ફિર દેખો યારોં : વિજ્ઞાનમ શરણમ ગચ્છામિ

બીરેન કોઠારી

સામૂહિક આપત્તિનો સમય અને સ્થિતિ હોય ત્યારે પ્રસારમાધ્યમોમાં સારી અને નરસી એમ બન્ને પ્રકારની ઘટનાઓ ચમકતી રહે છે. ક્યાંક માનવતાની મિસાલ જોવા મળે, તો ક્યાંક વિપરીત સ્થિતિમાં પણ ઝળકતાં અનિષ્ટ તત્ત્વોની ઝલક દેખાય. આ બન્ને પ્રકારની ઘટનાઓનું સામાન્યીકરણ કરવું અઘરું છે. એમ થઈ ન શકે. અલબત્ત, આવા કપરા સમયે છાપરે ચડી ચડીને પોકારતી મૂર્ખામીની ઘટનાઓ ચિંતાજનક હોય છે. દિલ્હી ખાતે માર્ચમાં ભરાયેલું સુન્ની મુસલમાનોના એક ફાંટા તબલીઘી જમાતનું સંમેલન અને તેમાં ભાગ લઈને દેશભરમાં પહોંચેલા મુસ્લિમો આવા આપત્તિકાળમાં ચિંતાનો, ડરનો અને પછી ધિક્કારનો વિષય બની રહ્યા. ઈન્‍દોર જેવા શહેરોમાં કેટલાક મુસ્લિમો દ્વારા સ્વાસ્થ્યકર્મીઓ પર કરાયેલા પથ્થરમારાનાં દૃશ્યોની ક્લીપ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોમાં ફરતી થઈ, અને આ ધિક્કાર ઘૃણામાં ફેરવાતો ગયો. આ બન્ને સમાચારોને કારણે જોતજોતાંમાં એ જ હિન્‍દુ-મુસ્લિમની જુગજૂની રમત રમાવાનો આરંભ થઈ ગયો.

મુસ્લિમોને કંઈ કહેવાય નહીં, મુસ્લિમો તો છે જ એવા, તેઓ કદી આપણા થયા નથી અને થવાના નથી- આ પ્રકારના સંદેશાઓ રાબેતા મુજબ ફરતા થઈ ગયા, અને સહેજ વાજબી વાત કરનારને નવી ફેશન મુજબ ‘લીબરલ’, ‘બૌદ્ધિક’, ‘સેક્યુલર’ની ગાળો અપાવા લાગી. આપણા દેશની, સમાજની ઘણી બાબતો નવાઈ પમાડે એવી છે. આ ત્રણ વિશેષણ ખરેખર તો પ્રશંસાત્મક ગણાવા જોઈએ. તેને બદલે હવે એ ગાળની સમકક્ષ બની રહ્યા છે. આ ત્રણ વિશેષણોનો વર્તમાન સંદર્ભમાં અર્થ છે હિંદુઓના સતત દોષ જોતા રહીને મુસ્લિમોની સતત તરફદારી કરનારો કે તેમની હરકતો સામે આંખ આડા કરનારો વર્ગ.

આઝાદ ભારતમાં નહીં, એ પહેલાંના અંગ્રેજશાસિત કાળથી ભારતમાં હિન્‍દુ-મુસ્લિમ એકતાની સમસ્યા શાસકોને ફળતી આવી છે. પ્રજા આમાં અટવાયેલી રહે અને કદી એક થઈને શાસકોની સામે ન થાય એ તેમનો મુખ્ય હેતુ અને રસ હોય છે. હિન્‍દુઓમાં વર્ણવ્યવસ્થાથી લઈને ન્યાતજાતની અનેક ભેદભાવભરી પ્રથાઓ પ્રચલિત છે. જ્ઞાતિસમાજનાં બંધનો સાવ નાબૂદ થયાં છે એમ નથી, પણ શિથિલ અવશ્ય થયાં છે. કટ્ટરતા વૈચારિક રીતે ચલણમાં હશે, પણ ધર્મ બાબતે તેનું પ્રમાણ મર્યાદિત રહ્યું છે એ વાત ચોક્કસ છે. મુસ્લિમ સમાજમાં પણ અનેક ફાંટાફિરકા અસ્તિત્ત્વમાં છે, અને તેને એકસૂત્રે બાંધતું મુખ્ય તત્ત્વ ધર્મ છે. ધર્મનું સુકાન ધર્મગુરુને હસ્તક હોય છે અને તેમના અર્થઘટનનો સારો એવો પ્રભાવ લોકો પર પડતો હોય એમ જણાય છે. પ્રગતિશીલ અને વૈચારિક ગણાતા મુસ્લિમો ઘણે અંશે પોતાના સમાજમાં ટાપુ જેવા હોય છે. આ સ્થિતિમાં બહોળા જનસમૂહ પર તેમનો પ્રભાવ ખાસ પડતો જણાતો નથી.

આમ હોવા છતાં, ઘણા નાનાં નગરોમાં અત્યાર સુધી, એટલે કે અઢી-ત્રણ દાયકા પહેલાં સુધી સહઅસ્તિત્વ અને સમરસતા જળવાયેલાં હતાં. ધાર્મિક, અને રીતરિવાજોની ભિન્નતા છતાં પેઢીઓના સંબંધો બન્ને કોમના લોકો વચ્ચે હોય એ સામાન્ય બાબત હતી. એક સુનિશ્ચિત અને સુદૃઢ સામાજિક પોત હોય એવો અહેસાસ થતો હતો એ બાબતે ભાગ્યે જ કોઈ ઈન્‍કાર કરી શકે.

છેલ્લા અઢી- ત્રણ દાયકા દરમિયાન થતું રહેલું ધ્રુવીકરણ એ હદે પહોંચ્યું છે કે સામાજિક પોત લગભગ નષ્ટ થવાને આરે છે. હવે નેતાઓ લોકોની જુબાનમાં બોલે છે કે લોકો નેતાઓની જુબાનમાં બોલતા થઈ ગયા છે એ સમજવું મુશ્કેલ બની ગયું છે. શાસક પક્ષ ગમે તે હોય, આઝાદીના સાત સાત દાયકા પછી આનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. આટલા સમયગાળામાં એ બાબત હજી બન્ને કોમના સામાન્ય લોકોને સમજાઈ નથી કે નેતાઓ બન્ને કોમને આપસમાં ઝઘડતા રાખીને પોતાનું સ્થાન જ સુનિશ્ચિત કરતા આવ્યા છે. પોતે જેના હિતરક્ષક હોવાનો દાવો કરતા હોય એવા કોઈ નેતાએ કે પક્ષે ખરેખર પોતાનો ટૂંકા ગાળાનો લાભ જોયો છે, અને સરવાળે જે તે લોકોનું અહિત જ કર્યું છે. આ સમજવા માટે કંઈ મોટા સમાજશાસ્ત્રીય અભ્યાસની જરૂર નથી. સામાન્ય બુદ્ધિ અને સમજણ વડે આ પામી કે અનુભવી શકાય છે.

એ પણ ધડો લેવાની જરૂર આ કપરા સમયમાં અનિવાર્ય બની રહે છે કે કોઈ મસીહા કે અવતાર કે પીર યા પયગંબર આપણને બચાવવા માટે આવવાના નથી. આધુનિક સમયમાં વિજ્ઞાનનું શરણ એ જ ઉત્તમ માર્ગ છે, એ હકીકત આવા સમયે આપણને સૌને નહીં સમજાય તો ક્યારે સમજાશે? સમૂહમાં નમાજ અદા કરવી કે ટોળામાં દીવાઓનું સરઘસ કાઢવું એ બન્ને આ સમયે સરખી જ, ગંભીર અને જીવલેણ બની શકે એવી મૂર્ખામી છે. આવી કટોકટીનો સમય કદાચ જીવનકાળમાં એકલદોકલ વાર જ આવતો હોય છે. કટોકટીના સમયમાંથી પણ આપણે કશો બોધ ગ્રહણ ન કરીએ તો આપણે અવદશાને જ લાયક છીએ એમ સમજવું.

ધર્મગ્રંથ માણસને જીવવા માટે આધાર આપતા હોવાનું કહેવાય છે. પણ જીવવા માટે જીવનનું ટકવું પૂર્વશરત છે. જીવન ટકાવી રાખવા માટે વિજ્ઞાન જ યોગ્ય આશરો છે. વિજ્ઞાન એટલે વૈજ્ઞાનિક અભિગમ. વક્રતા એ છે કે આપણે અંધશ્રદ્ધા અને કટ્ટરતાના પ્રસાર માટે પણ વિજ્ઞાનનાં ઉપકરણોનો જ ઉપયોગ કરીએ છીએ. કોવિડ-19 ના આ કપરા સમયમાં, માત્ર ને માત્ર ઘેર જ રહેવાનું છે, અને ખાસ કશું જ કરવાનું નથી ત્યારે આ બાબતે અંત:દર્શન કરવા જેવું છે. યોગ્ય દિશામાં એ અંગે મંથન થાય તો કદાચ ‘બુદ્ધિજીવી’, ‘લીબરલ’ કે ‘સેક્યુલર’ શબ્દ એના સાચા અર્થમાં લેવાશે અને એ ગાળ તરીકે નહીં, સન્માન તરીકે ઉપયોગમાં લેવાતા થશે.


‘’ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૪-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ફિર દેખો યારોં : વિજ્ઞાનમ શરણમ ગચ્છામિ

  1. હીન્દુ ઈશ્લામમાં મુહમ્મદ ગજનવી અને મુહમ્મદ ગોર મહત્વના સમજવા. મુહમ્મદ ગજનવી વખતે પત્થર પુજા ન માનનારાઓએ આમંત્રણ આપી સોમનાથ ના મંદીર ઉપર હુમલો કરવામાં આવેલ. એજ રીતે પૃથ્વીરાજ ચૌહાણ આખો દીવસ રાણીવાસ માં પડ્યો રહેતો એટલે ના છુટકે મુહમ્મદ ગોરને આમંત્રણ આપવામાં આવેલ.

    હવે તો જેવા કર્મ કરીએ એવા ભોગવવા જ પડશે… http://www.vkvora.in

Leave a Reply

Your email address will not be published.