લ્યો, આ ચીંધી આંગળી : છાપામાંથી મને લાગેલા એક ચેપની વાત… :: ભાગ બીજો અને છેલ્લો

(ગતાંકથી ચાલુ)

-રજનીકુમાર પંડ્યા

કર્ણાટકના કોઇ ગામેથી ભૂલી પડીને એક ચિંથરેહાલ દસ વર્ષની બાળકી લલિતા રાજકોટ આવી ચડી હતી. છાપામાં એના સમાચાર વાંચીને એને એના અસલી ઠેકાણે પહોંચાડવાની મારી મથામણમાં કેવળ દુભાષિયા તરીકે મદદરૂપ થવાનો ઇન્કાર ખુદ મારી હેઠળનો કન્નડભાષી ઓફીસર કરતો હતો.

હવે એને સમજાવવો કઇ રીતે ? મારી સામે રહેતા બીજા એક કન્નડભાષી મહાશયે તો સાવ ઉપેક્ષા જ કરી હતી ! તો હવે મારી વિજયા બૅન્‍કમાં મારી નીચેના આ ઓફીસર કહેતા હતા કે મામલો કોઇ છોકરીનો છે એટલે કર્ણાટક સંઘવાળા સાથીઓ એમાં પડવાની ના ભણતા હતા.

અને પોલિસ ?

એ તો બાળકીને આશ્રમમાં આશરો અપાવીને ‘બાબત’નો નિકાલ થયાનો શેરો મારીને બેસી ગઇ હતી! છોકરીના વાલીઓનો પત્તો મેળવવાનું કામ એમની હકુમતમાં નહોતું આવતું.

હું મારી ચેમ્બરમાં ગમગીન થઇને બેઠો હતો ત્યાં જ સાઈકલવીર (હવે તો સ્વ.) ધનસુખલાલ દવે આવ્યા…ને એ પછી થોડી જ વારમાં લેખક-પત્રકાર ( એ પણ હવે સ્વર્ગસ્થ) પ્ર. રા. નથવાણી આવ્યા. એમની પાસે ઠાલવેલો મારો બળાપો સાંભળીને એ બોલ્યા : “એમ કરો…તમારા આ ઓફીસર મહાશયને પૂછો કે એક કલાક માટે અમારી સાથે ભાડે આવવાનું શું લેશો ?”

મને હસવું આવી ગયું. કટાક્ષ તરીકે આ સવાલ અણીદાર હતો પણ એ તો લોહી કાઢે. ઉકેલ ના આપે. કટાક્ષથી કડવાશ વધી પણ શકે. મને ગાલિબની એ પંક્તિઓ યાદ આવી ગઈ :

‘નિકાલા ચાહતા હૈ કામ ક્યા તાનોં સે તૂ ‘ગાલીબ’?
તેરે બે-મહેર કહેને સે વો તુઝ પર મહેરબાં ક્યું હો?’

(આખરે મેણા-ટોણા કોઇને સંભળાવીને તારે એની પાસેથી કામ શું કઢાવવું છે? તારા કડવા વેણ સાંભળીને શું એ તારા ઉપર પ્રસન્ન થઇ જવાનો છે ?)

“ચાલો,” મેં કહ્યું :“એ ભાઇને ફરી મનાવી જોઈએ. શબ્દોના સાષ્ટાંગ કરીએ. પછી તો માનશે ને !”

મારી વાત સાચી હતી. નથવાણીએ સૂચવેલા કડવા ઇલાજને બદલે મેં મારી આજીજી વધુ તીવ્ર બનાવી. અંતે મારા કાલાવાલા અસર કરી જ ગયા. એ ઓફીસરે શરત મૂકી : “ આવીશ તો ખરો, સર, પણ હમણાં નહીં હો ! આજ શનિવાર છે. ઓફિસ પત્યા પછી આવીશ….”

બિચારા ધનસુખલાલ દવે મને કહે કે રજનીકુમાર તમે ઘેર જાઓ. નહિં તો વધુ તાવ ચડશે. તમે ચિંતા મુકી દો. આ સાહેબ સાથે અમે બે જઈ આવીશું. વાત સાચી હતી. એ બન્ને દુનિયાના ગમે તે ખૂણે હોય, ફતેહ કરીને જ આવે એવા હતા. પણ ના, મારું મન જ છેલ્લા ત્રણ દિવસના અનુભવે પાયામાંથી હલબલી ગયું હતું. કોઇ વાતે ખાતરી થતી નહોતી કે આ કામ થશે. ત્રણ વાગે મારા બન્ને મિત્રો તો તૈયાર હોય, પણ પેલા મારા ઓફીસર જો કોઈક બહાનું છેલ્લી ઘડીએ પકડી લે તો ?

“હું પણ આવીશ.” મેં કહ્યું :“બેચાર કલાક વધારે.”

પોલીસ સ્ટેશન પર ફોન કરીને આશ્રમનો પત્તો મેળવ્યો તો ખબર પડી કે લલિતાને ગોંડલ રોડ ઉપર કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં રાખી હતી. અમે ત્યાં પહોંચી ગયા અને આશાબહેને અમને આવકાર આપ્યો. અને એને બોલાવવા કોઇ બહેનને મોકલ્યાં. એ કન્નડભાષી મિત્ર, હું, નથવાણી અને ધનસુખલાલ મુલાકાતી ખંડમાં હજુ તો બેઠા જ ત્યાં તો લલિતા સામેના બારણાંમાંથી પ્રવેશી. રોયેલો, ધોયેલો ચહેરો પણ એના પરની અબોધતા અકબંધ, શ્યામવર્ણ અને આંખોમાં બાળકની મુગ્ધતાની સાથોસાથ છોકરીની જાતને સહજ એવી જન્મજાત સાવધાની. જો કે, અમારી સામે આશ્રમનાં ઉપરી આશાબહેનને બેઠેલાં જોઈને એનો સંકોચ ઓછો થયો. સામે બેઠી.

થોડા પ્રશ્નો લખીને મેં મિત્રને આપ્યા હતા પણ એ પહેલાં બાળકીનો વિશ્વાસ જીતી લેવો જરૂરી હતો. નહીં તો જવાબ દેવામાં ગોટવાઈ જાય યા જવાબ તારવી દે. અમારા કન્નડભાષી દોસ્તે બહુ પ્રેમથી, લાગણીથી એની પીઠે હાથ મૂક્યો અને એની પરિચિત ભાષામાં કહ્યું કે અમે બધા તેને તેના પરિવાર પાસે પાછી પહોંચાડવા આવ્યા છીએ.

બસ, પછી તો એણે દિવસોથી બંધ રહેલા હોઠ ખોલ્યા. બંધ ઓરડાની બારી ધીરે ધીરે, ધક્કે ધક્કે ખૂલે અને હવાની લહેરખી અંદર પ્રવેશે એમ આંખોમાં ખુશીની લકીર ધીરે ધીરે પ્રગટતી ગઈ. પછી તો શબ્દો પણ સડેડાટ આવ્યા. માબાપ તો મુંબઈ. દાદાદાદી ધારવાર – હુબલી પાસે હાવેરી ગામે હરિજન, ગરીબ અને ખાવાના સાંસા. દાદા સુઘરાઈના બાગમાં માળી. રોટલાના વેનના કારણે દાદીએ લપડાક મારી એટલે ઘેરથી રિસાઈને ભાગી. અથડાતી-કુટાતી-ઠેલાતી-ધકેલાતી રાજકોટ પહોંચી. હજાર માઈલો દૂર દૂર બેઠે બેઠે દાદાદાદી, સુધરાઈનું એ ક્વાર્ટર, કન્નડમવેલી નામની નિશાળ અને સરખી ઉંમરની સખીઓ યાદ આવે છે. રડી પડાય છે. અહીં આશ્રમમાં આશાબહેન-મંગલાબહેન અને બીજાં બહેનો સૌ સારાં છે. નવાં કપડાં પહેરવા આપ્યાં છે. બહેનપણીઓ પણ નવી નવી થઈ છે, પણ ભાષા ?

“પૂછો.” મેં મિત્રને કહ્યું :‘એને પૂછો. પાછું દાદાદાદી પાસે જવું ગમશે ?”

મિત્ર પૂછ્યું એ સાથે જ એની આંખમાં હા છલકાઈને એના રેલા ગાલ પર ઊતર્યા. અને કન્નડભાષી ઓફીસરને વળગીને હિબકે ચડી.

‘આશાબહેન ‘ મેં પૂછ્યું : ‘હવે શું કરશો આનું ?’

એ મારી સામે લાચારીથી જોઇ રહ્યાં. કહ્યું: ‘ અમારી પાસે એને ત્યાં મુકવા જવાની કોઇ જોગવાઇ નથી.કારણ કે હજુ પાકો પત્તો એ છોકરી ક્યાં આપી શકતી નથી. એને મુકવાય ક્યાં જવું ? ‘

‘તો?’

એ ‘તો’ નો જવાબ નહોતો.

અમે છૂટા પડ્યા. ( આ વાત 1986ની છે જ્યારે સંદેશા વ્યવહારના સાધનો ટાંચા હતા અને હતા તે પણ સાવ હાથવગા નહોતા.)

હું પણ શું કરું ? એના તો હજુ વિચારમાં હતો ત્યાં મારી તબિયત જોવા (હવે એ પણ સ્વ ) દામુ સોની ઘેર આવ્યા. એમને શેવિંગ રેઝરનું કારખાનું હતું અને એનો માલ આખા દેશમાં વેચતા હતા. એ આવ્યા ત્યારે મેં એમને પહેલું જ પૂછ્યું : “તમે તો દક્ષિણ ભારતના પ્રવાસે બહુ જાઓ છો. કહેશો કે હાવેરી ક્યાં આવ્યું ? ‘

‘કેમ?’ એમણે કંઇક હળવાશથી મને પૂછ્યું :‘ કેમ ? તમારી ટ્રાન્‍સફર ત્યાં થવાની છે કે શું ?’

‘ના’ મેં કહ્યું : બીજું એક કામ છે ?’

“પૂનાથી બેંગ્લોર જતાં, હુબલી-ધારવાર લાઈન પર હાવેરી જંકશન આવે છે.” એ બોલ્યા :“બીજાપુર ત્યાંથી ચાલીસેક કિલોમીટર થાય. મારા સેલ્સમેનો ત્યાં બહુ જાય છે, પણ કેમ ? તમારે શું કામ પડ્યું ?”

મેં લલિતાની વાત કરી તો કહે : “ઓહો, એમ વાત છે !’ પછી જરા વિચારીને બોલ્યા:’એમાં શું ? ચાલો, હું મૂકી આવું. તમેય સાથે આવો.”

“જરૂર પડશે તો એ પણ કરીશું.” મેં કહ્યું: “પણ બધી આપણા હાથની વાત નથી. હજુ સાવ પાકો પત્તો આપણા હાથમાં નથી. એમ કરું. લલિતા કહે છે કે એના દાદા હાવેરી સુધરાઈના એકાદ બગીચામાં માળીનું કામ કરે છે. એટલે હાવેરી સુધરાઈના પ્રમુખને હું પત્ર લખું…એમનો જવાબ આવવા દો. પછી કંઇક કરીએ.”

પોસ્ટ ઑફિસની ચોપડીમાંથી મેં હાવેરીનો પોસ્ટલ પિનકોડ નંબર શોધી કાઢ્યો. ૫૮૧ ૧૧૦ હતો. તેરમી જાન્યુઆરીએ ત્યાંની મ્યુનિસીપાલીટીને મેં મારા લેટરહેડ ઉપર જ વિગતવાર પત્ર લખ્યો. તમારા કર્મચારી નિલપ્પાની પૌત્રી અહીં આવી ચડી છે. આ ઠેકાણે છે. આ સરનામું. આ ફોન નંબર, રાજકોટ તમારા શહેરથી આટલા કિલોમીટર થાય. આ રીતે આવી શકાય. છોકરીના વાલી પાસે આવવા-જવાના રૂપિયા ના હોય તો અમને જણાવશો. યા તમે ત્યાંથી વ્યવસ્થા કરી આપશો એવી વિનંતી. માણસાઈનું કામ ગણીને આ પત્ર હું લખી રહ્યો છું. પણ તમેય માણસાઇનું કામ ગણીને મારા આ પત્ર ઉપર તાત્કાલિક અમલ કરશો.”

(હાવેરીની સુધરાઈના પ્રમુખને ઉદ્દેશીને લખેલો પત્ર)

પત્ર રજિસ્ટર્ડ એ.ડી.થી લખ્યો હતો. થોડા દિવસમાં પહોંચ પણ આવી ગઈ. પણ સામેથી કશો જ સળવળાટ ન થયો. હું મનમાં મૂંઝાતો હતો. નથવાણી કહેતા હતા કે સુધરાઇમાં કોણ આવા કાગળ પર ધ્યાન આપવાનું ? વળી ધ્યાન આપે તોય ત્યાં એવી કારમી ગરીબાઈ છે કે કદાચ કોઈ લેવા ન પણ આવે. છોકરીની માતા મુંબઇના રેડલાઈટ એરિયામાં છે. બાળકીને ત્યાં લઇ જઇએ પણ ત્યાં એ શું સુખી થવાની ? એના કરતા તો કદાચ અહીં આશ્રમમાં જ વધારે સુખી થશે’.

(હાવેરી ખાતે લખેલા રજિસ્ટર્ડ પત્રની પહોંચ)

પણ આ બોલતાં બોલતાં નથવાણીને અને સાંભળતાં સાંભળતાં મને અંદરથી અજંપો થયા કરતો હતો.

એ પછી બેચાર વાર અમે આશ્રમમાં જઈને બાળકીને મળી આવ્યા. કાંઈક કશું આપી આવ્યા. આશાબહેન પૂછ્યાં કરતાં હતાં: ‘ કોઇ સમાચાર ?’

મારો મ્લાન ચહેરો જોઇને એ વધુ પૂછી શકતાં નહોતાં.

પણ અંતે જવાબ આવ્યો. ચોથી ફેબ્રુઆરીએ લલિતાના દાદા નિલપ્પાની કન્નડ ભાષામાં સહીવાળો અને અંગ્રેજીમાં કોઈ દ્વારા ટાઈપ કરાવીને લખેલો મારા પરનો પત્ર બોલતો હતો કે હા, બાળકી મારી પૌત્રી છે. પણ મારી પત્ની બીમાર છે. એને ઝંખે છે. પણ અમે હરિજન છીએ. ગરીબ છીએ. આવવાના રૂપિયાની જોગવાઈ નથી. તમે જ સારા સથવારે મોકલી આપશો ? હું સગવડે તમને ખર્ચ ભરપાઈ કરી આપીશ.

(લલિતાના દાદા નીલપ્પા તરફથી આવેલો પત્ર)

હું તાબડતોબ આશ્રમે પહોંચ્યો.લલિતાને બોલાવીને એ પત્રમાંની દાદાની સહી એને બતાવી, ત્યાં તો એની આજુબાજુ પ્રસન્નતાની એક આભા જાણે કે વીંટળાઈ વળી. એ એની ભાષામાં કાંઈક બોલી. શબ્દો તો ના સમજી શકાયા, પણ એનો ધ્વનિ બહુ સ્પષ્ટ હતો.

“હવે! “ મેં આશાબહેનને કહ્યું : “હું દામુભાઈ સોનીને વાત કરું છું. એમણે ઑફર કરી જ છે કે આ કામમાં એકથી એક લાખનો ખર્ચ હું ભોગવીશ. કરું ફોન ?”

“ના…. ના….” આશાબહેન હસીને બોલ્યા: “ તમે ઘણું કર્યું, હવે એટલું અમને કરવા દો. એ અમારી ફરજ છે. હવે તમે છૂટા. અમે કોઈ એક સ્ત્રી અને એક પુરુષ વળાવિયા સાથે આશ્રમના ખર્ચે લલિતાને હાવેરી મોકલી આપીશું. તમે બેફિકર રહો….”

અમારી નાનકડી ત્રણ વર્ષની દીકરી તર્જની લલિતા સાથે બે જ મિનિટમાં હળી ગઈ હતી. લલિતા એને ઢીંગલીની જેમ ઊંચકી ઊંચકીને ફરતી હતી. મારી પત્નીએ અમારી બેબીના હાથમાં થોડી નોટો મૂકી…. કહ્યું : “જો બેટા, લલિતાબહેન હવે એમના ગામ જશે…. એને થોડા પૈસા…. વાટખર્ચના નહીં આપો?”

લલિતાના હાથમાં એ નાનકડીએ થોડા થોડાક જ રૂપિયા મૂક્યા અને પછી લાખ રૂપિયાનું બાળસ્મિત આપ્યું. કાલીકાલી ભાષામાં બોલી : “ગુડ બાય….”

“હવે ?” મેં આશાબહેનને પૂછ્યું : “હવે ક્યારે આને વિદાય કરો. અમને સમાચાર આપજો. અમે એ અદભુત મિલન જોવા હાજર રહીશું”.

**** **** **** ****

પણ એ મિલન જોવાનું મારા કિસ્મતમાં નહોતું. માત્ર થોડા દિવસનું અંતર રહી ગયું, મારી બદલી અમદાવાદ થઇ ગઇ. રાજકોટ છોડતાં પહેલા એક વાર હું, મારાં પત્ની તરુ અને તર્જની આશ્રમમાં જઇને લલિતાની છેલ્લી વાર મળી આવ્યાં.

એ પછી દસમી માર્ચનો આશાબહેનનો પત્ર આવ્યો છે કે લલિતાના દાદાની આજીજીથી હાવેરી પોલીસ સ્ટેશનના હવાલદાર એસ. બી. બડલી અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીએ રાજકોટ આવ્યા અને લલિતાનો હવાલો સંભાળી લઈને હાવેરી જવા નીકળી ગયા છે. લલિતા પોતાના પરિવારના પુનર્મિલનની કલ્પનાથી નાચતી-કૂદતી થઈ ગઈ છે.

(આશાબેનનો પત્ર)

**** **** **** ****

પણ આ કિસ્સાના કારણે જરા હલબલી ગયો છું. શૂરવીરતાનું કોઈ જબરદસ્ત પરાક્રમ કરવાનું કહેણ આપણને કોઈ મોકલતું નથી. ભર્યા દરબારમાં તાસકમાં મૂકેલું બીડું ઉપાડીને જાન જોખમમાં મૂકવાની કોઈ તક આપણને મળી નથી. લાખો તો શું, પણ હજારોનાં દાન કરવાનું ગજું આ જનમમાં પામ્યા નથી. સેવાભાવી ડૉક્ટર-સર્જન-વૈદ્ય કે વકીલ બની શક્યા નથી. એવું કોઈ કોઇ થઈ શકે તેમ નથી આપણાથી. આ કામમાં પડીને કોઈ મોટી ધાડ મારી નથી. આ કામ તો ગમે તે આલિયોભાઈ-માલિયોભાઈ પણ કરી શકે (કરવા ધારે તો અલબત્ત !) પણ આપણે કર્યુ. કારણ કે, બહાર અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. ઘરના બાળકની સલામતી ખાતર બધી બારીઓ પણ સજ્જડ બંધ રાખી હતી, પણ ક્યાંકથી થોડી વાછટ આવી અને એના પૂરમાં આપણે તણાઈ ગયા. આમ તણાઈ જવું વાજબી કે નહીં ?

**** **** **** ****

આ લેખ વાંચીને આહ-વાહ પોકારનારા માટે હવે તો મુંબઇ વસતા અમારા મિત્ર અરવિંદ શાહે ક્યાંક ટાંકેલો જાવેદ અખ્તરનો એક શેર, થોડા શબ્દાંતર સાથે યાદ આવે છે, એનો કટાક્ષ આરપાર નીકળી જાય એવો છે. :

“લેખ પઢકર સોચને સે ક્યા ગરજ?
યે બહુત હૈ, દે રહે હૈ દાદ સભી.”

(આપણે લખાણ વાંચીને વિચારતા થઈ જવાની શી જરૂર ?માત્ર વાહ વાહ પોકારીને દાદ દઈએ તે પૂરતું નથી ?)

**** **** **** ****

હવે આ લખાણનો છેલ્લો ચમકારો એ છે કે આ છોકરી લલિતા ઘેર પાછી ફરી એના થોડા જ દિવસમાં રાજકોટના છાપાંઓમાં એક બૉક્સમાં સમાચાર આવ્યા: “આખરે પોલીસની મહેનત ફળી….”

આ શીર્ષક નીચે સમાચાર હતા : “સદરહુ કિસ્સામાં પોલીસ અધિકારીઓની મહેનત અંતે ફળી. એ અધિકારીઓએ આકાશ-પાતાળ એક કરીને પણ સદરહુ કન્યાનાં માબાપને શોધી કાઢ્યાં અને એને એના ગામ મોકલી આપી.”

(‘ફૂલછાબ’ના સમાચાર)

ફરી એક વાર મોઢામાંથી “વાહ” નીકળી ગયું. કલમ ઉપાડીને પોલીસને લખવાનું મન થયું કે બિરાદરો આ કામ માટે આકાશ-પાતાળ એક કરવાની જરૂર નહોતી. માત્ર ફરજના તાર હૃદય સાથે જોડવાની જ જરૂર હતી. એમ કર્યું હોત તો રાજકોટ જેવડા શહેરની પંચરંગી વસતીમાંથી માત્ર એક કન્નડભાષી માણસને તમે શોધી લાવી શક્યા હોત, જે લલિતાના દુભાષિયા તરીકે કામ કરી આપી શક્યો હોત!

બસ, એમાં તમે અખબારોને તમારી આ ચાલતી ગાડીએ ચડી જવા જેવી પ્રેસનોટ મોકલી એના કરતાં પણ ઓછી મહેનત પડી હોત.

(સંપૂર્ણ)


લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા.

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ-rajnikumarp@gmail.com

Author: admin

13 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : છાપામાંથી મને લાગેલા એક ચેપની વાત… :: ભાગ બીજો અને છેલ્લો

 1. શબ્દો નથી. ,વાછંટ સહુને ભીના કરે તેવું ઈશ્વર ગોઠવે તો ,દુનિયા હજુ તમારા જેવા ઓલિયાઓ થી ગમતી રહ્યા કરે છે બધું બધે બધો સમય ખરાબ નથી જ નથી તે સજળ અનુભવ્યું

 2. બહુ જ હૃદયસ્પર્શી કિસ્સો. આમાં પોલીસ નું દહ્યાહીન તો નહિ પણ સંવેદનહીન વર્તન દેખાઈ આવે છે. રજનીભાઈ ની સંવેદના ખુબ પ્રષન્શાપાત્ર છે. દરેક લલીતા આટલી ભાગ્યશાળી નથી હોતી
  જ્હુબ આભાર,રજનીભાઈ !

 3. સુખાંત આવ્યો એનો વિશેષ આનંદ થયો. આટલાં વર્ષો પછી પણ પત્રવ્યવહારની જાળવણી કરી છે એ કોઈને પણ પ્રભાવિત કરી દે. અને તમારી સમર્પિતતા તો બેજોડ છે. એની તો વાત જ શી કરવી!

 4. પહેલા ભાગ માં મેં આપેલ પ્રમાણે અહી પણ. 100 ટકા સહમત પિયુષ પંડયા સાથે

 5. હંમેશ ની જેમ superb રબ આગળ દુઆ છે કે આવો માણસાઈ નો ચેપ બધાને લગાડે

 6. આપના જિવનમા આપે ઘણાં મહાન કામો કર્યા છે. પણ આ નાનકડું કામ ઓછું મહાન નથી.

 7. ઘણી વખત એવુ બંને છે કે આપણું કરેલુ સીધું ઉપરના ચોપડે લખાતુ હોય છે…વેધક

 8. સાહેબ,
  પાછા ફરી તમારા સંપર્કો કામે લગાડી આજે લલિતા ક્યાં છે તેની તપાસ ન થઈ શકે??
  કદાચ એ પણ તમને મળવા અને આભાર વ્યક્ત કરવા શોધતી હોય …..

 9. Good Task done by you 34 years ago. Your task done by right hand, but left hand was not knowing at that time. Your documentation is marvellous. You have kept all related documents.
  Hats off to you Sir.

 10. ઉપરવાળાને છાપા વાંચવાના હોતા નથી..તમારે સીધો સંપર્ક છે

 11. Rajnibhai………Aane Jagat Kalyan Kahevay……… Ishvar kyay Bahar nathi Shodhvano……. Aava kaamthi E Apni andar j che eno Jivto Puravo…E aapnu aa Daivikary che…
  Salam…Salam…Salam……..

Leave a Reply

Your email address will not be published.