે અને ખાસ તો વિષયપસંદગી માટે છૂટો દોર આપવા માટે હું આભારી છું.

Leave a Reply

Your email address will not be published.