– બીરેન કોઠારી
નૌશાદનું નામ આવે એટલે શાસ્ત્રીય રાગ આધારીત ગીતો, ઊત્તર ભારતીય લોકગીતોની ધૂન પર આધારીત ગીતો અનાયાસે કાનમાં ગૂંજવા લાગે. આનો અર્થ એ હરગીઝ નહીં કે તેમણે પાશ્ચાત્ય સંગીત આધારીત ગીતો બનાવ્યાં જ નથી, અથવા તો તેમને એ ફાવતાં નથી. સંગીતપ્રેમીઓ આના ઊદાહરણરૂપે ખાસ કરીને ‘દાસ્તાન’ અને ‘જાદૂ’નાં ગીતો તેમજ સંગીતને ટાંકે છે.
‘જાદૂ’ 1951માં રજૂઆત પામેલી એ.આર.કારદાર દિગ્દર્શીત ફિલ્મ હતી, જેમાં નલિની જયવંત, સુરેશ, શ્યામકુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આગલા વરસે એટલે કે 1950 માં નૌશાદના સંગીતવાળી ‘બાબુલ’ અને ‘દાસ્તાન’ રજૂ થઈ, તો 1951 માં ‘દીદાર’ અને ‘જાદૂ’. પછીના વરસે ‘આન’, ‘બૈજૂ બાવરા’ અને ‘દીવાના’. આ ત્રણ વર્ષની ફિલ્મોનાં નામ એટલા માટે મૂક્યાં છે કે તે જોઈને નૌશાદની રેન્જનો ખ્યાલ આવી શકે.

‘જાદૂ’ની કેસેટ અમે મુંબઈથી ખરીદી હતી. એ કેટલી વાર સાંભળી હશે એ તો કોને ખબર! પણ એક સમય એવો હતો કે ‘ઠંડી સડક હૈ’, ‘જબ નૈન મિલે નૈનો સે’, ‘રૂપ કી દુશ્મન પાપી દુનિયા’ ગીતો અમારા હોઠે જ રહેતા. ખાસ કરીને ‘ ‘રૂપ કી દુશ્મન’ ગીતમાં વચ્ચે આવતા ‘અજી હમસે..’ જેવાં રમૂજી શબ્દો.

‘જાદૂ’માં કુલ નવ ગીતો હતાં. આમ તો એકે એક ગીત જોરદાર હતાં, પણ તેમાં શમશાદ બેગમનાં ગીતોએ કમાલ કરી હતી. તેમના અવાજમાં ચાર ગીતો હતાં. ‘લે લો લે લો દો ફૂલ જાની લે લો‘ (શમશાદ, જોહરા, રફી), ‘ઠંડી સડક હૈ‘, ‘જબ નૈન મિલે નૈનો સે‘, ‘રૂપ કી દુશ્મન પાપી દુનિયા‘ (ત્રણેય શમશાદના અવાજમાં). લતા મંગેશકરે ગાયેલાં ગીતો પણ કમ નહોતાં. ‘ગિન ગિન તારે, મૈં હાર ગઈ રાત કો‘, ‘લો પ્યાર કી હો ગઈ જીત‘, ‘ઊલઝ ગયા જીયા મોરા નૈનો કે જાલ મેં‘ અને ‘નાદાન મુહબ્બતવાલોં કે અરમાન બદલતે રહતે હૈ‘ ગીતો અસલ નૌશાદની મુદ્રાવાળાં હતાં. આ ઊપરાંત મહમ્મદ રફીએ ગાયેલું ‘ઈક જૂઠ હૈ જિસકા દુનિયા ને રખા હૈ..’ ગીત.

અહીં આપેલી ‘જાદુ’ ફિલ્મની લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 0.23 થી 2.04 સુધી છે. તેમાં કોઈ એક યા વધુ ગીતોની ધૂન મૂકવાને બદલે નૌશાદે અલગથી જ ટ્રેકની રચના કરી છે. આખી ટ્રેકમાં બ્રાસવાદ્યો, તંતુવાદ્યસમૂહ, વચ્ચે વચ્ચે એકોર્ડિયનના ટુકડા અદ્ભુત અસર ઊભી કરે છે. 1.20 થી શરૂ થતા પીસમાં પછી વાપરવામાં આવેલા ‘મુગલ-એ-આઝમ’ના અને ‘ટીપુ સુલતાન’ ટી.વી.શ્રેણીના એક સંગીતની છાયા પણ સાંભળી શકાય છે.
(માત્ર નોંધ ખાતર એ ઊલ્લેખ જરૂરી છે કે ‘જાદૂ’ નામની બીજી એક ફિલ્મ 1966 માં રજૂઆત પામી હતી. બીજો મહત્ત્વનો ઊલ્લેખ એ કે અભિનેત્રી તરીકે નલિની જયવંતની જ્વલંત કારકિર્દીની બીજી ઈનિંગ્સ આરંભાઈ એ ગાળાની આ ફિલ્મ છે. તેની વિગતે વાત મારા પુસ્તક ‘સાગર મુવીટોન’માં આલેખી છે.)
(લીન્ક અને તસવીરો નેટ પરથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)