સમયચક્ર : રુપિયાની ચમકથી જગત હંમેશા અંજાયેલું જ રહ્યું છે

ભારતમાં સોના અને ચાંદીના ખણખણતા સિક્કાથી માંડીને કડકડતી ચલણી નોટ સુધીની નાણાંની યાત્રા અનેક પડાવોથી ખચિત છે. તેમ છતાં સ્વતંત્ર ભારતના સીતેર વર્ષના ઈતિહાસમાં ભારતીય ચલણ અને નાણાં સંબંધી ફેરફારો થતા રહ્યા છે. ચલણી નોટ બજારમાં આવતી રહી છે, બદલતી રહી છે. ભારત દેશમાં ચલણી નોટ રદ કરવાની બે ઘટના ૧૯૭૮માં અને ૨૦૧૬માં બની છે. ૨૦૧૬માં નોટબંધી તરીકે આવેલો આર્થિક ભૂકંપ હયાત ભારતીય કદી નહીં ભૂલી શકે. નાણું શું છે અને જીવનમાં તેનું કેવું અને કેટલું મહત્વ છે તે ૨૦૧૬માં લેવાયેલા નોટબંધીના નિર્ણય પછી ભારતીય પ્રજાને એટલું અસરકારક રીતે સમજાયું છે કે તે વિસરી શકે તેમ નથી.

માવજી મહેશ્વરી

૧૯૫૩માં સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ ભારતની મધ્યસ્થ બેન્ક તરીક રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી. ત્યારથી આજ સુધી ભારતમાં ચલણી નોટ અને ચલણ સંબંધી કાર્ય આ બેન્ક કરે છે. અહીં નોંધનીય બાબત એ છે કે સ્વતંત્ર ભારતમાં ચલણી નોટ ભલે રીઝર્વ બેન્કે બહાર પાડતી હોય પરંતુ, એક રુપિયાના મુલ્યની નોટ રીઝર્વ બેન્ક નહીં પણ ભારત સરકારે બહાર પાડે છે. એટલે જ એક રુપિયાના મુલ્યની નોટ ઉપર રીઝર્વ બેન્કનું નામ નહીં પણ ભારત સરકાર એવું લખેલું હોય છે. જે બહુ ઓછા ભારતીયોના ધ્યાને આવેલી હકીકત છે. જોકે બીજી એક વાતથી પણ કેટલાક ભારતીયો બેખબર છે કે ૧૯૬૬ સુધી ભારતીય રૂપિયો ભારત ઉપરાંત સલ્તનત ઓફ ઓમાન, કતાર, બહેરીન, કુવૈત, યુ એ ઈ, મલેશિયા અને આફ્રિકાના અમુક દેશોમાં સત્તાવાર ચલણ તરીકે ચાલતો હતો. આ ઉપરાંત ગલ્ફના દેશોમાંથી થતી સોનાની દાણચોરી ડામવા માટે ભારત સરકારે ૧૯૫૯માં પર્શીયન ગલ્ફ નામે ખાસ ચલણ બહાર પાડેલું. જે માત્ર ગલ્ફના દેશોમાં ચાલતું. ભૂતાન અને નેપાળમાં આજે પણ ભારતીય રૂપિયો ચલણમાં વાપરી શકાય છે.

આઝાદી પછી ભારત સરકારે સૌથી પહેલી એક રૂપિયાના મુલ્યની જે નોટ બહાર પાડી તેના ઉપર ભારત્નું રાષ્ટ્ર્ર્ય ચિહ્ન ( ત્રણ મોઢાવાળા સિંહની આકૃતિ ) છપાયું હતું. ૧૯૫૭માં રૂપિયો ૧૦૦ નયા પૈસાનો થયો અને ૧૯૬૪માં નયા શબ્દ કાઢી નાખવામાં આવ્યો. ૧૯૪૯ થી ભારતમાં ૧૦૦૦, ૫૦૦૦ અને ૧૦૦૦૦ની ચલણી નોટો છપાતી હતી. ૧૯૭૮માં ભારતમાં મોરારજી દેસાઈના શસન સમયે કાળુંનાણું બહાર કાઢવા માટે ૧૦૦ રૂપિયાથી ઉપરના મૂલ્યની તમામ નોટ રદ કરવાનો નિર્ણય રીઝર્વ બન્કે લીધો હતો. કહેવાય છે કે તે વખતે સંઘરાખોરો રૂપિયાના કોથળાઓ રાતોરાત ગટરના નાળાઓમાં નાખી આવ્યા હતા. ૧૯૭૮ થી ૧૯૮૬ સુધી ભારતમાં સૌથી મોટી નોટ ૧૦૦ રૂપિયાની જ હતી. ૧૯૮૭માં ફરી ૫૦૦ની નોટ ચલણમાં આવી. તે પછી ૧૦૦૦ની નોટ પણ ચલણમાં આવી. એ વાતને વધુ સમય નથી થયો કે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ વર્તમાન ભારત સરકાર વતીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ચલણમાં રહેલી ૫૦૦ અને ૧૦૦૦ના મુલ્યની નોટ રદ કરવાની જાહેરાત કરી તે સાથે જ દેશના અર્થતંત્રમાં જાણે ભૂકંપ આવ્યો હતો. અર્થતંત્રની મજબૂતીને કારણે ભારતના સામાન્ય માણસ પાસે પણ ૫૦૦ની મુલ્યની નોટ હતી. સરકારે એ માટે નોટ બેન્કમાં જમા કરાવવાનો ચોક્કસ સમય આપ્યો હતો. પણ નોટબંધીના એ નિર્ણય થકી ચાર મહિના સુધી ભારતનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું હતું. નોટબંધી પછી ભારતમાં બે મહિના સુધી અભૂતપૂર્વ આર્થિક અંધાધૂંધી સર્જાઈ હતી. લોકોના વ્યવહાર નાણાં વગર અટકી પડ્યા હતા તેમજ સમયસર નાણાં ભરપાઈ કરતા એટીએમ પણ રીતસર હાંફી ગયા હતા. જાણકારોનું માનીએ તો ભારતમાં આવેલી ૨૦૧૬ની નોટબંધી પછી મંદી જેવો માહોલ પ્રસરી ગયો હતો જે હવે માંડ માંડ થાળે પડી રહ્યો છે. આરબીઆઈના ટૂંકા નામે ઓળખાતી રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ભારતના આઝાદીના ઈતિહાસ પછી પહેલીવાર લોકજીભે ચડી હતી એટલું જ નહીં વારેઘડીએ બદલાતી નિતીઓ થકી ખાસ્સી એવી વગોવાઈ પણ હતી. પ્રસાર માધ્યમોએ પહેલીવાર રીઝર્વ બેન્કની નિતીઓ વિશે બોલવાનું શરુ કર્યું હતું. નોટબંધી બાદ ભારતીય બેન્કીંગ ક્ષેત્રના કર્મચારીઓ ઉપર પહેલીવાર અભૂતપૂર્વ કાર્યભારણ આવ્યું હતું. નોટબંધીની અસર ભારતના રાજકીય ક્ષેત્રમાં પણ પડી હતી. સત્તાપક્ષ અને વિપક્ષ બન્ને નોટબંધી બાબતે જુદા જુદા નિવેદનો કરતા રહ્યા હતા. ૨૦૧૬ની નોટબંધી બાદ ભારતમાં પહેલીવાર ૨૦૦૦ અને ૨૦૦ના મુલ્યની નોટ ચલણમાં આવી. ઉપરાંત અન્ય નોટના રંગરુપ બદલી ગયા. ૨૦૧૬ પછી આવેલી ચલણી નોટના માપ પહેલાની નોટની સરખામણીએ નાના થયાં છે. બે વર્ષ પછી પણ ભારતીય પ્રજાના મગજમાં હજુ નવી નોટોએ પુરતી જગ્યા બનાવી નથી. નોટબંધી પછી ભારતમાં ઈ પેમેન્ટનું ચલણ પણ વધ્યું. પરિણામે ડેબીટ્કાર્ડ, ક્રેડીટકાર્ડનું પણ મહત્વ અને સમજ વધ્યાં છે. આ બદલાતા ભારતની એક સારી તસવીર છે.

વર્તમાન ભારતમાં નાના મુલ્યની જેવી કે એક રુપિયો, બે રુપિયા અને પાંચ રુપિયાની નોટો અદશ્ય થવા માંડી છે. પાંચ રુપિયા અને દસ રુપિયાની જૂની નોટની સ્થિતિ એકદમ દયનીય છે. એક રુપિયાથી નાના મુલ્યના સિક્કા તો હવે ચલણમાં રહ્યા જ નથી એમ કહીએ તો ચાલે. ભારતીય ચલણી નોટ કરન્સી નોટ પ્રેસ નાસિક, બેન્ક નોટ પ્રેસ દેવાસ, ભારતીય નોટ મુદ્રા નિગમ પ્રાઈવેટ લિમીટેડ સલબની અને મૈસૂરમાં છપાય છે. જેમાં વોટર માર્ક પેપર મેન્યુ મીલ હોશંગાબાદમાં છપાય છે. ભારતીય ચલણી નોટ ઉપર દેશની વિવિધ વિવિધ ભાષાઓમાં જે તે નોટનું મુલ્ય લખવામાં આવે છે. ઉપરાંત ચલણી નોટ બજારમાં ચાલશે તેની રીઝર્વ બેન્કના જે તે સમયના ગવર્નરની ખાત્રી આપતી સહી છપાય છે.

પોતાના જન્મના પાંચસો વર્ષ પછી પણ ભારતીય રૂપિયો ભારતને મજબૂત બનાવી રહ્યો છે. આજથી દસેક વર્ષ પહેલાં પશ્ચિમી જગતના પ્રસાર માધ્યમોએ વૈશ્વિક મંદી આવી રહ્યાની ખતરાની ઘંટી વગાડવી શરુ કરી દીધી હતી. ખાસ કરીને પશ્ચિમના દેશોએ ભયંકર મંદીનો સામનો પણ કર્યો. એવા સમયમાં પણ ભારતમાં મંદીની અસર નહિંવત હતી. એની પાછળ ભારતની કૃષિ આધારીત અર્થવ્યવસ્થા અને ભારતની પ્રજાનું રૂપિયાને માત્ર એક ચલણ તરીકે નહીં પણ એક દૈવી સ્વરૂપ તરીકે જોવાની દષ્ટિ જવાબદાર હતી. ભારતીય પ્રજા આજે પણ નાંણાંને માત્ર અર્થવ્યવસ્થાના ભાગ કે ઘટક તરીકે નથી જોતી. પરંતુ એક ચોક્કસ આદરથી જુએ છે. ભારતમાં નાણું કિસ્મત અને પુરુષાર્થ સાથે સંકળાયેલો રહ્યો છે. ભારતમાં વધુ નાણાં હોવાને ઈશ્વરની કૃપા માનવામાં આવે છે. જોકે વર્તમાન સ્થિતિ જરા વિચિત્ર છે ભારતમાં લક્ષ્મીવાન માણસને શ્રેષ્ટી ગણવામાં આવતો. એ ભાવમાં ઓટ જરુર આવી છે પરંતુ એ ભાવ મરી પરવાર્યો નથી. મંદી દરમિયાન પશ્ચિમના દેશો ડૂબ્યા તેનું કારણ એમનો અનિયંત્રીત મૂડીવાદ જવાબદાર હતો. અને એટલે જ અમેરિકા જેવા દેશોએ મંદીમાંથી બોધપાઠ લઈ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવા માંડ્યું છે. એ રીતે ભારતીય બેન્કોએ પ્રજાને ડૂબાડી નથી.

રૂપિયાની શોધ પછી એવું પણ બન્યું છે કે કેટલાક લોકો પોતાનું જીવન માત્ર નાણાં એકત્ર કરવાના હેતુ પાછળ પસાર કરી નાખે છે. નાણું જીવન જીવવાનું એક સાધન જરુર છે પણ તે જીવનનું લક્ષ્ય નથી. તેમ છતાં એ હકીકત છે કે ઈશ્વરના દરબાર પણ નાણાંની ચમકથી અછૂતા રહ્યા નથી. ભગવાનને ભેટ તરીકે નાણાં ધરતો માણસ શું વિચારીને આપતો હશે એ એક સંશોધનનો વિષય છે. અનેક સંતો, ફકીરો, કવિઓ ,ચિંતકો નાણાંની નિર્થકતા વિશે અવારનવાર ચેતવણી આપતાં રહ્યા છે. છતાં નાણું એ નાણું છે. જગત હશે ત્યાં સુધી નાણાંનું મહત્વ અને પ્રભાવ એક સરખાં જ રહેવાનાં છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.