સમયચક્ર : ભારતીય રેલ્વેની ૧૬૭ વર્ષની રોમાંચક સફર

વર્તમાન જગતમાં સાયકલથી માંડીને મહાકાય વાહનો છે. દરેક વાહનનો પોતાનો રુઆબ અને ઓળખ હોય છે. વાહનોના વિશાળ જમેલામાં એક વાહન એવું છે જેનું કુતુહલ દુનિયાભરના નાના-મોટા સૌને હોય છે. એ છે રેલ. રેલ કે રેલ્વે તરીકે ઓળખાતું આ વાહન પસાર થાય ત્યારે એને જોયા વગર રહી શકાતું નથી. એનું એક કારણ એની લંબાઈ અને બીજું એનો નિર્ધારીત માર. રેલ પોતાને રસ્તે ચાલે છે. એટલે જ ફાટક બંધ હોય ત્યારે સત્તાધિશોએ પણ પોતાનું વાહન અટકાવી દેવું પડે છે. ભારતની રેલ્વે માત્ર વાહન નથી, એ આ વિશાળ દેશની સંસ્કૃતિને જોડનારી વ્યવસ્થા છે. ૧૬ એપ્રિલ ૧૮૫૩ના ભારતમાં શરુ થયેલી રેલ આજે ૧૬૭ વર્ષની થઈ.

માવજી મહેશ્વરી

દેશમાં રેલ્વેની શરુઆતની કહાની બહુ જ રોમાંચક છે. ભારતમાં રેલ્વેનું પહેલું પગલું મંડાયું ૧૮૫૧માં. દેશમાં તે વખતે બ્રીટીશરાજ હતું. બ્રીટીશ શાસકોએ પોતાની વહીવટી સુવિધા વધારવા માટે ભારતમાં રેલ્વેનો પાયો નાખ્યો. તેની શરુઆત સામાન્ય હતી. ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ મુંબઈ અને થાણા વચ્ચે પહેલી મુસાફર રેલ દોડી. ૩૪ કિલોમીટર ચાલનારી એ રેલ્વેની શરુઆત હતી.

image

જોકે ભારતમાં રેલ્વેની શરુઆત એ પહેલા થઈ ચુકી હતી. સૌથી પહેલા ૧૮૪૪માં તે વખતના ગવર્નર જનરલ લોર્ડ હોર્ડીંગે ભારતમાં રેલ્વેના નિર્માણનો પ્રસ્તાવ રાખ્યો હતો. તે પછી કાર્ય આગળ વધ્યું અને ૧૮૫૧ના ૨૨ ડીસેમ્બરે એક માલવાહક ગાડી રુડકી ( ઉત્તરાખંડ ) થી ઉપડી હતી. એ રેલ્વેની ખરી શરુઆત હતી. પરંતુ ઈતિહાસની રીતે ભારતમાં રેલ્વેની શરુઆત ૧૮૫૩માં જ થઈ ગણાય. જેની ચર્ચા તે વખતના બ્રીટનના વર્તમાનપત્રોમાં પણ થઈ હતી. ૧૮૫૩થી ચાલુ થયેલી ભારતીય રેલગાડીએ તે પછી ગતિ પકડી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ માત્ર માલ કે મુસાફર પરિવહન માટે જ રેલની શરુઆત નથી કરી. આ કંપનીએ રેલ દ્વારા ભારતના વિવિધ ભાગોને એકબીજા સાથે સાંકળવાનું કામ પણ કર્યું.

આજના સમયમાં ભારતમાં થતાં કામોની ગતિ બાબતે આ મુદ્દો ધ્યાને લેવા જેવો છે કે ૧૮૫૩માં માત્ર ૩૪ કિલોમીટર ચાલેલી રેલ્વેની લંબાઈ ૧૮૭૫માં ૯૧૦૦ કિલોમીટર થઈ ગઈ અને સન ૧૯૦૦ સુધીમાં રેલ્વેની લંબાઈ ૩૮૬૪૦ કિલોમીટર થઈ ગઈ. આઝાદી આવતાં આવતાં આ લંબાઈ વધીને ૪૯૩૨૩ કિલોમીટર થઈ ગઈ. એક અર્થમાં માત્ર સો વર્ષમાં અંગ્રેજોએ ભારતમાં રેલ્વેનો અદભૂત કહી શકાય તેવું જાળું પાથરી નાખ્યું. ભારતીય રેલ્વેએ આઝાદી બાદ પણ વિકાસ કર્યો છે. પણ વર્ષના પ્રમાણમાં તે વિકાસ અત્યંત ધીમો કહી શકાય. વર્તમાન સમયમાં ભારતીય રેલ્વેનો વિસ્તાર ૬૪૦૦૦ કિલોમીટર જેટલો છે. આઝાદી બાદ ભારતીય રેલ્વમાર્ગની લંબાઈમાં મામુલી વધારો થયો છે. રેલમાર્ગની લંબાઈની રીતે જરુર કહી શકાય કે તે અંગ્રેજોની ભેટ છે. પરંતુ આઝાદી બાદ ભારતીય રેલ્વેની સુવિધાઓમાં અસાધારણ વધારો થયો છે. ઉપરાંત આઝાદી પહેલાના રેલ્વેમાર્ગ મોટાભાગના નેરોગેજ હતા. આઝાદીબાદ એ માર્ગોને પહોળા કરવામાં આવ્યા એ નાની વાત નથી. રેલની ગતિમાં પણ અસાધરણ વધારો થયો છે. હાલ ભારતમાં રાજધાની એક્સપ્રેસ જેવી પવનવેગી રેલગાડીઓ છે.

આઝાદીબાદ ભારત સરકારે રેલ્વેનું મહત્વ સમજી અને ૧૯૫૧માં ભારતીય રેલ્વેનું રાષ્ટ્રીયકરણ કર્યું. એટલું જ નહીં, ભારતીય અર્થતંત્ર ઉપર રેલ્વેનો ખાસ્સો એવો પ્રભાવ છે એ જોતાં રેલ્વેનું વાર્ષિક બજેટ અલગથી રજુ કરવામાં આવ્યું. રેલવેનું અલગ રજુ થતું બજેટ રેલ્વે કેટલી અગત્યની છે તે જણાવે છે. આ પરંપરા વર્તમાન સરકારે બંધ કરી. ૨૦૧૬થી રેલ્વેનું સ્વતંત્ર બજેટ બનાવવાનું બંધ કરવામાં આવ્યું. ભારતીય રેલ્વેનું દેશની આર્થિક વ્યવસ્થામાં મોટું યોગદાન છે. રોજના લાખો પ્રવાસીઓને દેશના એક છેડેથી બીજા છેડે પહોંચાડતી ભારતીય રેલ માલ પરિવહનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આજે દેશમાં સડકમાર્ગ કરતાં રેલમાર્ગે થતું પરિવહન સસ્તું છે. જો રેલ્વે ન હોત તો દેશના ખૂણે ખૂણે પહોંચતી વિવિધ વસ્તુઓ કેટલી મોંઘી હોત તેની કલ્પના કરવા જેવી નથી. સરકારી નિયંત્રણમાં હોવા છતાં ભારતીય રેલ્વેનો મીજાજ આજે પણ અકબંધ છે. પરંતુ આપણી આઝાદીના સીતેર વર્ષ બાદ રેલ્વેને અન્ય દેશોની રેલ્વે સાથે સરખાવીએ તો થોડી નિરાશા પણ જાગે. ભારતીય રેલ્વે દુનિયાનું બીજાક્રમે આવતું રેલ્વે નેટવર્ક છે તેમ છતાં સુવિધા અને વ્યવ્સ્થાની દષ્ટિએ ભારતીય રેલ્વે અન્ય દેશો કરતાં પાછળ છે. કારણો જે હોય તે પરંતુ રેલ્વે ભારતનું સૌથી મોટું પરિવહન ક્ષેત્ર હોવા છતાં તેની ખામીઓ જેમની તેમ છે. રેલ્વે મોડી પડવાની, ટીકિટ સમયસર ન મળવાની, રેલ્વેમાં પુરતી સગવડો ન હોવા જેવી ખામીઓ ભારતની પ્રજાને કોઠે પડી ગઈ હોય એવું લાગે છે. કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ હોવાથી કર્મચારીઓની બાબુગીરી સામે રાજ્યોનું સ્થાનિક તંત્ર જોઈ રહેવા સિવાય કશું કરી શકતું નથી. પરિણામે રેલ્વેમાં નાણાકીય ભ્રષ્ટાચારને પુરતો અવકાશ મળી રહે છે. આજે લગભગ ચૌદ હજાર રેલગાડી દરરોજ તેની સફર પર નીકળે છે તેમ છતાં પ્રવાસીઓ માટે મોકળાશ નથી. રેલ્વે લાંબા અંતરની હોય કે ટુંકા અંતરની, તે યાત્રીઓથી ખીચોખીચ જ રહે છે. તહેવારો અને ખાસ દિવસોમાં રેલ્વે રીતસર હાંફી જાય છે. આવા સમયે ખાસ રેલગાડીઓ ચલાવવામાં આવે છે તે છતાં મુસાફરોની માગને તંત્ર પહોંચી વળતું નથી. એક તરફ સડક માર્ગો વધતા જાય છે. લોકો લાંબા અંતર સુધી પણ પોતાના માલિકીના વાહનોમાં મુસાફરી કરે છે. તેમ છતાં રેલ્વેની બોગીઓની ભીડ એવી ને એવી જ રહે છે. આ એક વિચારવા જેવી બાબત છે. પણ વિચારશે કોણ તે એક પ્રશ્ન છે. ભારતીય રેલ્વે એ ખૂબ વિકાસ કર્યો છે તેમ છતાં ચિત્ર ધૂંધળું જ દેખાય છે. આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય રેલ્વેની છબી સારી નથી. મુસાફરીના એક સાધન તરીકે રેલ્વે જેટલી ઝડપી અને ચોક્કસ હોવી જોઈએ એટલી નથી. મુસાફરીનું સાધન સ્વચ્છ પણ હોવુ જોઈએ. ભારતીય રેલ સ્વચ્છતાનો છેદ ઉડાડી દે છે. તેમ છતાં મુસાફરો ફરિયાદ વગર રેલ્વેની મુસાફરી વધારે પસંદ કરે છે. ભારતીય પ્રજાને રેલ્વે ઊપર પુરો ભરોસો છે.

ભારતીય રેલ્વે સામે અનેક ફરિયાદો છે તેમ છતાં ભારતીય રેલ્વે એક સરકારી એકમ તરીક સૌથી વધુ સંપત્તિ ધરાવે છે. એ અર્થમાં રેલ્વે સૌથી સમૃધ્ધ છે. રેલ્વે તંત્ર ભારતમાં સૌથી વધુ જમીનની માલિકી ધરાવે છે. ભારતીય રેલ્વે પાસે કુલ ૪૬૧૪૮૭ હેક્ટર જમીન છે. તેના પાટાની કુલ લંબાઈ ૧૧૫૦૦૦ કિલોમીટર છે. અને તે પૈકી ૬૭૩૧૨ કિલોમીટર રેલ્વે પ્રવાસના માર્ગ છે. આ માર્ગ ઉપર ૮૦૦૦ કરતા વધુ નાના મોટા સ્ટેશનો છે. રેલ્વે પાસે અંદાજે પચાસ હજાર જેટલા રેલ્વે કોચ છે અને સવા બે લાખ જેટલા માલવાહક વેગન છે. ભારતીય રેલ્વે પાસે ૭૯૧૦ ઈન્જીનનો જમેલો છે અને ૧૫૪૦૦૦૦ જેટલા કર્મચારીઓની ફોજ છે. ભારતીય રેલ્વે પ્રતિ વર્ષે ૩૦૦ કરોડ લીટર જેટલું ડીઝલ ઈંધણ તરીકે વાપરે છે અને સાડા પચીસ હજાર કિલોમીટર પર દોડતી ઈલેક્ટ્રીક ગાડીઓ લગભગ ૨.૫ અબજ યુનીટ વીજળી બાળે છે. આંકડાં વાંચીને છક થઈ જવાય એટલો કરોબાર રેલ્વે ચલાવે છે. અનેક જાતનું વૈવિધ્ય ધરાવતા આપણા દેશમાં એકમાત્ર રેલ્વે જ એવું નેટવર્ક છે જે આખા દેશને એકબીજાથી જોડે છે. રેલ્વે નેટવર્ક ભારત દર્શનનું એક સ્વરૂપ છે.

ભારતીય રેલ્વે સામે અનેક જાતની મુશ્કેલીઓ છે. ક્યારેક સબળ નેતૃત્વની ખામી જણાઈ છે તો ક્યારેક ઈચ્છા શક્તિનો અભાવ દેખાયો છે તેમ છતાં રેલ્વેને આપણી જિંદગી સાથે સરખાવી જોઈએ તો લાગશે કે અનેક મુશ્કેલીઓ છે તેમ છતાં રેલ્વે ચાલે છે, થાકે છે, હાંફીને બેસી જાય છે અને ફરી ઊભી થઈને દોડવા લાગે છે. રેલની વ્હીસલમાં એક જાતનો દમામ અને ઉત્સાહ હોય છે. એ વ્હીસલ જ રેલ્વેનું ખમીર છે. આપણું ગૌરવ છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ : તસ્વીર સૌજન્ય – Patrika : 167 Year Of Indian Railway On 13th April 1853 First Train Ran In …

Author: admin

Leave a Reply

Your email address will not be published.