ફિર દેખો યારોં : સવાલ હાર કે જીતનો નહીં, સમજદારીનો છે

–  બીરેન કોઠારી

‘અમે પગથિયાં ઉતરીને નીચે ગયા અને દરવાજો વટાવીને એમ્બ્યુલન્‍સની રાહ જોતા ઊભા ત્યારે આવા મધરાતના સમયે પણ ડઝનેક લોકો અમને જોવા માટે ટોળે વળીને ઊભા હતા. અલબત્ત, તેમણે સલામત અંતર જાળવ્યું હતું. અમારો ચેપ તેમને લાગવાની કોઈ તક નહોતી, કેમ કે, અમે પૂર્ણ સુરક્ષાની તમામ તકેદારી રાખી હતી. એ સ્પષ્ટ હતું કે તેઓ અમને બરાબર જોવાનો પ્રયત્ન કરતા હતા. મને કંઈ ખાસ ખરાબ ન લાગ્યું, કેમ કે, એમ્બ્યુલન્‍સના બારણા સુધી પહોંચ્યાં ત્યાં સુધી અમારી સાથેના તબીબી કર્મચારીઓ અને એમ્બ્યુલન્‍સના ડ્રાઈવરથી અમે અલગ લાગતા નહોતા.’

‘આ બનાવ કંઈ એકલદોકલ હશે કે ન પણ હોય, છતાં કોરોનાની વર્તમાન કટોકટી દરમિયાન આપણો સામાન્ય અભિગમ તે દર્શાવે છે: વળગણની હદે કહી શકાય એવું કુતૂહલ, ડર અને જાગરૂકતાનો અભાવ. વિવિધ સરકારી વિભાગો અને ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (હુ) દ્વારા ઢગલાબંધ ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવે છે, છતાં લોકો જીવનરક્ષક માહિતીના સ્રોત અને પદ્ધતિઓ માટે હજી વૉટ્સેપ કે એવાં અન્ય માધ્યમોને આધારભૂત માને છે.’

‘ચેપગ્રસ્ત કે એમ હોવાની સંભાવના ધરાવતા દરદીઓ જાણે કે ખતરનાક અપરાધી હોય એવું વર્તન લોકો તેમની સાથે કરે છે. પોતાના ઘરમાં કે નિરીક્ષણ હેઠળ રહેલા કેટલાક લોકોને એ વિસ્તારના રહીશોએ બાલ્કની કે વરંડામાં સુદ્ધાં બહાર આવવાની ના પાડી હોવાના અહેવાલ મારા વાંચવામાં આવ્યા-એ લોકો દસથી પંદર મીટરના સલામત અંતરે હતા તો પણ. યાદ રહે કે વિરોધ કરતા આ લોકો કંઈ અભણ નહોતા, એમને સંભવત: જાણ હતી કે વાયરસ એટલે દૂર પહોંચી શકવાનો નથી, પણ સ્વકેન્‍દ્રી હોવાને કારણે એ લોકો કોઈ મોકો લેવા માગતા નહોતા. બહુ જલ્દી કદાચ તેઓ એ હવા શ્વસવાનો પણ ઈન્‍કાર કરી દે!’

આ શબ્દો નવી દિલ્હીના પ્રોફેસર અજિત મિશ્રાના છે, કોરોનાગ્રસ્ત છે અને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’માં તેમણે જણાવેલી વિગતો આપણી માનસિકતાને બરાબર પ્રતિબિંબીત કરે છે. તેમના જણાવ્યા અનુસાર સૌથી કરુણાજનક હકીકત એ છે કે આપણા ખુદના લોકોની સાહસવૃત્તિ કે ફરજનિષ્ઠામાંથી આપણે કંઈ જ શીખતા નથી. હોસ્પિટલના વૉર્ડમાં દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો, નર્સ, સફાઈ કર્મચારીઓ સહિતના અન્ય કર્મચારીઓ અત્યંત નિષ્ઠાપૂર્વક અને નીડરતાપૂર્વક દરદીઓની સારવાર કરી રહ્યા હતા. તેમણે પણ સલામતીનાં સાધનો પહેર્યાં હતાં. પણ આમાંના કોઈ એકને ચેપ લાગ્યો હોવાનું જણાતા તેની તપાસ કરવામાં આવી. સવાલ એ છે કે આવી વ્યક્તિ અને તેનાં પરિવારજનો સાથે લોકો કોઈ અપરાધી જેવો વ્યવહાર કરે તો કેવું લાગે?

પ્રો.મિશ્રાનાં નિરીક્ષણો વિચાર માગી લે એવાં છે. આપત્તિના કાળે મનુષ્યની સદ્‍ અને અસદ્‍ એમ બેય વૃત્તિઓ પૂરા જોશમાં બહાર આવે છે. કોરોના વાયરસ હવે રાષ્ટ્રીય, બલ્કે આંતરરાષ્ટ્રીય આપત્તિ બની ચૂક્યો છે ત્યારે આનાં વધુ ને વધુ ઉદાહરણો નજર સામે આવતાં જશે.

આ સપ્તાહે દિલ્હીના વિજયનગર વિસ્તારમાં એક મણિપુરી યુવતી પર એક આધેડ નાગરિક થૂંક્યો અને તેને તુચ્છકારથી કહ્યું, ‘કોરોના!’ સામાન્ય સંજોગોમાં સુષુપ્ત રહેલો, અને તેને લઈને ન દેખાતો પ્રાંતદ્વેષ આવા સમયે છાપરે ચડીને કેવો પોકારે તેનું આ ઉદાહરણ છે. દિલ્હી પોલિસે આ આધેડ વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરી છે.

અમદાવાદની એક આઈ.ટી.કન્‍સલ્ટન્‍સીમાં કામ કરતી નાગાલેન્‍ડની નવ યુવતીઓને પરાણે ક્વોરન્‍ટાઈન કેન્‍દ્રમાં ધકેલવામાં આવી. તેમણે ક્યાંય મુસાફરી નથી કરી કે નહોતાં તેમને કોઈ લક્ષણો. તે પાંચેક વર્ષથી અમદાવાદમાં જ રહે છે, પણ આસપાસના કોઈક રહીશે પોલિસને ફોન કરીને જણાવ્યું કે કેટલાક ચીનીઓ રહે છે, જેમનામાં કોરોનાનાં લક્ષણ જણાય છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે પછી જણાવ્યું કે આ યુવતીઓ ભયમુક્ત છે.

એ વાતે આનંદ થાય એવું છે કે તંત્ર સતર્કપણે અને કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યું છે. તેની સામે નાગરિકોએ સમજદારી દાખવવી અત્યંત જરૂરી છે. આ કંઈ ફિલ્મના પડદે જોવા મળતી મારામારી નથી કે પોતાના પ્રિય હીરોને વિલનને ફટકારતો જોઈને તાળીઓ પાડીને રાજી થવાનું હોય. આ કટારમાં અગાઉ ઘણી વાર કહેવાઈ ગયું છે છતાં ફરી કહેવું જરૂરી લાગે છે કે આપણને સૌને સામાન્ય કાયદાપાલનની આદત નથી. અંગ્રેજ સરકારના શાસનમાં ગાંધીજીએ અસહકાર આંદોલન ચલાવેલું. હજી આપણા નાગરિકો એ જ મૂડમાં છે, અને આપણા નેતાઓ નાગરિકોની આ વૃત્તિનો પોતાના લાભ માટે અવારનવાર ઉપયોગ કરતા રહે છે. આપણા નેતાઓ હજી ગતકડાં કરતા રહે છે, અને નાગરિકો એ ગતકડાંથી અભિભૂત થતા રહે છે.

આ લખાય છે ત્યારે પરિસ્થિતિ એવી જટિલ છે કે આનો પ્રકોપ વધુ ને વધુ પ્રસરતો જાય છે. વધુ ને વધુ દેશો તથા લોકો તેની ઝપટમાં આવતા જાય છે, અને તેનો કોઈ ઈલાજ શોધવામાં હજી સુધી કોઈ કામયાબી મળી નથી. આ સંજોગોમાં નાગરિકોએ વૈચારિક પુખ્તતા દર્શાવવાનો સમય છે. સત્તાતંત્ર મોટાં શહેરો માટે ‘લૉકડાઉન’ જાહેર કરે, ટ્રેન-બસ જેવી જાહેર પરિવહનની સુવિધાઓ બંધ કરે એ પરથી આ પ્રકોપની ગંભીરતા સમજાવી જોઈએ. આવા સમયે વૉટ્સેપ અને એવાં અન્ય માધ્યમો પર પોતાને ‘લોકોપયોગી’ લાગતા સંદેશા ધકેલવાનું ટાળવું જોઈએ. ઘણી વાર કશું પ્રદાન ન કરીને પણ મોટું પ્રદાન કરી શકાય છે. નાગરિક તરીકે આ સ્થિતિમાં એ સત્ય સમજીશું નહીં, તો નાગરિક તરીકે રહીશું કે કેમ, એ પણ કોને ખબર !


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૩-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.