માબાપના ચરણોમાં

વિમળા હીરપરા

આપણી ભારતીય સંસ્કૃતિમાં માબાપને બહુ આદર અપાયો છે.’માતૃ દેવો ભવ ને પિતૃદેવો ભવ.’ માબાપના ચરણોમાં અડસઠ તિર્થ છે. એનાથી મોટી કોઇ સેવા નથી. સંતાનો ને ખાસ કરીને દીકરો જીવતા જાળવે પણ એમના દેહાંત પછી પણ શ્રાધ્ધ સરવણુ કરીને પુ નામના નરકમાંથી ઉગારી સ્વર્ગમાં એમનું રીઝર્વેશન પાકુ કરી નાખે! વાત તો સાચી કે માણસને જીવનમાં ખાસ તો વૃધ્ધાવસ્થામાં ટેકાની જરુર પડે.

જેમ બાળકને પોતાના અસ્તિત્વ માટે માબાપની જરુર પડે. એ દુનિયાનો નિયમ છે કે કોઇ જન્મીને ચાલવા નથી માંડતુ ને કોઇ મરીને જાતે સ્મશાન નથી પંહોચી શકતું.બેશક માબાપ બાળકને ઉછેરવા ને સામાજિક બનાવવા, સમાજનો ઉત્પાદક સભ્ય બનાવવા ઘણો ભોગ આપે છે. કયારેક એને ગજા બહારનો ભોગ આપવો પડે છે સંતાનના સુખ માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના સુખસગવડનો ખ્યાલ જતો કરે છે.

આ બધા ભોગની સામે કયારેક માબાપને કશું મળતું નથી. ઉપરથી અપમાન, તિરસ્કાર ને અવહેલના મળે છૈ. એવા તરછોડાયેલા માબાપનું કાળજું કકળી ઉઠે છે. એને પોતાનું જીવન વ્યર્થ લાગે છે. શ્રવણ કે રામ જેવા તો નહિ પણ એક સામાન્ય સંસારના નિયમ પ્રમાણે પ્રેમ,નિસ્વાર્થ બલિદાનનો સારો બદલો મળવો જોઇએ. તો અહીં ઘરના જ ઘાતકી કેમ?

આ જવાબ સહેલો નથી. વ્યકિતગત છે ને એ બાળકના ઉછેર ને માબાપની એની પાસેની અપેક્ષા પર આધારીત છે. કેટલાક સમજુ માબાપ પોતાની ફરજ પુરી કર્યાનો સંતોષ માની ને સંતાનોના સુખમાં પોતાનું સુખ માને છે. પોતાનાથી અલગ સંસાર વસાવે એમાં માબાપને વાંધો નથી. પણ જે માબાપ બાળકનું પોતાનું ભવિષ્યનું રોકાણ માની પોતાનું સર્વસ્વ એમાં હોમી દે ને કયારેક ખાલી થઇ જાય ત્યારે એની અપેક્ષા વળતરની હોય એમાં અજુગતુ નથી. આવા સંજોગોમાં ઘણા કૃતધ્ની સંતાનો માબાપ સાથે છેડો ફાડીને દુર જતા રહે છે. ત્યારે માબાપનું દિલ આ વિશ્વાસઘાતથી ભાંગી પડે છે. અનેક દુન્યવી મુસીબતો સામે જીતનાર અંદરના ઘા થી ભાંગી પડે છે. શા માટે સારા કામનો બદલો સારો મળતો નથી. વિચારીએ ને મારી સમજણ પ્રમાણે કદાચ આવુ હોઇ શકે.

માબાપ કયારેક અતિશય પ્રેમ કે અતિશય અપેક્ષામાં બાળકને અન્યાય કરે છે. કેટલાક જુલ્મ એવા હોય છે કે એ માબાપ જ કરી શકે ને એ જ ઉગારી શકે. જેમ બાળોતીયુ બહારથી બાળકનું રક્ષણ કરે પણ અંદરથી એ જ અસુખ પેદા કરે. માબાપ બાળકને બહારના પ્રહારથી બચાવે પણ અંદરથી પોતે જે પ્રહાર કરે એમાથી કોણ બચાવે? બાળક પાસે એની શકિત કરતા વધારે ને કયારેક તો અણછાજતી અપેક્ષા રાખવી ને એમાં બાળક પાછુ પડે તો ઘોર નિરાશા વ્યકત કરી બાળકના મનમાં લઘુતાગ્રંથિ ને અપરાધ ભાવ ઉભો કરવો, એની ઉંમરના બીજા બાળકો કે ભાઇબહેનો સાથે સરખામણી કરીને એને ઉતારી પાડવું, એની ખામી કે નબળાઇઓનું બધા સમક્ષ વર્ણન કરીને શરમાવવું,વાંરવાર એની નબળી બાજુની યાદ કરાવવી, પોતે જનમદાતા છે, બાળક એની સંપતિ છે,એનું પણ અલગ વ્યકિત્વ હોઇ શકે એ સમજણનો સદંતર અભાવ, તો શિસ્તના નામે શારીરિક શિક્ષા આ બધાની બાળકના કુમળા માનસ પર અમીટ છાપ છોડી જાય છે. બાપાનો રુઆબ તો જુઓ. બહાર જતા બાપાને બાળક કુતુહલથી પુછે કે, ‘પપ્પા કયા જાવ છો?કયારે આવછો?’ તો બાપા છણકો કરશે. ‘શું કામ છે તારે? બધી પંચાત તારે’સાંજે ઘેર આવે તો ટીવી કે રેડીયો બંધ . પપ્પા આવે ત્યારે ઘરમાં પીન ડ્રોપ શાંતિ હોવી જોઇએ.

એ જ છોકરો યુવાન થઇ જાય ને ઘરડા બાપ પુછે કે, ‘કયાં જાય છે,બેટા?’ ‘તમારે શું પંચાત? પડ્યા રહોને એક ખુણામાં. ને મારા મિત્રો આવે ત્યારે રુમમાથી બહાર નહિ નીકળવાનું.’ આવુ સાંભળો તો નવાઇ ન પામતા.

બીજી વાત એ કે ઘણા નાદાન માબાપ બાળકને પોતાની હતાશા ને ગુસ્સો ઉતારવાનું ઠેકાણુ બનાવી દે છે. એ બિચારુ સમજી નથી શકતુ કે વિના વાંકે એને સજા શા માટે થાય છે. કયારેક એમની અધુરી મહત્વકાંક્ષાનો ભોગ બાળકો બને છે. બેશક આખરે માબાપ પણ સામાન્ય માણસો જ છે. એનામાં ખુબી ને ખામી હોવાની જ. સંતાનોને દુઃખી કરવાનો એનો ઇરાદો ન પણ હોય. પણ અણસમજમા આ બધુ થતુ હોય. કયારેક એમ થાય કે અમુક દેશોમાં લગ્ન કરવા માગતા પાત્રોને પોતાની શારીરિક તંદુરસ્તીનું પ્રમાણ પત્ર આપવું પડતુ હોય છે એ પ્રમાણે જો એમની માનસિક પુખ્તતાનું જો કોઇ ધોરણ નક્કી કરવામાં આવે.એનો કોર્સ કે પરીક્ષા લેવામાં આવે તો ઘણા બાળકો આવા અદીઠ જુલ્મમાથી ઉગરી જાય ને પાછલી ઉંમરની અસહાય હાલત ને નિરાશામાંથી માબાપ પણ ઉગરી જાય.

આર્દશ પુત્ર એટલે કોઇ આનાકાની વિના પિતાની ઇચ્છા કે આજ્ઞાનું પાલન કરે. આપણા ધાર્મિક ઇતિહાસમાં આવા ઘણાં ઉદાહરણ છે જેમાં પુત્ર કોઇ દલીલ વિના પિતાનીં આજ્ઞાને શિરોધાર્ય માનીને એ પ્રમાણે વર્તે છે. એક દાખલો પરશુરામ. માતા રેણુકાનો એટલો જ અપરાધ કે જળક્રીડા કરતા મત્સ્યયુગલને જોયું. એની સજા કેવી આકરી કે પિતાએ પુત્રને માતાનો શિરચ્છેદ કરવાની આજ્ઞા કરી! હવે ઋષિ કે મુનિ તો જીતેન્દ્રિય હોય, ક્ષમાવાન હોય, ક્રોધ,મોહ,મદ આવા સાંસારિક નબળાઇથી પર હોય. જો આવા આદરણીય ને પુજ્ય લોકો આવા ક્રોધ જેવા અવગુણને વશ નકરી શકતા હોય તો એ આદરણીય કેમ કહેવાય.? તો બસ,પિતાની આજ્ઞા એટલે પુત્રે માતાનો વધ કરી નાખ્યો. એજ ભુલ જમદગ્નિએ કરી હોત તો? એવો દાખલો આપણા ભીષ્મપિતામહ. શાંતનુ પિતા તરીકે તો આદરપાત્ર ન જ ગણાય. પણ રાજા તરીકે પણ પ્રજા માટે સારુ ઉદાહરણ ન ગણાય. જે વ્યકિત જીવનના ઉતરાર્ધમાં કે જયારે મોહ,વાસના જેવી વૃતિઓનો ત્યાગ કરવાનો હોય એ અવસ્થાએ સંસારનો મોહ જાગે એ પણ યુવાન સંતાનના ત્યાગ પર! ભીષ્મ કદાચ આટલો ત્યાગ કરીને પિતૃભકિતનું અજોડ ઉદાહરણ બની ગયા પણ એની એ પ્રતિજ્ઞાએ એને રણભુમિમાં અસત્ય ને અન્નાય પક્ષે લડવા મજબુર બનાવી દીધા.

આજે થોડી પરિસ્થિતિ સુધરી છે પણ એકાદ બે પેઢીપહેલા માતાની આજ્ઞા માથે ચડાવીને પત્નીને કાઢી મુકવા, ઝેર આપવા કે મારઝુડ ને એવા શારીરિક જુલ્મ આચરનારા ‘શ્રવણની ખોટ નહોતી.

સમજવાનું એ જ છે કે માબાપ પણ આખરે મનુષ્ય છે.એનામાં ખુબી ને ખામી, માનવસહજ ગુણદોષ હોવાના.એટલે કોઇ પણ વાતને માત્ર વિચાર્યા વિના આજ્ઞા સમજવા કરતા એના સારાનરસા પાસાની સમીક્ષા કરવી એજ વિવેક છે. માત્ર લાગણીથી નહિ, પણ બુધ્ધિથી પણ વિચારવાનુઁ એને જ સ્થિતપ્રજ્ઞ કહેવાયને !


વિમળા હીરપરા( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

Author: Web Gurjari

1 thought on “માબાપના ચરણોમાં

Leave a Reply

Your email address will not be published.