સમયચક્ર : સૌને ગમતી, વૈશ્વિક વાનગી આઈસક્રીમ

જગતમાં ટેકનોલોજીએ માત્ર યંત્રો જ નથી આપ્યાં. ટેક્નોલોજીએ આપણને નવા ગમતીલા સ્વાદ પણ આપ્યા છે. પ્રક્રિયાયુક્ત ખોરાકીય વિવિધતામાં કોઈ વૈશ્વિક વાનગી હોય તો એ છે આઈસક્રીમ. વિજળીની શોધ પછી મૂળે દવાઓ સાચવવા બનાવાયેલા રેફ્રીજરેટર થકી જગતના રણ વિસ્તારોમાં પણ સરળતાથી બરફ મળવા લાગ્યું. કૃત્રિમ બરફ બનાવતા રેફ્રીજરેટર આઈસક્રીમ બનાવવા અને સાચવવાના રસ્તા સરળ કરી આપ્યા છે. ભારતમાં એવી માન્યતા પણ છે કે આઈસક્રીમ ગરમીમાં જ ખવાય. પણ એવું નથી. આઈસક્રીમ મૂળ દૂધની વાનગી છે, પરંતુ હાલ બજારમાં વેચાતા આઈસ્ક્રીમ બનાવવા જે રસાયણો વાપરવામાં આવે છે તે વિશે આઈસક્રીમ બનાવતી કંપનીઓ ચૂપ છે.

માવજી મહેશ્વરી

ભારતમાં વિશેષ કરીને ગરમીની પડતી હોય ત્યારે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરવામાં આવે છે. અબાલ વૃધ્ધ સૌને ગમી જાય એવી વાનગી આઈસક્રીમ ગરમીમાં રાહત મેળવવા ખાવાનું ચલણ પણ છે. તેનો સ્વાદ અને ઠંડક રાહત આપેય છે ખરી. પરંતુ હકીકતે આઈસક્રીમ ગરમીમાં રાહત મેળવવા બન્યો નથી. આઈસક્રીમ એક એવી વાનગી છે જે જગતની બધા જ દેશોમાં બને છે અને ખવાય છે. એ અર્થમ્નાં આઈસક્રીમ હવે વૈશ્વિક વાનગી છે. વર્તમાન જગતમ્નાં વિજળીની શોધ થયા પછી વ્યાપારી ધોરણે આઈસ્ક્રીમનું ઉત્પાદન મોટા પાયે થાય છે. પરંતુ આઈસ્ક્રીમ એક સમયે ઘરે બનાવાતી વાનગી હતી. અને તે સાવ સાદા સાધન દ્વારા બનાવી શકાતી.

આઈસક્રીમ શબ્દ ક્યારે પ્રચલિત થયો તેની ભાળ મળતી નથી. આ શબ્દ આઈસ એટલે બરફ અને ક્રીમ એટલે મલાઈ એવા બે શબ્દોનો બનેલો છે. મલાઈ શબ્દ જ જણાવે છે કે આઈસક્રીમનો સંબંધ દૂધ સાથે છે. આજના સમયે રેફ્રીજરેટર દ્વારા કૃત્રિમ રીતે બરફ બનાવી શકાય છે. પરંતુ જ્યારે રેફ્રીજરેટર ન્હોતા, બરફ બનાવતા કારખાનાઓ ન્હોતા ત્યારે લોકો શું કરતા હશે ? એનો ઉત્તર મેળવવા પહાડી વિસ્તારો તરફ નજર કરવી પડે. કુદરતમાં પાણી મુક્ત રીતે ઘન, વાયુ અને પ્રવાહી એમ ત્રણેય સ્વરુપમાં ઉપલબ્ધ રહ્યું છે. આપણાં પૂર્વજો જેઓ પહાડી વિસ્તારમાં રહેતા હતા તેમને પહાડોની ટોચ પર મુક્ત અવસ્તહામાં જામી જતા બરફની ખબર હતી. યુરોપીય દેશોમાં આ પ્રશ્ન ન હતો. કેમકે ત્યાં બરફ મળવો સામાન્ય વાત હતી. તેમ છતાં આઈસક્રીમનો ઈતિહાસ એવો છે કે તેનો વિચાર ચીન અને ભારતના લોકોને આવ્યો હતો. ઈસ્વીસન પૂર્વે ચારસો વર્ષ પહેલા ભારત અને ચીનના લોકો બરફ અને મીઠાની મદદથી ચીજોને જમાવવાનું શીખી લીધું હતું. એવું કહેવાય છે કે ચીનના તાંગ રાજવંશમાં દૂધ, ચોખાનો લોટ અને કપૂરનું મિશ્રણ કરીને પકાવાન બનાવાતા હતા. એક સમયે લાંબો પ્રવાસ કરતી વખતે તે પકવાનને ખરાબ થતો અટકાવવા તેને બરફમાં સાચવવામાં આવ્યા. તેમ કરતા એ મિશ્રણ જામી ગયું. ખાધા પછી બધાને વધુ પસંદ આવ્યું. સંભવત એ હતી આઈસક્રીમની પહેલી શોધ. જોકે ચીનના એ દાવાનો સત્તાવાર સ્વીકાર થયો નથી.

વાનગીઓનો ઈતિહાસ સિલસિલાબંધ હોતો નથી. પરંતુ આઈસ્ક્રીમની શોધ ઉપર અનેક દેશોનો દાવો છે. ઈશ્વીસન પૂર્વે પાંચસો વર્ષ પહેલા એથેન્સમાં મધ, ફળો અને બરફના કોન પ્રચલિત હતા તેવું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે તેરમી સદીની આસપાસ ચીનની આઈસક્રિમ બનાવવાની રીત માર્કોપોલો યુરોપ લઈ ગયો. ત્યાં એ વાનગીનો ખાસો પ્રચાર થયો. સોળમી સદીમાં કૈથરીન દ મૈડીકો ઈટાલીમાં અને હેનરી બીજાએ એ રેસીપી ફ્રાન્સમાં પહોચાડી. સતરમી સદી સુધી આઈસક્રિમ એક શાહી વાનગી તરીકે જ બનતી હતી. ઈન્ગ્લેન્ડના પ્રથમ ચાર્લ્સ તો પોતાના રસોયાને આઈસ્ક્રિમ માટે અલગથી વેતન પણ આપતા હતા. તેમના મૃત્યુ પછી યુરોપમાં આઈસક્રીમ વ્યાપારી ધોરણે વેચાવા લાગી હતી. એવું પણ કહેવાય છે કે પહેલો આઈસ્ક્રીમ ઈરાનમાં બન્યો હતો. ઈરાનીઓનો તો દાવો છે કે તેમણે બે હાજાર વર્ષ પહેલા આઈસક્રીમ બનાવવાનું શરુ કર્યું હતું. પરંતુ વિચાર આવે કે રણ પ્રદેશ એવા ઈરાનમાં બરફ ક્યાંથી આવ્યો ? તો એના જવાબમાં ઈરાનીઓ કહે છે કે યખચલ નામની એક ખાસ ઈમારત બનાવવમાં આવતી હતી. તેની અણીદાર છત એ આઈસ્ક્રિમ બનાવવાની પહેલી જગ્યા હતી. ઈરાનના યજ્દ નામના વિસ્તારમાં આજે પણ એ ઈમારતના ખંડેરો છે. એ ઈમારતમાં એક ઊંડા ભોંયરા બનાવાતા, જ્યાંનું હવામાન એકદમ ઠંડું રહેતું. અને જ્યાં બરફ બનાવાતો. અને એ બરફ આઈસક્રિમ બનાવવા ખપ લાગતો. જોકે આઈસક્રીમ બનાવવા માટે આટલી મહેનત કરનાર કોઈ સામાન્ય માણસ કે વ્યાપારી તો નહીં જ હોય. અને એવું હોય તો એ પધ્ધતિ લાંબો સમય કારગર ન રહે. આઈસક્રીમ સંબંધે અમેરિકાનો એક કિસ્સો બહુ જ રસપ્રદ છે. અમેરિકાના વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ચોથા રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને એક શાહી ભોજન રાખ્યું હતું. મહેમાનો આવ્યા. એનો મુખ્ય રસોયણ નીગ્રો જાતિની મહિલા નેન્સી હતી. તેણે પોર્ટેબલ ફ્રીજરમાં મીઠાની સપાટી ઉપર ક્રીમનું થર પાથરી દીધું જેથી ખાદ્ય સામગ્રી તાજી રહે. કોઈ કારણસર એ ક્રીમ જામી ગઈ. તેણે એ ચાખ્યું. તેને સ્વાદ પસંદ આવ્યો. મહેમાનો ખુશ થશે એવું વિચારી તેણે એ જામેલી ક્રીમ મહેમાનોને પીરસી. પરંતુ મહેમાનોમાં આવેલી એક મહિલાને આ નવી વાનગી જોઈ શંકા પડી. તેણે ક્રીમ ચાખી અને તરત જોર જોરથી બૂમો પાડવા લાગી કે આ ચીજમાં ઝેર છે મને ઝેર ચડી રહ્યું છે અને તે બેભાન થઈને પડી ગઈ. ભોજનખંડમાં સન્નાટો છવાઈ ગયો. મહેમાનોએ ઝેરના ભયથી ખાવાનું છોડી દીધું. રાષ્ટ્રપતિના પત્ની મેડીસને રસોયણ નેન્સીને પૂછ્યું. તેણે આખીય વાત કહી એટલું જ નહીં તેણે મહેનાનોની સામે જ એ ક્રીમ ખાધી. લેડી મેડીસને પણ બધાની સામે એ ક્રીમ ખાધી. એ ઘટના પછી રસોયણના પગારમાં ખાસ વધારો કરી દેવામાં આવ્યો. પણ વ્હાઈટ હાઉસની એ ઘટના પછી જામેલી આઈસ્ક્રીમનો વિચાર વહેતો થયો એવું કહેવાય છે.

આજે આપણે જે આઈસક્રીમનો સ્વાદ માણીએ છીએ તેનો યશ ઓગણીસમી સદીની અમેરીકન મહિલા શેલી ડોલને જાય છે. જેણે પોર્ટેબલ ફ્રીજમાં નરમ આઈસ્ક્રીમ બનાવવાનું શરુ કર્યું. જોકે આઈસક્રીમ બનાવવાના અને તેના મશીનની શોધ કરવાના અનેક દાવા છે. ફીલાડેલ્ફિયાની નેન્સી એમ જોનસને ૯ સપ્ટેમ્બર ૧૮૪૩ના રોજ આઈસક્રીમ બનાવવાના હાથસંચાના પેટન્ટ નોંધાવ્યા હતા. વર્ષો સુધી ભારત સહિત અનેક દેશોમાં એ સંચા આધિરિત આઈસક્રીમ બનતો હતો. આઈસક્રીમ કોનનો વિચાર પણ યુરોપમાં આવ્યો હતો. પહેલા આઈસક્રીમ કાચ અથવા ધાતુના વાસણમાં આપવામાં આવતો હતો. પહેલીવાર ઈંલેન્ડના એન્ટોનિયો વાલ્વોનાએ બિસ્કિટ કપમાં આઈસક્રીમ વેચવાનું શરુ કર્યું. આજે જે આઈસક્રીમ કોન વેચાય છે તે અમેરિકાના આર્નેસ્ટ હામ્બીએ બનાવ્યો હતો. પરંતુ આઈસક્રિમ કોનના શોધક તરીકે ચાર્લસ ઈ મિન્ચેસનું નામ નોંધાયેલું છે. જેમણે પહેલીવાર ૨૩ જુલાઈ ૧૯૦૪માં દુનિયાનો પહેલો આઈસક્રીમ કોન બનાવ્યો હતો.

ભારતમાં દૂધની મીઠાઈઓ અને વાનગીઓનું ચલણ ખૂબ જૂનું છે. દૂધને ઉકાળીને તેનો માવો બનાવવાનો વિચાર પણ ભારતનો જ છે. પરંતુ ઉકાળેલા ઘાટા દૂધ સાથે અન્ય પદાર્થો ભેળવીને તેને જમાવીને કુલ્ફી બનાવવાનું ચલણ કૃત્રિમ બરફ આવ્યા પછી થયો છે. આજે પણ દૂધની મલાઈને ઠારીને તેની કુલ્ફી બનાવવામાં આવે છે. જેમા રાજસ્થાનીઓની મહારત હોવાનું ગણાય છે. ભારતમાં સફેદ ક્રાંતિ પછી આઈસક્રીમ ઉદ્યોગ વિકસ્યો છે. આજે મોટા પાયે ઉત્પાદન થાય છે જે વિદેશોમાં પણ નિકાસ થાય છે. જોકે હવે શુધ્ધ દૂધનો આઈસક્રીમ ભાગ્યશાળીને મળે છે. મોટાભાગે ફેક્ટરીઓમાં બનેલો કેમીકલવાળો આઈસક્રીમ વેચાય છે અને ખવાય છે. જોકે ભારતમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી અને શુધ્ધતા જાળવવાની દિશામાં ભયંકર અંધેર ચાલી રહ્યું છે. વાસ્તવમાં આજે આઈસક્રીમની બનાવટમાં જે રસાયણો ભેળવવામાં આવે છે તે વિશે લોકોને બહુધા જાણ હોતી નથી. ખરેખર સરકારોએ દેશમાં બનતા આઈસક્રીમમાં ભેળવાતા રસાયણો અંગે લોકોને જાગૃત કરવા ઉત્પાદન એકમો ઉપર દબાણ લાવી તેની શુધ્ધતા અને હાનીકારતાની માહિતિ સાર્વજનિક કરવાની જરુર છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: admin

Leave a Reply

Your email address will not be published.