શબ્દસંગ : વિસ્તરતી યજ્ઞશિખાઓ

નિરુપમ છાયા

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મહેન્દ્રભાઈના પિતા. એક વખત મહેન્દ્રભાઈએ લખેલી વાર્તા પ્રસિદ્ધ થઇ અને મેઘાણીભાઈએ એમને લખેલા પત્રમાં,તું બહુ સરસ લખે છે એવું કહી, લખવા માટે પ્રોત્સાહિત પણ કર્યા. પણ મહેન્દ્રભાઈએ એક વખત ભુજ આવ્યા ત્યારે થયેલા સંવાદમાં કહ્યું કે મેં નક્કી કર્યું કે સાહિત્ય સર્જન તો આવતા જન્મે કરીશ. આ જન્મમાં તો લોકોને વાંચતા કરવા છે. એમણે સર્જનાત્મક ભલે નથી લખ્યું પણ અનુવાદ, સંપાદન, સંક્ષેપનું ઘણું કામ કર્યું, એનો શુભ ઉદ્દેશ એક જ કે ગુજરાતી પ્રજા ઉત્તમ સાહિત્યનુ સેવન કરી શકે. આ સંદર્ભે પ્રશ્ન પૂછતાં એમણે કહેલું કે આ માટે વાચન તો કરવું પડે ને? ધારો કે મેં ૧૦૦૦ શબ્દો લખ્યા, તો એના માટે ૧૦૦૦૦ શબ્દો વાંચવા પડ્યા હોય ને? આમ સાહિત્ય અને વાચન યજ્ઞના ઋષિ કહીએ એવા મહેન્દ્રભાઈએ પોતે વિશાળ વાચનનું ઉદાહરણ પૂરું પાડ્યું. આપણે માતૃભાષા માટે મથી રહ્યા છીએ ત્યારે મહેન્દ્રભાઈએ સાહિત્ય દ્વારા તો એની આરાધના કરી જ પણ વાતચીત અને વ્યવહારમાં માતૃભાષાનો એમનો આગ્રહ અછાનો નથી. આની બીજી બાજુ પણ છે. અંગ્રેજી સાહિત્યનું એમનું સેવન અને એ ભાષા પર એમનું પ્રભુત્વ એ કક્ષાએ ઉદાહરણરૂપ છે કે ધાર્યું હોત તો તેઓ અંગ્રેજી ભાષામાં પણ સાહિત્ય સર્જન કરી શક્યા હોત ! લોકમિલાપની પ્રવૃત્તિઓ સ્થિર થતી ગઈ અને ગતિમાન પણ બની એ અરસામાં જ ગાંધી શતાબ્દી વર્ષ આવ્યું. લોકોનો વ્યાપક રીતે સહકાર મેળવી શકાય અને એ વર્ષમાં ગાંધી સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવા શુભ આશય સાથે લોકમિલાપ ટ્રસ્ટ રચવામાં આવ્યું.

આ ટ્રસ્ટ રચાતાં મોકળાશ થઇ અને અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી. ખરું કહીએ તો ગુજરાતી સાહિત્ય અને વાચન ક્ષેત્રે એક ઈતિહાસ જ રચાયો. પણ આટલું, આપણને અધધધ…… લાગે તેટલું કામ છતાં એમનાં વિશાળ સ્વપ્નો સામે તો આ પાશેરામાં પૂણી સમાન જ! કેવાં હતાં સ્વપ્નો! મિલાપ સામયિકનું પ્રકાશન ડિસેમ્બર ૧૯૭૮માં સંકેલી લીધું ત્યારે એના અંતિમ અંકમાં જે આખરી નિવેદન આપ્યું તેમાં સ્વપ્નોની વાત કરતાં મહેન્દ્રભાઈએ લખ્યું,” મિલાપની પચાસેક હજાર નકલો વંચાતી હોય, ‘આપણો સાહિત્ય વારસો’ની ઢબનાં પ્રકાશનો માટે લાખ લાખ આગોતરા ગ્રાહક નોંધાતા હોય, મિલાપના લોકગંગા વિભાગની અઠવાડિક ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દીમાં પ્રગટ થતું હોય, એક જ પાના જેટલી, દેશ અને દુનિયાના વિશેના સમાચાર ખેડૂત થોડા સમયમાં વાંચી શકે તેવી નક્કર સામગ્રીવાળું મિતાક્ષરી દૈનિક, ભારત વિશેના એવા જ અગત્યના સમાચાર વિદેશવાસીઓને(આજની વીજાણુ ક્રાંતિ પહેલાંની આ વાત છે) સાપ્તાહિક મારફતે ટપાલથી પહોંચાડવા, પાંચેય ખંડમાં ઉત્તમ ભારતીય સહિત્ય-કલા-સંગીતને સુલભ બનાવતાં મથકો ઊભાં કરવાં,માલવાહક જમ્બો ચાર્ટર કરી આંતરરાષ્ટ્રીય શિશુવર્ષમાં ચૂંટેલી બાળસાહિત્યની ૧૦૦ ચોપડીઓની લાખો નકલો ભરીને દેશવિદેશે ઘૂમતા રહેવું, જગતભરનાં બાળકો માટે સુંદર ચિત્રકથાઓની એકાદ કરોડ ચોપડીઓ ‘શિશુવરસ’માં બહાર પાડવી………..’’ પણ, આ બધાં માટે મહેન્દ્રભાઈ તો એક જ ને ! અને ઉંમર વધે તેમ શક્તિઓ પણ ક્ષીણ પણ થાય ને? પણ આપણે લોકમિલાપના વીતેલા સમયમાં ડોકિયું કરીએ ત્યારે વ્યાપક ફલક પર અનેક પ્રવૃત્તિઓ વિસ્તરેલી જોઈ શકીએ છીએ, જાણે એક વિશાળ યજ્ઞની વિસ્તરતી યજ્ઞશિખાઓ!

લોકમિલાપની ગતિ અને પ્રગતિ એકસાથે જોશભેર નથી થઇ જોશભેર સમેટાઈ પણ નથી. શરુ થયા પછી એમાં મંદતા પણ નથી આવી. પણ નવું કાર્ય શરુ થતાં નકકર રીતે ધીરે ધીરે આગળ વધ્યું છે. લયબદ્ધ ગતિમાન રહ્યું છે અને એક આદર્શ દૃઢ કર્યો છે. આ જ કારણે પ્રજામાનસમાં એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રથમ મુંબઈમાં લોકમિલાપ પુસ્તક ભંડાર, પછી ભાવનગરમાં મિલાપ સામયિક અને ભંડાર, પછી પુસ્તક મેળાઓ, પુસ્તક પ્રકાશન અને અનેકવિધ પ્રવૃત્તિઓની હારમાળા. આપણે એના પર પણ થોડો દૃષ્ટિપાત કરી લઈએ.

પુસ્તક પ્રકાશનોમાં પણ કલ્પનાશીલતા અને આગવી દૃષ્ટિ રહ્યાં. પુસ્તકોનાં કદ, પાનાની સંખ્યા વગેરેમાં પણ ઓછી કિમતે સત્વશીલ વાચન પૂરું પડાય એ જ લક્ષ્ય. અને આ પ્રયોગોમાં જ કાવ્ય કોડિયાં, કાવ્ય કણિકા, અને ખિસ્સાપોથી અંતર્ગત પ્રકાશનો કર્યાં. વિદ્યાર્થીઓ માટે ૧૦૦૦ નકલો માંગવો તો ફક્ત ૧ રૂ.ની નજીવી કિમતે પુસ્તિકા પ્રાપ્ત કરાવી. દ્રષ્ટિ એ જ કે કોઈ શાળા કે સંસ્થા દર માસે વિવિધ પુસ્તિકાની ૧૦૦૦ નકલ મગાવે, ૧ રૂ.માં એ બાળકને આપે અને વર્ષને અંતે બાળક પાસે સત્વશીલ સાહિત્યનું એક નાનું પુસ્તકાલય બને. કેટલો ઉમદા વિચાર! ને છેલ્લાં થોડાં વરસોમાં તો અર્ધી સદીની વાચનયાત્રાના ચાર ગ્રંથ અને ગાંધીગંગાના બે ભાગ તો સીમાચિન્હરુપ બની રહ્યા છે.

લોકો ખાસ સમય કાઢી પુસ્તક મૈત્રી માટે લોકમિલાપના ભંડારમાં આવે , પણ એ તો એક ભાવનગરમાં જ. અન્ય સ્થળોનું શું? એટલે, લોકો સુધી પુસ્તકો પહોંચે એ માટે લોકમિલાપે ‘પુસ્તક મેળા’ની એક નૂતન કલ્પના આપી. એક નવો જ પથ ચીંધ્યો. આ વિચાર મૂકાયો અને સર્વત્ર એનું સ્વાગત થયું. સંસ્થાઓ કે વ્યક્તિઓ લોકમિલાપને આમંત્રણ આપે, જગ્યા સગવડો પૂરી પાડે અને સામે લોકમિલાપ તે સમયે વ્યક્તિગત ખરીદી પર ક્યાંય ન મળતું, એવું ૧૦ %જેવું વળતર આપે.આ પુસ્તકમેળાઓ અત્યંત લોકપ્રિય થયા અને ગુજરાતનાં અનેક સ્થળોએ, અનેક સંસ્થાઓ દ્વારા , વિવિધ ઉપક્રમે યોજાયા. છેક કચ્છથી લઈને મુંબઈ સુધી આ ધારા વહેતી રહી. વિદેશોમાં પણ એનાં આયોજનો થવા લાગ્યાં. ૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય શિશુવર્ષમાં તેમને ઇન્ડિયન એરલાઈન્સને વિનંતી કરી બે ટિકિટ એરલાઈન્સ આપે અને વિદેશમાં બાળસાહિત્યના મેળા ભરવા. ટીકીટની સામે લોકમિલાપ એટલા જ મૂલ્યનું બાળસાહિત્ય એરલાઈન્સને આપે અને રાજ્દુતાવાસની કચેરીઓમાં બાળકોને આપવા માટે મૂકાય. આ યોજનાનો સ્વીકાર થયો અને બાળકોને ઉત્તમ સાહિત્ય પહોંચાડી શકાયું.

મહેન્દ્રભાઈએ જે એક વિશેષ અને એમને સહુથી પ્રિય પ્રવૃત્તિ હાથ ધરી એ ફિલ્મમિલાપની’. પ્રારંભમાં ‘ન્યૂ થીએટર’ અને આર્કાઈવ્ઝમાંથી ફિલ્મો મગાવી દર્શાવતા. પછી CHILDREN FILM SOCIETYની ફિલ્મો દર રવિવારે દર્શાવવાનું શરુ કર્યું. એ પ્રવૃત્તિ તો એટલી લોકપ્રિય થઇ કે અગાઉંથી ટિકિટ મેળવવી પડતી. તે માટે શનિવારે જ લાઈન થઇ ગઈ હોય. રવિવારે ફિલ્મનો સમય થાય એટલે દરવાજા બંધ થઈ જાય . ફિલ્મમાં બીજાને રસક્ષતિ ન થાય એટલે મોડા પડે તેમને પ્રવેશ ન જ મળે.એક વખત તો કલેકટર પરિવારને પણ પાછા જવું પડેલું. થીએટરમાં પ્રવેશતાં જ બિસ્કીટ મળે પણ દરેકે એક જ લેવાનું કારણ કે સંખ્યાનાં પ્રમાણમાં રાખ્યાં હોય. વળી ફિલ્મ પહેલાં મહેન્દ્રભાઈ થોડી મીનીટમાં ફિલ્મની ભૂમિકા મૂકે એ બાળકો શાંતિથી સાંભળે. આમ આ રીતે સમયપાલન, ધીરજ અને બીજા માટે સન્માનની ભાવના જેવાં મૂલ્યો અને સંસ્કારનું ઘડતર થતું. પુસ્તક પ્રસાર માટે વિદેશ પ્રવાસો થયા તેમાં વાચકો પાસેથી વગર વ્યાજની લોન મેળવવા માટેની યોજના મુકાઈ, જેને લોકો તરફથી અનપેક્ષિત પ્રતિભાવ સાંપડ્યો. ધીરે ધીરે આર્થિક પગભર થતાં પછીથી પ્રકાશનો થાય તે માટે વાચકોએ ફક્ત પુસ્તકની નકલોની જ વરધી આપવાની રહે, એની રકમ પુસ્તકો મળી જાય પછી ચૂકવવાની એવું પણ ગોઠવાયું. લોકમિલાપનું કામ વિશાળ થતું ગયું તો બીજી બાજુએ એમનાં સંતાનો ગોપાલ અને મંજરી બહેન પણ જોડાઈને મહેન્દ્રભાઈને પગલે પગલે અને સાથે સાથે પણ ચાલ્યાં. એ બંનેએ પુસ્તક પ્રસાર માટે વિદેશ પ્રવાસો પણ કર્યા જેનાં સંસ્મરણો ‘મિલાપ’માં આલેખ્યાં. પુસ્તક પ્રકાશન ક્ષેત્રે લાખ વાચકોનો મહાસંઘ રચવાનું મહેન્દ્રભાઈનું સ્વપ્ન પણ સાકાર થયું. આ મહાસંઘ રચવા માટે ૮૦૦ જેટલા લોકો જોડાયા અને માની ન શકાય તેટલી કિમતે પાંચ ચરિત્રગ્રંથો નું સંકલન ‘ચંદનના ઝાડ’ નામે ૧૦૦ પાનાંનું પુસ્તક પ્રસિદ્ધ થયું. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અભૂતપૂર્વ ઘટના શક્ય બની. તે પછી આ જ પરંપરામાં “ગિજુભાઈની બાળવાર્તાઓ” અને ‘૧૦૧ યાદગાર જીવનપ્રસંગો’ પુસ્તકોની પણ એક લાખ નકલો પ્રસિદ્ધ થઇ. આજે આવી કોઈ પરંપરાની કલ્પના પણ થઇ શકે ખરી?

આ બધી પ્રવૃત્તિઓ સાથે જ પરિવારોમાં જ્યાં જવાનું થાય ત્યાં વાચનનો કાર્યક્રમ તો ચાલે જ. મેઘાણીજીના જીવન સાથે સંકળાયેલી ઘટનાને યાદગાર બનાવવા ‘ચરિત્ર-કિર્તન યાત્રા’ મહેન્દ્રભાઈએ વિશેષપણે આખા ગુજરાતમાં કરી. કચ્છમાં પણ છએક જેટલાં સ્થાનોએ આ યાત્રા યોજાઈ. (એક સંસ્થાએ તો સંગીતનું જૂથ તૈયાર રાખેલું. એમાં કિર્તન શબ્દ હતો ને ! પછી પત્ર લખીને એમને સંકલ્પના સ્પષ્ટ કરી.)

જોડણી માટે પણ મહેન્દ્રભાઈનો એક વિશેષ અભિગમ હતો અને એ માટે હઠ કહી શકાય એવો આગ્રહ. રોમન લિપિમાં ૨૬ જ અક્ષરો છે અને એટલા અક્ષરો શીખીને અંગ્રેજી વાચી શકાય. જ્યારે ગુજરાતી લિપિમાં સ્વર અને વ્યંજન મળીને મોટી સંખ્યા છે. એટલે જોડાક્ષરો અને અ, આ ,ઇ , ઈ ઉ ઊ વગેરે દૂર કરાય અને ફક્ત ૩૨ મૂળાક્ષરો રાખવા અને કેટલીક નિશાનીઓ અને ચિહ્નોનો ઉપયોગ કરી, લખાણ સરળ અને તાર્કિક બનાવી શકાય. પોતે પત્રો લખે એમાં આ જ જોડણીનો ઉપયોગ કરે. એક લાખ વાચકોના મહાસંઘ અંતર્ગત પ્રકાશિત યાદગાર જીવનપ્રસંગો પુસ્તકમાં પણ આ જ જોડણીનો ઉપયોગ કર્યો.

આમ અનેકવિધ કલ્પનાશીલ પ્રવૃત્તિઓ દ્વારા લોકમિલાપે વર્ષો સુધી સતત વાચન અને સાહિત્ય માટે મહાયજ્ઞ આદરી ઈતિહાસ સર્જ્યો છે. ‘મિલાપ’ સામયિકને સંકેલતી વેળા તેમણે અંતિમ અંકમાં જે નિવેદન આપેલું એના શબ્દો જ લોકમિલાપ સમેટાતી વેળાએ પણ પડઘાય છે.’દરેક વસ્તુનો એક આરંભ હોય છે તેમ અંત પણ હોય છે એવો અંત……આવે તે સ્વાભાવિક ગણાય. ગુજરાતની ફૂલવાડીમાં……નાનકડું પુષ્પ બનીને ખીલ્યું અને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે એ હવે ખરી પડે છે…………ખીલવામાં જેમ આનંદ હતો એમ યથાકાળે ખરી પડવામાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.”

આ સમેટાવું પણ હૃદયમાં કેટલે ચિરસ્થાયી છટાઓ અને રંગો ધરી રહે છે !


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

1 thought on “શબ્દસંગ : વિસ્તરતી યજ્ઞશિખાઓ

Leave a Reply

Your email address will not be published.