ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૩

ચિરાગ પટેલ


उ. ५.३.२ (९०८) त्वामग्ने अङ्गिरसो गुहा हितमन्वविन्दञ्छिश्रियाणं वनेवने । स जायसे मथ्यमानः सहो महत्त्वामाहुः सहसस्पुत्रमङ्गिरः ॥ (सुतंभर आत्रेय)

વૃક્ષોમાં રહેલ અદૃશ્ય દાવાનળ રૂપમાં વ્યાપ્ત હે અગ્નિ, અંગિરસ ઋષિઓએ ગુહ્ય રૂપમાં રહેલ આપને મહેનતભરી શોધથી પ્રાપ્ત કર્યા છે. આપ બળપૂર્વક મંથનથી પ્રાપ્ત થાઓ છો. આથી, આપને સામર્થ્યપુત્ર કહેવામાં આવે છે.

પુરાણ કાળથી ભારતમાં વૃક્ષોના કાષ્ટમાંથી બનેલા અરણીનું મંથન કરી અગ્નિ પ્રગટાવવામાં આવતો હતો. આ પ્રક્રિયા મહેનતભરી અને લાંબી રહેતી. આ પ્રક્રિયાને આપણે દૂધમાંથી વલોણાં દ્વારા માખણ મેળવવાની ક્રિયા સાથે સરખાવી શકીએ. વેદ યજ્ઞમાં અંગિરસ પદવીધારી ઋષિઓ અરણિમંથન દ્વારા અગ્નિ પ્રગટાવવાનું કાર્ય કરતાં.

उ. ५.३.७ (९१३) इन्द्रो दधीचो अस्थभिर्वॄत्राण्यप्रतिष्कुतः । जघान नवतीर्नव ॥ (गोतम राहूगण)

સર્વે દેવોનો સ્નેહ અને સન્માન મેળવનાર, જેનો કોઈનીય સાથે વિરોધ નથી એવા ઇન્દ્ર, દધીચિના હાડકાંમાંથી બનેલ શસ્ત્રબળથી, કષ્ટ ઉત્પન્ન કરનાર નવ્વાણું શત્રુઓનું દમન કર્યું.

उ. ५.३.८ (९१४) इच्छन्नश्वस्य यच्छिरः पर्वतेष्वपश्रितम् । तद्विदच्छर्यणावति ॥ (गोतम राहूगण)

અંતરિક્ષમાં રહેલ વાદળોમાં સ્થિત વિદ્યુત શક્તિને ઇન્દ્રે મેળવી અને એનાથી આસુરી શક્તિઓનો નાશ કર્યો.

ઉપરોક્ત બે શ્લોકમાં ઋષિ ગોતમ રાહૂગણ પુરાણ પ્રસિદ્ધ ઇન્દ્રના શસ્ત્ર વજ્રની ઉત્પત્તિની કથાનો ઉલ્લેખ કરે છે. દધીચિ ઋષિએ પોતાના અસ્થિઓનું દાન ઇન્દ્રને કર્યું હતું, અને એ અસ્થિઓમાંથી વજ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ વજ્ર વડે ઇન્દ્રે નવ્વાણું શત્રુઓનો અને વૃત્રનો નાશ કર્યો હતો. બીજા શ્લોકમાં ઋષિ જણાવે છે કે, મેઘમા થતી વીજળીને કોઈક રીતે નાથી ઇન્દ્રે શાત્રોનો વિનાશ કર્યો હતો. એવું લાગે છે કે, એ સમયના ઋષિઓએ દધીચિ ઋષિના હાડકાંમાંથી બનેલ વજ્રમાં આકાશી વિદ્યુતનો અવિર્ભાવ કરી શત્રુઓને નષ્ટ કરનારું શસ્ત્ર વિકસાવ્યું હશે.

વળી, અહીં નવ્વાણુંસંખ્યાદર્શક શબ્દનો પ્રયોગ ધ્યાન ખેંચનારો છે. એવું ચોક્કસપણે કહી શકાય કે, સામવેદ કાળમાં આધુનિક અંકપદ્ધતિ અસ્તિત્વમાં હતી.

उ. ५.३.९ (९१५) अत्राह गोरमन्वत नाम त्वष्टुरपीच्यम् । इत्था चन्द्रमसो गृहे ॥ (गोतम राहूगण)

ગતિશીલ ચંદ્રમાં પરોક્ષરૂપે રહેલાં સૂર્યનાં તેજસ્વી કિરણો રાત્રિમાં પ્રકાશિત થાય છે એવી માન્યતા છે.

સામવેદમાં પહેલા ઉલ્લેખ થયેલી ખગોળીય ઘટના ઋષિ ગોતમ રાહૂગણ ફરી અહીં વર્ણવે છે. સામવેદ કાળના ઋષિઓ ચોક્કસપણે જાણતાં હતાં કે, રાત્રિમાં પ્રકાશિત ચંદ્રનો પ્રકાશ એનો પોતાનો નથી પરંતુ એ સૂર્યનો જ પ્રકાશ છે! માત્ર અવલોકન દ્વારા આ નિર્ણય સુધી પહોંચવું એ ઘણી આશ્ચર્યજનક વાત છે!

પાશ્ચાત્ય વિજ્ઞાન અનેક્ષગોરસને આ તથ્યનો જનક ગણે છે જે 500 થી 428 BCE માં ગ્રીસમાં થઇ ગયો. સામવેદનો કાળ 1700 થી 1100 BCE ગણાય છે એટલે આપણે ઋષિ ત્રિત આપ્ત્ય કે ગોતમ રાહૂગણને ચંદ્રમાના પ્રકાશ વિશેની સમજૂતી આપનાર ગણવા જોઈએ.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.